દારૂ પીતાં રોક્યા તો દારૂડિયાઓએ ટાપુ બનાવી લીધો!

દારૂ પી રહેલા લોકો

ઇમેજ સ્રોત, DAVID SAUNDERS

ઇમેજ કૅપ્શન, દારૂ પીનારા લોકોના કહેવા પ્રમાણે આ વિસ્તાર 'આંતરરાષ્ટ્રીય જળસીમા'માં હતો

ઘણાં લોકો માટે નવું વર્ષનો મતલબ પાર્ટી અને પાર્ટીનો મતલબ દારૂ હોય છે. એવામાં સરકાર જો દારૂ પર પ્રતિબંધ મૂકી તો તમે શું કરશો?

ન્યૂઝીલૅન્ડના કેટલાક લોકોએ તેનો રસપ્રદ ઉકેલ શોધી કાઢ્યો.

ન્યૂઝીલૅન્ડના કોરોમંડલ પ્રાયદ્વીપમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન જાહેર સ્થળો પર દારૂ પીવા પર પ્રતિબંધ મૂકાયો હતો.

એવામાં ત્યાં કેટલાક મિત્રોએ એવો એક ઉકેલ શોધી કાઢ્યો જેનાથી નવા વર્ષની પાર્ટી પણ કરી શકાય અને કાયદો પણ ના તૂટે.

દારૂબંધીથી બચવા માટે મિત્રોના આ ગ્રૂપે પોતાનો ટાપુ બનાવી લીધો. જ્યાં બેસીને ડર્યા વિના દારૂ પી શકાય.

તમને આ પણ વાંચવું ગમશે

મળતી માહિતી પ્રમાણે, રવિવારે બપોર બાદ જ્યારે તાઈરુઆ નદીમાં પાણીનું સ્તર ઘટ્યું ત્યારે તેના મુખ પાસે રેતીનો એક નાનો ઢગલો કર્યો.

ત્યારબાદ ટાપુ પર એક પિકનિક ટેબલ મૂકવામાં આવ્યું અને દારૂ ઠંડો રહે તે માટે આઇસ બૉક્સની પણ વ્યવસ્થા કરવામાં આવી.

દારૂ પીનારા લોકો

ઇમેજ સ્રોત, DAVID SAUNDERS

ઇમેજ કૅપ્શન, આ ટાપુ પર આખી રાત બેસીને મિત્રોએ દારૂ પીધો હતો

આ સાથે જ આ મિત્રો 'આંતરરાષ્ટ્રીય પાણી'માં પહોંચી ગયા જ્યાં કોરોમંડલની દારૂબંધી લાગૂ પડતી ન હતી.

મિત્રોના આ ગ્રૂપે ટાપુ પર દારૂ પીતા પીતા આખી રાત વિતાવી અને અહીંથી જ તેમણે આતશબાજીનો નજારો પણ જોયો.

તેમનો આ નાનો ટાપુ સોમવાર સુધી એમ જ રહ્યો હતો.

અહીં દારૂ પર લાગેલા પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા પર ધરપકડ અથવા 180 ડૉલરના દંડની જોગવાઈ છે.

જોકે, કોરોમંડલના અધિકારીઓ આ ઘટનાને હળવાશથી લઈ રહ્યા છે.

સ્થાનિક પોલીસ અધિકારી જૉન કેલીએ કહ્યું, "આ એક સર્જનાત્મક વિચાર છે."

ફેસબુકના એક સ્થાનિક ગ્રૂપ તાઇરુઆ ચિટચેટ પર ટાપુનો ફોટો પોસ્ટ કરનારા ડેવિડ સૉન્ડર્સને કહ્યું, "ન્યૂઝીલૅન્ડના કેટલાક લોકોને મજા કરતા જોઈ સારું લાગ્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો