રજનીકાન્ત ચૂંટણી ન લડવા, છતાં પણ રાજકારણમાં ‘થલાઇવા’

ઇમેજ સ્રોત, Getty Images
આખરે જે વાત સાંભળવાની રાહ આખું વર્ષ જોવાતી રહી, તેની ઘોષણા રજનીકાન્તે વર્ષના અંતિમ દિવસે કરી જ દીધી છે.
ચેન્નઈમાં રજનીકાન્તના પ્રશંસકો સામે તેમણે કહ્યું કે તેઓ ડરપોક નથી. તેઓ રાજકારણના મેદાનમાં ઊતરશે.
તેમણે એક નવી રાજકીય પાર્ટી બનાવવાની પણ ઘોષણા કરી છે.
છેલ્લા કેટલાક સમયથી રજનીકાન્તના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે જોવાનું એ રહેશે કે તેઓ રાજકારણમાં કેવો જાદુ બતાવી શકે છે.
તમને આ પણ વાંચવું ગમશે
તામિલનાડુના લોકો તેમને 'થલાઇવા' કહે છે. આ શબ્દ 'થલાઇવર'થી બન્યો છે, જેનો અર્થ થાય છે 'લીડર અથવા બૉસ.'

ઇમેજ સ્રોત, Getty Images
એવું નથી કે દક્ષિણ ભારતના સૌથી લોકપ્રિય ફિલ્મ સ્ટાર પહેલી વખત રાજકારણ અંગે વાતો કરી રહ્યા છે.
એ વાત સાચી છે કે રજનીકાન્ત ક્યારેય ચૂંટણીના મેદાનમાં ઉતર્યા નથી, પરંતુ તેઓ રાજકારણથી દૂર પણ રહ્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે પણ ચૂંટણી આવે છે, તેમના લાખો પ્રશંસકો રાહ જુએ છે કે તેઓ કોને સમર્થન આપવાનું એલાન કરશે.
રજનીકાન્ત રાજકારણ, રાજકીય પાર્ટીઓ અને તેના સમર્થન- વિરોધના ખેલથી દૂર રહ્યા નથી. તેમના રાજકીય કનેક્શનના કેટલાક ઉદાહરણ જુઓ.

1. જયલલિતાને ચૂંટણીમાં હાર અપાવી?

ઇમેજ સ્રોત, Getty Images
90ના દાયકામાં રજનીકાન્તને સૌથી મોટી સફળતા બે ફિલ્મોથી મળી હતી, 'અન્નામલાઈ' અને 'બાશા'.
1995માં જ્યારે 'બાશા' ફિલ્મ બ્લૉકબસ્ટર થઈ ગઈ તો સાર્વજનિક જીવનમાં તેમનો દરજ્જો પણ વધ્યો અને સાથે સાથે લોકપ્રિયતા પણ ખૂબ વધી.
આ જ સમયગાળા દરમિયાન જયલલિતા સરકાર (1991- 96) સાથે તેમની માથાકૂટની ચર્ચાઓને પણ હવા મળી હતી.
તામિલનાડુમાં મોટો રાજકીય ફેરફાર ત્યારે જોવા મળ્યો જ્યારે વર્ષ 1996માં રજનીકાન્તે વિધાનસભા ચૂંટણીમાં તામિલ મનીલા કોંગ્રેસ (TMC)ના નેતા જીકે મૂપનારને સમર્થન આપ્યું હતું.
એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "જો જયલલિતા ફરી જીતી ગયાં તો તામિલનાડુને ભગવાન પણ નહીં બચાવી શકે."
પરિણામ આવ્યા તો ડીએમકે- ટીએમસી ગઠબંધનને બહુમતી મળી હતી.
જયલલિતાની પાર્ટી AIADMKને માત્ર ચાર બેઠક મળી હતી અને જયલલિતા પોતાની બેઠક પણ બચાવી શક્યાં ન હતાં.

2. કાવેરી જળ વિવાદ મામલે ઉપવાસ

ઇમેજ સ્રોત, MIGUEL MEDINA
2002નાં રજનીકાન્તે કાવેરી જળ વિવાદ મુદ્દા પર રાજકીય નિવેદન આપ્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કર્ણાટક સરકાર પાસે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશને માનવાની માગ કરી હતી અને તેના માટે 9 કલાક ઉપવાસ કર્યા હતા.
આ ઉપવાસમાં વિપક્ષના ઘણાં નેતા અને તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા લોકો તેમની પાછળ ઊભા રહ્યા હતા.
ત્યારબાદ રજનીકાન્તે તત્કાલિન રાજ્યપાલ પીએસ રામમોહન રાવને એક જાહેરનામું સોંપ્યું હતું.
'ધ હિંદુ'માં છપાયેલા સમાચાર અનુસાર, તેમાં લખ્યુ હતું, 'કર્ણાટક સરકારની જવાબદારી છે કે તે સુપ્રીમ કોર્ટના આદેશને માને. કેન્દ્ર સરકારની જવાબદારી એ જોવાની છે કે કર્ણાટક સરકાર તેનું પાલન કરી રહી છે કે નહીં.'
રજનીકાન્તે સંવાદદાતાઓને કહ્યું હતું કે જરૂર પડી તો તેઓ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે પણ વાત કરશે.
ઉપવાસ દરમિયાન રજનીકાન્ત સમર્થક ફિલ્મ ડાયરેક્ટર ભટ્ટીરાજા વિરૂદ્ધ સુત્રોચ્ચાર થતા રહ્યા, જેમણે એક દિવસ પહેલા રજનીકાન્ત પર તામિલ એકતાને ખંડિત કરવાના પ્રયાસ કરવાના આરોપ લગાવ્યા હતા.

3. જયલલિતા સાથે મિત્રતાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, 2004માં રજનીકાન્તે જયલલિતા સાથે સંબંધ સુધારવાના પ્રયાસ કર્યા હતા.
જયલલિતા તે સમયે એક સ્થાયી શક્તિ બની ચૂક્યાં હતાં અને તેમની અવગણના કરવી શક્ય ન હતી.
નવેમ્બર 2004માં રજનીકાન્તે તેમની દીકરી ઐશ્વર્યાનાં લગ્નમાં જયલલિતાને આમંત્રિત કર્યાં હતાં.
જયલલિતા લગ્નમાં આવ્યાં પણ હતાં, પરંતુ મિત્રતા તેની આગળ ન વધી શકી.
2016માં જયલલિતાના નિધન બાદ રજનીકાન્તે કહ્યું હતું, "મને લાગ્યું હતું કે નિમંત્રણ માત્ર ઔપચારિક છે અને તેઓ લગ્નમાં નહીં પધારે."
"તેમણે કહ્યું હતું કે આ જ દિવસે તેમની પાર્ટીના એક કાર્યકર્તાના પરિવારમાં પણ લગ્ન છે, પરંતુ તેઓ તે લગ્નને છોડીને ઐશ્વર્યાના લગ્નમાં આવશે. સોનાનું મન ધરાવતા એ મહિલા હવે આપણી વચ્ચે નથી."

4. 'કોને મત આપી રહ્યા હતા'નો વિવાદ

2011ની ચૂંટણી દરમિયાન જ્યારે રજનીકાન્ત મત આપવા પહોંચ્યા હતા તો ત્યાં ટીવી કૅમેરા પણ હાજર હતા.
વીડિયોમાં જોવા મળ્યું હતું કે EVM પર તેમની આંગળીઓ AIADMKના ચૂંટણી નિશાનની આસપાસ હતી.
તેનાં થોડાં કલાકો બાદ DMK ચીફ કરુણાનિધિ સાથે તેઓ એક ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન જોવા મળ્યા હતા.
ત્યારબાદ કરુણાનિધિ તરફથી સ્પષ્ટતા આવી હતી કે રજનીકાન્ત કૅમેરા માટે પોઝ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમની આંગળી જ્યાં હતી, તેનાથી એ સાબિત નથી થતું કે તેમણે જયલલિતાને જ મત આપ્યો છે.

5. પોતાને બતાવ્યા મોદીના શુભચિંતક

ઇમેજ સ્રોત, NARENDRA MODI/TWITTER
નરેન્દ્ર મોદી જ્યારે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે ચેન્નઈમાં રજનીકાન્તને પણ મળ્યા હતા.
મોદીએ તેમને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા અને રજનીકાન્તે પોતાને મોદીના શુભચિંતક ગણાવ્યા હતા.
રજનીકાન્તે કહ્યું, "બધા જાણે છે કે મોદી એક મજબૂત નેતા અને યોગ્ય વહીવટકર્તા છે. તેઓ જે મેળવવા માગે છે, તેમાં તેમને સફળતા મળે તેવી મારી શુભકામનાઓ છે."
રજનીકાન્ત જે એકમાત્ર નેતાને ટ્વિટર પર ફૉલો કરે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

6. જયલલિતાનું સ્વાગત

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબર 2014માં જ્યારે જયલલિતા જેલમાંથી છૂટીને બહાર આવ્યાં હતાં ત્યારે રજનીકાન્તે એક પત્ર મોકલીને જયલલિતાનું સ્વાગત કર્યું હતું.
તેમાં લખ્યું હતું, "પોએસ ગાર્ડનમાં તમારા પાછા ફરવાથી હું ખૂબ ખુશ છું. તમારા સારા સમય માટે હું પ્રાર્થના કરું છું અને તમારા સારા સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે શુભકામના આપું છું."

7. સમર્થનનો દૌર

ઇમેજ સ્રોત, VENKAT PRABHU/TWITTER
માર્ચ 2017માં આરકે નગરમાં પેટા ચૂંટણી હતી. ટ્વિટર પર તસવીરો જોવા મળી હતી જેમાં રજનીકાન્ત પોતાના મિત્ર અને ભાજપના ઉમેદવાર ગંગઈ અમારનને મળ્યા હતા.
ગંગઈ અમારનના દીકરા વેંકટ પ્રભુએ ટ્વીટ કરીને લખ્યું હતું કે થલાઇવાએ મારા પિતાજીને આશીર્વાદ આપ્યા છે.

ઇમેજ સ્રોત, TWITTER
બીજી તરફ AIADMKના શશિકલા અને પન્નીરસેલ્વમના જૂથોમાં પણ ચૂંટણીના નિશાન અંગે માથાકૂટ ચાલી રહી હતી.
દરેકને રાહ હતી એ જાણવાની કે રજનીકાન્ત કોને સમર્થન આપી રહ્યા છે.
પછી 23 માર્ચના રોજ તેમણે ટ્વીટ કર્યું હતું, "આગામી ચૂંટણીમાં હું કોઈને સમર્થન નહીં આપું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












