'રજનીકાન્તના આગમનથી રાજનેતાઓનો સ્કૂલ ટાઇમ શરૂ'

દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાન્તે સક્રિય રાજકારણમાં ઉતરવાની અને રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી છે.

રજનીકાન્તે તેમના ચાહકો સમક્ષ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીઓ લડશે.

તમને આ પણ વાંચવું ગમશે

રજનીકાન્તે કહ્યું કે તેઓ કાયર નથી એટલે પીછેહઠ નહીં કરે અને પોતાના કર્તવ્યનું પાલન કરશે.

રજનીકાન્તે તા. 26મી ડિસેમ્બરે પ્રશંકો સાથે મુલાકાત કરી હતી અને 31મી ડિસેમ્બરે જાહેરાત કરી હતી.

સોશિયલ મીડિયા પર આ મુદ્દો છવાઈ ગયો હતો અને ટ્વિટર પર ગણતરીની મિનિટોમાં #Rajnikant ત્રીજા ક્રમે ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

રાજકારણમાં પ્રવેશ

તામિલનાડુની રાજધાની ચેન્નઇના શ્રી રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમ્ ખાતે રજનીકાન્તે કહ્યું, "સમયની માંગ છે કે પ્રદેશમાં નવા રાજકીય પક્ષની સ્થાપના કરવામાં આવે."

રજનીકાન્તે ઉમેર્યું હતું કે, નવી પાર્ટી 2021ની તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન તમામ 234 બેઠકો પરથી ચૂંટણીઓ લડશે.

રજનીકાન્તે ઉમેર્યું, "હું પૈસા કે પ્રસિદ્ધિ માટે રાજકારણમાં નથી પ્રવેશી રહ્યો. તમે મને અપેક્ષા કરતાં હજાર ગણું આપ્યું છે.

"હું સત્તા માટે પણ રાજકારણમાં નથી પ્રવેશી રહ્યો. 45 વર્ષની ઉંમરે જો સત્તાની ભૂખ ન હતી, તો 68 વર્ષની ઉંમરે શું હોવાની હતી?

"મારું ધ્યેય જ્ઞાતિ કે જાતિની ભેળસેળ વગરનું આધ્યાત્મિક રાજકારણ સ્થાપવાનો છે. સિસ્ટમને બદલવાની જરૂર છે."

કાર્યકર્તા નહીં 'રક્ષક'

"મને પાર્ટી માટે કાર્યકર્તાઓ નહીં 'રક્ષક'ની જરૂર છે. જે જનતાના અધિકારોની સુરક્ષા કરી શકે. જેમને કોઈ સત્તા કે રાજાકીય લાભની અપેક્ષા ન હોય.

"લોકોના પ્રતિનિધિઓ બરાબર કામગીરી કરે તેનું ધ્યાન હું રાખીશ.તામિલનાડુના રાજકારણમાં અનેક માઠી ઘટનાઓ ઘટી છે. જેના કારણે અન્ય રાજ્યોનાં લોકો આપણી પર હસે છે.

"જો હું અત્યારે કાંઇક નહીં કરું તો ખેદ રહેશે કે જેમણે મને ઘણું બધું આપ્યું,તેમના માટે મેં કશું ન કર્યું."

અટકળોનો અંત

26મી એ રજનીકાન્તે તેમના સમર્થકો સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે, રાજકારણમાં પ્રવેશ અંગે તેઓ 31મી તારીખે જાહેરાત કરશે.

જયલલિતાનાં નિધન પછી એવી અટકળોએ વેગ પકડ્યું હતું કે રજનીકાન્ત સક્રિય રાજકારણમાં ઝંપલાવશે.

તામિલો દ્વારા રજનીકાન્તને 'થલાઇવા' તરીકે ઓળખવામાં આવે છે. જેનો મતલબ 'બૉસ કે નેતા' એવો થાય છે.

દરમિયાન, સુપરસ્ટારે રાજનીતિમાં પ્રવેશની જાહેરાત કરતા જ સોશિયલ મીડિયામાં રજનીકાન્ત સંબંધિત ટ્વીટ થવાનું શરૂ થઈ ગયું.

લોલબુદ્ધુ નામના યુઝરે ટ્વીટ કર્યું, જેમાં એક પત્રકાર રજનીકાન્તને સવાલ કરે છે કે તેમણે કોઈ અન્ય રાજકીય પક્ષનો ટેકો કેમ ન લીધો?

તેના જવાબમાં રજનાકાન્ત કહે છે, "મુન્ના, ટોળામાં સુવર આવે છે, સિંહ એકલો જ આવતો હોય છે."

એક અન્ય યુઝર હર્ષીતે ટ્વીટ કરીને લખ્યું, "બે પ્રકારના લોકો હોય છે. 1- રજનીકાન્ત રાજનીતિમાં જોડાશે. 2- રાજનીતિ રજનીકાન્ત સાથે જોડાય રહી છે."

અશ્વિની દેવ તિવારીએ લખ્યું, "એક વાર બેટમેન, સુપરમેન અને આયર્નમેન રજનીકાન્તના ઘરે આવ્યા હતા, તે દિવસ 'શિક્ષક દિન' હતો.

હવે રજનીકાન્ત રાજનીતિમાં આવ્યા છે. આથી અન્ય રાજનેતાઓ માટે સ્કૂલ ટાઇમ છે."

મોહિત ગૌર (ક્રેપબેગ) નામના યુઝરે લખ્યું રજનીકાન્ત નહીં, Rajni Can (મતલબ કે રજનીકાન્ત કરી શકે છે) . જેની સાથે રજનીકાન્તનો ડાયલોગ પણ ઉમેર્યો કે 'યુ બેટર માઇન્ડ ઇટ.'

એક અન્ય યુઝરે લખ્યું કે રોબૉટની રાજનીતિમાં એન્ટ્રી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો