You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેસ રિવ્યૂ : કાપકૂપ સાથે 'પદ્માવતી'ની રિલીઝને સેન્સરની મંજૂરી
ભારે ચર્ચા જગાવનારી ફિલ્મ 'પદ્માવતી'ને રિલીઝ કરવાની સેન્સર બોર્ડે મંજૂરી આપી દીધી છે. બોર્ડે ફિલ્મનું નામ બદલીને 'પદ્માવત' રાખવા સૂચન કર્યું છે.
બોર્ડે ફિલ્મમાંથી અમૂક દ્રશ્યોને દૂર કરવાના આદેશ આપ્યા છે. જોકે, ફિલ્મનો વિરોધ કરનારી કરણી સેનાએ તેનું આગળનું વલણ સ્પષ્ટ નથી કર્યું.
તેમનું કહેવું છે કે પદ્માવતીના વંશજ તથા રાજવી પરિવારોને ફિલ્મ દેખાડવામાં આવી છે. તેમના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સેન્સર બોર્ડના વલણની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી.
ભારતના વિરોધ બાદ રાજદૂતને પાછા બોલાવાયા
પાકિસ્તાન ખાતે પેલેસ્ટાઇનના રાજદૂત વલીદ અબુ અલીએ જમાત ઉદ દાવાના હાફિઝ સઇદ સાથે જોવા મળ્યા હતા. જેના પગલે તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે.
જેરુસલેમને કથિત રીતે ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાના અમેરિકાના નિર્ણયના વિરોધમાં પાકિસ્તાનના રાવલપિંડી ખાતે આ રેલી યોજાઈ હતી.
ત્યારબાદ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પેલેસ્ટાઇનના વિદેશ મંત્રાલયનું નિવેદન ટ્વીટ કર્યું હતું, જેમાં ઉગ્રવાદ વિરુદ્ધ ભારતના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજદૂતને પરત બોલાવવાની જાહેરાત સાથે જણાવવામાં આવ્યું છે, "પેલેસ્ટાઇન ભારતની સાથે મજબૂત સંબંધ જાળવી રાખવા ઇચ્છૂક છે."
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષધમાં જેરુસલેમની ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાના પ્રસ્તાવની વિરુદ્ધ ભારતે મતદાન કર્યું હતું.
2008ના મુંબઈ હુમલાઓ માટે ભારત હાફિઝ સઇદને કથિત માસ્ટરમાઇન્ડ માને છે.
ઉર્સ માટે પાકિસ્તાનીઓને વિઝા નહીં
નવી દિલ્હી સ્થિત નિઝામુદ્દીન ઓલિયાના ઉર્સમાં આ વર્ષે પાકિસ્તાનીઓ સામેલ નહીં થઈ શકે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, ભારત સરકાર દ્વારા પાકિસ્તાની શ્રદ્ધાળુઓને વિઝા આપવામાં નથી આવ્યા, જેના કારણે તેઓ નિઝામુદ્દીન દરગાહના વાર્ષિક ઉર્સમાં સામેલ નહીં થઈ શકે.
પાકિસ્તાનનું કહેવું છે કે, ભારતનું પગલું પરસ્પરના પ્રોટોકૉલ અને મૂળભૂત ધાર્મિક અધિકારોના ભંગ સમાન છે. આનાથી બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને અસર થઈ શકે છે.
મધ્યકાલીન સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર પહેલી જાન્યુઆરીથી ઉર્સ શરૂ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો