ચારા કૌભાંડમાં લાલુ યાદવ દોષી, 3 જાન્યુઆરીએ સજા સંભળાવાશે

બિહારના બહુ ચર્ચિત ઘાસચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને રાંચીની સીબીઆઈની વિશેષ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. લાલુ પ્રસાદ યાદવને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે.

ત્રણ જાન્યુઆરીએ તેમને સજા સંભળાવવામાં આવશે. સીબીઆઈની વિશેષ કોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

લાલુ સિવાય આ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી ડૉક્ટર જગન્નાથ મિશ્રા સહિત 22 લોકો આરોપી હતા. કોર્ટે ડૉક્ટર જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કર્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

1991થી 1994ની વચ્ચે દેવઘરની સરકારી તિજોરીમાંથી 85 લાખ રૂપિયાનાં ઘોટાળાના કેસમાં તેમને દોષી માનવામાં આવ્યા છે.

શરૂઆતમાં આ કેસમાં 34 લોકો પર આરોપ ઘડાયા હતા. પરંતુ એમાંથી 11 લોકોના કેસની સુનવણી દરમિયાન જ મૃત્યુ થઈ ગયા હતા.

સીબીઆઈની વિશેષ અદાલતના ન્યાયાધીશ શિવપાલ સિંહે 13 ડિસેમ્બરે આ કેસની તમામ દલીલો સાંભળી લીધી હતી.

કોર્ટના ચુકાદા સમયે લાલુની સાથે એમના પુત્ર અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પૂર્વ મંત્રી અબ્દુલ બારી સિદ્દીકી સહિત આરજેડીના ઘણા નેતા પણ કોર્ટરૂમમાં હાજર હતા.

લાલુ પર અન્ય ઘોટાળાના પણ આરોપ

ઓક્ટોબર 2013માં લાલુ યાદવને એ મામલામાં દોષી માનવામાં આવ્યા હતા. આ મામલો 37 કરોડ રૂપિયાના ઘોટાળાનો હતો.

કોર્ટના આ ચુકાદાના કારણે લાલુને લોકસભા સાંસદના પદ પર અયોગ્ય ઠરાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા પહેલા લાલુને આ મામલે બે વર્ષ માટે જેલમાં પણ રહેવું પડ્યું હતું.

2014માં ઝારખંડ કોર્ટે લાલુ યાદવ અને અન્ય લોકોને રાહત આપતા અપરાધિક ષડયંત્રનો મામલો પાછો ખેંચી લીધો હતો.

કોર્ટના કહેવા પ્રમાણે જે વ્યક્તિને જે મામલામાં એક વાર દોષી ગણાવામાં આવ્યા હોય એ જ કેસમાં એની ફરીથી તપાસ ના કરી શકાય.

લાલુ પ્રસાદ યાદવ અન્ય ઘોટાળાઓના પણ આરોપી છે. એમના પર નકલી દવા અને પશુઓના ચારામાં 900 કરોડના કૌભાંડનો આરોપ છે.

સીબીઆઈએ આ મામલાની તપાસ 1996માં શરૂ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો