You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજાને મુક્ત કરનારા જજ સૈનીએ ચૂકાદામાં શું કહ્યું?
- લેેખક, વિભુરાજ
- પદ, બીબીસી સંવાદદાતા
"હું સાત વર્ષ સુધી રાહ જોતો રહ્યો, કામના દરેક દિવસે, ઊનાળાની રજાઓમાં પણ, હું દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ કોર્ટમાં બેસીને રાહ જોતો રહ્યો કે કોઈ કાયદા મુજબ સ્વીકાર્ય હોય તેવો પુરાવો લઈને આવે. પરંતુ કોઈ પણ ના આવ્યું."
'CBI વિરુદ્ધ એ. રાજા અને અન્ય' આ કેસ કેવો રહ્યો છે, તેનો અંદાજો ખાસ જજ ઓપી સૈનીના આ શબ્દો પરથી લગાવી શકાય છે.
તમને આ વાંચવું પણ ગમશે:
જે કથિત કૌભાંડની સુનાવણી માટે જજ સૈનીએ પોતાના ચૂકાદામાં લખ્યા, તેને માટે મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે ખૂબ મોટી કિંમત ચૂકવી.
શું કહ્યું વિશેષ જજ સૈનીએ?
- હું સાત વર્ષ સુધી રાહ જોતો રહ્યો, કામના દરેક દિવસે, ઊનાળાની રજાઓમાં પણ, હું દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ કોર્ટમાં બેસીને રાહ જોતો રહ્યો કે કોઈ કાયદા મુજબ સ્વીકાર્ય હોય તેવો પુરાવો લઈને આવે. પરંતુ કોઈ પણ ના આવ્યું. આથી એવો સંકેત મળે છે કે બધા જ લોકો પબ્લિક પર્સેપ્શન પ્રમાણે ચાલી રહ્યા હતા, જે અફવાઓ, ગપ્પાં અને અટકળોથી બન્યું હતું. પરંતુ કોર્ટની કામગીરીમાં પબ્લિક પર્સેપ્શનનું કોઈ જ મહત્ત્વ નથી.
- શરૂઆતમાં ફરિયાદ પક્ષે ખૂબ જ ઉત્સાહ દેખાડ્યો પરંતુ જેમ જેમ કેસ આગળ વધ્યો, એ સમજવું જ મુશ્કેલ બની ગયું કે આખરે એ સાબિત શું કરવા માંગે છે. અને છેવટે ફરિયાદ પક્ષનું સ્તર એટલું નીચે જતું રહ્યું કે, તે દિશા વિહીન અને શંકાશીલ બની ગયો.
- ફરિયાદ પક્ષે ઘણી અરજીઓ અને જવાબ દાખલ કર્યા. પણ પછી અને કેસની સુનાવણીના આખરી તબક્કામાં કોઈ જ વરિષ્ઠ અધિકારી કે ફરિયાદી આ અરજીઓ અને જવાબો પર સહી કરવા તૈયાર નહોતા. કોર્ટમાં હાજર એક જુનિયર અધિકારીએ એના પર સહી કરી. આ પરથી એવું સમજાય છે કે, કોઈ તપાસ અધિકારી કે કોઈપણ ફરિયાદી આ બાબતની જવાબદારી લેવા તૈયાર નહોતા કે કોર્ટમાં શું કહેવાઈ રહ્યું છે, અથવા શું દાખલ કરવામાં આવી રહ્યું છે.
- સૌથી વધુ દુખની વાત એ રહી કે ખાસ સરકારી વકીલ એ દસ્તાવેજો પર સહી કરવા તૈયાર નહોતા, જે એ પોતે જ કોર્ટમાં રજૂ કરી રહ્યા હતા. જેના પર કોઈની સહી જ ન હોય તેવા દસ્તાવેજો કોર્ટ માટે કેટલા ઉપયોગી થાય?
- અલગ અલગ સરકારી વિભાગોના (ટેલિકોમ વિભાગ, કાયદા મંત્રાલય, નાણાં મંત્રાલય અને વડાપ્રધાનનું કાર્યાલય) અધિકારીઓએ જે કર્યું અને જે ન કર્યું, તેની તપાસ પરથી ખબર પડે છે કે, સ્પેક્ટ્રમ ફાળવણીના મુદ્દા બાબતે કેટલાક અધિકારીઓના બિનજરૂરી પ્રશ્નો અને વાંધા તથા અન્ય લોકો દ્વારા આપવામાં આવેલા અવાંછિત સૂચનોને કારણે વિવાદ થયો. એમાંથી કોઈ સૂચનોનો કોઈ તાર્કિક નિષ્કર્ષ ન નીકળ્યો અને તેને કોઈ તપાસ કે માહિતી વિના વચ્ચેથી જ પડતા મૂકી દેવાયા. અન્ય લોકોએ એનો ઉપયોગ બિનજરૂરી વિવાદ ઊભા કરવા માટે કર્યો.
- નીતિઓ અને માર્ગદર્શક નિયમોમાં સ્પષ્ટતાના અભાવને કારણે પણ ગૂંચવણ વધી. આ માર્ગદર્શક નિયમો એવી ટેક્નિકલ ભાષામાં લખવામાં આવ્યા હતાં કે એના અર્થની ટેલિકોમ વિભાગના અધિકારીઓને પણ ખબર નહોતી. જ્યારે વિભાગના અધિકારીઓ જ વિભાગનાં દિશાસૂચનો અને તેની શબ્દાવલીને સમજી નહોતા શકતા તો એ કંપનીઓ અને અન્ય લોકોને તેના ઉલ્લંઘન માટે કેવી રીતે જવાબદાર ઠેરવી શકે? એવી જાણ હોવા છતાં કે કોઈ શબ્દનો અર્થ સ્પષ્ટ નથી અને તેનાથી વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ છે, એમાં સુધારો કરવા માટે કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યાં. આવું વર્ષોવર્ષ ચાલતું રહ્યું. આ સ્થિતિમાં ટેલિકોમ વિભાગના અધિકારીઓ જ આ તમામ ગરબડગોટાળા માટે જવાબદાર છે.
- ઘણા અધિકારીઓએ તો ફાઇલો પર એટલાં ખરાબ અક્ષરોમાં નોંધો લખી કે તેમને વાંચી કે સમજી ન શકાય. ઘણી વખત તો આ નોંધો ન સમજાય તેવી ભાષામાં અથવા ખૂબ જ લાંબી ટેક્નિકલ ભાષામાં લખવામાં આવી. જેને કોઈ આસાની ન સમજી શકે અને ઉચ્ચ અધિકારીઓ પોતાની અનુકૂળતા પ્રમાણે તેમાંથી ખામીઓ શોધી શકે.
- એ. રાજાએ જે કર્યું કે પછી નથી કર્યું, એનો આ કેસના હેતુ સાથે કોઈ લેવાદેવા જ નથી. એવો કોઈ પુરાવો નથી કે, જેના પરથી એ ખબર પડે કે એ. રાજાએ કોઈ ષડ્યંત્ર રચ્યું હતું. મને એ કહેવામાં કોઈ જ સંકોચ નથી કે ફરિયાદ પક્ષ કોઈ પણ આરોપી વિરુદ્ધ કોઈ પણ આરોપ સાબિત કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો