2G કૌભાંડમાં કોણ કોણ હતું આરોપી?

ઇમેજ સ્રોત, Getty Images/Reuters
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ મામલે તમામ આરોપીઓને મુક્ત કરી દીધા છે.
2G કૌભાંડ મામલે જે 14 લોકો અને ત્રણ કંપનીઓ પર આરોપ લાગ્યો હતો તેમને દોષમુક્ત જાહેર કરી દેવાયાં છે.
તમને આ પણ વાંચવું ગમશે
આ લોકો વિરૂદ્ધ ધારા 409 અંતર્ગત આપરાધિક વિશ્વાસઘાત અને ધારા 120બી અંતર્ગત આપરાધિક ષડયંત્રના આરોપ લગાવાયા હતા, પરંતુ કોર્ટને કોઈ પુરાવા નથી મળ્યા.

કોની કોની હતી સંડોવણી?

ઇમેજ સ્રોત, Getty Images
એ. રાજા : પૂર્વ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અને દ્રમુક નેતા એ. રાજાએ તો આ મામલે પહેલાં જ રાજીનામું આપી દેવું પડ્યું હતું.
ત્યારબાદ વર્ષ 2011માં તેમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. લગભગ 15 મહિના બાદ તેમને જામીન મળ્યા હતા.
તેમના પર આરોપ હતો કે તેમણે નિયમ અને કાયદાની અવગણના કરી 2G સ્પેક્ટ્રમની હરાજી ષડયંત્રપૂર્વક કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
CBIના જણાવ્યા અનુસાર તેમણે વર્ષ 2008માં વર્ષ 2001માં નક્કી કરાયેલા ભાવ પર સ્પેક્ટ્રમ વેચી દીધા હતા.
તેમના પર પોતાની પસંદગીની કંપનીઓને પૈસા લઈને ખોટી રીતે સ્પેક્ટ્રમની ફાળવણી કરી હોવાનો આરોપ હતો.

ઇમેજ સ્રોત, Getty Images
કનિમોડ઼ી : દ્રમુક સુપ્રીમો એમ કરુણાનિધિના દીકરી કનિમોડ઼ી રાજ્યસભાનાં સભ્ય હતાં અને તેમનાં પર રાજા સાથે મળીને કામ કરવાનો આરોપ લાગ્યો હતો.
આરોપ હતો કે તેમણે પોતાની ટીવી ચેનલ માટે 200 કરોડ રૂપિયાની લાંચ ડીબી રિયાલિટીના માલિક શાહિદ બલવા પાસેથી લીધી હતી.
તેના બદલામાં તેમની કંપનીઓને એ. રાજાએ ગેરકાયદેસર રીતે સ્પેક્ટ્રમની ફાળવણી કરી હતી.
સિદ્ધાર્થ બેહુરા: જ્યારે રાજા કેન્દ્રીય દૂરસંચાર મંત્રી હતા ત્યારે સિદ્ધાર્થ બેહુરા દૂરસંચાર સચિવ હતા.
સીબીઆઈનો આરોપ હતો કે તેમણે એ. રાજા સાથે મળીને આ કૌભાંડમાં તેમનો સાથ આપ્યો હતો.
બેહુરાની પણ એ.રાજા સાથે 2 ફેબ્રુઆરી 2011ના રોજ ધરપકડ થઈ હતી.
આર.કે.ચંદોલિયા: એ.રાજાના પૂર્વ ખાનગી સચિવ પર આરોપ હતો કે તેમણે એ. રાજા સાથે મળીને કેટલીક એવી ખાનગી કંપનીઓને લાભ અપાવવા માટે ષડયંત્ર રચ્યું હતું જે તેને લાયક ન હતી.
ચંદોલિયાની પણ બેહુરા અને રાજાની સાથે જ 2 ફેબ્રુઆરી 2011ના રોજ ધરપકડ થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
શાહિદ બલવા :સ્વાન ટેલિકૉમના મેનેજિંગ ડિરેક્ટર બલવા પર CBIનો એવો આરોપ હતો કે તેમની કંપનીઓને ખૂબ ઓછા ભાવે સ્પેક્ટ્રમની ફાળવણી થઈ હતી.
બલવાને 8 ફેબ્રુઆરી 2011ના રોજ જેલમાં મોકલવામાં આવ્યા હતા.
સંજય ચંદ્રા : યુનિટેકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રાની કંપની પણ આ કૌભાંડમાં CBIના આધારે સૌથી મોટા લાભાર્થીઓમાંથી એક હતી.
સ્પેક્ટ્રમ લીધા બાદ તેમની કંપનીએ સ્પેક્ટ્રમને વિદેશી કંપનીઓને ઊંચા ભાવે વેચી દીધા હતા અને નફો કમાવ્યો હતો.
ચંદ્રાની 20 એપ્રિલ 2011ના રોજ ધરપકડ થઈ હતી.
વિનોદ ગોયેન્કા : સ્વાન ટેલિકૉમના ડિરેક્ટર પર CBIએ આરોપ લગાવ્યા હતા કે તેમણે શાહિદ બલવા સાથે મળીને ષડયંત્રમાં ભાગ લીધો હતો.
ગૌતમ દોષી, સુરેન્દ્ર પિપારા અને હરી નાયર : અનિલ અંબાણી ગૃપની કંપનીઓમાં આ ત્રણ ટોચના અધિકારીઓ હતા. આ ત્રણેય પર ષડયંત્રમાં સામેલ થયા હોવાનો આરોપ લાગ્યો હતો.
આ ત્રણેય અધિકારીઓને પણ 20 એપ્રિલ 2011ના રોજ જેલમાં મોકલી દેવાયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
રાજીવ અગ્રવાલ : કુસગાંવ ફ્રુટ્સ અને વેજિટેબલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પર આરોપ હતો કે તેમની કંપનીએ 200 કરોડ રૂપિયાની લાંચની રકમ કરીમ મોરાનીની કંપની સિનેયુગને આપી હતી.
આ રકમ અંતે કરુણાનિધિના દીકરી કનિમોડ઼ી સુધી પહોંચી હતી.
રાજીવ અગ્રવાલની 29 મે 2011ના રોજ ધરપકડ થઈ હતી.
આસિફ બલવા : શાહિદ બલવાના ભાઈ કુસગાંવ ફ્રુટ્સ અને વેજિટેબલ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકાના ભાગીદાર હતા.
રાજીવ અગ્રવાલ સાથે આસિફ બલવાની પણ 29 મે 2011ના રોજ ધરપકડ થઈ હતી.
કરીમ મોરાની : સિનેયુગ મીડિયા અને એન્ટરટેઇનમેન્ટના ડિરેક્ટર પર આરોપ હતો કે તેમણે કુસગાંવ ફ્રુટ્સ અને વેજિટેબલ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 212 કરોડ રૂપિયા લીધા હતા.
તેમણે કનિમોડ઼ીને 214 કરોડ રૂપિયાની લાંચ આપી હતી જેથી શાહીદ બલવાની કંપનીઓને ખોટી રીતે સ્પેક્ટ્રમની ફાળવણી કરી દેવામાં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












