નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ હવે હાર્દિક પટેલનું શું થશે?

    • લેેખક, સર્વપ્રિયા સાંગવાન
    • પદ, બીબીસી સંવાદદાતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ગુજરાત મૉડલ' મામલે રાષ્ટ્રીય સ્તર પર ચર્ચા કરવામાં આવી, પરંતુ તેને પડકાર ગુજરાતમાં જ મળ્યો.

24 વર્ષના હાર્દિક પટેલ ચૂંટણી લડ્યા વગર જ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એવી દાવેદારી રજૂ કરી કે ન માત્ર મીડિયા, પણ મોદી માટે પણ તેની અવગણના કરવી મુશ્કેલ બની હતી.

આ ચૂંટણીમાં હાર્દિક પટેલની 'પાટીદાર અનામત આંદોલન સમિતિ'એ કોંગ્રેસને સમર્થન આપીને લડી હતી.

બન્ને વચ્ચે શરત એ હતી કે કોંગ્રેસની જીત બાદ પાટીદારોને અનામત મળશે, પરંતુ હવે પરિણામોથી નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસ સત્તાથી દૂર છે અને ભાજપે સતત છઠ્ઠી વખત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ત્યારે હાર્દિક પટેલના રાજકારણની આગળની દિશા શું હશે?

કોંગ્રેસની હારથી હાર્દિકને ફાયદો?

વરિષ્ઠ પત્રકાર સંજીવ શ્રીવાસ્તવ માને છે કે જો કોંગ્રેસ જીતતી તો હાર્દિક પટેલ એક મોટા નેતા બની ગયા હોત.

સંજીવ શ્રીવાસ્તવ કહે છે, "હવે હાર્દિક પટેલ સામે પડકાર છે કે જો તેમણે મોટા નેતા બનવું છે તો 'એકલા ચાલો રે...'ની નીતિ છોડવી પડશે અને કોંગ્રેસમાં સામેલ થવું પડશે.

"જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થાય છે તો તેમનું કદ થોડું નાનું બની જશે, પણ કોંગ્રેસ અને હાર્દિક પટેલ મળીને એક મજબૂત જોડી બની શકે છે."

આ તરફ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રા આ મામલે અલગ મત ધરાવે છે.

તેઓ કહે છે, "કોંગ્રેસને જીત મળતી તો તેનાથી હાર્દિક પટેલને ઓછો ફાયદો મળતો. કોંગ્રેસની જીત બાદ હાર્દિક પણ એક રીતે સત્તામાં આવી જતા.

"જો કોંગ્રેસ અનામતની શરત પૂરી ન કરી શકતી તો પાટીદારોનું સમર્થન ઓછું થઈ જવાની પણ શંકા હતી.

"હવે તો આંદોલનને પણ કોઈ ફેર નહીં પડે કેમ કે, તેઓ ભાજપ સામે લડી રહ્યા હતા અને હવે ફરી ભાજપની જીત બાદ તેમની સ્થિતિ યથાવત રહેશે."

"કાસ્ટ લીડરથી માસ લીડર"

'નવગુજરાત સમય' દૈનિકના તંત્રી અજય ઉમટ કહે છે કે આ ચૂંટણી દરમિયાન ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલે જ જીવ ફૂંક્યો હતો. ભાજપના ગુજરાત મૉડલને પણ હાર્દિક પટેલે જ પડકાર આપ્યો હતો.

તેમણે એ ચર્ચાને વેગ આપ્યો હતો કે વિકાસ તો 'જૉબલેસ' છે. હીરા વેપારીઓ અને કાપડના વેપારીઓની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો.

"હાર્દિક પટેલે અપીલ કરી હતી કે આ સરકાર સાંભળતી નથી, અહંકારી છે અને આ અહંકારી સરકારને હટાવો. તેમના જે સમર્થકોએ ચૂંટણી લડી, તેઓ જીતી ગયા છે અને કોંગ્રેસના મોટા નેતા હારી ગયા છે."

અજય ઉમટના જણાવ્યા અનુસાર હાર્દિક કહે છે કે તેઓ અનામત માટે આંદોલન ચાલુ રાખશે. સાથે જ વેપારીઓ અને ખેડૂતો માટે પણ આંદોલન કરશે.

જે રીતે હાર્દિક પટેલ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, તેઓ હવે કાસ્ટ લીડરમાંથી માસ લીડર બનવા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે.

આ જ વાત બીબીસી ગુજરાતીના એડિટર અંકુર જૈન પણ કહે છે કે નરેન્દ્ર મોદીને હાર્દિક પટેલથી હજુ પણ મોટી ટક્કર મળશે.

હાર્દિક હવે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણા પણ જશે, જ્યાં પાકના ભાવ, દેવા માફી જેવી ખેડૂતોની સમસ્યાઓથી પીડિત છે.

હાર્દિકનું રાજકારણ અને રસ્તો

સંજીવ શ્રીવાસ્તવ કહે છે કે હાર્દિક પટેલ ચૂંટણી પહેલા એક મોટા નેતા જણાઈ રહ્યા હતા, પરંતુ હવે કોંગ્રેસની હાર બાદ થોડા દિવસ સુધી તેમનું કદ સામાન્ય રહેશે.

ચૂંટણીના માહોલમાં તેઓ આવ્યા તો ગરમાવો અને જોશ સારો લાગે છે, પણ આગામી પાંચ વર્ષ સુધી તે જોશ અને તે ગરમીને યથાવત રાખવા પડકારજનક કામ છે.

પત્રકાર આર. કે. મિશ્રા કહે છે કે હાર્દિક પાસે હજુ ઘણો સમય છે. તેઓ પોતાના મુદ્દાઓ વિસ્તારશે.

શરૂઆતમાં તેઓ કહેતા હતા કે ઓબીસીમાં પાટીદારોને અનામત આપો. પછી તેમણે કહ્યું કે 49 ટકા અનામત જે હાલ લાગુ છે, તેમાંથી નહીં પણ અલગથી અનામત આપો.

"ઓબીસીને હાલ જે અનામત મળે છે તેનાથી તેમને કોઈ વાંધો નથી. તેના કારણે ઓબીસી નેતા અલ્પશ ઠાકોર અને હાર્દિક પટેલ વચ્ચે પણ કોઈ ટકરાવ નથી."

"જિગ્નેશ મેવાણી વાળા ક્વોટામાં તેઓ આવી નથી શકતા અને ન તો તેઓ એવી માંગ કરી રહ્યા છે. તો આ વિપક્ષ આધારિત રાજકારણ છે, જેની હદ હવે તેઓ વધારશે. હવે તે કયા રૂપમાં થશે તે તો સરકાર બન્યા બાદ જ સ્પષ્ટ થશે."

બીબીસી ગુજરાતી સર્વિસના એડિટર અંકુર જૈન કહે છે કે હાર્દિક પટેલ માટે રસ્તો સહેલો નહીં હોય. ફરી ભાજપની સરકાર સત્તામાં છે અને હાર્દિક પટેલ પર ઘણા કેસ પણ ચાલી રહ્યા છે. તો તેનો પ્રભાવ પણ પડી શકે છે.

જ્યાં સુધી હાર્દિકના રાજકારણની વાત છે તો અત્યાર સુધી તેઓ કોઈ પાર્ટીમાં સામેલ નથી થયા અને તેમણે પોતાના માટે બધા જ વિકલ્પ ખુલ્લા રાખ્યા છે.

તેમના અનામતના મુદ્દામાં પણ થોડા ફેરફાર નોંધાયા છે. એટલે કે હવે તેઓ જનસંખ્યાના આધારે ક્વોટામાં પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યા છે. આ માંગની જનતામાં સ્વીકાર્યતા પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો