બેંક ખાતાને આધાર સાથે જોડવાની મુદ્દત લંબાવાઈ

સરકારે આધાર કાર્ડને બેંક ખાતા સાથે જોડવાની સમય સીમામાં વધારો કર્યો છે.

નાણાં મંત્રાલયમાં મળતી માહિતી અનુસાર, આધાર નંબર અને પાન કાર્ડ અથવા તો ફૉર્મ 60ને જમા કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ 2018 કરી દેવાઈ છે.

તો નવા ખાતાધારકોને છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયે ટ્વીટ કરી જાણકારી આપી છે કે, આ સંબંધે નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે.

પહેલા આ સમયસીમા 31 ડિસેમ્બર 2017 નક્કી કરાઈ હતી, પરંતુ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, સમય સીમા 31 માર્ચ સુધી લંબાવવામાં આવશે.

તમને આ પણ વાંચવું ગમશે

ગત અઠવાડીયે જ સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટે આપેલી સમય સીમાને ત્રણ મહિના વધારી 31 માર્ચ 2018 કરી નાખી હતી.

આ સમયસીમામાં ત્રીજી વખત વધારો થયો છે.

જોકે, બુધવારે જાહેર થયેલા નાણાં મંત્રાલયના નવા આદેશમાં મોબાઇલ સિમકાર્ડને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ 6 ફેબ્રુઆરી 2018થી આગળ વધારવા અંગે કોઈ સ્પષ્ટતા નથી.

પહેલા જાહેર કરાયેલું નોટિફિકેશન

સરકારે મંગળવાર (12 ડિસેમ્બર 2017)ના રોજ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ એક્ટ 2002 અંતર્ગત નિયમોમાં સંશોધન કરી ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું હતું.

આ નોટિફિકેશન અંતર્ગત આધાર કાર્ડને પાન કાર્ડ અથવા તો ફૉર્મ 60 સાથે લિંક કરવાની અંતિમ તારીખમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ સંશોધન અંતર્ગત હવે આધાર કાર્ડને બેંક ખાતાં સાથે જોડવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2018 કરી દેવાઈ છે.

આધાર કાર્ડ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રધિકરણ દ્વારા આપવામાં આવે છે, જ્યારે પાન કાર્ડ આવકવેરા વિભાગના માધ્યમથી અપાય છે, જ્યારે ફૉર્મ 60 વ્યક્તિગત રીતે ભરવામાં આવે છે.

પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ એક્ટ 2002 અંતર્ગત ખાતાં ખોલવા અથવા તો 50 હજાર કે તેનાંથી વધારે રૂપિયા ઉપાડવા માટે આધાર, પાન કાર્ડ કે અન્ય સરકારી દસ્તાવેજ જરૂરી છે.

સરકારે તેમના પહેલા આદેશમાં જ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આધાર કાર્ડ અને પાન કાર્ડને નક્કી થયેલી સમયસીમા સુધી બેંક ખાતા સાથે લિંક ન કરે તો તેમનું ખાતું 'સિઝ' કરી દેવાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો