ગુજરાતની થોડી બેઠકો વિષે રાજકારણ સિવાયની રસપ્રદ માહિતી

વાઇબ્રન્ટ ગુજરાતનું સાંકેતિક ચિત્ર

ઇમેજ સ્રોત, FACEBOOK/VIBRANTGUJARAT

ઇમેજ કૅપ્શન, ગુજરાત ઉદ્યોગ, હસ્તકલા, કુદરતી સંપદા, લોકકલા, મોજ-શોખ, ખાણીપીણી માટે બહુ પ્રખ્યાત છે

આજે જ્યારે 89 બેઠકો પર ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનો જંગ જામશે ત્યારે આવો જાણીયે થોડી બેઠકો વિષેની રાજકારણ સિવાયની રસપ્રદ માહિતી.

આજે જ્યારે 89 બેઠકો પર પ્રથમ ચરણનું મતદાન શરુ થઇ રહ્યું છે ત્યારે શું છે રાજકારણ સિવાયની આ માહિતી.

તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાત ઉદ્યોગ, હસ્તકલા, કુદરતી સંપદા, લોકકલા, મોજ-શોખ, ખાણીપીણી માટે બહુ પ્રખ્યાત છે.

બીબીસી એ એવી છ બેઠકો પસંદ કરી છે જેના વિષે રાજકારણ સિવાયેની બાબતો પણ જાણવા લાયક છે.

line

કુદરતી સૌંદર્યની ચરમસીમા એટલે - ડાંગ

ડાંગનો નજારો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતનું ડાંગ પોતાની આગવી આદિવાસી સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યથી દુનિયાભરના લોકોને આકર્ષે છે, અહીં સાપુતારાના જંગલો, નિર્દોષ માણસો અને ખળખળ વહેતા ઝરણા શાંતિનો અનુભવ આપે છે
  • ડાંગ નામવાળો પ્રદેશ ગુજરાત ઉપરાંત નેપાળ, ઉત્તર પ્રદેશ અને ઈરાનમાં પણ આવેલો છે.
  • ડાંગ સંગીત વાદ્ય પાવરી માટે પ્રખ્યાત છે.
  • ડાંગની વસતી પ્રશાંત મહાસાગરમાં આવેલા વનાતુ ટાપુ જેટલી છે.
  • ડાંગ જિલ્લાના જંગલોને આવરી લેતા બે અભ્યારણ્યો (પૂર્ણા અને વાંસદા) આવેલા છે.
  • ડાંગ જિલ્લાના જંગલોમાં આજની તારીખે બેંગાલ ટાઇગર ક્યારેક ક્યારેક દેખા દઈ દે છે.
  • ડાંગ જિલ્લામાં વસતી આદિવાસી જાતિઓમાં આજે પણ રાજા કે જાતિના મુખિયાને ભગવાન તરીકે પૂજવામાં આવે છે.
  • આજની તારીખે ડાંગ દરબાર યોજવામાં આવે છે જેમાં ભીલ રાજાઓને 'પોલીટીકલ પેન્શન' (રાજકીય સાલિયાણાઓ) આપવામાં આવે છે.
line

હીરાની ચમક સિવાય ભાષામાં ગાળોનો વહાલ એટલે - સુરત

કારનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્વાદિષ્ટ ‘લોચા’ ઉપરાંત હીરાની ચમક અને કાપડની પાવરલૂમના ધમધમાટ માટે જાણીતું સુરત હીરાના વેપારીઓની દ્વારા તેમના કર્મચારીઓને કાર અને બાઇક જેવા વાહનોની ભેટ માટે પણ સમાચારમાં છે
  • સમગ્ર વિશ્વના 10માંથી 8 હીરા સુરતમાં પોલિશ થયેલા હોય છે.
  • હીરા ઉદ્યોગ, વસ્ત્ર (ટેક્સટાઇલ્સ) વેપાર સિવાય સુરતી જમણ જગવિખ્યાત છે.
  • એટલે જ તો કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ.
  • સુરતી પાપડી, સુરતી ઊંધિયું, સુરતી ઘારી અને સુરતી ખમણ એ જ છે સુરતનું સાચું જમણ.
  • અંગ્રેજોના સમયથી લઇને આજ દિવસ સુધી સુરત બિન-સુરતીઓ માટે ગુજરાતમાં વ્યાપારનું લોકપ્રિય મથક રહ્યું છે.
  • દરિયાઈ અને વહાણવટા વ્યવહારો માટે સુરત બંદર પર એક સમયે 84 દેશોના વાવટા વાળા જહાજો લાંગરતા હતા.
  • આજે પણ સુરતની વસતીમાં 80% બિન-નિવાસી સુરતીઓ વસેલા છે.
  • સુરતથી ટ્રેન દ્વારા મુંબઈ સાથેનો વ્યવસાયિક વ્યવહાર ખૂબ વિકસેલો છે.
  • સુરતે બૉલીવુડને નામાંકિત કલાકારો આપ્યા છે.
  • જેમાં સ્વર્ગીય સંજીવ કુમાર, સ્વર્ગીય કૃષ્ણકાંત (કે.કે), સ્વર્ગીય ફારૂખ શેખ, સંગીતકાર ઇસ્માઇલ દરબાર અને અભિનેત્રી પ્રાચી દેસાઈનો સમાવેશ થાય છે.
  • ગુજરાતમાં 70-80ના દશકથી સુરત પાસે આવેલા હઝીરા ઇન્ડસ્ટ્રીઅલ નોટીફાઈડ એરિયા ખાતે અબજો રૂપિયાનું ઔદ્યોગિક રોકાણ કરવામાં આવ્યું છે.
  • હઝીરા ઇન્ડસ્ટ્રીઅલ નોટીફાઈડ એરિયામાં નામી ખાનગી, સરકારી અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ રોકાણ કરેલું છે.
line

સાવજોની ડણક અને કુદરતી અલૌકિક આનંદ એટલે - જૂનાગઢ:ગિરનાર

લાયન લખેલું બોર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગિરના સાવજોની ત્રાડ ગુજરાત જ નહીં, લંડનનાં પ્રાણી સંગ્રહાલયમાં પણ સંભળાય છે, ઇંગ્લેન્ડમાં પણ ગિરના સાવજો માટેના વિભાગમાં પણ ગુજરાતની છાપ વર્તાય છે
  • ગીરિવર ગિરનાર અને સાસણ ગીરના સાવજો (સિંહો) જગવિખ્યાત છે.
  • હાલમાં જૂનાગઢના સાસણ ગીર અભ્યારણ્ય વિસ્તારમાં 523 સિંહોની વસતી છે.
  • કેસર કેરી પકાવવા માટેની યોગ્ય આબોહવા જેમાં ગરમી અને દરિયાની ખારી હવાના મિશ્રણને કારણે ખટ્ટ-મીઠી કેસર કેરી આખા વિશ્વમાં એકમાત્ર અહીં પાકે છે.
  • દર વર્ષે શિવરાત્રીના દિવસે ગિરનારમાં સાધના કરી રહેલા યોગીઓ જેને 'નાગા બાવા' તરીકે ઓળખવામાં આવે છે તે અહીં જાહેરમાં દર્શન આપતા જોવા મળે છે.
  • સમ્રાટ અશોકના સુપ્રસિદ્ધ શિલાલેખોમાંનો એક શિલાલેખ પણ આ શહેરમાં આવેલો છે.
  • બૉલીવુડ અભિનેત્રી સ્વર્ગીય પરવીન બાબી અને પાકિસ્તાન વડાપ્રધાન સ્વર્ગીય બેનઝીર ભુટ્ટોના દાદા શાહ નવાઝ ભુટ્ટો જૂનાગઢના વતની છે.
  • ગુજરાત રાજ્યનું સૌપ્રથમ પ્રાણી સંગ્રાહલય સક્કરબાગ ઝૂ જુનાગાઢ ખાતે વર્ષ 1863માં આકાર પામ્યું હતું.
line

ક્રિકેટરો જન્મ અને કર્મભૂમિ એટલે - જામનગર

  • રાજા-રજવાડાઓના સમયમાં પોતાનું નૌકાદળ, હવાઈદળ અને પાયદળ એ માત્ર જામનગર સ્ટેટ પાસે જ હતું.
  • ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ સોલેરિયમ સાથે જોડાયેલી ઇરવિન હોસ્પિટલ અને મેડિકલ કોલેજ જામનગર ખાતે આવેલી છે.
  • સૈનિક પ્રશિક્ષણ આપતી બાલાછડી સૈનિક સ્કૂલ જામનગર ખાતે આવેલી છે.
  • દેશની ખાનગી ક્ષેત્રની બે મોટી ક્રૂડ રિફાઇનરીઓ જામનગર ખાતે આવેલી છે.
  • ખીજડીયા પક્ષી અભ્યારણ્ય, પિરોટન દરિયાઈ જીવશ્રુષ્ટિ અભ્યારણ્ય જામનગર જિલ્લામાં આવેલા છે.
  • જામનગર ચાંદીકામ, બાંધણી અને બ્રાસ પાર્ટ ઉદ્યોગ માટેનું પ્રખ્યાત કેન્દ્ર છે.
  • ક્રિકેટ ક્ષેત્રે જામનગરે સ્વર્ગીય જામ રણજીસિંહજી, સ્વર્ગીય વિનુ માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ રાષ્ટ્રને આપ્યા છે.
line

બારેહ માહ ઋતુનો આનંદ એટલે - કચ્છ

કચ્છના રણમાં છોકરીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કચ્છડો બારેમાસ - કચ્છની ધરતી છે, પણ માણસો નહીં, અહીંની રંગ, કલા, સંગીત અને સંસ્કૃતિને કારણે અઢળક વિષમતાઓ છતાં કચ્છીમાડુઓ હંમેશા મોજથી જીવનારા રહ્યા છે
  • દેશનો એક માત્ર એવો પ્રદેશ જે એક તરફ રણ, બીજી તરફ દરિયો અને ત્રીજી તરફ જંગલથી ઘેરાયેલો છે.
  • હાલમાં કેન્દ્ર સરકારની પ્રચલિત સ્માર્ટ-સીટીની યોજનાનું મૂળસ્વરૂપ કચ્છના આદિપુરમાં કચ્છના મહારાવે પાકિસ્તાનથી આવીને કચ્છ ખાતે સ્થાયી થયેલા શરણાર્થીઓ માટે અમલમાં મૂક્યું હતું.
  • કચ્છી ભરતકામ, કચ્છી પાવો, કચ્છી ચપ્પુઓ, કચ્છી ભૂંગાઓ સિવાય કચ્છી દાબેલી (બ્રેડની વચ્ચે મસાલેદાર માવો ભરીને પીરસવામાં આવતી વાનગી), કચ્છી કેસર કેરી પણ જગવિખ્યાત છે.
line

વામકુક્ષીનો (બપોરની નિંદ્રાનો) આનંદ અને રંગીલો મિજાજ એટલે - રાજકોટ

કારનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

  • "મોટા" કહીને સંબોધવું એ રાજકોટીયન્સની ખાસિયત છે.
  • આ શહેરમાં બે વીક-એન્ડ - સત્તાવાર રીતે શનિવાર-રવિવાર અને ઔદ્યોગિક વીક-એન્ડ મંગળવાર અને બુધવાર.
  • ઓટોમોબાઇલ્સ, ડીઝલ એન્જિન, મશીન ટુલ્સ, કન્સ્ટ્રક્શન મટીરીઅલ્સ, લાઈટ વેઇટ જ્વેલરી ઉત્પાદન ક્ષેત્રે રાજકોટ દેશમાં અગ્રેસર છે.
  • બપોરે સુઈ જવું એ રાજકોટવાસીઓની ખાસિયત છે.
  • રાજા-રજવાડાઓના સંતાનોના ઉચ્ચ અભ્યાસઅર્થે 1868માં અહીં રાજકુમાર કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
  • ક્રિકેટ ક્ષેત્રે રાજકોટ સ્વર્ગીય અમર સિંહ, સ્વર્ગીય રામજી લાધા નકુમ, સ્વર્ગીય સર દુલિપસિંહજી, કરસન ઘાવરી, દિલીપ દોશી અને ચેતેશ્વર પુજારા જેવા ખેલાડીઓ આપ્યા છે.
  • ઔદ્યોગિક ક્ષેત્રે તુલસી તંતી (સુઝલોન ગ્રુપ) અને રાજીવ મોદી (સાસ્કેન ટેક્નોલોજીસ) જેવા ઔદ્યોગિક સાહસિકો દેશને આપ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો