પ્રેસ રિવ્યૂ: હાર્દિક પટેલે જાહેર સભામાં ભાજપને મત ન આપવાના સોગંદ લેવડાવ્યા

સંદેશમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલે ભાવનગરમાં કરેલી સભામાં આ ચૂંટણીમાં ભાજપને મત ન આપવાનાં સોગંદ લેવડાવ્યા છે.

હાર્દિકે ગુરુવારે ભાવનગરની પ્રગતિ મંડળની વાડીમાં સભા યોજી હતી. આ સભામાં તેમણે કહ્યું હતું કે, કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ અને અટલ બિહારી વાજપેયીનો ભાજપ જુદો હતો અને હાલનો ભાજપ જુદો છે.

તેમણે દાવો કર્યો હતો કે, આ ચૂંટણીમાં ભાજપને 80 કરતાં વધુ બેઠકો નહીં મળે.

તમને આ વાંચવું પણ ગમશે:

હાર્દિકે પોતાના ભાષણમાં કોને મત આપવો એ બાબતની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે બીજા નહીં ગમે તો પછી જોયું જશે, પરંતુ ભાજપને તો મત ન જ આપવો.

અહેમદ પટેલને મુખ્યમંત્રી દર્શાવતાં પોસ્ટર કોણે લગાવ્યા?

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, સુરતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી પદના દાવેદાર દર્શાવીને કોંગ્રેસને મત આપવાની અપીલ કરતાં પોસ્ટર્સ મુસ્લિમ વિસ્તારોમાં જોવા મળ્યાં હતાં.

ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનાં મતદાનના બે દિવસ પહેલાં જ આ પોસ્ટર્સ લગાવવામાં આવેલા આ પોસ્ટર્સ સંદર્ભે અહેમદ પટેલે તરત જ ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તે ક્યારેય મુખ્યમંત્રી પદના દાવેદાર રહ્યા નથી અને રહેશે પણ નહીં.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, પોસ્ટર્સમાં મુખ્યમંત્રીના હોદ્દાને ગુજરાતી લિપિમાં લખાયેલી ઉર્દૂ ભાષામાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

આ પોસ્ટર્સમાં મુખ્યમંત્રીના હોદ્દાને 'વઝિર-એ-આલા'ને બદલે 'વઝિર-એ-આલમ' લખવામાં આવ્યો છે. કોંગ્રેસ આ પ્રકારના પોસ્ટર્સને ભાજપની ચાલ ગણાવી હતી, જ્યારે ભાજપે કોંગ્રેસના આ આરોપને નકાર્યો હતો.

બેંકમાં રહેલા તમારા નાણાં સલામત રહેશે?

ઇકોનોમિક ટાઇમ્સની વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, નાણાં મંત્રાલયે નવા ખરડા વિશે સ્પષ્ટતા કરી છે.

'ધી ફાયનાન્સિયલ રિઝોલ્યુશન એડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલ, 2017' (એફઆરડીઆઈ બિલ)ની જોગવાઈઓમાં થાપણદારોના નાણાને વધુ સુરક્ષા પાડવા ઉપરાંત અન્ય સુવિધાઓ પણ હોવાનું નાણાં મંત્રાલયે જણાવ્યું છે.

આ બિલની કેટલીક જોગવાઈઓને કારણે બાબતે કેટલાક વર્ગોએ બેંકોમાં જમા કરવામાં આવી ફિક્સ ડિપોઝિટની સુરક્ષા વિશે શંકાઓ વ્યક્ત કરી હતી.

નાણાં મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 'એફઆરડીઆઈ બિલની જોગવાઈઓમાં ડિપાઝિટર્સના હિતોની સુરક્ષાને જરા પણ ખોટી અસર થવાની નથી.'

નાણાં મંત્રી અરુણ જેટલીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સરકારનો હેતું નાણાંકીય સંસ્થાઓ અને ડિપોઝિટર્સના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવાનું છે. સરકાર એને માટે પ્રતિબદ્ધ છે.

આ ઉપરાંત દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર બેંક ખાતાને આધાર કાર્ડ સાથે જોડવાની સમય મર્યાદા લંબાવીને 31 માર્ચ કરવામાં આવે તેનું જાહેરનામું સરકાર આજે પ્રસિદ્ધ કરે તેવી સંભાવના છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે આ વાતની ખાતરી આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો