ઝિમ્બાબ્વેની જેમ ભારતમાં સૈન્ય બળવો કરે તે કેમ શક્ય નથી?

ભારતીય સેનાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રિટાયર્ડ લેફટનન્ટ જનરલ એચએસ પનાગ
    • પદ, બીબીસી માટે

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રૉબર્ટ મુગાબેને રાજધાની હરારેમાં તેમના જ ઘરમાં નજરકેદ કરી લેવામાં આવ્યા છે. દાવો થઈ રહ્યો છે કે સેનાએ ત્યાં બળવો કરીને સત્તા પર કબજો મેળવી લીધો છે.

આ પહેલા તુર્કી અને વેનેઝુએલામાં સૈન્ય બળવાના નિષ્ફળ પ્રયાસ થઈ ચૂક્યા છે.

પાકિસ્તાનમાં દેશની સ્વતંત્રતાના થોડા દિવસો બાદ જ બળવાનો સિલસિલો ચાલુ થયો હતો તે હજુ સુધી યથાવત્ છે.

પરંતુ આફ્રિકા અને લેટિન અમેરિકા કે પછી મધ્યપૂર્વના કેટલાક દેશોની જેમ ભારતમાં બળવા જેવી ઘટના નથી ઘટી.

ભારતની લોકતાંત્રિક સંસ્થાઓ એટલી મજબૂત છે કે ભારતમાં સેના માટે બળવો કરવો અશક્ય છે.

તેના કારણ ખૂબ જ સ્વાભાવિક છે. ભારતીય સેનાની સ્થાપના અંગ્રેજોએ કરી હતી અને તેનું માળખું પશ્ચિમી દેશોના આધારે તૈયાર કરાયું હતું.

એ વાત પર ધ્યાન આપી શકાય છે કે પશ્ચિમી લોકતાંત્રિક દેશોમાં બળવાની ઘટનાઓ નથી ઘટી.

તમને આ પણ વાંચવું ગમશે

મેદાનમાં હાથી અને ઘોડા પર સવાર સેનાનું પેઇન્ટિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય સેનાની સ્થાપના અંગ્રેજોએ કરી હતી અને તેનું માળખું પશ્ચિમી દેશોના આધારે તૈયાર કરાયું હતું

જોકે, વર્ષ 1857માં થયેલા બળવા બાદ અંગ્રેજી હકૂમતે સેનાનું પુનઃગઠન કર્યું હતું. તેમણે ભારતમાં સૈનિકોની ભરતી કરી હતી.

તેમણે જાતિ આધારિત રેજિમેંટ પણ બનાવી હતી, પરંતુ જે પરંપરા અને અનુશાસન તેમણે બનાવ્યા તે બિલકુલ એંગ્લો સેક્શન કલ્ચર જેવા હતા.

line

અનુશાસનાત્મક સેના

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, BBC WORLD SERVICE

ઇમેજ કૅપ્શન, વર્ષ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ સુધી ભારતીય સેનામાં મોટી સંખ્યામાં સૈનિકો જોડાયા હતા

એ જ કારણ છે કે ભારતીય સેના ખૂબ જ અનુશાસનાત્મક રહી છે. વર્ષ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ સુધી ભારતીય સેનામાં મોટી સંખ્યામાં સૈનિકો જોડાયેલા હતા. જો એવું ન હોત તો સેનાને બળવો કરવાથી કોઈ અટકાવી શકે તેમ ન હતું.

પરંતુ તે સમયે અલગઅલગ રજવાડાં અને હકૂમતના કારણે એટલી એકતા ન હતી અને સેનામાં ક્ષેત્ર તેમજ જાતીય આધાર પર રેજિમેંટ્સ હતી.

એ જ કારણ હતું કે ભારતીય સેના ટકી શકી. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધનો સમય આવ્યો.

તે દરમિયાન આઝાદ હિંદ સેનાના ગઠનનો પ્રયાસ થયો હતો. ત્યારે પણ 12 થી 20 હજાર સૈનિક INAનો ભાગ બન્યા હતા.

જ્યારે 40 થી 50 હજાર સૈનિક વિરોધીઓના કબજામાં હતા, પરંતુ સેનાનું અનુશાસન ન તૂટ્યું.

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તે સમયે દ્વિતીય વિશ્વયુદ્ધનો સમય હતો.

ભારતીય સ્વતંત્રતા આંદોલન પણ ચરમસીમાએ પહોંચ્યું હતું. તેનાથી સૈનિકો પણ બચી શક્યા ન હતા.

નેવી વિદ્રોહની ઘણી જગ્યાએ અસર જોવા મળી હતી, પરંતુ ભારતીય સેના એકજૂથ જ રહી હતી.

line

અણબનાવના મામલા

જનરલ સામ માણેકશાની તસવીર
ઇમેજ કૅપ્શન, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આઝાદ હિંદ સેનાના ગઠનનો પ્રયાસ કરાયો હતો

આ જ પ્રકારનો અપવાદ 1984માં સામે આવ્યો હતો, જ્યારે સુવર્ણ મંદિર પર કાર્યવાહીના વિરોધમાં કેટલીક શીખ ટૂકડીઓએ વિદ્રોહ કર્યો હતો.

બાકી સેના એકજૂથ રહી હતી. તેના કારણે આ વિદ્રોહોને દબાવી દેવાયા હતા.

60ના દાયકામાં જનરલ સેમ માણેકશૉ અને સરકાર વચ્ચે અણબનાવની ખબરો સામે આવી હતી, પરંતુ તેનું પણ સ્વરૂપ ખાસ વ્યાપક ન હતું.

વાસ્તવમાં જ્યારે પહેલી વખત અંતરિમ સરકાર બની તો તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ભારતીય સેનાના લોકતાંત્રિક સરકારના નિયંત્રણમાં રહેવા સિદ્ધાંત મૂક્યો હતો.

તેના માટે સૌથી પહેલા તેમણે કમાંડર-ઇન-ચીફના પદને નાબૂદ કરી દીધું હતું.

આ પદ પર અંગ્રેજી હકૂમતમાં અંગ્રેજી અધિકારીઓ તહેનાત થતા હતા અને ત્યારબાદ આ પદ પર જનરલ કરિયપ્પાની નિયુક્તિ થઈ હતી.

નહેરૂએ કહ્યું કે જ્યારે સેનાનું આધુનિકીરણ થઈ રહ્યું છે ત્યારે થળ સેના, નૌસેના અને વાયુસેનાનું એકસમાન મહત્વ હશે.

તે જ સમયે ત્રણેય અલગઅલગ ચીફ-ઑફ-સ્ટાફ બનાવી દેવાયા હતા.

આ ત્રણેયની ઉપર રક્ષામંત્રીને રાખવામાં આવ્યા હતા કે જેઓ ચૂંટાયેલી સરકારના કેબિનેટ અંતર્ગત કામ કરે છે.

line

લોકતાંત્રિક સરકાર જ સુપ્રીમ સત્તા

જવાહરલાલ નહેરૂનું સ્વાગત કરતા જનરલ કરિયપ્પાની તસવીર

ઇમેજ સ્રોત, PHOTODIVISION

ઇમેજ કૅપ્શન, જનરલ કરિયપ્પાને પહેલા થળ સેનાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા

જનરલ કરિયપ્પાને પહેલા થળ સેનાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

તે સમયે કમાંડર-ઇન-ચીફનું આવાસ ત્રણ મૂર્તિ હતું, ત્યારબાદ નહેરૂએ તેને પોતાનું ઘર બનાવ્યું.

આ એક ખૂબ જ સાંકેતિક કામ હતું અને સંદેશ સ્પષ્ટ હતો કે દેશમાં લોકતાંત્રિક સરકાર જ સુપ્રીમ સત્તા રહેશે.

એક વખત જનરલ કરિયપ્પાએ સરકારની આર્થિક નીતિઓની વિવેચના કરી હતી તો નહેરૂએ તેમને પત્ર લખીને બોલાવ્યા હતા અને નાગરિક સરકારનાં કાર્યોમાં દખલગીરી ન કરવા સલાહ આપી હતી.

ભારતમાં લોકતંત્રનો જે પાયો રાખવામાં આવ્યો હતો, સેના પણ તેનો ભાગ બની હતી. ત્યારબાદ ચૂંટણી પંચ, રિઝર્વ બેંક જેવી લોકતાંત્રિક સંસ્થાઓ ઊભી થઈ. જેણે લોકતંત્રના પાયાને મજબૂત બનાવ્યો હતો.

ત્યારબાદ પાકિસ્તાનની જેમ બળવાનો ખતરો લગભગ સમાપ્ત થઈ ગયો. પાકિસ્તાનમાં તો વર્ષ 1958માં જ પહેલો બળવો થયો હતો.

line

તે દરમિયાન આફ્રિકી અને દક્ષિણ અમેરિકી દેશોમાં પણ સૈન્ય બળવા થયા હતા.

ભારતીય લોકતંત્ર જ્યારે પોતાનું સ્થાન જમાવી રહ્યું હતું, તે નાજૂક સમયનો ખતરો સમાપ્ત થઈ ગયો હતો. તેમાં ભારતીય સેનાની બિન-રાજકીય પ્રકૃતિ અને જનરલ કરિયપ્પાની મોટી ભૂમિકા રહી છે.

ત્યારબાદના સમયમાં જનરલ સૈમ માનેકશૉ સાથે એક વિવાદ જોડાયો. દિલ્હીમાં તે દરમિયાન પ્રદર્શન ચાલી રહ્યા હતા અને સૈમ માનેકશૉએ સેનાની એક બ્રિગેડને દિલ્હીમાં તહેનાત કરી હતી, જેથી કોઈ અપ્રિય ઘટનાનો સામનો કરી શકાય.

જોકે, તેમણે વિવેચના કરનારા લોકોને જવાબ આપતા કહ્યું હતું કે ડરવાની કોઈ વાત નથી. આ કોઈ બળવાનો પ્રયાસ નથી.

ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં લોકતંત્રનો જે પાયો રાખવામાં આવ્યો હતો, સેના પણ તેનો ભાગ બની હતી

દેશમાં સેનાની સાત કમાન છે અને એ શક્ય નથી કે એક જનરલ સાતેય કમાનને આદેશ આપે.

કોઈ પણ આદેશને સહેલાઈથી તેઓ નથી માની શકતા, જે અનુશાસન સાથે સંબંધિત હોય.

ત્યારબાદના સમયમાં આપણે જોઇએ છીએ કે તત્કાલીન જનરલ વી. કે. સિંહ જેઓ સેવાનિવૃત્તિ બાદ રાજકારણમાં આવીને હાલની સરકારમાં મંત્રી પણ બની ગયા છે.

તેમણે UPA સરકારને પડકાર પણ આપ્યો હતો, પરંતુ તે કોર્ટ પૂરતો મર્યાદિત હતો.

line

ક્યારે થાય છે બળવો?

પરેડ કરતી ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેનાને બળવાનો મોકો ત્યારે મળે છે જ્યારે દેશમાં ખૂબ જ અસ્થિરતા હોય

જો કે એક અંગ્રેજી ન્યૂઝપેપર ઇન્ડિયન એક્સપ્રેસે કેટલીક આર્મી ટૂકડીઓના દિલ્હી તરફ કૂચ કરવાની ખબર પ્રકાશિત કરી હતી, પરંતુ તેમાં પણ બળવા જેવી કોઈ વાત ન હતી.

ભલે એ દાવો કરવામાં આવ્યો હોય કે સરકારમાં તે સમયે હડકંપ મચી ગઈ હતી અને ટૂકડીઓને તુરંત પરત જવા આદેશ આપવામાં આવ્યો હતો.

પરંતુ ખરેખર તો સેનાને બળવાનો મોકો ત્યારે મળે છે જ્યારે દેશમાં ખૂબ જ અસ્થિરતા હોય, રાજકીય વિભાજન ચરમસીમાએ હોય અને લોકતાંત્રિક સંસ્થાઓ નબળી હોય અથવા તો ભેદભાવ કે અરાજકતાની સ્થિતિ હોય.

ભારતમાં એવી સ્થિતિ ક્યારે પણ ઊભી નથી થઈ.

ઇમરજન્સી દરમિયાન પણ સેના રાજનીતિથી અલગ રહી હતી અને કેટલાક લોકો એ વાતની વિવેચના પણ કરે છે કે ત્રણ સેનાધ્યક્ષોએ તત્કાલિન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીને મળીને વાત કરવાની જરૂર હતી.

તે છતાં સેના રાજકારણથી દૂર રહી. કેમ કે, પાયામાં અનુશાસનના એવા સિદ્ધાંત છે જે તેને એકજૂથ રાખે છે અને સાથે જ નાગરિક સરકારમાં હસ્તક્ષેપથી દૂર રાખે છે.

(બીબીસી સંવાદદાતા સંદીપ રાય સાથે વાતચીતના આધારે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો