સચિન પાઈલટ: રાહુલ ગાંધી ટૂંક સમયમાં બનશે કોંગ્રેસના પ્રમુખ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ટૂંક સમયમાં પક્ષના પ્રમુખ બને તેવી શક્યતા છે. રાહુલ ગાંધીના અંગત વર્તુળમાં સામેલ કોંગ્રેસના નેતા સચિન પાઈલટે આમ જણાવ્યું છે.
રાહુલનાં મમ્મી સોનિયા ગાંધી હાલ કોંગ્રેસનાં પ્રમુખ છે, પણ તેઓ લાંબા સમયથી બીમાર હોવાથી રાજકારણમાં ઓછાં સક્રિય છે.
1885માં રચાયેલા પક્ષના સૌથી લાંબા સમય સુધી પ્રમુખ બની રહેવાનો રેકોર્ડ સોનિયા ગાંધીને નામે છે.
રાજસ્થાનના જયપુરમાં બીબીસીના સંવાદદાતાને આપેલી એક મુલાકાતમાં સચિન પાઈલટે જણાવ્યું હતું કે પક્ષનાં વિવિધ પદો માટે ટૂંક સમયમાં ચૂંટણી યોજવામાં આવશે.
સચિન પાઈલટે કહ્યું હતું કે ''પક્ષના નવા પ્રમુખની જાહેરાત અમે ટૂંક સમયમાં કરીશું.
તેમાં તમામ કાર્યકર્તાઓ અને નેતાઓની સંમતિ હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીને ઉપપ્રમુખમાંથી પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવશે.''

દરેક સ્તરે ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું હતું કે ''એ માટે સંપૂર્ણ પ્રક્રિયા થશે. બ્લૉક, જિલ્લા, પ્રદેશ અને દેશના સ્તરે અલગ-અલગ ચૂંટણી યોજવામાં આવશે.
તેમાં લોકો પોતાનો અભિપ્રાય રજૂ કરશે અને સર્વસંમતિથી એ નિર્ણય લેવામાં આવશે.''
રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખ બનાવવા વિશે રાજકીય વર્તુળોમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે.
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના વડા સચિન પાઈલટે કહ્યું હતું કે ''તેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
મને લાગે છે કે થોડાં સપ્તાહમાં જ એ જાહેરાત થઈ જશે.''
સચિન પાઈલટે દાવો કર્યો હતો કે એ પ્રક્રિયા પછી ''પક્ષની એક નવી શરૂઆત થશે.''
2014ની સામાન્ય ચૂંટણીમાં પક્ષના કારમા પરાજય પછી તેના પુનર્નિર્માણની જરૂરિયાતનો આગ્રહ રાહુલ ગાંધી કરતા રહ્યા છે.
કોંગ્રેસની ગતિવિધિ પર નજર રાખતા પત્રકારો માને છે કે એ સંબંધે અત્યાર સુધી ખાસ પ્રગતિ થઈ નથી.

બીજેપી-કોંગ્રેસમાં માત્ર એક ટકાનો ફરક

સચિન પાઈલટના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના પુનર્નિર્માણનું કામ ઘણા સમયથી શરૂ થઈ ચૂક્યું છે. હવે તે વધુ ઝડપથી થવું જરૂરી છે.
સચિન પાઈલટે કહ્યું હતું કે ''મને રાજસ્થાન કોંગ્રેસનો પ્રમુખ ચાર વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો.
છ-સાત રાજ્યોમાં નવા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે, પણ આટલા મોટા પક્ષમાં ઝડપભેર કામ થવું જોઈએ એવું અમે માનીએ છીએ.
ઘણું કામ થયું છે અને ઘણું કરવાનું બાકી છે.''
સચિન પાઈલટે દાવો કર્યો હતો કે રાજસ્થાનમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ને હરાવવા માટે કોંગ્રેસ એકદમ તૈયાર છે.
2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ રાજ્યની તમામ 25 સંસદીય બેઠકો જીતી લીધી હતી.
તેના એક વર્ષ અગાઉ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને કુલ 200 પૈકીની 163 બેઠકો પર વિજય મળ્યો હતો.
કોંગ્રેસને માત્ર 21 બેઠકો મળી હતી.

અગાઉ કરતાં વધુ મજબૂત કોંગ્રેસ

ઇમેજ સ્રોત, TWITTER@INCRAJASTHAN
સચિન પાઈલટે કહ્યું હતું કે ''રાજસ્થાનમાં કોંગ્રેસ અગાઉ કરતાં વધુ મજબૂત છે.
2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને 56 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 30 ટકા મત મળ્યા હતા બન્ને વચ્ચે 26 ટકાનું અંતર હતું.
પછી ગામડાંઓમાં ચૂંટણી થઈ ત્યારે અમને મળેલા મતનો હિસ્સો વધીને 46 ટકા થયો હતો અને બીજેપીનો ઘટીને 47 ટકા થયો હતો.
હવે બન્ને પક્ષ વચ્ચે માત્ર એક ટકાનો ફરક છે.''
સચિન પાઈલટના જણાવ્યા અનુસાર, એ પછી વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી.
એક વર્ષ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે, એવું તેમણે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાનપદના દાવેદાર

કોંગ્રેસ તરફથી મુખ્ય પ્રધાનપદનો દાવેદાર કોણ હશે?
ચૂંટણી પહેલાં કોઈને મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે રજૂ કરવામાં આવશે?
કોંગ્રેસમાં આ મુદ્દે મતભેદ હોવાના સમાચાર આવતા રહ્યા છે.
બે વખત મુખ્ય મંત્રી બનેલા અશોક ગેહલોત રાજસ્થાન કોંગ્રેસના મોટા નેતા છે.
એક સિનિયર સ્થાનિક પત્રકારના જણાવ્યા અનુસાર, સચિન પાઈલટની મહેનત છતાં અશોક ગેહલોતની મદદ વિના કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતી શકે તેમ નથી.
અશોક ગેહલોત હાલ પક્ષના મહામંત્રી અને ગુજરાતના ઈન્ચાર્જ છે.
ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
તેમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે તો અશોક ગેહલોતની પ્રતિષ્ઠામાં વધારો થશે.
રાજસ્થાનમાં સર્વોચ્ચ પદ પર તેમના બિરાજવાની આશા પણ વધશે.
સચિન પાઈલટના જણાવ્યા અનુસાર, તેમને પદની ઝંખના નથી. તેમને અશોક ગેહલોત સહિતના પક્ષની સિનિયર નેતાઓ સહકાર આપી રહ્યા છે.

પક્ષ પાસેથી ઘણું મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
સચિન પાઈલટે કહ્યું હતું કે ''હું 26 વર્ષનો હતો ત્યારે પક્ષે મને સંસદસભ્ય બનવાની તક આપી હતી.
31 વર્ષનો હતો ત્યારે કેન્દ્રીય પ્રધાન બની ગયો હતો.
35 વર્ષની વયે મને રાજસ્થાનનો પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યો હતો.
પક્ષે મને વધુમાં વધુ આપવું જોઈએ એવી આશા હું આજે પણ રાખું એ યોગ્ય નથી.''
સચિન પાઈલટે ઉમેર્યું હતું કે ''મુખ્ય પ્રધાનપદ કોને મળે છે એ મોટી વાત નથી. બીજેપીના છળકપટ, તેઓ કેવો ખેલ પાડશે,
ધાર્મિક લાગણીને કઈ રીતે ભડકાવશે, સમાજનું કઈ રીતે વિભાજન કરશે,
રાજકીય રોટલા શેકવા માટે હુલ્લડ કરાવશે એ બધી બાબતો પર અમે કઈ રીતે અંકુશ મેળવીશું એ મહત્વનું છે.''

બીજેપીનું ક્યારેય સાકાર ન થનારું સપનું

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસમુક્ત ભારતના નિર્માણનો દાવો બીજેપી કરી રહી છે.
એ દાવા બાબતે સચિન પાઈલટે કહ્યું હતું કે ''બીજેપીનું આ સપનું ક્યારેય સાકાર નહીં થાય.''
સચિન પાઈલટના જણાવ્યા અનુસાર, રાજકીય લડાઈમાં અંગત નફરતને કોઈ સ્થાન નથી.
સચિન પાઈલટે કહ્યું હતું કે ''અમારી સરકાર પણ હતી. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે અમારા 425 સંસદસભ્યો હતા. આજે બીજેપીના 280 સંસદસભ્યો જ છે.
અમે બીજેપીમુક્ત ભારતનું નિર્માણ કરીશું એવું રાજીવ ગાંધીએ ક્યારેય કહ્યું હોવાનું મને યાદ નથી.
રાજકારણમાં અમે અલગ-અલગ પક્ષના હોઈ શકીએ, પણ એકમેકના દુશ્મન તો નથી જ.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












