આ કુમળી વયની કન્યાઓનું શોષણ કોણ કરે છે

હૈદરાબાદના ચાર મિનારની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંધ્રપ્રદેશ-તેલંગાણા રાજ્યની રાજધાની હૈદરાબાદમાં ગરીબ મુસ્લિમ પરિવારો તેમની પુત્રીને 'હોલીડે બ્રાઇડ્સ' તરીકે નાણાં માટે વેચી નાખે છે

વિદેશી આરબ પુરુષો આંધ્રપ્રદેશ-તેલંગાણા રાજ્યની સંયુક્ત રાજધાની હૈદરાબાદમાં યુવાન અને ટીનેજર છોકરીઓનું શોષણ કરે છે.

બીબીસી તેલુગુની સંવાદદાતા દીપથી બથિનીએ આ 'શારીરિક વેપલા'ના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ભોગ બનેલી કેટલીક યુવતીઓ અને તેમના પરિવારોને મળ્યા હતા.

line

ફરહીનની આપવીતી

ફરહીનનું કલ્પના ચિત્ર
ઇમેજ કૅપ્શન, ફરહીને વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં રસ દાખવ્યો હતો અને નર્સ બનવાનું સપનું હતું

ફરહીને વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં રસ દાખવ્યો હતો અને નર્સ બનવાનું સ્વપન જોયું હતું.

પરંતુ જ્યારે તે માત્ર 13 વર્ષની હતી, ત્યારે તેના નિકાહ જોર્ડન સ્થિત 55 વર્ષીય શેખ સાથે કરાવી દેવામાં આવ્યાં હતાં.

ફરહીનનાં પિતાએ તેને એક રૂમમાં લઈ જઈ તેને ત્રણ પુરુષો સમક્ષ રજૂ કરી હતી.

ત્યારબાદ ફરહીનને કહેવામાં આવ્યું હતું કે ત્રણ પૈકીના કોઈ એક પુરુષ સાથે તેના સાંજે નિકાહ કરી દેવામાં આવશે.

તમને આ પણ વાંચવું ગમશે

ફરહીને કહ્યું કે તે વધુ અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહિ અને તેની ઉચ્ચ અભ્યાસની ઇચ્છા તેની ચીસોમાં ધરબાઈ ગઈ.

નિકાહની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફરહીનના માતા-પિતા માટે માસિક ભથ્થું નક્કી કરાયું હતું (પ્રતીકાત્મક તસવીર)

ફરહીનની માતાએ તેને લગ્ન માટે ખાસ તૈયાર કરાવેલો પોશાક પેહરાવ્યો.

માતાએ ફરહીનને કહ્યું કે તેના લગ્ન બદલ તેમને 25,000 રૂપિયા રોકડ મહેર આપવામાં આવશે.

જ્યારે ફરહીનનાં માતા-પિતા માટે 5,000 રૂપિયાનું માસિક ભથ્થું નક્કી કરાયું હતું.

એક મૌલવીએ તેના નિકાહની વિધિ કરી અને આ રીતે તેના નિકાહ કરી દેવામાં આવ્યાં, જ્યારે તેઓ એકલા હતા, ત્યારે ફરિહને તેના પતિનો ચહેરો જોયો.

તેને તરત જ સમજાઈ ગયું કે તે માણસ તેના કરતા 40 વર્ષથી વધુ ઉંમરનો હતો.

ફરહીન કહે છે "તે રાતે તેણે મારી ઉપર બળજબરી કરી. હું રોતી રહી."

"મેં બૂમો પાડી. તેણે ત્રણ અઠવાડિયા સુધી મારી સાથે સતત બળાત્કાર કર્યે રાખ્યો."

ત્યારબાદ ફરહીનનાં પતિએ તેની બીજી પત્નીઓ અને બાળકોની સંભાળ લેવા માટે જોર્ડન જવા માટે કહ્યું.

ફરહીન કહે છે કે તેનો પતિ પહેલાથી પરણિત હતો તે વિષે તે અજાણ હતી.

સમાધાન રૂપે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તેનો પતિ પાછો જોર્ડન જશે અને ત્યાં જઈ ફરહીનને જોર્ડન જવાના વિઝા મોકલશે.

ફરહીન અને તેનાં પતિનું કલ્પના ચિત્ર
ઇમેજ કૅપ્શન, ફરહીનને તરત જ સમજાઈ ગયું કે તે માણસ તેના કરતા 40 વર્ષથી વધુ ઉંમરનો હતો

જોકે, ફરહીનના જોર્ડન માટેના વિઝા આવ્યા નહીં. ફરહીન સાથે એક વિવાહિત મુસ્લિમ સ્ત્રી જેવું જ વર્તન કરવામાં આવે છે, પરંતુ તેને એ ખબર નથી કે તેનો પતિ ક્યાં છે?

ફરહીન કહે છે, "આ બનાવ બાદ લગભગ હું એક વર્ષ શાંત રહી હું રડી પણ નહિ. હું આ અર્થહીન જીવનનો અંત લાવવા માંગતી હતી."

ફરહીને ઉમેર્યું કે તેમને તેમના જ માતાપિતાએ જ છેતરી હતી.

ફરહીને કહ્યું કે તેની સાથે થયેલી આ ઘટનાને આજે આઠ વર્ષ થયા છે. પરંતુ ફરિહનને હજુ પણ તેના પર લાગેલા એ કલંકનો ભય છે.

તે માત્ર એક સ્વયંસેવી સંસ્થાની ઓફિસે મને મળવા સંમત થઈ. ફરહીન એજ સ્વયંસેવી સંસ્થામાં હવે શિક્ષક તરીકે કામ કરે છે.

તે કહે છે, "ક્યારેક મારા પોતાના સગા-વહાલાં એક વૃદ્ધ માણસ સાથે લગ્ન કરવા બદલ મારી મશ્કરી કરતા."

કેટલાક એવું પણ કહેતા હતા કે હું મારા પતિની ઇચ્છાઓને સંતોષી ન શકી તેથી તેમણે મને તરછોડી દીધી.

ફરહીનનો કેસ છેલ્લાં ત્રણ વર્ષમાં તેલંગાણા પોલીસ દ્વારા નોંધાયેલા 48 કેસોમાંનો એક કેસ છે.

તેણે પોલીસની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ શેખ ભારતીય નાગરિક ન હોવાથી પોલીસ માત્ર દલાલની જ ધરપકડ કરી શકી હતી.

line

પોલીસ શું કહે છે?

ફરહીનનાં અને તેનાં સગા-વહાલાંનું કલ્પના ચિત્ર
ઇમેજ કૅપ્શન, ક્યારેક ફરહીનનાં પોતાના સગા-વહાલાં એક વૃદ્ધ માણસ સાથે લગ્ન કરવા માટે તેની મશ્કરી કરતા

હૈદરાબાદ દક્ષિણ ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર કહે છે,"પીડિતો સામાન્ય રીતે અમારી પાસે સામેથી સંપર્કમાં નથી આવતા."

સત્યનારાયણા ઉમેરે છે કે પીડિત યુવતીઓ ત્યારે આવે છે, જયારે શેખ તેમને તરછોડીને પોતાના દેશમાં પાછા જતા રહે છે.

આ બાબત પોલીસ માટે બહુ મોટી સમસ્યા અને પડકાર છે.

આ ભાગેડુ શેખને ભારત પાછા લાવવા માટે પોલીસે પછી વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવો પડે છે.

તેમ છતાંયે આ ભાગેડુ શેખને ભારત પાછા લઇ આવવાની સંભાવનાઓ ખૂબજ ઓછી છે.

મુસ્લિમ સમાજના કેટલાંક લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાગેડુ શેખને ભારત પાછા લાવવા માટે પોલીસે પછી વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવો પડે છે (પ્રતીકાત્મક તસવીર)

વરિષ્ઠ પોલીસ અધિકારી કહે છે કે આ પ્રવૃત્તિ એક ગુનાહિત નેટવર્કનો ભાગ છે કારણ કે તેમાં મધ્યસ્થીઓનો સમાવેશ થાય છે.

આ મધ્યસ્થીઓ દેશના અન્ય ભાગોમાંથી નકલી લગ્ન પ્રમાણપત્રો બનાવીને લઈ આવે છે.

આવા બનાવટી દસ્તાવેજો દ્વારા હૈદરાબાદના એક નાના રૂમમાં થતા સગીરનાં લગ્નને કાનૂની માન્યતા મળી જાય છે.

સપ્ટેમ્બર મહિનામાં આઠ શેખોના એક જૂથની તેલંગાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલામાં એક 80 વર્ષીય પુરુષ અને 35 મધ્યસ્થીઓ નો સમાવેશ થતો હતો, પરંતુ ઘણા એવા કિસ્સાઓ છે જેના વિષે કોઈ નોંધ પણ લેવાતી નથી.

સામાજિક કાર્યકરો કહે છે કે છોકરીઓ સામાન્ય રીતે 12 થી 17 વર્ષની સગીર કિશોર વયની હોય છે.

line

તબસ્સુમની આપવીતી

એક બાળકી અને ત્રણ પ્રૌઢનું રેખાચિત્ર
ઇમેજ કૅપ્શન, તબસ્સમુમના લગ્ન 70 વર્ષના એક વૃદ્ધ સાથે કરવામાં આવ્યાં હતાં

તબસ્સુમની ઉમર 12 વર્ષની હતી જ્યારે તેના લગ્ન 70 વર્ષની વયના માણસ સાથે કરાવવામાં આવ્યાં હતાં. તેને એક હોટેલમાં લઈ જવામાં આવી હતી.

તબસ્સુમ સાથે એક પ્રકારે કહી શકાય એવી જાતીય સતામણી કરવામાં આવી હતી.

ત્યારબાદ તેને ઘેર એવા વચન સાથે મોકલવામાં આવી હતી કે તેનો પતિ તેને વિદેશ જવાના વિઝા મોકલશે.

તબસ્સુમે એક વર્ષ પછી એક બાળકીને જન્મ આપ્યો, પરંતુ જન્મનાર બાળકીનો ઉછેર તબસ્સુમની બહેન તરીકે કરવામાં આવ્યો.

તબ્બસ્સુમ કહે છે, "મારી પોતાની પુત્રી મને બહેન કહીને બોલાવે છે."

દર વખતે જ્યારે તબ્બસ્સુમની દીકરી તેને બહેન કહીને બોલાવે છે, ત્યારે તેનું હૃદય કકળી ઉઠે છે.

દર વખતે હું વિચારું છું કે ક્યારે મને તે અમ્મી (માતા) કહી ને સંબોધશે.

line

ઝેહરાની આપવીતી

બાળકીનું રેખાચિત્ર
ઇમેજ કૅપ્શન, મોટાભાગના શેખ ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યમનથી આવતા હોય છે

મોટાભાગના શેખ ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યમનથી આવે છે. કેટલાક લગ્નોમાં માણસને ભારતની મુસાફરી પણ કરવી પડતી નથી.

જેમ કે, 15 વર્ષીય ઝેહરા, જે અનાથ છે અને તેની દાદી સાથે રહેતી હતી.

ઝેહરાની તસવીરનો ઉપયોગ તેની જાણ બહાર સોશિયલ મીડિયા પર તેનો લગ્નના રૂપાળા નામ હેઠળ વેચાણના હેતુથી તેની કાકી દ્વારા કરવામાં આવ્યો હતો.

ઝેહરાએ જણાવ્યું, "તે રાતે કાઝી ઘરે આવ્યો અને ફોન પર નિકાહનું આયોજન કર્યું."

હૈદરાબાદના ચાર મિનાર નજીકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝેહરાને ખબર નહોતી કે તે કોની સાથે લગ્ન કરી રહી છે

"મને તો ખબર પણ નહોતી કે હું કોની સાથે લગ્ન કરી રહી છું?" ઝેહરાએ કહ્યું. ઝેહરાને ટૂંક સમયમાં યમન જવા માટે વિઝા આપવામાં આવ્યો.

યમનમાં એક 65 વર્ષીય વ્યક્તિ ખુદને ઝેહરાના પતિ તરીકે રજૂ કરી તેને એક હોટેલમાં લઈ ગયો.

ઝેહરાએ કહ્યું હતું કે તે રાત્રે તેની સાથે પેલા 65 વર્ષીય વ્યક્તિએ બળજબરી કરી હતી. ત્યારબાદ ઝેહરાને પાછા બોલાવવાના ખોટા વચન સાથે હૈદરાબાદ મોકલી દેવામાં આવી હતી.

ફરહીન અને ઝેહરા જેવી સ્ત્રીઓને જ્યારે તેમના પતિઓ તેમને તરછોડી દે છે, ત્યારે આગળનું જીવન ગુજારવા તેમની પાસે આવકના સાધનો નહિવત્ અથવા તો હોતા જ નથી.

line

સ્વાવલંબનના પ્રયાસો

કિશોરીનું રેખાચિત્ર
ઇમેજ કૅપ્શન, તરછોડાયેલી યુવતીઓ સ્વાવલંબનના પ્રયાસો કરે તે માટે કેટલીક સંસ્થાઓ કાર્યરત છે

જમીલા નીસથે 'શાહીન' નામની એક સ્વયંસેવી સંસ્થા શરુ કરી છે. 'શાહીન' તરછોડાયેલી સ્ત્રીઓની મદદ કરે છે, સહારો આપે છે અને મદદરૂપ થાય છે.

જમીલા કહે છે કે તે જે મુસલમાન કોમની વસ્તી ધરાવતા વિસ્તારમાં કાર્યરત છે, ત્યાં દર ત્રણ પરિવારમાંથી એક પરિવારે તેમની પુત્રીઓના લગ્ન પૈસા માટે કરાવ્યા છે.

જમીલા કહે છે "આ પરિવારો ખૂબજ ગરીબીમાં જીવે છે, બાળકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહ્ન ભોજન પર આધાર રાખે છે."

માતાપિતા એ વાત સ્વીકારવા તૈયાર નથી કે તેઓ પૈસા માટે આ કાર્ય કરે છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેના બદલે તેઓ લગ્ન દ્વારા સામાજિક રીતે સ્વીકાર્ય વિનિમય દ્વારા આવી નાણાકીય લેતી-દેતીનો વ્યવહાર બનાવવાનો પ્રયાસ કરે છે.

તે એક ખૂબજ દુ:ખદ પરિસ્થિતિ છે, પરંતુ એક કિસ્સો ખુબજ હૃદયદ્રાવક છે.

line

બાળપણની સખીઓની આપવીતી

મહિલાઓનું રેખાચિત્ર
ઇમેજ કૅપ્શન, રૂબીયા અને સુલ્તાનાને લગ્ન બાદ ખબર પડી કે તેઓ એક જ વ્યક્તિને પરણી છે

રૂબીયા અને સુલતાના બાળપણની સખીઓ હતી. તેઓ બંન્ને પરણ્યા અને લગ્ન બાદ તેમને બન્નેને ખબર પડી કે તેઓ એકજ વ્યક્તિને પરણી છે.

રૂબીયા 13 વર્ષની હતી, ત્યારે તેના ઓમાનના 78 વર્ષીય શેખ સાથે નિકાહ કરાવી દેવામાં આવ્યા હતા.

રુબીયાએ કહ્યું હતું કે "તેણે મને અને મારી સખી બન્નેને તરછોડી દીધા."

બન્ને સખીઓને તેમના પતિ તરફથી અઠવાડિયાઓ સુધી કાંઈ ખબર કે ભાળ મળી નહિ.

રુબિયા રડતા સ્વરે તેની આપવીતી સંભળાવતા કહે છે કે, અંતે સુલતાનાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

line

મુસ્લિમ સમાજની દ્રષ્ટિએ

હૈદરાબાદના ચાર મિનાર નજીકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાંક સુધારકો આ પ્રકારના લગ્નની પ્રથા બંધ કરાવવા કાર્ય કરી રહ્યા છે (પ્રતીકાત્મક તસવીર

ઇસ્લામિક વિદ્વાન મુફ્તી હાફિઝ અબ્રાર આવા લગ્નોને એક પ્રકારે "વેશ્યાગીરી" કહે છે.

અબ્રાર કહે છે, "એવા કાઝીઓ જે અન્ય દેશોના પુરુષો માટે યુવાન છોકરીઓ સાથે લગ્ન કરવા માટે નાણાં લે છે. તેઓ મુસ્લિમ સમુદાય અને ઇસ્લામનું નામ ખરાબ કરે છે."

તેલંગાણા ચાઇલ્ડ રાઇટ્સ પ્રોટેક્શન ઓફિસર ઇમ્તિયાઝ અલી ખાન લગ્ન બંધ કરવા મસ્જિદોની સહાય મેળવવાની માંગ કરી રહ્યા છે.

ઇમ્તિયાઝ અલી ખાન કહે છે "અમે મસ્જિદોમાં તેમની પ્રાર્થના (નમાઝ) સાથે આવા લગ્ન સામે સંદેશો ફેલાવવાનું શરૂ કર્યું છે."

line

એક આશા

ફરહીન, તબ્બસ્સુમ, ઝેહરા, રુબિયા અને સુલતાના જેવી ઘણી સ્ત્રીઓનું કલ્પના ચિત્ર
ઇમેજ કૅપ્શન, જીવનની સફર મુશ્કેલ હોવા છતાં ફરહીનને એવી ક્યાંક ઊંડે ઊંડે આશા છે કે એક દિવસ આ સમાજ મહિલાઓના શિક્ષણને મહત્વ આપવાનું શરૂ કરશે

ફરહીન, તબ્બસ્સુમ, ઝેહરા, રુબિયા અને સુલતાના જેવી ઘણી સ્ત્રીઓ માટે આ એક પ્રકારે આશા આપે છે.

તેની જીવનની સફર મુશ્કેલ હોવા છતાં ફરહીનને એવી ક્યાંક ઊંડે ઊંડે આશા છે કે એક દિવસ આ સમાજ મહિલાઓના શિક્ષણને મહત્વ આપવાનું શરૂ કરશે.

સમાજ આ સગીર કન્યાઓને માત્ર તેમની જાતીય ભૂખ સંતોષવાના હેતુ માત્રથી નહિ જુએ.

ફરહીન કહે છે, "મારા માતા-પિતા તેમણે કરેલા કૃત્ય માટે દિલગીરી અનુભવે છે."

ફરહીન ઉમેરે છે કે જો આ અંગે જાગૃતિ આવે તો અન્ય માતા-પિતા પણ તેમની પુત્રીઓને નાણાં માટે લગ્ન કરવાને બદલે શિક્ષિત કરશે.

(* પાત્રોની સાચી ઓળખ છુપાવવાની માર્ગદર્શિકાને અનુસરતા અહીં આ લેખમાં બધા નામ બદલીને મુકવામાં આવ્યા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો