ભારતમાં પ્રજ્ઞાચક્ષુઓની સ્થિતિ વિશે આ પાંચ વિગતો જાણો

વિશ્વભરના કુલ 3.6 કરોડ પ્રજ્ઞાચક્ષુઓ પૈકી 83 લાખ પ્રજ્ઞાચક્ષુઓ ભારતમાં છે.

પ્રજ્ઞાચક્ષુઓની સંખ્યાની બાબતમાં ભારત ચીન બાદ બીજા ક્રમે છે.

વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ સાથે જોડાયેલી માહિતીપ્રદ વિગતો પર એક નજર.

તમને આ પણ વાંચવું ગમશે

1. પ્રજ્ઞાચક્ષુઓની વસતિમાં ભારત બીજા ક્રમે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં વર્ષ 2010ના એક અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં લગભગ 3.6 કરોડ લોકો પ્રજ્ઞાચક્ષુ છે.

જેમાંથી 83 લાખ લોકો ભારતમાં હોવાનો અંદાજ છે. સમગ્ર વિશ્વના 20.5 ટકા પ્રજ્ઞાચક્ષુઓ ભારતમાં છે.

આ આંકડાઓ પ્રમાણે ભારત પ્રજ્ઞાચક્ષુઓ ધરાવતો વિશ્વનો બીજા ક્રમનો દેશ છે, જેમાં પ્રથમ ક્રમાંકે ચીન છે.

2. મોતિયો છે અંધાપો આવવાનું મુખ્ય કારણ

અંધાપા માટે વિવિધ કારણો અને બીમારીઓ જવાબદાર હોય છે, પરંતુ અંધાપો આવવાના વિવિધ કારણો પૈકી 50 ટકા કારણ મોતિયો છે.

મોતિયાના કારણે અંધાપાની શક્યતા વધુ રહેતી હોવાના કારણે સરકાર આ બીમારીના ઑપરેશન વધુ પ્રમાણમાં થાય તેવું લક્ષ્ય રાખી રહી છે.

વર્ષ 2017-18માં સરકારે 3.99 લાખ ઑપરેશન કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, જેમાંથી જૂન મહિના સુધીમાં 1.46 લાખ ઑપરેશન થયા છે.

3. દેશમાં મહિલા પ્રજ્ઞાચક્ષુઓનીસંખ્યા વધારે

આંતરરાષ્ટ્રીય સંસ્થા 'વિઝન લૉસ એક્સ્પર્ટ ગ્રૂપ'ના અહેવાલ પ્રમાણે ભારતમાં રહેલા કુલ પ્રજ્ઞાચક્ષુઓમાં આશરે 48 લાખ મહિલાઓ અને 35 લાખ પુરૂષ પ્રજ્ઞાચક્ષુ છે.

4. દર દસ લાખની વસતિએ 14 ઑપ્થેલ્મોલૉજીસ્ટ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વર્ષ 2015ના એક અહેવાલ પ્રમાણે ભારતમાં ઑપ્થેલ્મોલૉજીસ્ટ એટલે કે આંખના નિષ્ણાત ડૉક્ટર્સની સંખ્યા 18,100 છે.

એટલે કે દર દસ લાખની વસતિએ માત્ર 14 ઑપ્થેલ્મોલૉજીસ્ટ છે.

5. ચક્ષુદાનથી થઈ શકે છે અંધાપો દૂર

ભારત સરકારના 'નેશનલ પ્રોગ્રામ ફૉર કન્ટ્રૉલ ઑફ બ્લાઈન્ડનેસ'ની ચુક્ષુદાનની કામગીરી હેઠળ વર્ષ 2017-18માં 50 હજાર આંખનું દાન મેળવવાનું લક્ષ્ય રખાયું છે.

આ લક્ષ્ય સામે જૂન મહિના સુધીમાં 10 હજાર 574 આંખોનું દાન મળ્યું છે.

ગુજરાતમાં આ વર્ષમાં 6 હજાર 500 આંખના દાનનું લક્ષ્ય રખાયું છે, જેની સામે જૂન મહિના સુધીમાં 1337 આંખો દાનમાં મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો