મૂછ વિવાદ: દલિત સગીરે ખોટી ફરિયાદ કરી હોવાનો પોલીસનો ખુલાસો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, સંવાદદાતા
મૂછ રાખવાના મુદ્દે ગાંધીનગર જિલ્લાના લિંબોદરા ગામના દલિત યુવાન પર હુમલાના બે દિવસ બાદ ફરી એ જ ગામના દલિત સગીર પર થયેલા હુમલાના કિસ્સામાં નવો ખુલાસો થયો છે.
પોલીસની તપાસમાં આ સગીર પરનો હિંસક હુમલો ઉપજાવી કાઢેલો અને તેની ફરિયાદ ખોટી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે સગીરની માતાનો સંપર્ક સાધવામાં આવતા, તેમણે પુત્રને ગેરમાર્ગે દોરાયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
મૂછો રાખવા બદલ કાકાના દીકરા ઉપર હુમલો થયો હતો. આ અંગેની ફરિયાદ ગંભીરતાથી લેવાય તે માટે આ સગીરે ખુદ પર હુમલો થયાની ફરિયાદ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે આ ખોટી ફરિયાદ એ દલિતોની વ્યગ્રતાનું પરિણામ છે.

ફરિયાદની ફોરેન્સિક તપાસ

ઇમેજ સ્રોત, FACEBOOK
પોલીસના ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીના અધિકારીઓએ સગીરની ફરિયાદમાં સાતત્યતા અને સાંયોગિક પુરાવાને આધારે જણાવ્યું છે કે આ સગીરની ફરિયાદ ખોટી છે.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંધીનગર જિલ્લાના સુપ્રિન્ટેન્ડેટ ઑફ પોલીસ વિરેન્દ્ર યાદવે બીબીસીને કહ્યું,"અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ સગીરે તેના પર થયેલા હુમલાની વાત ઉપજાવી કાઢેલી છે."
આ સગીરે તેની ફરિયાદમાં બે સાક્ષીઓના નામ આપ્યા છે.

સગીરે કેમ કરી ફરિયાદ?

ઇમેજ સ્રોત, FACEBOOK
આ સાક્ષીઓએ પોલીસને જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બરે તેના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી હતી.
સગીર ઇચ્છતો હતો કે પોલીસ તેના ભાઈની ફરિયાદને ગંભીરતાથી લે.
સગીરના માતા ચંદ્રિકાબહેન મહેરિયાના જણાવ્યા પ્રમાણે, તેમના દીકરાને કોઈકે ગેરમાર્ગે દોર્યો હશે એટલે તેણે આમ કર્યું હશે.
ચંદ્રિકાબહેને ઉમેર્યું હતું કે, હાલની તકે પરિવાર આ મુદ્દે સગીર સાથે કોઈ ચર્ચા નથી કરી રહ્યો.
આ વિસ્તારના દલિત કાર્યકર્તા કૌશિક પરમારના કહેવા પ્રમાણે, તેમણે સગીર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર તેમની સાથેની મુલાકાત ટાળી રહ્યો છે.
સગીરના કાકાના દીકરાએ 27 સપ્ટેમ્બરે શેડ્યૂલ કાસ્ટ એન્ડ શેડ્યૂલ ટ્રાઇબ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટીઝ) ઍક્ટ 2015 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
યાદવે કહ્યું, "એ સગીરે બ્લેડ ખરીદવા અને તેની પીઠ પર ઘા બનાવવા માટે તેના આ બે મિત્રોની મદદ લીધી હતી."
ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીના અધિકારીઓને એ સગીરની પીઠ પરનો ઘા કોઈ હુમલા સમયે થાય તેવો ઘા નહોતો જણાયો. પરંતુ તે ઘા ખૂબ જ સાવચેતીપૂર્વક કરવામાં આવ્યો હોય તેમ જણાયું હતું.

ઇમેજ સ્રોત, SANDEEP
સગીરે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે હુમલા પછી નીચે પડી ગયો હોવાથી હુમલાખોરોને જોઈ શક્યો નહોતો.
જો કે, તપાસ અધિકારીઓને તેના શર્ટ કે તેના ઘા પર માટીના ડાઘ કે અવશેષો જોવા મળ્યા ન હતા.
વિરેન્દ્ર યાદવે જણાવ્યું કે, આ સગીરની ફરિયાદ ખોટી સાબિત થઈ હોવાથી, હવે પોલીસ કોર્ટમાં 'બી સમરી' ફાઇલ કરીને આ કેસને બંધ કરી દેશે.

ઇમેજ સ્રોત, SUMIT CHAUHAN
આ યુવાન સામે પણ પોલીસે કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરવાનું નક્કી કર્યું છે, કારણ કે તે અને તેના બન્ને મિત્રો સગીર વયના છે.

ઇમેજ સ્રોત, VIJAY KUMAR
જો કે આ મુદ્દે દલિત આગેવાનોનો મત જુદો છે. બીબીસી સાથે વાત કરતા દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે આ ખોટી પોલીસ ફરિયાદ એ અત્યાચારોનો ભોગ બનેલા દલિતોની વ્યગ્રતાનું પરિણામ છે.
જ્યારે પોલીસે મૂછો રાખનાર સગીર પર થયેલા હુમલા અને તેના અપમાનની ફરિયાદ પર કાર્યવાહી ન કરી એટલે આ પગલું ભરવામાં આવ્યું હતું.
મૂછના મુદ્દે લિંબોદરાના યુવાન પર થયેલા હુમલા અને અપમાન બાદ સમગ્ર રાજ્યમાં દલિત યુવાનોએ મૂછો સાથેની સેલ્ફી લઈને તેને પોતાના સોશિઅલ મીડિયા પર પ્રોફાઇલ પિક્ચર તરીકે મૂક્યા હતા.
આ ટ્રેન્ડ વાઇરલ થયો હતો અને તેની નોંધ વિવિધ આંતરરષ્ટ્રીય મીડિયામાં પણ લેવાઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













