ઉનાની ઘટના બાદ કેવી છે ગુજરાતમાં દલિતોની સ્થિતિ?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ન્યૂઝ
એક વર્ષ પહેલાં ઉનામાં થયેલો દલિત અત્યાચાર તમને યાદ હશે.
મોટા સમઢિયાળા ગામમાં ગૌરક્ષક તરીકે ઓળખાવતા કેટલાક ઉચ્ચ જ્ઞાતિના લોકોએ જે રીતે ચાર લોકોને ઢોર માર માર્યો હતો.
તેના પડઘા દેશભરમાં સાંભળવા મળ્યા હતા. એ ચાર લોકોનો વાંક ખાલી એટલો હતો કે તેઓ મરેલી ગાયનું ચામડું ઉતારીને લઈ જઈ રહ્યા હતા.
એ ઘટનાનાં એક વર્ષ પછી પણ દલિત સમાજમાં તે ઘટનાના ઘા હજુ પણ તાજા છે.
તેમની સાથે પણ આવી કોઈ ઘટના ન ઘટે તે માટે મોટા ભાગના દલિતો બીજા વ્યવસાય અપનાવવા લાગ્યા છે અને પ્રતિજ્ઞા લીધી છે કે હવે ક્યારેય મૃત ગાયની ચામડી ઉતારવાનું કામ નહીં કરે.
તમને આ વાંચવું પણ ગમશે
સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીં રહેતા મોટાભાગના દલિતો એક થઈ ગયા છે અને ક્યારેય મૃત ગાયને ન ઉપાડવાનો નિયમ લીધો છે.


દલિતોની શું છે સ્થિતિ ?
બીબીસીની ટીમે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે આજની તારીખમાં કેટલા એવા દલિતો છે કે જેઓ હજુ પણ મૃત ગાયને ઉપાડવાના વ્યવસાય સાથે જોડાયેલા છે.
જાણવા મળ્યું કે ગામના થોડા લોકો છે કે જેઓ પોતાના ધંધામાં પરત ફર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ ઘણા લોકો એવા છે કે જેઓ પોતાના પૂર્વજો દ્વારા શરૂ કરાયેલા આ વ્યવસાયને છોડીને ગામમાંથી હિજરત કરી ગયા છે.
વઢવાણ તાલુકાના દેદાદરા ગામમાં રહેતા મુન્ના રાઠોડ જણાવે છે કે તેઓ 45 દિવસ સુધી પોતાના વ્યવસાયથી દૂર રહ્યા હતા.
તમને આ વાંચવું પણ ગમશે
માત્ર 9 ધોરણ સુધી ભણેલા મુન્ના રાઠોડે ખાનગી કંપનીમાં નોકરી કરવાનો નિર્ણય લીધો હતો.
તેઓ કહે છે, "હું અમદાવાદ અને સાણંદની ઘણી કંપનીઓમાં ગયો પણ જ્યારે મેં મારી વિગતો આપી તો મને કોઈ કંપનીએ નોકરી ન આપી."
મારા બાયોડેટામાં લખેલું હતું કે 'હું એક દલિત છું અને એક મહિના પહેલા સુધી મૃત ગાય ઉપાડવાનું કામ કરતો હતો.'

"મને કોઈ નોકરી ન મળતા હું ફરી મૃત ગાય ઉપાડવાના મારા જૂના વ્યવસાય સાથે જોડાઈ ગયો છું."
રાઠોડે કહ્યું કે ખાનગી કંપનીઓએ તો તેમને નોકરી ન આપી પણ સરકારી સંસ્થાઓએ પણ તેમની કોઈ મદદ ન કરી.
મુન્ના રાઠોડ જેવા ઘણા એવા યુવાનો છે કે જેઓ એક નવી શરૂઆત તો કરવા માગતા હતા, પણ તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા.

દલિતોની સ્થિતિ માટે સરકાર કેટલી જવાબદાર ?

જો કે રાજકીય વિશ્લેષક વિદ્યુત ઠાકર કહે છે કે સરકાર પર આરોપ લગાવવો અયોગ્ય છે.
તેઓ કહે છે, "સરકાર જે કરી શકે છે તે બધું જ કરી રહી છે. પણ માત્ર સરકાર એકલા હાથે પરિસ્થિતિમાં પરિવર્તન નથી લાવી શકતી."
"સરકારની સાથે જો સમાજ અને ધાર્મિક સંસ્થાઓ પણ એકબીજા સાથે મળી જાય તો જ દલિતોની પરિસ્થિતિમાં સુધાર આવી શકે છે."
ઘણા દલિત એવા પણ છે કે જેમને ગામમાં ધમકીઓ પણ મળી અને તેમને મૃત ગાયના વ્યવસાય સાથે જોડાઈ રહેવા કહેવામાં આવ્યું.

ગામ છોડવું પડ્યું

વઢવાણ તાલુકાના બલોલ ભાલ ગામના કનુ રાઠોડ જણાવે છે, "મને કહેવામાં આવ્યું હતું કે જો હું મૃત ગાય ઉઠાવવાનું કામ નહીં કરૂં તો મને ગામમાંથી કાઢી મુકવામાં આવશે."
રાઠોડ ઉમેરે છે, "ત્યારબાદ હું જાતે જ ગામમાંથી નીકળી ગયો અને અમદાવાદ આવીને રહું છું."
કનુભાઈ હવે મૃત ગાય ઉઠાવવાના વ્યવસાય સાથે નથી જોડાયેલા. તેઓ બગોદરા-અમદાવાદ હાઈવે પર બેસે છે અને લોકોના જૂતાં પોલીશ કરી રોજી-રોટી કમાય છે.
કનુભાઈનો દીકરો પણ કૉલેજમાં અભ્યાસ કરવા સાથેસાથે તૈયાર કપડાંના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ પણ કરે છે.
તેમના પત્ની પણ નાનું મોટું કામ કરી દિવસના 100 રૂપિયાની કમાણી કરી લે છે.
કનુભાઈ કહે છે, "ખરાબ વ્યક્તિ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરતા ગંદા વ્યવસાયથી દૂર રહીને અમે અહીં નવેસરથી રોજી-રોટી કમાઈએ છીએ, જે અમારી નવી ઓળખ બનાવે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















