You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રીમાલ વાવાઝોડું ખતરનાક બની ત્રાટક્યું ત્યારે શું થયું અને હવે ગુજરાતમાં ચોમાસાનું શું થશે?
બંગાળની ખાડીમાં ખતરનાક બનેલું વાવાઝોડું રીમાલ રવિવારની રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું અને હજી પણ તે જમીન પર આગળ વધી રહ્યું છે.
હવે આ વાવાઝોડું આગળ વધ્યા બાદ નબળું પડી જશે, પરંતુ આ વાવાઝોડા કારણે અનેક વિસ્તારોને અસર થઈ છે અને હજી પણ ઘણા વિસ્તારો પર તેની અસર થવાની શક્યતા છે.
બંગાળ પર ત્રાટકેલા વાવાઝોડાને કારણે ગુજરાતને પણ પરોક્ષ રીતે અસર થઈ છે અને આવનારા દિવસોમાં રાજ્યમાં હવે હવામાન બદલવાની સંભાવના દેખાઈ રહી છે.
એક તરફ વાવાઝોડું આગળ વધીને દરિયાકાંઠે ત્રાટકી ગયું છે અને બીજી તરફ ચોમાસું તેની પાછળ-પાછળ આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું વધારે વિસ્તારોમાં આગળ વધ્યું છે.
વાવાાઝોડું ત્રાટક્યું ત્યારે શું થયું હતું?
બંગાળની ખાડીમાં 24 મેના રોજ બનેલું વાવાઝોડું રીમાલ 26 મેના રોજ વધારે તાકતવર બનીને ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે રવિવારની રાત્રે સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે આ વાવાઝોડું રાત્રે 10.30 વાગ્યે દરિયાકાંઠે ટકરાયું હતું.
વાવાઝોડું જ્યારે ટકારાયું ત્યારે વાવાઝોડાના પવનની ગતિ 110થી 120 પ્રતિકલાક હતી અને તે વધીને 135 કિમી પ્રતિકલાક સુધી પહોંચી હતી. જમીન પર પહોંચ્યા બાદ આ સિસ્ટમ હવે નબળી પડી જશે અને અંતે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈને વિખેરાઈ જશે.
આ વાવાઝોડાના કારણે પશ્વિમ બંગાળ અને બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી ગયાં છે, ક્યાંક વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. ઘણા વિસ્તારમાં તેના કારણે નુકસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હજી પણ બે દિવસ સુધી આ સિસ્ટમની અસર બાંગ્લાદેશ અને ભારતના પૂર્વોત્તરનાં રાજ્યો પર રહેશે એવી શક્યતા દેખાઈ રહી છે, ઘણા વિસ્તારોમાં થોડો ઝડપી પવન અને ભારે વરસાદની શક્યતા છે.
વાવાઝોડાની સૌથી વધારે અસર ભારતમાં પશ્ચિમ બંગાળમાં થઈ હતી, રાજ્યના પાટનગર કોલકત્તા સુધી તેની અસર વર્તાઈ હતી અને વરસાદ પડતાં ઘણા વિસ્તારોમાં ભારે પાણી ભરાયાં હતાં.
વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં શું થશે?
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. પરંતુ હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી ઘટી ગઈ છે.
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે અને હવે પવનો અરબી સમુદ્ર પરથી આવી રહ્યા છે, આ પવનો ઠંડા હોવાના કારણે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયો છે.
વાવાઝોડાને કારણે ગુજરાત, રાજસ્થાન થતા અન્ય વિસ્તારો પરના પવનો એ તરફ ખેંચાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી ગઈ છે અને હજી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં પવનની ગતિમાં આ વધારો જળવાઈ રહે તેવી સંભાવના છે.
ગુજરાતમાં હવે આવનારા દિવસોમાં ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થાય તેવી શક્યતા છે. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.
વાવાઝોડાને કારણે આગળ વધતાં ચોમાસાનું શું થયું?
19 મેના રોજ નિકોબારના ટાપુઓ પર પહોંચેલું ચોમાસું ત્યારે બાદ સતત આગળ વધી રહ્યું છે અને 22 મે સુધીમાં તે અરબી સમુદ્ર સુધી પહોંચી ગયું હતું.
ભારતમાં ચોમાસું બે શાખામાં આગળ વધે છે, એક અરબી સમુદ્ર તરફથી અને બીજું બંગાળની ખાડી તરફથી આગળ વધે છે. તેમાં હાલ અરબી સમુદ્ર તરફ કોઈ પ્રગતિ દેખાઈ નથી.
બંગાળની ખાડી તરફ ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, એનું એક કારણ અહીં સર્જાયેલું વાવાઝોડું પણ છે. બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારને ચોમાસાએ આવરી લીધા છે.
જોકે, ભારતમાં ચોમાસાની શરૂઆત ત્યારે જ ગણાય જ્યારે ચોમાસું કેરળ પર પહોંચે, હવામાન વિભાગે આ વર્ષ 31 મેના રોજ ચોમાસું કેરળ પર પહોંચે તેવી સંભાવના દર્શાવી છે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું તેના નિર્ધારિત ટાઇમટેબલ પ્રમાણે જ આગળ વધી રહ્યું છે અને હજી સુધી તેની પ્રગતિમાં કોઈ બાધા આવી નથી.
મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં પણ જૂનના પ્રથમ અઠવાડિયામાં પ્રિ-મૉન્સુન ઍક્ટિવિટી શરૂ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.