હમાસને નાણાં ક્યાંથી મળે છે? ઇઝરાયલનું યુદ્ધ કેટલું મોટું થઈ શકે?

ઇઝરાયલ પર હમાસના જોરદાર હુમલાને ત્રણ અઠવાડિયા થયાં છે, જેમાં 1400નો ભોગ લેવાયો હતો.

ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર બૉમ્બમારો કરીને વળતી કાર્યવાહી કરી શરૂ કરી છે. હમાસ નિયંત્રિત આરોગ્ય મંત્રાલય કહે છે કે તેમાં 5,000થી વધુ લોકો માર્યા ગયા છે.

ઇઝરાયલને સમર્થન દર્શાવવા માટે પશ્ચિમી નેતાઓ મુલાકાત લઈ રહ્યા છે - અને સાથે જ ઇઝરાયલી નેતાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા અને ગાઝામાં નાગરિકોનું રક્ષણ કરવા માટે પણ કહી રહ્યા છે. ગાઝામાં ભૂમિ માર્ગે ગમે ત્યારે આક્રમણ થઈ છે, પણ ખરેખર ક્યારે તે અંગે કોઈ સ્પષ્ટ સંકેત નથી.

પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને જટિલ બની રહી છે. આ પ્રદેશમાંથી હાલમાં અમારા સંવાદદાતાઓ અહેવાલો મોકલી રહ્યા છે. બીબીસીના વાચકોએ પૂછેલા કેટલાક પ્રશ્નોના જવાબો અમે તેમની પાસેથી મેળવ્યા છે, જેથી સમગ્ર ચિત્ર થોડું સ્પષ્ટ થઈ શકે છે. અમારા સંવાદદાતાના જવાબો તમે નીચે વાંચી શકો છો.

મોટા યુદ્ધની શક્યતા કેટલી?

પ્રશ્ન: મધ્ય પૂર્વમાં મોટા યુદ્ધની સંભાવના કેટલી અને શું તે ઇઝરાયલી લોકો માટે ખૂબ ચિંતાજનક હશે?

જેરુસલેમથી રિપોર્ટિંગ કરી રહેલા અમારા ડિપ્લોમેટિક કૉરસપૉન્ડન્ટ પૉલ એડમ્સ જણાવે છે:

દરેકના મનમાં આવો સવાલ છે અને તે શક્યતાને કારણે જ વિદેશી નેતાઓ અને રાજદ્વારીઓ છેલ્લા અઠવાડિયા દરમિયાન ઇઝરાયલની મુલાકાત લઈ રહ્યા છે.

ચિંતાનું મુખ્ય કેન્દ્ર ઇઝરાયેલની ઉત્તરની સરહદ છે, જ્યાં ઇઝરાયલી દળો અને લેબેનોનના શિયા ઉદ્દામવાદી હિઝબોલ્લાહ વચ્ચે સામસામે ગોળીબાર દિવસેને દિવસે વધી રહ્યા છે.

ઇઝરાયલે સરહદ પર સૈનિકો અને તોપો ગોઠવી છે અને જોખમ હેઠળ રહેલા ગામના હજારો નાગરિકોને આગોતરા ત્યાંથી હટાવી લેવાયા છે.

હિઝબોલ્લાહને ઈરાનનું સમર્થન છે, જેણે ચેતવણી આપી છે કે જો ગાઝામાં પરિસ્થિતિ વકરશે તો પોતે પણ કુદી પડશે.

અત્યાધુનિક મિસાઇલોનો મોટો જથ્થો હિઝબોલ્લાહ પાસે હોવાના કારણે હમાસ કરતાં વધુ ખતરો ઈઝરાયલને તેના તરફથી છે.

અમેરિકાએ ઇઝરાયલને વધારાની શસ્ત્રસામગ્રી મોકલી છે અને હિઝબોલ્લાહ અને ઈરાન સામે ધાક ઊભી કરવા માટે પોતાના વિમાનવાહક જહાજોને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં મોકલ્યાં છે.

તાજેતરના દિવસોમાં હુમલા ચિંતાજનક રીતે વધ્યા છે, પરંતુ એટલું ખરું કે હિઝબોલ્લાહ ગમણાં જ લડાઈમાં ઉતરી પડે તેવો કોઈ ચોક્કસ નિર્ણય લીધો હોય તેવું લાગતું નથી.

શું ગાઝામાં અનાજ અને બળતણ પહોંચી રહ્યા છે?

પ્રશ્ન: છેલ્લા બે અઠવાડિયાંથી ઇઝરાયલ દ્વારા ગાઝાની નાકાબંધી વિશે - શું આનો અર્થ એ કે ગાઝાના લોકોને પાણી, બળતણ અને વીજળી બિલકુલ મળી રહ્યાં નથી?

જેરૂલસેમથી મધ્ય પૂર્વના સંવાદદાતા ટોમ બેટમેન જવાબ આપે છે:

ઇઝરાયલે ગાઝા ફરતે "સંપૂર્ણ ઘેરો" લાદી દેવાની વાત કરી છે. ઇઝરાયલના ઊર્જાપ્રધાન કાત્ઝેએ હમાસના હુમલા પછી જણાવ્યું હતું કે બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી વીજળી અથવા પાણીનો પુરવઠો આપવામાં નહીં - આને "માનવતાવાદી માટે માનવતાવાદી" એવી રીત તેમણે ગણાવી હતી.

ગાઝા પટ્ટીમાં હમાસનું વર્ચસ્વ વધી ગયું તે પછી 2006થી આ પ્રદેશ ફરતે ઇઝરાયલે નાકાબંધી કડક કરી દીધી છે. ગાઝા પર ઇજિપ્ત દ્વારા સમર્થિત ચુસ્ત નાકાબંધી લાદી દીધી હતી. ઇઝરાયલનું કહેવું છે કે હથિયારો તૈયાર કરવાની સામગ્રીને અંદર પહોંચતી રોકવા માટે નાકાબંધી કરાઈ છે.

તેના કારણે સામાન્ય નાગરિકો માટે જીવન વધુ કઠિન બની ગયું છે. ગાઝાની અંદર આવનજાવન અને અંદર જતી કે બહાર જતી દરેક વસ્તુ પર ઇઝરાયલ અને ઇજિપ્તનું નિયંત્રણ છે; સિવાય કે કેટલીક વસ્તુઓ ઇજિપ્તમાંથી ટનલ મારફત દાણચોરીથી ગાઝા પહોંચી જાય છે.

શનિવારે હુમલો થયો તે પછી ઇજિપ્ત સાથેની સરહદ બંધ થઈ ગઈ છે અને રાહત સામગ્રી સાથેની કેટલીક ટ્રક સિવાય બધી જ અવરજવર બંધ થઈ ગઈ છે. ઇઝરાયલ પૂર્વના ખાન યુનિસ વિસ્તારમાં દિવસમાં થોડા કલાકો માટે પાઇપ દ્વારા પાણીની મંજૂરી આપે છે તે સિવાય કશું મળવું મુશ્કેલ છે.

તેનો અર્થ એ કે ગાઝાની અંદર વીજળી અને પીવાના પાણીના પુરવઠો મર્યાદિત છે. સંઘર્ષ પહેલા સંગ્ર થયો હતો તેમાંથી જ કામ ચલાવવાનું છે. જનરેટર માટે ડિઝલ જોઈએ તે મળે તેમ નથી. જનરેટર ચાલે તો વીજળીથી ઘરોમાં વોટર ફિલ્ટર સિસ્ટમ ચાલી શકે. તે પણ બંધ થઈ ગયા છે. ખાનગી કુવાનું પાણી પણ પાવર કરી શકે છે), બાટલીમાં ભરેલા પાણીનો બાકીનો સ્ટોક અને ખાનગી કુવાઓ - આ પાણી ઘણીવાર પ્રદૂષિત હોય છે અને તેને ફિલ્ટર કરવાની જરૂર પડે છે.

શું ઇઝરાયેલ બંધકોને છોડાવી શકશે?

પ્રશ્ન: હમાસના કબજામાં રહેલા બંધકોને ઇઝરાયલ બચાવી શકશે તેની કેટલી સંભાવના છે?

સુરક્ષા સંવાદદાતા ફ્રૅન્ક ગાર્ડનર કહે છે:

ગાઝામાં બંધકોને ખૂબ મોટી સંખ્યામાં - 200થી વધુને રખાયા છે - એટલે ઇઝરાયલ આક્રમણ કરીને તે બધાને છોડાવવામાં સફળ થાય તેવી શક્યતા ઓછી છે.

કતારની મધ્યસ્થી પછી ગયા શુક્રવારે બે બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને અન્ય બેને સોમવારે મુક્ત કરવામાં આવ્યા હતા. કતારના અધિકારીઓ માને છે કે વધુને મુક્ત કરાવી શકાશે, જોકે કેટલાકને લાગે છે કે હમાસ આ રીતે ગાઝામાં થનારા લશ્કરી આક્રમણ શક્ય એટલા દિવસો ટાળવા માટે એક પછી એકને મુક્ત કરવાની ચાલાકી કરી રહ્યું છે.

ઇઝરાયલના કમાન્ડો પાસે બંધકોને છોડાવવાની કુશળતા છે અને તેનું સ્પેશિયલ ફોર્સીસ યુનિટ - સયારેટ મટ્કલ આવા ઓપરેશન માટે સઘન તાલીમ પામેલું છે.

જોકે તેમનું કામ અઘરું છે, કેમ કે કેટલાક અથવા તમામ બંધકોને સુરંગો અને બંકરોમાં ભૂગર્ભમાં રાખવામાં આવ્યા હોવાની શક્યતા છે. અથવા તો તેમને સતત એકથી બીજી જગ્યાએ ફેરવવામાં આવી રહ્યા છે.

જો અપહરણ કરનારાને લાગે કે તેમના હાથમાંથી બંધકો છૂટી જાય તેમ છે તેવા સંજોગોમાં કદાચ તેમને મારી નાખવાનો પ્રયાસ પણ કરશે. તેથી કોઈપણ બચાવ કામગીરી અત્યંત જોખમી સાબિત થઈ શકે.

હમાસને નાણાં ક્યાંથી મળે છે?

પ્રશ્ન: હમાસને ભંડોળ આપીને કોણે શરૂ કરાવ્યું? હમાસને આજે કોણ ફંડ આપે છે? હમાસને કેવી રીતે ભંડોળ આપે છે?

જેરૂસલેમથી મધ્ય પૂર્વનાં સંવાદદાતા યોલાન્ડે નેલ કહે છે:

હમાસને પ્રારંભમાં વિદેશ વસી ગયેલા કેટલાક પૅલેસ્ટિનિયન લોકો અને ખાનગી દાતાઓ, ખાસ કરીને ગલ્ફના અરબ દેશોના દાતાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું, કેટલીક ઇસ્લામિક સખાવતી સંસ્થાઓએ પણ ફંડ આપ્યું હતું.

અમેરિકા, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોએ હમાસને આતંકવાદી સંસ્થા જાહેર કરી તે પછી આ સ્રોતોમાંથી ભંડોળ મેળવવું મુશ્કેલ બન્યું હતું.

મહત્ત્વની વાત એ છે કે, હમાસને હવે ઈરાન તરફથી આર્થિક અને સંસાધનોની મદદ મળે છે.

તાજેતરનાં વર્ષોમાં ગાઝામાં આર્થિક સ્થિતિ વિકટ થઈ છે ત્યારે કતાર પૅલેસ્ટાઇનના હજારો સરકારી કર્મચારીઓને વેતન ચૂકવવામાં મદદ કરે તે માટે મંજૂરી આપવામાં આવી છે. પૅલેસ્ટાઇન માટે કતાર સહાય આપતું રહ્યું છે.

યુએસ ટ્રેઝરીના જણાવ્યા અનુસાર હમાસે ગુપ્ત આંતરરાષ્ટ્રીય ધોરણે રોકાણ કરી રાખ્યું છે. સુદાન, અલ્જિરિયા, તુર્કી, યુનાઇટેડ આરબ અમીરાત અને અન્ય દેશોમાં કાર્યરત કંપનીઓમાં કરોડો ડૉલરનું રોકાણ છે અને તેમાંથી મોટી આવક થતી હોવાનું માનવામાં આવે છે.

શું પશ્ચિમ યુદ્ધવિરામ કરાવશે?

પ્રશ્ન: પશ્ચિમ યુદ્ધવિરામની હાકલ કરતાં પહેલાં કેટલા નિર્દોષ લોકોના જીવ ગુમાવાની રાહ જોઈ રહ્યું છે?

પૉલ એડમ્સ કહે છે:

અત્યાર સુધીમાં મૃત્યુઆંક બહુ મોટો થઈ ગયો છે. ગાઝાના હમાસ નિયંત્રિત આરોગ્ય મંત્રાલય કહે છે કે 1,400થી વધુ ઇઝરાયલી અને 5,000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઇઝરાયેલ અને પેલેસ્ટિની લોકો વચ્ચે દાયકાઓ લાંબા સંઘર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકોનો ભોગ લેવાતો રહ્યો છે. તે ધોરણો કરતાંય આ વખત જાનહાની મોટા પાયે થઈ છે.

અગાઉ આ પ્રકારે ઘર્ષણ થયેલું તેના મારા અનુભવ પરથી મને લાગે છે કે પશ્ચિમના દેશો ઇઝરાયેલને થોડા દિવસનો ગાળો આપે છે, જેથી હમાસને પાઠ ભણાવી શકે અને તે પછી જ સંયમ માટે હાકલ કરે છે. યુદ્ધવિરામની વાત તો બાદમાં આવે છે. પશ્ચિમના દેશોની સરકારો સામાન્ય રીતે હમાસને પાઠ ભણાવવાની ઇઝરાયેલની ઇચ્છાને ચલાવતા રહ્યા છે.

પરંતુ આ વખતે યુદ્ધ અલગ છે. ઇઝરાયલ માત્ર હમાસને પાઠ ભણાવવા પૂરતું સિમિત રહેવા માગતું નથી. (ભૂતકાળમાં આવી કામગીરીને "ઘાસ કાપવું" એવી રીત ઓળખવામાં આવતી હતી.). આ વખતે ઇઝરાયલ હમાસની ચળવળને - રાજકીય અને લશ્કરી બંને રીતે કાયમ માટે નાબૂદ કરી દેવા માટે મક્કમ છે.

તેના કારણે આ વખતે મોટા પાયે લોકોએ ભોગવવાનું આવશે. અત્યાર સુધી ઇઝરાયેલને પશ્ચિમનું સમર્થન મળતું રહ્યું છે તે જોતા લાગે છે કે થોડો સમય પોતાનો હેતુ પાર પાડવા માટે તેને થોડો સમય મળી જશે. ત્યારબાદ આ દેશો હવે રુક જાવ એવું કહેશે.

શું ફતહમાં ગાઝાનો વહીવટ રહેશે?

પ્રશ્ન - શું હમાસ સામે હારી ગયેલા ફતહ તરફથી કોઈ સંકેત મળ્યા છે કે તે ગાઝાનો વહીવટ સંભાળવા તૈયાર છે.

યોલાન્ડે નેલનો જવાબ:

પ્રથમ ફતહને જાણી લઈએ. ફતહ એ બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષ છે અને હમાસનો મુખ્ય હરીફ છે.

ફતહના નેતા પ્રમુખ મહમૂદ અબ્બાસ છે જે પેલેસ્ટિનિયન ઓથોરિટીના વડા છે. કબજા હેઠળના વેસ્ટ બૅન્કના વિસ્તારોમાં તેમનો વહીવટ ચાલે છે.

અબ્બાસ પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઈઝેશન (PLO)ના પ્રમુખ પણ છે - જે પૅલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત છે.

ઇઝરાયેલ સાથેની સુલેહ માટેની સીધી વાટાઘાટોમાં મુખ્ય સંગઠન પીએલઓ છે, પણ હમાસ અને ઇસ્લામિક જેહાદ તેમાં સામેલ થયા નથી.

ગાઝા પટ્ટીમાં પણ પૅલેસ્ટાઇન ઑથોરિટીનું શાસન હતું, પરંતુ હમાસે 2007થી ત્યાં કબજો કરી લીધો છે. લોહિયાળ શેરી લડાઈમાં પૅલેસ્ટાઇન ઑથોરિટીના સૈનિકોને હાંકી કઢાયા. સંસદીય ચૂંટણીમાં હમાસ જીત્યું હતું તેના એક વર્ષ પછી આવું થયું હતું.

યુદ્ધ જાગ્યું તે પછી અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કન અહીં દોડી આવ્યાહતા અને તે વખતે પ્રમુખ અબ્બાસને પણ મળ્યા હતા.

ગયા અઠવાડિયે પૅલેસ્ટાઇન ઑથોરિટીના ભૂતપૂર્વ પ્રધાન સાબરી સૈદામને મળવાનું થયું હતું. તેઓ ફતહના સિનિયર નેતા છે અને અબ્બાસના નજીકના છે. મેં તેમને પૂછ્યું કે શું આ યુદ્ધ પછી ગાઝામાં પીએને ફરી પાછા ફરવા વિનંતી કરવામાં આવી રહી છે.

તેમણે મને કહ્યું: "ઇઝરાયલ ભવિષ્ય વિશે ચર્ચા કરવા માંગે છે, અમેરિકા ભવિષ્યની ચર્ચા કરવા માંગે છે. પેલેસ્ટિનિયન નેતૃત્વ એકદમ સ્પષ્ટ છે - અમારી લાગણી સ્પષ્ટ છે. ગાઝા અને ગાઝાના લોકોનું નિયંત્રણ કરવા માટે અમે ઇઝરાયલની ટેન્ક પર ચડીને નહીં આવીએ."

ઇઝરાયલ માટે રેડ લાઇન કઈ?

શું પશ્ચિમના દેશોએ આ યુદ્ધમાં ઇઝરાયલે ક્યાં અટકવું તે માટેની કોઈ રેડ લાઇન રાખી છે ખરી, એવું સેમ પૂછે છે.

ફ્રૅન્ક ગાર્ડનર જવાબ આપે છે:

એવી રેડ લાઇનો હોય તોય આપણને તેના વિશે બહુ ઓછું જાણવા મળ્યું નથી. ગયા વર્ષે યુક્રેન પર રશિયન આક્રમણ પછી નાટોમાં એક સ્પષ્ટ દૃષ્ટિકોણ હતો, તેવો આ વખતે કોઈ એક સમાન "પશ્ચિમના દેશોનો અભિગમ" ઊભો થયો નથી.

7 ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયલમાં નાગરિકો પર હમાસે કરેલો હુમલો એટલો તીવ્ર અને ક્રૂર હતો કે ઘણા પશ્ચિમી નેતાઓએ તરત જ ઇઝરાયલને સંપૂર્ણ સમર્થન આપી દીધું હતું.

જોકે, ઇઝરાયલે વળતા જવાબી હવાઈ હુમલા શરૂ કર્યા તેમાં ગાઝામાં મોટા પાયે નાગરિકોની ખુવારી થઈ છે. તે પછી ઇઝરાયલના સાથી દેશો પણ માનવા લાગ્યા છે કે નેતન્યાહુની સરકાર વધારે પડતી આગળ વધી રહી છે.

અમેરિકાના પ્રમુખ બાઇડન ગયા અઠવાડિયે ટૂંકી મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે પણ ઇઝરાયલને મેસેજ આપ્યો હતો કે "9/11 પછી અમે અમેરિકામાં ગુસ્સામાં આંધળા થઈ ગયા હતા, તેવું તમે કરશો નહીં." એ સંદેશ છે જે

પશ્ચિમના દેશોના તમામ નેતાઓએ ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનો ભંગ ન કરવા હાકલ કરી છે. જોકે સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સીઓ હવે ઇઝરાયલ પર એવા કાયદાઓના ભંગનો આક્ષેપ કરવા લાગી છે, કેમ કે ગીચ વસતિવાળા રહેણાક વિસ્તારોમાં પણ ઈઝરાયલ બોમ્બમારી કરી રહ્યું છે ભીડવાળા વિસ્તારોમાં બોમ્બમારો કરે છે અને દસ લાખથી વધુ લોકોને તેમના ઘરોમાંથી નાસી જવા માટે મજબૂર કરી રહ્યું છે.