'અશાંતધારાના દુરુપયોગ'ને કારણે અમદાવાદનો એક પરિવાર કેવી રીતે છેતરપિંડીનો ભોગ બન્યો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદના ગોમતીપુરમાં બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે અહીંના ચારતોડા કબ્રસ્તાનમાં જોવા મળે તેવી જ શાંતિ અહીંથી સો ડગલાં દૂર ચાલો એટલે દૂર ચોક્સીની ચાલીમાં જોવા મળે છે.

આ ચાલીમાં દર ત્રીજા ઘરમાં બે મુસ્લિમનાં અને ત્રીજું ઘર હિંદુનું છે.

આ વિસ્તારમાં રહેતા લોકોના જણાવ્યા પ્રમાણે અહીં ક્યારેય કોમી હિંસા જોવા મળી નથી, પણ એક અઠવાડિયાથી અહીં સ્મશાનવત્ શાંતિ જોવા મળે છે.

આ શાંતિનું કારણ છે બે પરિવારો વચ્ચેનો ઝઘડો. જેમાં એક હિંદુ કુટુંબનું ઘર મુસ્લિમ કુટુંબે ખરીદ્યા બાદ બંને કુટુંબો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને આ ઝઘડા બાદ આ મુસ્લિમ કુટુંબની એક સગીર છોકરીએ કથિતપણે પૈસા અને ઘર જતું રહેતા આત્મહત્યા કરી છે.

નોંધનીય છે કે બંને કુટુંબો વચ્ચે ઘરનો કાગળ પર સોદો થયા બાદ કબજો સોંપવા બાબતે તકરાર થઈ હતી.

જે બાદ મુસ્લિમ કુટુંબની સગીર દીકરીએ ગત 9 ઑગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો

શું છે સમગ્ર મામલો?

ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી વર્ષો જૂની ચોકસીની ચાલીમાં ત્રણ પેઢીથી હિંદુ-મુસ્લિમ ભેગા રહે છે .

આ ચાલીમાં હિંદુ-મુસ્લિમ એકબીજાની સમજૂતીથી 'પાવર ઑફ ઍટર્ની' મારફતે મકાનની લેવેચ કરે છે.

આવી જ રીતે વર્ષોથી અહીં રહેતા દશરથ કોષ્ટીએ 100 રૂપિયા સ્ટૅમ્પ પેપર પર પાવર ઑફ ઍટર્ની આપી જગન્નાથ સોનવણેને 2000ની સાલમાં વેચ્યું હતું.

તાજેતરમાં જગન્નાથ સોનવણેએ આ મકાન વેચવાનું નક્કી કર્યું, ત્યારે લોકો મકાન ખરીદવા આવવા લાગ્યા.

એ સમયે એમની સામેના મકાનમાં વર્ષોથી ભાડે રહેતા મોહમ્મદ અંસારીના પરિવારે જગન્નાથ સોનવણે સમક્ષ મકાન ખરીદવા બાબતે રસ વ્યક્ત કર્યો.

અંસારી પરિવારને સારી રીતે ઓળખતા સોનવણે પરિવારે બીજાને મકાન વેચવાને બદલે પાડોશીને મકાન વેચવાનું નક્કી કર્યું. બાદમાં 2024માં નવરાત્રી સમયે આ મકાન જગન્નાથ સોનવણે પાસેથી મોહમ્મદ અંસારીનાં પત્ની શાહજહાંના નામે બાનાખત કરી 15.50 લાખ રૂ.માં ખરીદવાનું નક્કી થયું અને અંસારી પરિવારના દાવા પ્રમાણે ટુકડે ટુકડે પૈસા રોકડામાં અપાયા.

જોકે, આ પૈસા આપવામાં આવ્યા છે કે નહીં તેની વિગતો જાણવા માટે અમે આરોપી પરિવારનો સંપર્ક સાધ્યો હતો પરંતુ કોઈ માહિતી મળી નહોતી. તેથી આ વિગતની સત્યતાની ચકાસણી બીબીસી કરી શક્યું નથી.

હવે આ તરફ, સોનવણે પરિવાર પાસેથી મકાનનો કબજો લેવાનો હતો એ પહેલાં ડિસેમ્બર મહિનામાં જગન્નાથ સોનવણેનું અવસાન થયું, અને તકરારની શરૂઆત થઈ.

કેવી રીતે તકરારની શરૂઆત થઈ?

શાહજહાં અંસારીનાં મોટાં દીકરી રિફાત અંસારીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે જગન્નાથ સોનવણેના અવસાન પહેલાં તેમણે તેમને મકાનના મોટા ભાગના પૈસા ચૂકવી દીધા હતા.

તેઓ કહે છે, "સોનવણે કાકાનું અવસાન થયું એટલે એમની પત્નીએ સુમનબહેને અમને કહ્યું કે એક મહિનાની વિધિ પતે પછી મકાનનો કબજો આપીશું. અમે લગભગ બે મહિના સુધી મકાનનો કબજો ન લીધો. દરમિયાન બાકીના પૈસા એપ્રિલ, 2025 સુધી ચૂકવી પણ દીધા. એ પછી એમણે થોડા સમયમાં મકાન આપવાનું કહ્યું."

"વર્ષો જૂના પાડોશી હોવાથી અમે એમની વાત માની લીધી. એમણે અમને જૂન 2025માં બે માળના મકાનમાંથી નીચેના માળનો કબજો આપ્યો અને થોડા સમયમાં એમનો દીકરો બીજો માળ ખાલી કરશે એટલે એનો કબજો આપવાની ખાતરી આપી હતી. એમના શબ્દોના ભરોસે અમે નીચેના માળનું રિનોવેશનનું કામ શરૂ કરાવ્યું. બસ એ દિવસથી એમનો દીકરો દિનેશ અમારી સાથે ઝઘડા કરી રિનોવેશનનું કામ અટકાવી દેતો હતો."

રિફાત આરોપો લગાડતાં આગળ કહે છે કે, "ઑગસ્ટ માસના પ્રથમ અઠવાડિયામાં મારો ભાઈ મજૂરોને લઈને રિનોવેશનના કામ માટે ગયો ત્યારે એણે ઉપરના માળેથી લટકતી સાડી હઠાવતાં દિનેશે ઝઘડો કર્યો. મારા ભાઈ અને નાની બહેનને બહારથી માણસો બોલાવીને માર મારી લોહીલુહાણ કરી નાખ્યાં. તેમની સારવાર કરાવ્યા બાદ પરત આવી અમે પોલીસ ફરિયાદ કરી. જેના આધારે દિનેશ અને એના દીકરાની અટકાયત થઈ અને બીજા દિવસે જામીન પણ મળી ગયા."

પોતાની બહેનનાં મૃત્યુ માટે સોનવણે પરિવારને દોષ દેતાં તેઓ આગળ કહે છે, "આ બધું થયા પછી એમણે 15 વર્ષની મારી નાની બહેન સાથે ફરી ઝઘડો કર્યો અને કહ્યું કે હવે મકાન કે પૈસા પાછા નહીં મળે. આ સાંભળીને 15 વર્ષની વયની મારી નાની બહેન દુઃખી થઈને રડતી હતી, એ વારંવાર કહેતી હતી કે આ ઝઘડા પછી માતા, પિતા અને ભાઈએ એકેક પૈસો બચાવીને મકાન લીધું હતું એ અને પૈસા બંને ગયા. બસ એ વાત એના મનમાં ધમરોળાયા કરતી હતી. એણે આ વાત સુસાઇડ નોટમાં લખી અમે ઘરમાં કામ કરતા હતા ત્યારે સામે લીધેલા મકાનમાં જઈને આત્મહત્યા કરી લીધી."

ભણવામાં હોશિયાર એવી 15 વર્ષની દીકરીને ગુમાવ્યા બાદ એના પિતા મોહમ્મદ અંસારી અને ભાઈ મુઝફ અંસારી કોઈની સાથે વાત કરવા તૈયાર નથી.

બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે પહોંચી ત્યારે એ લોકો કામનું બહાનું કાઢી ઘરેથી નીકળી ગયા હતા.

બીજી તરફ માતા શાહજહાંની આંખમાં આંસુ થીજી ગયાં છે. સૂનમૂન બેસીને દીકરી માટે તેઓ કલમા પઢયાં કરે છે.

મોટી દીકરી રિફતની ઘણી સમજાવટ બાદ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, "મારા પતિ રિક્ષા ચલાવે છે, હું સિલાઈ કામ કરતી હતી. મેં અને મારા પતિએ આખી જિંદગી ભાડાના ઘરમાં કાઢી અને મજૂરી કરી છોકરાં મોટાં કર્યાં. અમને એમ હતું કે અમારા દીકરા માટે એક મકાન બનાવીએ. તાણીતૂશીને ભેગા કરેલા પૈસા મકાન માટે આપી દીધા. બીજા પૈસા સગાં પાસેથી ઉધાર લીધા છે. મારી સૌથી નાની દીકરી ભણીને પોલીસ બનવા માંગતી હતી, પણ અમારા પૈસા મકાનમાં ડૂબી ગયા એટલે એણે આત્મહત્યા કરી. હવે જિંદગીથી કોઈ આશા નથી."

મૃતક સગીરાનાં બહેન રિફાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ 16 ઑગસ્ટ, 2025ના રોજ એક અરજી કરી હતી. જેમાં તેમણે સોનવણે પરિવાર પર 'મકાન વેચાણ પેટે પૈસા લઈ લીધા હોવા છતાં અશાંતધારાની બીક બતાવવાનું' શરૂ કર્યું હોવાનો આરોપ કર્યો હતો.

અરજીમાં લખાયું છે કે, "વેચાણની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ દિનેશ સોનવણે અને તેમના પરિવારે ઘરનો કબજો સોંપવાની ના પાડી દીધી અને કહ્યું કે અશાંત ધારા પ્રમાણે હિંદુ મુસ્લિમને મકાન ન વેચી શકે. તેઓ અમને અશાંતધારાના નામે ધમકાવવા લાગ્યા."

આ અરજી દલિત મુસ્લિમ એકતા મંચના કલીમ સિદ્દિકીએ મૃતકનાં બહેન રિફાત પાસે કરાવડાવી હતી.

કલીમ સિદ્દિકીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એટલું જ કહ્યું હતું કે "અંસારી પરિવારને ન્યાય મળે તે માટે અમે આ અરજી કરાવડાવી છે."

શું કહે છે પાડોશીઓ?

સગીર છોકરીએ મકાન અંગેના ઝઘડામાં આત્મહત્યા કરતા, પોલીસ ફરિયાદ થયા પછી દિનેશ સોનવણે અને એમનો પરિવાર ભાગી ગયો છે.

જયારે ચોકસીની ચાલીમાં રહેતા વિનોદ જાદવે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી ચાલીમાં બધા વચ્ચે કોમી એકતા છે, અહીં ઘર નાનાં છે એટલે જેમ લોકો બે પાંદડે થાય એટલે બીજે મોટું મકાન લે છે અને અહીંનું મકાન વેચે છે."

"મકાનની પાવર ઑફ ઍટર્ની પર લેવેચ થાય છે. હિંદુનું ઘર મુસ્લિમ ખરીદે એની સામે ચાલીમાં કોઈ વાંધો જ નથી. આ ચાલીમાં પાણીની સમસ્યા છે, એટલે અમે લોકો પોતે પાણી ભરવા માટે મુસ્લિમના ઘરે જઈએ છીએ. આ મકાન વેચાયું એની સામે કોઈને વાંધો નહોતો, બધાને એમ હતું કે નીચેના માળનો કબજો અપાઈ ગયો છે અને રિનોવેશનનું કામ ચાલે છે એટલે ઉપરનો માળ પણ અપાઈ જશે. કોઈને કલ્પના નહોતી કે વર્ષોથી સામસામે રહેતા પાડોશીઓ વચ્ચે આવો ઝઘડો થશે,અને આખીય ચાલની લાડકી છોકરી આપઘાત કરશે."

તેઓ આગળ કહે છે કે, "આત્મહત્યા કરનાર છોકરી (સગીર હોવાથી નામ લખ્યું નથી) ભણવામાં હોંશિયાર હતી અને ચાલીમાં લોકોને મદદ પણ કરતી હતી. દિનેશ ઉગ્ર સ્વભાવનો છે. અમને એવું લાગ્યું કે આ તો સામાન્ય ઝઘડો છે, એ પતી જશે,પણ હવે આ નવી સમસ્યા ઊભી થઈ છે. પહેલાં એકબીજાની સહમતીથી લોકો મકાન વેચતાં હતાં, પણ હવે અશાંતધારાની કલમ લોકોના ધ્યાનમાં આવી છે એટલે મકાન નહીં વેચાય."

આ ચાલીનાં 60 વર્ષીય રહેવાસી મીના જાદવ કહે છે કે, "અમારી ત્રણ પેઢી આ ચાલીમાં રહી છે. ઘણાં મકાન વેચાય છે, પણ આવી ઘટના કયારેય બની નથી. દિનેશ પહેલેથી ઉગ્ર સ્વભાવનો હતો, અમને લાગતું હતું કે ચાલીમાં થતા રહેતા નાના-મોટા ઝઘડાની જેમ જ આ ઝઘડો હશે. પણ દીકરી આત્મહત્યા કરે ત્યાં સુધી આ મામલો વણસી જશે એવી અમને કલ્પના નહોતી."

"અમારે ત્યાં એકબીજાના ઘરે વાટકી વ્યવહાર ચાલે છે, લોકો જુબાન પર વ્યવહાર કરે છે. એટલે જ મુસ્લિમ પરિવારને નીચેના માળનો કબજો આપી દીધો હતો પણ ઉપરના માળનો કબજો એના દીકરાએ ના આપ્યો એ નવાઈની વાત છે. હવે અહીં પણ અશાંતધારાની વાત શરૂ થઈ ગઈ છે એટલે લોકોમાં બીજો ફફડાટ એ છે કે જે લોકોએ પહેલાં જે મકાનો લીધાં હતાં એનું શું થશે?

શું કહે છે પોલીસ?

અમદાવાદના ઝોન 5ના ડીસીપી બલદેવ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે આ મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. ગોમતીપુર પોલીસ ઇન્સ્પેક્ટરને આત્મહત્યાના ગુનામાં કડક કાર્યવાહી કરવા કહ્યું છે ."

ગોમતીપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી. વી. રાણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પહેલાં બે પરિવાર વચ્ચે ઝઘડો થયો એની ફરિયાદ અમે નોંધી કાર્યવાહી કરી હતી. અલબત્ત આ ઝઘડા પછી મરણ જનાર છોકરી સગીર હોઈ એના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવી હેન્ડરાઇટિંગની એફએસએલમાં તપાસ કરાવી સોનવણે પરિવાર સામે ફરિયાદ દાખલ કરી છે. આ આખોય પરિવાર અત્યારે ફરાર છે. અમે એમના ફોન નંબરથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં અશાંતધારો નથી લગાવ્યો."

જોકે, જ્યારે બીબીસી ગુજરાતીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી. વી. રાણાને પૂછ્યું કે આ મામલાની જે એફઆઈઆર થઈ તેમાં 'અશાંત ધારાનો ઉલ્લેખ નથી' તેવી ફરિયાદી પક્ષે અરજી કરી છે, તો તે અંગે તમારું શું કહેવું છે, અને આ અરજી બાદ તમે શું કર્યું?

ડી. વી. રાણાએ બીબીસી ગુજરાતીને માત્ર એટલું જ જણાવ્યું, "અમે આ અંગે તપાસ કરી રહ્યા છે. આરોપી જ્યારે પકડાય ત્યારે તેમની પૂછપરછ કરીશું. પછી આગળની કાર્યવાહી કરીશું."

'અશાંતધારા' અંગેનો ફોડ તેમણે પાડ્યો નહોતો.

અશાંતઘારા વિશે શું કહે છે કાયદાના નિષ્ણાત?

અશાંતધારાના કેસના નિષ્ણાત વકીલ પ્રકાશ મોદીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અશાંતધારાનો કાયદો 1986માં આવ્યો. સંવેદનશીલ વિસ્તારમાં હિંદુ મુસ્લિમનું મકાન ન ખરીદી શકે, અને મુસ્લિમ હિંદુનું મકાન ન ખરીદી શકે એવો કડક કાયદો 1991માં ચીમનભાઈ પટેલ લાવ્યા. ત્યાર બાદ સુધારા થતા રહ્યા છે, પણ હિંદુ અને મુસ્લિમ દ્વારા અમદાવાદમાં અશાંતધારા લાગેલા વિસ્તારમાં ખરીદાયેલાં 15 હજારથી વધુ મકાન હાલ વિવાદમાં પડ્યાં છે."

"આ વિવાદને કારણે ચાલીમાં લોકો પાવર ઑફ ઍટર્નીથી મકાન લેવેચ કરે છે. હકીકતમાં અશાંતધારામાં કોઈ મુસ્લિમ કે હિંદુ એક બીજાનાં મકાન ખરીદી જ ન શકે એવું નથી. અશાંતધારામાં જો કોઈને બીજા ધર્મની વ્યક્તિની સંપત્તિ ખરીદવી હોય તો એણે પહેલાં કલેક્ટર ઑફિસમાંથી મંજૂરી લેવી પડે છે. ત્યાં ચકસવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ બળજબરીથી તો મકાન ખરીદ્યું નથી? ત્યાર બાદ બંનેની સંમતિ પછી આસપાસમાં રહેતા લોકોના અભિપ્રાય લેવાય છે. જો કલેક્ટરની મંજૂરી ના મળે તો મહેસુલ વિભાગમાં અરજી કરી શકાય છે અને ત્યાર બાદ પણ એનો નિકાલ ના આવે તો ગુજરાત હાઇકોર્ટમાં કાનૂની રાહે અપીલ કરીને મકાન ખરીદી શકાય છે."

તેઓ કહે છે કે, "અશાંતધારાના નામે સંખ્યાબંધ લોકોનાં મકાનો વિવાદમાં પડ્યાં હોવાથી ચાલી અને અન્ય વિસ્તારમાં લોકો પાવર ઑફ ઍટર્નીથી અશાંત ધારાવાળા વિસ્તારોમાં મકાનની લેવેચ કરે છે."

હવે, જે સોનવણે પરિવાર સામે ફરિયાદ થઈ છે તેમના સભ્યો ફરાર થઈ ગયા છે. બીબીસી ગુજરાતીએ તેમના સ્વજનોનો પક્ષ જાણવાની કોશિશ પણ કરી. પરંતુ તે વિશે કોઈ વાતચીત કરવા તૈયાર નથી. હવે જ્યારે આ પરિવારનો સંપર્ક થશે અથવા તો પોલીસ જ્યારે તેમની તપાસ કરશે ત્યારે સોનવણે પરિવારનો જે પક્ષ હશે તે અહીં રજૂ કરીશું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન