You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસીની ભારતીય ભાષાની સેવાઓના દર્શકોને સમાચારો આપવા બીબીસીના કર્મચારીઓએ નવી કંપની શરૂ કરી
- લેેખક, જેમ્સ ગ્રેગરી
- પદ, બીબીસી સમાચાર
બીબીસી વિદેશી રોકાણના નિયમોના પાલન માટે પોતાના ઇન્ડિયા ઑપરેશનનું પુનર્ગઠન કરી રહ્યું છે.
બીબીસીના ચાર કર્મચારી કંપની છોડીને, એક સંપૂર્ણ રીતે ભારતીયોની માલિકીવાળી કંપની ‘કલેક્ટિવ ન્યૂઝરૂમ’નું ગઠન કરશેે, તેની હેઠળ બીબીસીની છ ભારતીય ભાષાઓની સેવાઓનું સંચાલન કરાશે.
ભારતમાં બીબીસીની અંગ્રેજી ભાષા સંબંધિત કામકાજ બીબીસીની સાથે જ રહેશે.
આ નિર્ણય આ વર્ષે થયેલી એ તપાસ બાદ લેવામાં આવ્યો છે જેમાં ટૅક્સ અધિકારીઓ દ્વારા બીબીસીની ભારતસ્થિત ઑફિસોની તલાશી લેવામાં આવી હતી.
નવા નિયમો મુજબ ભારતમાં ડિજિટલ ન્યૂઝ કંપનીઓ માટે વિદેશી ફંડિંગની મર્યાદા 26 ટકા નક્કી કરવામાં આવી છે.
આ પરિવર્તનના પ્રભાવી સ્વરૂપનો અર્થ એ છે કે ભારતમાં ડિજિટલ કન્ટેન્ટ પ્રકાશિત કરતી કોઈ પણ કંપનીમાં બહુમતીની ભાગીદારી ભારતીય નાગરિકોની જ હોવી જોઈએ.
બીબીસી ઇન્ડિયાનાં વડાં રૂપા ઝા, મુકેશ શર્મા, સંજૉય મજુમદાર અને સારા હસન 'કલેક્ટિવ ન્યૂઝરૂમ'નું નેતૃત્વ કરશે.
છ ભારતીય ભાષાઓ -બીબીસી ગુજરાતી, બીબીસી હિંદી, બીબીસી મરાઠી, બીબીસી તેલુગુ, બીબીસી તમિલ અને બીબીસી પંજાબીનો સ્ટાફ હવે નવી કંપની માટે કામ કરશે, તેમાં બીબીસી ઇન્ડિયા યૂટ્યૂબ ચૅનલ(અંગ્રેજી)ના પણ સભ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૂપા ઝાએ કહ્યું કે, "અમે ભારતમાં દર્શકોને ખાતરી આપીએ છીએ કે બીબીસી અને કલેક્ટિવ ન્યૂઝરૂમ વચ્ચે કરાર હેઠળ બીબીસીની ભારતીય ભાષાઓની સેવાઓ, ગુણવત્તાસભર પ્રકાશન સામગ્રી(આઉટપુટ)ની અનોખી રેન્જના માધ્યમથી દર્શકોને માહિતી, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડશે."
બીબીસી ન્યૂઝના ડેપ્યુટી સીઇઓ જોનાથન મુનરોએ કહ્યું હતું કે, "ભારતમાં બીબીસીની હાજરીનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે જેમાં હંમેશાં દર્શકોને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અમે 'કલેક્ટિવ ન્યૂઝરૂમ'ની સ્થાપનાને આવકારીએ છીએ જે આ પરંપરાને જાળવી રાખશે. 'કલેક્ટિવ ન્યૂઝરૂમ'નાં મૂળિયાં ભારતમાં રહેશે અને તે બીબીસીનાં સંપાદકીય ધારાધોરણો સાથે ઉચ્ચ કક્ષાનું કન્ટેન્ટ બનાવશે અને બીબીસી તેની પાસેથી આ કન્ટેન્ટ લેશે."
બીબીસી ઇન્ટરનેશનલ સર્વિસનાં સિનિયર કન્ટ્રોલર લિલિયાન લૅન્ડોર કહે છે, "બીબીસીની સૌથી મોટી તાકાત તેના દર્શકો માટેનું ગ્લોબલ આઉટપુટ અને તેની વિશ્વાસપાત્ર સમાચારો માટેની પ્રતિષ્ઠા છે. અમે ભારતમાં પત્રકારત્વનાં ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. આ કરાર એ વાતની ખાતરી આપે છે કે કલેક્ટિવ ન્યૂઝરૂમ થકી સ્વતંત્ર, આંતરરાષ્ટ્રીય અને નિષ્પક્ષ પત્રકારત્વ શરૂ રહેશે જેના માટે બીબીસી ભારતમાં અને વિશ્વમાં જાણીતું છે."
બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન ટૅક્સ વિભાગ દ્વારા દિલ્હી અને મુંબઈની ઑફિસોમાં તલાશી પછી તરત જ પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોના કથિત ઉલ્લંઘન અંગે તપાસ હેઠળ આવી ગયું હતું.
યુકેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરાયા પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં બીબીસીની ઑફિસોમાં અધિકારીઓએ તલાશી લીધી હતી.
તે સમયે ભારત સરકારે કહ્યું હતું કે તલાશી કાયદા પ્રમાણે લેવામાં આવી હતી અને તેનો ડૉક્યુમેન્ટરી સાથે કોઈ સંબંધ નથી. ડૉક્યુમેન્ટરી ભારતમાં પ્રસારિત કરવામાં નહોતી આવી.
ભારતમાં બીબીસીની સેવાઓમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કામ કરે છે. બીબીસીનું હિંદીમાં સૌપ્રથમ પ્રસારણ 1940માં કરવામાં આવ્યું હતું.