'હાર્ટઍટેક જેવાં કારણોસર અચાનક થતાં મૃત્યુ' અંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ શું સલાહ આપી?

ઇમેજ સ્રોત, Getty Images
થોડા દિવસ પહેલાં ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજમાં બારમા ધોરણના વિદ્યાર્થી વીર શાહનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારે જણાવ્યા પ્રમાણે એક રાત્રે તેઓ ગરબા રમતી વખતે બેભાન થઈ ગયેલા. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા પરંતુ બચાવી ન શકાયા. 108 ઍમ્બુલન્સના રૅકોર્ડ અનુસાર 29 વર્ષીય રવિ પંચાલનું અમદાવાદમાં ગરબા સમયે હાર્ટ ઍટેકના લીધે મૃત્યુ થયું હતું.
તાજેતરમાં નવરાત્રીનું સમાપન થયું છે. ગુજરાતની સંસ્કૃતિનું દર્પણ મનાતા આ તહેવારની રોનકમાં ગરબા રમતા યુવાનોના અચાનક મૃત્યુના બનાવોનો અંધકાર પણ ભળેલો જોવા મળ્યો હતો.
નવરાત્રી પહેલાં અને એ દરમિયાન દરરોજ ગુજરાતનાં ઘણાં સ્થળેથી ગરબા રમતી વખતે, તેની તૈયારી વખતે અથવા ઘરે પહોંચીને ઘણા યુવાન વ્યક્તિઓનાં અચાનક મૃત્યુના બનાવ નોંધાતા ચિંતા સર્જાઈ હતી.
ઘણા આને ‘કોરોના પછીના સ્વાસ્થ્યલક્ષી પડકાર’ સાથે જોડી રહ્યા હતા.
આ સંદર્ભમાં રવિવારે ભાવનગરની મુલાકાત આવેલા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના એક નિવેદને ફરી એક વાર રાજ્યમાં અચાનક હૃદયની તકલીફને કારણે યુવાનોનાં અચાનક થઈ રહેલાં મૃત્યુ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તાજેતરમાં વધેલા ‘હાર્ટ ઍટેક’ના પ્રમાણ અંગે વાત કરતા કરી હતી. તેમણે પોતાના આ નિવેદનમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક અભ્યાસને ટાંકીને ‘કોવિડમાં ગંભીરપણે બીમાર’ પડેલા લોકોએ ‘એક-બે વર્ષ સુધી ભારે શારીરિક પરિશ્રમથી, કસરત કરવાથી, દોડવાથી દૂર’ રહેવાની સલાહ આપી હતી.
હવે જ્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ રાજ્યમાં નોંધાઈ રહેલા હાર્ટ ઍટેકના બનાવો અને કોવિડ-19ની ગંભીર માંદગી સંદર્ભે નિવેદન આપ્યું છે ત્યારે આ વિષય અંગે પુન: ચર્ચા શરૂ થાય એ સ્વાભાવિક છે.
વાત કરીએ તાજેતરમાં નોંધાયેલા આવા જ કેટલાક બનાવોની.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગરબા, જીમમાં કસરત જેવા શારીરિક પરિશ્રમ વખતે અચાનક મૃત્યુ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવસારીમાં 31 વર્ષીય મૃણાલ શુક્લા તથા પોરબંદરના 46 વર્ષીય રાજુ આલાનું પણ અનુક્રમે શુક્રવાર અને શનિવારે ગરબા સમયે હાર્ટઍટેકથી જ મૃત્યુ થયાં હતાં.
રાજકોટમાં 47 વર્ષીય મહિલા કંચન સક્સેના શુક્રવારે ગરબા ગાતાં અચાનક ઢળી પડ્યાં હતાં. તેમને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં પણ બચી શક્યાં નહોતાં.
વડોદરાના 55 વર્ષીય શંકર રાણાને ગરબા ગાતી વખતે ઍટેક આવતાં હૉસ્પિટલ લઈ જવાયા હતા પણ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ગરબા સમયે આવેલા હાર્ટ ઍટેકની સાથે સાથે રાજ્યમાં હાર્ટ ઍટેકથી અન્ય 22 લોકોનાં આ જ સમયગાળામાં મૃત્યુ થયાં છે. તેમાં બે મહિલાઓ પણ સામેલ છે.
આવી જ રીતે રાજ્યમાં થોડા સમય પહેલાં અવારનવાર કસરત કરતી વખતે, ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે અને ઘણી વાર તો હાલતાંચાલતાં યુવાન વયના લોકોનાં અચાનક જ મૃત્યુ થયાંના બનાવ નોંધાયા છે.
પરિસ્થિતિ તો એટલી બિહામણી બની ગઈ હતી કે નવરાત્રીના તહેવારોમાં ગુજરાત સરકારે ગરબાના આયોજકોને ફરજિયાતપણે ગ્રાઉન્ડમાં ઍમ્બુલન્સ અને દાક્તરી ટીમો સ્ટેન્ડ બાય રાખવા જણાવ્યું હતું.
15મી ઑક્ટોબરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો હતો. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક બેઠક કરીને નિષ્ણાતો સાથે આ બનાવો વિશે વાતચીત કરી હતી. તેમને સંબંધિત ડેટા ભેગો કરવા અને આવાં મૃત્યુ પાછળનાં કારણો શોધવા રિસર્ચ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે રવિવારે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને આરોગ્યમંત્રીને આગ્રહ કર્યો હતો કે રાજ્યમાં હાર્ટ ઍટેકથી વધી રહેલાં મૃત્યુનાં કારણો જાણવા માટે રિસર્ચ કરાય.
તેમણે નિવેદન આપ્યું હતું કે, “ઘણા યુવાઓને હાર્ટ ઍટેક આવી રહ્યા છે અને તેઓ નવરાત્રીમાં ગરબા ગાતી વખતે મૃત્યુ પામી રહ્યા છે. આપણે આ પાછળનાં કારણો જાણવા માટે સંશોધન કરવું પડશે. આરોગ્ય મંત્રી ઋશિકેશ પટેલ પણ અહીં છે તો હું તેમને છેલ્લા એક વર્ષમાં હાર્ટ ઍટેકથી કેટલા લોકો મર્યાં તેનો અભ્યાસ કરાવવા આગ્રહ કરીશ.”
જોકે, તેમણે કોવિડની રસીના લીધે આ મૃત્યુ થઈ રહ્યા હોવાની માન્યતાને ફગાવી દીધી હતી.
કેન્દ્રીય આરોગ્યમંત્રી માંડવિયાએ ભાવનગરમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, UGC
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે તેમની ભાવનગરની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં યુવાનો અચાનક થઈ રહેલા મોત વિશે માહિતી આપી.
તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના એક અભ્યાસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, "આસીએમઆરએ હમણાં એક ડિટેલ સ્ટડી કર્યો છે. એ ડિટેલ સ્ટડી એવું કહી રહ્યો છે કે, જે લોકોને સીવિયર (ગંભીર) કોવિડ થયો હોય, અને એનો સમય ઝાઝો ન થયો હોય, એવી સ્થિતિની અંદર એમણે અધિક પરિશ્રમ નહીં કરવો જોઈએ."
માંડવિયાએ વધુમાં કહ્યું કે, "એમણે પોતાની સેહતનું સખત મહેનત, સતત દોડવું, સખત એક્સર્સાઇઝ કરવી, એવાં કામોથી એક ચોક્કસ સમય માટે, શોર્ટ ટાઇમ માટે, એક-બે વર્ષ માટે દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ ઍટેકની ઘટનાથી બચી શકાય."
હૃદયરોગના નિષ્ણાતોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના વરિષ્ઠ ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, “પાછલા અમુક સમયથી યુવાઓમાં હાર્ટ સંબંધિત બીમારીના મામલા જોવા મળી રહ્યા છે, એ હકીકત છે. નવરાત્રી દરમિયાન હાર્ટ ઍટેકથી મૃત્યુ થયાં છે અને આ વાસ્તવિકતા છે.”
આ સ્થિતિ પાછળનાં સંભવિત કારણો વિશે જણાવતાં તેઓ કહે છે, “નવરાત્રીમાં ગરબા સમયે યુવાનો શરીરને વધુ કષ્ટ પડે એટલી હદે જો શ્રમ કરે એટલે કે ગરબા ગાય તો એકાએક હૃદયને અસર પહોંચવાને કારણે બેભાન થઈ જતા હોય છે.”
“વધારે કૂદવું અને તીવ્ર શારીરિક શ્રમથી હૃદયને અસર થાય છે. વળી એવી વ્યક્તિ કે જેને પહેલાંથી જ હાર્ટ સંબંધિત સમસ્યા રહેલી હોય છે કે જેને વારસાગત કે અંદર થોડું બ્લૉકેજ હોય, એવી વ્યક્તિ માટે જોખમ વધી જાય છે.”
તેઓ અચાનક આવતા હાર્ટ ઍટેક અને કોવિડ મહામારીના સંબંધ અંગે પોતાનો મત વ્યક્ત કરતા કહે છે કે, “યુવાનોમાં આ રીતે હાર્ટ ઍટેકથી મૃત્યુના બનાવ માટે કોરોના રસીને પણ એક પરિબળ માનવમાં આવે છે, પરંતુ એ ગેરમાન્યતા છે. જોકે કોવિડ મહામારી તેનું કારણ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે.”
હૃદયને અચાનક બંધ થતું અટકાવવા શું ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રકારની સ્થિતિથી બચવા માટે કયા ઉપાયો કરી શકાય?
આ સવાલનો જવાબ આપતાં ડૉ. ગર્ગ કહે છે કે, “યુવાનોને રોજિંદા જીવનમાં વધુ શારીરિક પ્રવૃત્તિની ટેવ નથી હોતી. એટલે વધુ શ્રમવાળી પ્રવૃત્તિથી વધારે દબાણ સર્જતા હોય છે. ખરેખર નિયમિત વ્યાયામ, પ્રાણાયમ અને જીવનશૈલી સમતોલ રાખવાથી સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે.”
તેઓ હૃદયસંબંધિત સમસ્યાઓથી બચવાના ઉપાય આપતાં કહે છે કે, “સારો ખોરાક ખાવો, નિયમિત વ્યાયામ કરવો અને શક્ય હોય તો શરીરનું ચેકઅપ પણ કરાવતા રહેવું. હાલની સ્થિતિને જોતાં 25 વર્ષથી મોટી વયના યુવાએ તેનું બૉડી ચેકઅપ જેમાં બ્લડ, સુગર, કૉલેસ્ટ્રોલ વગેરે ચૅક કરાવવું જોઈએ. ઈસીજી કરાવવો જોઈએ. જો પરિવારમાં વારસાગત કોઈ બીમારી ચાલતી આવતી હોય તો ખાસ તપાસ કરાવવી જોઈએ.”
“હાર્ટ સંબંધિત હિસ્ટ્રી હોય તો એ જણાવીને એને ધ્યાનમાં લઈને જ કસરત કરવી. ધબકારા વધુ તેજ થઈ જાય તો એને અવગણવું ન જોઈએ. ક્ષમતાથી વધુ કસરત ન કરવી.”
“શારીરિકની સાથે સાથે માનસિક તણાવ પણ સ્વાસ્થ્યને અસર કરતો હોવાથી માનસિક સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી. એમાં યોગ-પ્રાણાયામથી લાભ થઈ શકે છે.”
હૃદયરોગનાં સામાન્ય લક્ષણો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર હાર્ટ ઍટેકના સંકેતોમાં છાતીની મધ્યમાં દુખાવો કે બેચેની, હાથમાં દુખાવો કે બેચેની, ડાબા ખભા, કોણી, જડબા કે કમરનો દુખાવો સામેલ છે.
આ સિવાય દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, ઊલટી, બેહોશી, ઠંડી સાથે પરસેવો વળવો, ત્વચા આછી પડી જવી વગરે જેવી તકલીફો થાય છે.
આ સિવાય સ્ટ્રોકનાં વહેલાં લક્ષણોમાં ચહેરા, હાથ અને પગમાં અચાનક અશક્તિ સામેલ છે. મોટા ભાગે તે શરીરના એક જ ભાગે અનુભવાય છે.
આ સિવાય ચહેરા, હાથ કે પગમાં નિષ્ક્રિયતા, મૂંઝવણ, બોલવા-સમજવામાં તકલીફ, બંને આંખે જોવામાં તકલીફ, ચાલવા-સંતુલન જાળવવામાં મુશ્કેલી, ગંભીર માથાનો દુખાવો વગેરે પણ આ મુશ્કેલીના સંકેતો છે.
હાર્ટ ઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ શું છે?
કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટઍટેક વચ્ચેનો ફેર જાણવા માટે બીબીસી ગુજરાતીના દિપલકુમાર શાહે સુરતના સિનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અતુલ અભ્યકંર સાથે વાતચીત કરી હતી.
ડૉ. અતુલે આ વિશે જણાવ્યું કે હાર્ટઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ બન્ને જુદી બાબત છે.
તેમણે કહ્યું, "હૃદયરોગમાં હૃદય સાથેની નળીઓ (ધમનીઓ)માં અવરોધ અને રક્તપ્રવાહમાં ખલેલ થવાની સમસ્યા સંકળાયેલી છે."
"આ સમસ્યા હૃદયની કામગીરી અત્યંત ધીમી કે ખૂબ જ ઝડપી બનાવી દે છે, અને એથી કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ સર્જાય છે."
તેમના જણાવ્યાનુસાર હૃદયને પૂરતું લોહી નહીં પહોંચતાં અને તેની કામગીરીમાં વિક્ષેપ ઊભો થતાં કાર્ડિયાક અરેસ્ટમાં આવી જતાં હૃદય એકાએક કામ કરવાનું બંધ કરી દે છે અને મૃત્યુ થાય છે.
"સરળ શબ્દોમાં કહીએ તો હાર્ટઍટેક હૃદયના 'ઇલેકટ્રિકલ સિસ્ટમ'માં સર્જાતી ખામી છે અને કાર્ડિયાક અરેસ્ટ એ હૃદય તદ્દન કામ કરતું બંધ થઈ જાય તે સ્થિતિ છે."














