લગ્નના દિવસે જ વીજળી પડી અને વરરાજાના 16 પરિવારજનો મોતને ભેટ્યા

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નિકાહના દિવસે વીજળી પડી અને મામુને પોતાના 16 સંબંધી તેમાં ગુમાવી દીધા
    • લેેખક, રજની વૈદ્યનાથન
    • પદ, બાંગ્લાદેશથી

નિકાહના દિવસે મામુને વિચાર્યું હતું કે તેઓ ઉજવણી કરશે, પરંતુ એ જ દિવસે તેમણે પોતાના 16 કુટુંબીજનોને દફનાવવા પડ્યા.

તેઓ આ પ્રસંગમાં હાજરી આપવા પહોંચી રહ્યા હતા અને દરમિયાન વીજળી પડી અને બધાના જીવ ગયા.

મામુનની ખુશીમાં સામેલ થવા મસ્તમજાની સાડી અને સૂટ પહેરીને તેમના પરિવારજનો બોટમાં બેઠા, પરંતુ ત્યારે જ પ્રબળ વંટોળ ત્રાટક્યું. તેનાથી બચવા પરિવારે બોટ રોકી અને નદીકાંઠે આવેલાં પતરાંના કાચા આશ્રયસ્થળે રાહ જોવા લાગ્યા. પરંતુ એ દરમિયાન જ તેમના પર વીજળી ત્રાટકી.

સંયુક્ત રાષ્ટ્ર (યુએન) પ્રમાણે બાંગ્લાદેશ દર વર્ષે વાતાવરણમાં થતા તીવ્ર ફેરફારો અને વાવાઝોડાંથી ગ્રસ્ત રહે છે, દર વર્ષે દેશમાં વીજળી પડવાથી સરેરાશ 300 મૃત્યુ થાય છે.

યુએસમાં બાંગ્લાદેશની સરખામણીએ આ કારણથી વાર્ષિક સરેરાશ 20 મૃત્યુ વધુ થાય છે, પરંતુ અમેરિકાની વસતિ બાંગ્લાદેશ કરતાં બમણી છે.

આ વાતને ધ્યાને લઈએ તો દક્ષિણ એશિયાના આ દેશ પર આ ખૂબ ભારે બોજો છે અને આ ભાર મામુન જેવા ઘણા વેઠી રહ્યા છે, જેઓ પ્રથમ વખત ઑગસ્ટ, 2021માં પોતાના પરિવાર પર આવી પડેલી આ આપત્તિ અંગે વાત કરી રહ્યા છે.

21 વર્ષીય મામુન દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સ્થિત શીબગંજ ખાતે પોતાના સાસરે તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે વીજળીનો જોરદાર કડાકો સાંભળ્યો. જેની અમુક મિનિટો બાદ તેમને આ દુ:ખદાયક સમાચાર મળ્યા.

તેમણે તાત્કાલિક પોતાના પરિવાર પાસે જવા દોટ મૂકી. જોકે, ત્યાં જઈને તેમનો સામનો અવ્યવસ્થા અને મૂંઝવણથી જ થયો.

મામુન એ દૃશ્ય યાદ કરતાં કહે છે કે, “કેટલાક લોકો મૃતદેહોને ભેટી રહ્યા હતા.”

“ઈજાગ્રસ્તો દર્દથી કણસતા હતા... બાળકો ચીસો પાડી રહ્યાં હતાં. મને કંઈ નહોતું સમજાઈ રહ્યું. મને એ પણ નહોતી ખબર પડી રહી કે મારે પહેલાં કોની પાસે જવું.”

નિકાહનો ઉમંગ માતમમાં ફેરવાઈ ગયો

મામુનના નિકાહના દિવસે સાંજે જ મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ હતી

ઇમેજ સ્રોત, MAMUN

ઇમેજ કૅપ્શન, મામુનના નિકાહના દિવસે સાંજે જ મૃતદેહોની અંતિમવિધિ કરાઈ હતી

મામુને આ દુર્ઘટનામાં પોતાનાં પિતા, દાદા-દાદી, પિતરાઈઓ, કાકા અને કાકીને ગુમાવ્યાં. તેમનાં માતા બોટ પર ન હોવાથી બચી ગયાં.

મામુન કહે છે કે, “હું મારા પિતાનો મૃતદેહ જોઈને મારી આંખમાંથી આંસુ દડી પડ્યાં. હું એટલો આઘાતમાં હતો કે માંદો પડી ગયો.”

એ સાંજે જ તેમના કુટુંબીજનોના મૃતદેહોની અંતિમવિધિ થઈ. લગ્નની મિજબાની માણવા તૈયાર કરાયેલ વાનગીઓ ગરીબોને વહેંચી દેવાઈ.

જોકે, મામુને અમુક સમય બાદ નિકાહ કર્યા. પરંતુ તેઓ કહે છે કે તેઓ પોતાના નિકાહની વર્ષગાંઠ મનાવતા નથી, કારણ કે એ જૂની દુ:ખદાયક યાદો તાજી કરવા માટેનું નિમિત્ત બને છે. “આ ગભરાવનારી ઘટના બાદથી હું હવે વરસાદ અને વીજળીથી ઘણો ડરું છું.”

બાંગ્લાદેશમાં વીજળી પડવાથી ઘણાનાં મૃત્યુ થાય છે, આ આંકડો દર વર્ષે પૂરમાં થતાં મૃત્યુ કરતાં પણ વધુ છે.

મૃત્યુદરમાં ભારે વધારો

બાંગ્લાદેશમાં વીજળીથી થતાં મૃત્યુ અને ઈજાના કિસ્સામાં ભારે વધારો નોંધાયો છે

ઇમેજ સ્રોત, SALMAN SAEED

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશમાં વીજળીથી થતાં મૃત્યુ અને ઈજાના કિસ્સામાં ભારે વધારો નોંધાયો છે

1990ના દાયકામાં દર વર્ષે આ કારણથી બાંગ્લાદેશમાં ડઝનેક મૃત્યુ થતાં, પરંતુ હવે આ સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે.

નાસા, યુએન અને બાંગ્લાદેશની સરકાર ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણમાં આવતા આ તોફાની બદલાવોને વીજળી ત્રાટકવાના વધતા કિસ્સા માટે જવાબદાર ઠેરવે છે.

બાંગ્લાદેશના આપત્તિ નિવારણ વિભાગના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ મિજાનુર રહમાને બીબીસીને જણાવ્યું કે, “ગ્લોબલ વૉર્મિંગ, વાતાવરણીય ફેરફારો, જીવનશૈલીમાં આવેલા બદલાવો વીજળી પડવાને કારણે થતાં મૃત્યુ માટે જવાબદાર પરિબળો છે.”

સ્થિતિની ગંભીરતા એટલી છે કે સરકારે દેશ પૂર, વાવાઝોડા, ભૂકંપ અને દુષ્કાળ જેવી જે આપત્તિઓનો સામનો કરે છે તેની યાદીમાં વીજળી પડવાની ઘટનાઓને પણ જોડી દીધી છે.

વીજળી પડવાથી સૌથી વધુ અસરગ્રસ્ત ખેડૂતો થાય છે, કારણ કે તેઓ વસંત, ઉનાળા અને ચોમાસામાં ખેતરોમાં કામ કરે છે.

'વાદળછાયું વાતાવરણ હોય તો દીકરાને બહારેય નથી જવા દેતી'

અબ્દુલ્લા પર જ્યારે વીજળી પડી ત્યારે તેમણે પોતાનું બાર્સેલના શર્ટ પહેરેલ હતું

ઇમેજ સ્રોત, SALMAN SAEED

ઇમેજ કૅપ્શન, અબ્દુલ્લા પર જ્યારે વીજળી પડી ત્યારે તેમણે પોતાનું બાર્સેલના શર્ટ પહેરેલ હતું

બાંગ્લાદેશના સતખીરા વિસ્તારમાં એક ખેતરમાં વાંસની વાડ પર લટકી રહેલ ફૂટબૉલ શર્ટ આવી જ એક ઘટનાની દુ:ખદાયક યાદનું પ્રતીક છે.

અમુક દિવસ પહેલાં જ અબ્દુલ્લા આ શર્ટ પહેરીને ચોખાના વિશાળ ખેતરમાં પોતાનું દૈનિક કામ કરવા ગયા હતા.

વાંસની વાડ પર લટકેલ બાર્સેલોના ફૂટબૉલ શર્ટ ઘણા કિનારેથી બળી ચૂક્યું છે, ચીથરેહાલ આ શર્ટ આ વર્ષે મે માસમાં બનેલી ઘટનાની સાક્ષી પૂરે છે.

અબ્દુલ્લાનાં પત્ની, રેહાના મને ખેતરમાં લઈ ગયાં અને એ દિવસે બનેલી ઘટના જણાવી.

એ સવારે આકાશમાં સૂર્ય ચળકી રહ્યો હતો, વહેલી સવારે ખેડૂતોના એક જૂથ સાથે અબ્દુલ્લા ચોખાના પાકની લણણી કરવા ખેતરે પહોંચ્યા. પરંતુ બપોરે મોડે વંટોળની શરૂઆત થઈ અને વીજળી તેમના પતિ પર ત્રાટકી.

રેહાના એ દિવસની વાત યાદ કરતા કહે છે કે, “કેટલાક અન્ય ખેડૂતો તેમને રસ્તા પાસેની એક દુકાને લઈ આવ્યા, પરંતુ એ સમય સુધી તેઓ મરી ચૂક્યા હતા.”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SALMAN SAEED

રેહાનાના ઘરની વાત કરીએ તો એ દિવસે અબ્દુલ્લાએ લણણી કરેલા પાકના ચોખા એક રૂમના તેમના મકાનની બહાર પડ્યા હતા. દંપતીએ તાજેતરમાં પોતાના નાના મકાનમાં એક રૂમનો વધારો કરવાના આશયથી લોન લીધી હતી.

ઘરની અંદર તેમનો દંપતીનો 14 વર્ષીય પુત્ર મસૂદ પુસ્તક વાંચે છે. હવે ઘરમાં કોઈ કમાનાર ન હોવાને કારણે રેહાનાને ભય છે કે તેમના પર પહાડસમું દેવું થઈ જશે અને ભવિષ્યમાં પોતાના બાળકના અભ્યાસ માટે નાણાંની જોગવાઈનો પણ તેમને ભય છે.

તેઓ રડતાં રડતાં કહે છે કે, “હું એટલી ગભરાઈ ગઈ છું કે હવે જ્યારે હું આકાશમાં વાદળ જોઉં છું તો હું મારા પુત્રને બહારેય નથી જવા દેતી.”

જોકે, વીજળી પડવાની ઘટના એ બીજા દેશોમાં પણ ચિંતાનો વિષય છે જમાં પાડોશી દેશ ભારત પણ સામેલ છે. પાછલાં અમુક વર્ષોમાં ત્યાં પણ વીજળી પડવાના બનાવોમાં ભારે વધારો જોવા મળ્યો છે. પરંતુ ઘણી પહેલોને પરિણામે આ બનાવોમાં મૃત્યુની ઘટના બાંગ્લાદેશની સરખામણીએ ઓછી જોવા મળે છે.

મૃત્યુદર ઘટાડવા શું કરવાની છે જરૂર?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SALMAN SAEED

બાંગ્લાદેશમાં પણ આવા બનાવોને કારણે થતાં મૃત્યુની સંખ્યા ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ઍક્ટવિસ્ટો અનુસાર વીજળીનો માર વેઠવા માટે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં વધુ ઊંચાં વૃક્ષો વાવવાની જરૂરિયાત છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વનોનો નાશ કરાયો છે.

તેઓ મોટા પાયે વીજળીથી બચાવ માટેના શેડ ઊભા કરવા માટે યોજના ઘડવાની પણ ભલામણ કરી રહ્યા છે, જેથી ખેડૂતો તેમાં આશ્રય લઈ શકે. આ સિવાય વંટોળની આગાહી માટે પણ ચેતવણી સિસ્ટમ વિકસિત કરવાની માગ કરાઈ રહી છે.

આમાં વધુ એક પડકાર કનેક્ટિવિટીની સમસ્યા અને જ્યાં લોકો સૌથી વધુ ખતરા હેઠળ જીવી રહ્યા છે એ વિસ્તારોમાં મોબાઇલનો ઓછો ઉપયોગ છે.

વધુમાં જાગૃતિની કમી એ વધુ એક પડકાર છે. દેશમાં ઘણાને વીજળી કેટલી ગંભીર હોઈ શકે એ અંગે અંદાજ જ નથી. પરંતુ વિશ્વમાં ગમે ત્યાં ઘણા ઓછા લોકો વીજળી પોતાના પર ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરતા હોય છે.

અબ્દુલ્લા સાથે એ દિવસે રહેલા ખેડૂત રિપોન હુસૈનને વીજળી નિકટથી કેવી દેખાય એ વાતની આ ઘટના પહેલાં ક્યારેય કલ્પના સુધ્ધાં નહોતી કરી.

ખેડૂત રિપોન હુસૈન કહે છે કે તેઓ ખુલ્લામાં કામ કરવાથી હવે ખૂબ ગભરાય છે, પરંતુ તેમને ખેતીકામથી થતી આવકની જરૂર છે

ઇમેજ સ્રોત, SALMAN SAEED

ઇમેજ કૅપ્શન, ખેડૂત રિપોન હુસૈન કહે છે કે તેઓ ખુલ્લામાં કામ કરવાથી હવે ખૂબ ગભરાય છે, પરંતુ તેમને ખેતીકામથી થતી આવકની જરૂર છે

તેઓ યાદ કરતાં કહે છે કે, “એ ખૂબ મોટો કડાકો હતો, તે બાદ મેં વીજળીનો ચમકારો જોયો.”

“આ એવું હતું કે જાણે અમારા પર અગ્નિચક્ર તૂટી પડ્યું છે. મને પણ વીજળીનો ભારે ઝાટકો લાગ્યો અને હું જમીન પર ફસડાઈ પડ્યો.”

“થોડા સમય પછી જ્યારે મારી આંખ ખૂલી ત્યારે મેં જોયું કે અબ્દુલ્લા ગુજરી ગયા છે.”

રિપોનને વિશ્વાસ નથી થતો કે તેઓ બચી ગયા. તેઓ કહે છે કે તેઓ હવે ખુલ્લામાં કામ કરવા ગભરાય છે પણ ખેતી આધારિત આ ગરીબી વિસ્તારમાં આ કામ જ એકમાત્ર આવકનો સ્રોત છે.

તેઓ કહે છે કે, “હું જ્યારે પણ મારા મિત્ર અબ્દુલ્લા વિશે વિચારું છું ત્યારે રડી પડું છું.”

“જ્યારે હું રાત્રે મારી આંખ બંધ કરું છું ત્યારે એ મારા મગજ પર એ દિવસની યાદો છવાઈ જાય છે. હું મારી જાતને સાંત્વના આપી શકતો નથી.”

વધારાની રિપોર્ટિંગ અને ફોટો : નેહા શર્મા, આમીર પીરજાદા, સલમાન સઈદ, તારેકઝુમાન શિમુલ

રેડ લાઇન
રેડ લાઇન