ઉત્તરાખંડમાં ટનલનો ભાગ ધસી પડવાની ઘટના ચેતવણીનો સંકેત શા માટે છે?

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ગત મંગળવારે સાંજે આખરે 17 દિવસ સુધી ઉત્તરકાશીના સિલક્યારા ખાતેની ટનલમાં ફસાયેલા 41 મજૂરોના રૅસ્ક્યૂ ઑપરેશનમાં સફળતા હાંસલ થઈ હતી.
આર્નોલ્ડ ડિક્સ કહે છે તેમ આ “સૌથી મુશ્કેલ” ટનલ બચાવ કામગીરી હતી. આવી સ્થિતિનો સામનો તેમણે અગાઉ ક્યારેય કર્યો ન હતો.
ભારત સરકાર દ્વારા સલાહકાર તરીકે બોલાવવામાં આવેલા ઑસ્ટ્રેલિયાના ભૂગર્ભ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલની બહાર દિવસ-રાત ખડેપગે રહ્યા હતા.
સિલ્કયારા ટનલ દોઢ અબજ ડૉલરના 890 કિલોમીટર લાંબા ચારધામ પ્રોજેક્ટનો એક હિસ્સો છે, જે આ હિમાલય ક્ષેત્રમાં આવેલા રાજ્યમાંનાં તીર્થયાત્રાનાં બે સ્થળોને જોડે છે. 60 મીટરના બ્લૉકેજ દૂર કરવા અને ફસાયેલા કામદારોને ક્રોલ-આઉટ પાઇપ મારફતે બહાર કાઢવાનો માર્ગ બનાવવાના પ્રયાસોમાં મુખ્ય ડ્રિલિંગ મશીનમાં ભંગાણ સહિતના અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.
આર્નોલ્ડ ડિક્સે મને કહ્યું હતું, “મને લાગે છે કે આ સૌથી અઘરી કામગીરી છે અને એવું માત્ર ટેકનિકલ કારણોસર નથી. આ અઘરું છે, કારણ કે તેમાં અનેક જિંદગી દાવ પર લાગેલી છે. કોઈને ઈજા થઈ નથી અને અંદરથી દરેક વ્યક્તિ સલામત બહાર આવે તે અમારે સુનિશ્ચિત કરવાનું છે.”
આર્નોલ્ડ ડિક્સના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ મુશ્કેલ બની શકે તેમ હતી. ટનલમાં ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કરીને કે પાઇપોનો ઉપયોગ કરવાના આસાન જણાતા નિરાકરણમાં પણ અવરોધો હતા. બદલાતી પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિમાં અસ્થિરતા ચિંતાનો વિષય હોય છે.
ટનલની ઉપરના ભાગમાંના પાણીના સંભવિત સ્રોત સાથે છેડછાડ કરવાથી પૂર આવી શકે છે. તેનાથી બચાવકર્તાઓ અને ફસાયેલા લોકોના જીવન પર જોખમ સર્જાઈ શકે છે.

ઇમેજ સ્રોત, EPA
આ ટનલનું નિર્માણ કરી રહેલી ભારતીય કંપની દ્વારા જર્મન-ઑસ્ટ્રિયન એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી બર્નાર્ડ ગ્રૂપની સેવા લેવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બર્નાર્ડ ગ્રૂપે ઑગસ્ટમાં જણાવ્યું હતું કે, “ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિ ટનલ ડ્રાઇવિંગની શરૂઆતથી જ ટેન્ડર દસ્તાવેજમાંના અનુમાન કરતાં વધારે પડકારજનક સાબિત થઈ છે.” આ ટનલ માટે 2018માં “ઍસ્કેપ પૅસેજ”ની મંજૂરી આપવામાં આવી હતી. તે પૅસેજ ટનલનો એક હિસ્સો તૂટી પડ્યો ત્યાં સુધી શા માટે બનાવવામાં આવ્યો ન હતો એ સ્પષ્ટ થયું નથી.
કટોકટીની ગંભીરતાને સમજવા માટે તેના સ્થાન હિમાલયને સમજવાનું મહત્ત્વપૂર્ણ છે.
હિમાલય એ વિશ્વની સૌથી નાની પર્વતમાળા છે. લગભગ 45 મિલિયન વર્ષ પહેલાં બે ખંડીય પ્લેટની અથડામણ તથા ફોલ્ડિંગને કારણે રચાયેલી આ પર્વતમાળામાં અનેક ઊંચાં શિખરો આવેલાં છે. હિમાલય ધરતીકંપની સંભાવના ધરાવતો પ્રદેશ છે.
ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે ઉત્તરાખંડ ઉત્તર હિમાલય પ્રદેશમાં આવેલું છે અને તેમાં કાંપના ખડકો છે. પૃથ્વીની સપાટી પરનો છૂટો કાંપ એકઠો થઈ જાય અને એકમેકની સાથે જોડાઈ જાય ત્યારે ફિલાઇટ, શેલ, લાઇમસ્ટોન અને ક્વાર્ઝિટે જેવા ખડકો રચાય છે.
જાણીતા ભૂસ્તરશાસ્ત્રી સી. પી. રાજેન્દ્રને મને કહ્યું હતું, “આ પ્રદેશની સમસ્યા વિવિધ ક્ષમતાવાળા, વિવિધ પ્રકારના ખડકો છે. કેટલાક ખરેખર નરમ હોય છે, કેટલાક વધુ સખત હોય છે. નરમ ખડકો ક્ષીણ થઈ જાય છે અને આ પ્રદેશને દેખીતી રીતે અસ્થિર બનાવે છે.”
આ સમજવા માટે, ઉત્તરાખંડના ચાર જિલ્લાઓમાં ફેલાયેલા ચારધામ પ્રોજેક્ટની યજમાની કરતા આ પ્રદેશનું વ્યાપક મહત્ત્વ સમજવું જરૂરી છે.
મોટા પાયે ટનલો બની રહી છે

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રદેશ ગંગા તથા તેની મુખ્ય ઉપનદીઓનું જન્મસ્થળ છે અને તેણે પાણી તથા ખોરાક વડે 600 મિલિયન ભારતીયોને ટકાવી રાખ્યા છે.
સમગ્ર પ્રદેશમાં વન, હિમનદીઓ અને પાણીનાં ઝરણાં પથરાયેલાં છે. ભારતની આબોહવા પર આ પ્રદેશનો પ્રભાવ છે, કારણ કે તેની ટોચની જમીન કાર્બન સિંક તરીકે કામ કરે છે. એટલે કે ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનની અસરને ઘટાડવા માટે કુદરતી રીતે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને સંઘરી લે છે.
અહીં નિર્માણાધીન ચારધામ હાઇવે પ્રોજેક્ટમાં હાલના હાઇવેને ડબલ-વેન પેવ્ડ શોલ્ડર સુધી પહોળો કરવાની યોજના છે. તેમાં લગભગ 16 બાયપાસ, રીઅલાઇન્મૅન્ટ તથા ટનલ, 15 ફ્લાયઓવર અને 100થી વધુ નાના પુલ છે.
આ પ્રોજેક્ટમાં સિલ્કયારા અને ચંબામાંની નાની 400 મીટરની એક એમ બે રોડ ટનલ છે. એ સિવાય રેલવે અને હાઇડ્રોપાવર માટે ટનલ બોરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં 125 કિલોમીટર લાંબી રેલવે લિંક માટે 110 કિલોમીટર લાંબી ડઝનેક ટનલનો સમાવેશ થાય છે.
એ પછી સંખ્યાબંધ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટેની ટનલો છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર, આવા 33 સરકારી હાઇડ્રો પ્રોજેક્ટ કાર્યરત છે અને વધુ 14નું નિર્માણ કરાઈ રહ્યું છે.
હેમંત ધ્યાની નામના એક પર્યાવરણવાદીએ મને કહ્યું હતું, “ટનલનું કામ છેલ્લાં 15-20 વર્ષોમાં ઝડપી બન્યું છે. આ પર્વત જંગી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે અનુકૂળ નથી.”
અધિકૃત માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં આ વર્ષે અત્યાર સુધીમાં ભૂસ્ખલનની 1,000થી વધુ ઘટનાઓ બની છે અને 48થી વધુ લોકો માર્યા ગયા છે. આ પૈકીની મોટા ભાગની ઘટનાઓ વધુ પડતા વરસાદને કારણે બની છે.

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષની શરૂઆતમાં રાજ્યના જોશીમઠ જેવાં નાનાં નગરોમાં સેંકડો ઘર અને શેરીઓમાં તિરાડ પડી ગઈ હતી. સંશોધન સૂચવે છે કે હિમાલયની ટૉપ સોઇલમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ત્રણ ગણો વધુ ઘસારો થઈ રહ્યો છે. તેને લીધે પ્રદેશની કાર્બન સિંકમાં ઘટાડો થઈ રહ્યો છે.
2013માં આવેલા પૂરને કારણે કેદારનાથમાં વ્યાપક નુકસાન થયું હતું અને તેમાં સેંકડો લોકો તણાઈ ગયા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિના ભૂતપૂર્વ સભ્ય હેમંત ધ્યાનીના જણાવ્યા મુજબ, સાંકડી ટનલ બનાવવાના સમિતિના સૂચનની અવગણના કરવામાં આવી હતી. તેના પરિણામે બ્લાસ્ટિંગની પ્રવૃત્તિમાં વધારો થયો છે અને માટી ધસી પડવાનું જોખમ વધ્યું છે.
તેઓ માને છે કે પર્યાવરણસંબંધી જોખમના મૂલ્યાંકનને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી અને પ્રોજેક્ટના દરેક 100 કિલોમીટર કરતાં ઓછા હિસ્સામાં પ્રોજેક્ટના વિભાજનમાંથી ટનલને મુક્તિ આપવામાં આવી હતી.
આ સંબંધે વિરોધાભાસી મંતવ્ય પણ જોવા મળે છે. ભૂગર્ભ બાંધકામ નિષ્ણાત મનોજ ગરનાયકે એક અખબારને જણાવ્યું હતું કે ટનલનું નિર્માણ યોગ્ય રીતે કરવામાં આવે તો પર્વત અથવા પહાડી ઇકૉલૉજીને નુકસાન થતું નથી.
તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આશરે 200 વર્ષ જૂની ટનલ બનાવવાની ટેકનૉલૉજી મૂળભૂત રીતે જોખમી નથી. તેના યોગ્ય નિર્માણમાં, જે ખડકમાં ટનલ બનાવવાની છે તેનાં નક્કરપણા અને ક્ષમતાની સંપૂર્ણ તપાસનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Reuters
હેમંત ધ્યાની જેવા પર્યાવરણવાદીઓ વિવિધ પ્રદેશોમાં અણધારી ભૂસ્તશાસ્ત્રીય પ્રતિક્રિયાના સંદર્ભમાં તમામ ટનલ નિર્માણ પ્રોજેક્ટમાં ભૂપ્રદેશને અનુરૂપ અભિગમની હિમાયત કરે છે.
હિમાલયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ માટે આપત્તિ અને આબોહવા સામે ટકી શકવાની બાબતને પ્રાધાન્ય આપવું જોઈએ. એ ઉપરાંત સત્તાધીશોએ પર્યાવરણની દૃષ્ટિએ નાજુક તીર્થસ્થાનો માટેની નીતિમાં સુધારો કરવા માટે તમામ હિતધારકો સાથે મસલત કરવી જોઈએ.
તમામ ઋતુમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે આ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. તેને લીધે 25.6 કિલોમીટરનો પ્રવાસ માર્ગ ઘટીને 4.5 કિલોમીટર થવાનો છે અને મુસાફરીનો વર્તમાન સમય 50 મિનિટથી ઘટીને માત્ર પાંચ મિનિટ થવાનો છે.
વિધિની વક્રતા એ છે કે માર્ગનું નિર્માણ કરી રહેલા કામદારો ફસાઈ ગયા હતા અને તેમને બચાવવા માટેની લાંબી પ્રતીક્ષા કષ્ટદાયક અગ્નિપરીક્ષા બની રહી હતી. હેમંત ધ્યાનીએ કહ્યું હતું, “આ આપણા માટે એક ગંભીર ચેતવણીનો સંકેત છે.”












