મણિપુરમાં મૈતેઈ-કુકી આમને-સામને છે, પરંતુ આ વિસ્તારમાં બંને વચ્ચે 'દોસ્તી' છે

ઇમેજ સ્રોત, BISWA KALYAN PURKAYASTHA
- લેેખક, વિશ્વ કલ્યાણ પુરકાયસ્થ
- પદ, બીબીસી માટે
મણિપુરના જિરીબામથી 12 કિલોમીટર દૂર આસામના કછાર જિલ્લામાં એક એવી જગ્યા છે, જ્યાં મૈતેઈ અને હમાર-કુકી સમુદાયના લોકો લાંબા સમયથી હળીમળીને સાથે રહે છે.
મે 2023થી તેઓ આ સહઅસ્તિત્વ ટકાવી રાખવા માટે અફવાઓ સામે લડી રહ્યા છે, પરંતુ અમુક અંશે તેઓ ડરી પણ ગયા છે.
મણિપુરમાં મે 2023થી ચાલતા વંશીય સંઘર્ષમાં અત્યાર સુધીમાં 220થી વધુ લોકોનાં મોત થયાં છે.
તેના કારણે રાજ્યના બે મુખ્ય સમુદાયો વચ્ચેનો સંબંધ કાયમ માટે બદલાઈ ગયો છે.
હિંસાના કારણે મૈતેઈ અને કુકી - બંને સમુદાયોના હજારો લોકો વિસ્થાપનનો ભોગ બન્યા છે અને પડોશી રાજ્ય આસામમાં રહે છે.
32 વર્ષીય લાલરુતમોઈ જિરીબામનાં રહેવાસી છે અને આસામના કચર જિલ્લામાં એક નાની દુકાન ચલાવે છે.
તેમણે જૂન મહિનામાં અહીં આશરો લઈને આ દુકાન શરૂ કરી હતી. 6 જૂન સુધી તેમની પાસે બે દુકાનો હતી. પરંતુ અજાણ્યા તોફાનીઓએ તેને વેરવિખેર કરી નાખી હતી.
તેઓ કહે છે, "મારા પરિવારમાં હું કમાનાર એક માત્ર વ્યક્તિ છું. મારાં માતાપિતા બીમાર છે. નાનો ભાઈ હજુ ભણે છે. અમે રાતે સરહદ પાર કરી અને હવે અહીં રહીએ છીએ. આશા રાખીએ કે એક દિવસ બધું બરાબર થઈ જશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાલરુતમોઈ કહે છે કે આસામના લોકો અલગ છે.
તેઓ ઉમેરે છે, "તેમનામાં સંવેદના છે. તેઓ મારા કામના વખાણ કરે છે અને મને પ્રોત્સાહન આપે છે. અમે અહીં સલામતી અનુભવીએ છીએ."
આસામના આ વિસ્તારમાં મૈતેઈ અને કુકીઓનો ભાઈચારો

ઇમેજ સ્રોત, BISWA KALYAN PURKAYASTHA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મણિપુર અને આસામ લગભગ 200 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે.
તેનો સૌથી મોટો ભાગ જિરીબામમાંથી જ પસાર થાય છે. મણિપુરના સેનાપતિ જિલ્લામાંથી નીકળતી બરાક નદી બાંગ્લાદેશમાં પ્રવેશતા પહેલાં આસામના કછાર અને કરીમગંજ જિલ્લામાંથી પસાર થાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આસામમાં મૈતેઈ, હમાર અને કુકી સહિત અન્ય જાતિઓ વેપાર અને ખેતીની બાબતોમાં એકબીજા પર આધારિત છે.
મણિપુરી ડેવલપમેન્ટ કાઉન્સિલ, આસામનાં પ્રમુખ રીનાસિંહ કહે છે, "કુકી અને હમર જાતિ અહીં ઉગાડવામાં આવતા મોટાભાગનાં ઑર્ગેનિક ફળો અને શાકભાજીની ખેતી કરે છે. જે મૈતેઈમાં સૌથી વધુ લોકપ્રિય છે."
રીનાસિંહ કહે છે, “મેં ક્યારેય બજારમાંથી અનાનસ ખરીદ્યું નથી. અમને અમારા પડોશમાં રહેતા હમાર અને કુકીઓ પાસેથી તે મળી જાય છે. મારા પતિ ડૉક્ટર છે. તેમના મોટાભાગના દર્દીઓ આ સમુદાયોના છે. અમે ક્યારેય ભેદભાવ નથી અનુભવ્યો. તેનાથી ઉલ્ટું, અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે અને પેઢીઓથી આ સદભાવ ચાલ્યો આવે છે."
રીનાસિંહ સ્વીકારે છે કે હવે પરિસ્થિતિ થોડી બદલાઈ છે અને મણિપુરની હિંસા તેનું એક કારણ છે.
તેઓ કહે છે, "મોટા ભાગના મામલામાં અમે અફવાઓના શિકાર બનીએ છીએ. મણિપુર અને બીજા વિસ્તારના કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવે છે જેના કારણે ગરબડ થાય છે."
રીનાસિંહ કહે છે કે તેઓ અને તેમના માણસો ગામના લોકોને સમજાવે છે કે તેઓ સોશિયલ મીડિયા મારફત ફેલાયેલી માહિતી પર ભરોસો ન કરે.
તેઓ કહે છે, "અમે બીજા સમુદાયના લોકોને પણ કહ્યું છે કે અફવાઓ પર ધ્યાન ન આપો."
મૈતેઈ અને હમાર-કુકી સમુદાયના લોકોને એક બીજા પર ભરોસો કેમ છે?

ઇમેજ સ્રોત, BISWA KALYAN PURKAYASTHA
કછાર જિલ્લાના હમારખાલિન વિસ્તારમાં હમાર અને કુકી સમુદાયના પંદર હજાર લોકો રહે છે. મૈતેઈ અને હમર-કુકી સમુદાયના લોકો વચ્ચે ઘણાં લગ્નો પણ થયેલાં છે.
આ વિસ્તારમાં રહેતાં એક મૈતેઈ મહિલાએ જણાવ્યું કે 2022માં હમર સમુદાયના એક યુવક સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેઓ કહે છે, "અમને કોઈ જોખમ નથી લાગતું."
તેમણે કહ્યું, “અમારાં અરેન્જ્ડ મૅરેજ હતાં. મારા પિતાએ મારાં માટે યુવકની પસંદગી કરી, કારણ કે તેમને લાગ્યું કે તેઓ જે વ્યક્તિ પસંદ કરી રહ્યા છે તે મારા માટે યોગ્ય હશે. અમે જ્યારે મણિપુરમાં હત્યાઓ વિશે સાંભળીએ છીએ, ત્યારે પરેશાન થઈએ છીએ. પરંતુ તેનાથી અમારા સંબંધોમાં કોઈ ફરક પડતો નથી."
તેમના પતિએ કહ્યું કે તેઓ પત્નીની હાજરીમાં મૈતેઈ અને કુકી વચ્ચે ચાલી રહેલી હિંસાનો ઉલ્લેખ નથી કરતા.
તેઓ કહે છે, "તેણે (પત્ની) મને અને મારી સંસ્કૃતિનો સ્વીકાર કર્યો કારણ કે તેઓ મને પ્રેમ કરે છે. અમારાં લગ્ન એ વાતનું ઉદાહરણ છે કે પ્રેમ એ દરેક ચીજથી ઉપર હોય છે."
અસમમાં મૈતેઈ અને હમાર-કુકી જનજાતિઓ ખેતીનું કામ કરે છે.
આ વિસ્તારમાં અન્ય સમુદાયોની સરખામણીમાં મૈતેઈ લોકોની સંખ્યા વધુ છે. તેમની રાજકીય શક્તિ પણ વધારે છે.
પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે મૈતેઈ અને હમાર-કુકી સમુદાયો વચ્ચે સંઘર્ષનો કોઈ ઇતિહાસ નથી.
દિઘલી મણિપુરી વસતીના 50 વર્ષીય ઇબુન્ગોતોન શર્માએ જણાવ્યું કે તેમના ગામમાં કુકી અને મૈતેઈ આમનેસામને રહે છે.
તેઓ કહે છે, “ગામનું નામ મણિપુરીઓ પરથી રાખવામાં આવ્યું છે, પરંતુ કુકીની વસ્તી લગભગ મૈતેઈની વસ્તી જેટલી જ છે. કેટલાક લોકો અમને કૂકી લોકો પર ભરોસો ન કરવાની સલાહ આપે છે. પરંતુ કુકી પર શંકા રાખવા માટે મને કોઈ કારણ દેખાતું નથી."
મણિપુરના જિરીબામમાં શું થયું, કેમ હિંસા ફાટી નીકળી?

ઇમેજ સ્રોત, BISWA KALYAN PURKAYASTHA
જિરીબામ જિલ્લામાં કેટલાક અજાણ્યા શખસોએ એક મહિલાની નિર્દયતાથી હત્યા કરી ત્યારે નવેસરથી હિંસા ફાટી નીકળી હતી.
ત્યાર પછી 9 નવેમ્બરે આવી જ રીતે એક મૈતેઈ મહિલાની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ 11 નવેમ્બરના રોજ અજાણ્યા સશસ્ત્ર ઉગ્રવાદીઓનાં કેટલાંક જૂથોએ બોરોબેકરામાં મૈતેઈ લોકોના ગામ પર હુમલો કર્યો.
તેઓએ સૌથી પહેલા એક પરિવારના છ સભ્યોનું અપહરણ કર્યું અને પછી બે વૃદ્ધોની હત્યા કરી.
તે જ દિવસે હમર-કુકી સમુદાયના દસ હથિયારબંધ લોકો સીઆરપીએફ સાથેના ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેમના મૃતદેહોને આસામની સિલ્ચર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
પોસ્ટમૉર્ટમ અને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં કથિત વિલંબ થવાથી લોકો ગુસ્સે ભરાયા અને સિલચર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં પોલીસ પર હુમલો કર્યો હતો.
તેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો. ત્યાર પછી આ મૃતદેહોને આસામ રાઇફલ્સના હેલિકૉપ્ટરથી ઍરલિફ્ટ કરીને મણિપુરના ચુરાચાંદપુર લઈ જવાયા હતા.
શુક્રવાર અને સોમવાર વચ્ચે અપહરણ કરાયેલા છ મૈતેઈ સમુદાયના લોકોના મૃતદેહ બરાક નદીમાંથી મળી આવ્યા હતા.
તેમાં ત્રણ મહિલાઓ, બે બાળકો અને એક આઠ મહિનાનું બાળક સામેલ હતું. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તેઓ કોઈ તહેવારની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે તેમના ઘર પર હુમલો થયો હતો.
મૃતકોની ઓળખ કરવા માટે સિલ્ચર મેડિકલ કૉલેજ હૉસ્પિટલે આવેલા જિરીબામના ઉત્તમસિંહે જણાવ્યું હતું કે હુમલો થયો ત્યારે પરિવાર નિંગોલ ચાકોઉબા તહેવાર ઉજવી રહ્યો હતો. ઉગ્રવાદીઓએ આવીને તેમનું અપહરણ કર્યું. પછી તેમણે તેમનું ઘર સળગાવી દીધું.
તેમણે કહ્યું, "તે દિવસે અમારું બધું સમાપ્ત થઈ ગયું. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ."
બરાક વેલી હિલ ટ્રાઈબ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ લાલથોમલિન હમાર માને છે કે જિરીબામના રહેવાસીઓના મૃતદેહોને કછાર લાવવી એ એક મોટી ભૂલ હતી....
તેમણે કહ્યું, "દોઢ વર્ષથી અમે બંને સમુદાયો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે કામ કરીએ છીએ. પરંતુ સરકારના એક ખોટા નિર્ણયે ઘણું બધું બદલી નાખ્યું. હવે અમે એકબીજાના વિસ્તારમાં જવાનું ભલે ટાળતા હોઈએ, પરંતુ દુશ્મનીની કોઈ લાગણી નથી."
આસામના આ વિસ્તારમાં હાલમાં કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, BISWA KALYAN PURKAYASTHA
હમારખ્વાલિન એ હમાર-કુકીનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અહીં માત્ર બે દવાની દુકાનો મૈતેઈ અને બંગાળી સમુદાયના લોકોની માલિકીની છે.
સોમવારે કોઈએ દાવો કર્યો હતો કે આ દુકાનોના માલિકોને માર મારવામાં આવ્યો હતો અને તેમની દુકાનો તોડી પાડવામાં આવી હતી.
લાલથોમલિન હમારે ત્યાર પછી આ દુકાનોની તસવીરો શૅર કરતા કહ્યું કે તેમની સાથે આવું કંઈ નથી થયું.
તે દુકાનોના માલિકોએ પણ સોશિયલ મીડિયા પર નિવેદન આપીને જણાવ્યું કે તેઓ સુરક્ષિત છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના નથી.
તે લોકોએ કહ્યું, "હવે અમે સોશિયલ મીડિયા પર અમારા ફોન નંબર આપીએ છીએ. ખોટી માહિતી ફેલાવવા અગાઉ અમારો સંપર્ક કરીને સત્ય જાણી શકો છો. અમે શાંતિપૂર્વક સાથે રહેતા લોકોની આ પરંપરાને બચાવવા માટે કામ કરીએ છીએ અને અત્યાર સુધી તેમાં સફળ થયા છીએ."
રોડની વાત કરીએ તો મણિપુર અને અસમ નૅશનલ હાઈવે નંબર 127 પર એક પુલ દ્વારા જોડાયેલા છે. પુલના અસમ તરફના વિસ્તારને જિરીઘાટ કહે છે જ્યારે સામેની બાજુનો હિસ્સો જિરીબામ કહેવાય છે. બંને નામ જિરી નદી પરથી પડ્યા છે જે બરાકની સહાયક નદી છે.
પરિવારોના મોટા ભાગના સંબંધીઓ બંને તરફ જાય છે. ઘણા લોકો આ નદી માર્ગ પરથી મુસાફરી કરે છે. જો કે, આસામ પોલીસે સોમવારે રાત્રે ફેરી સેવાઓને કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે. જિરીબામમાં તણાવને જોતા પોલીસે આ નિર્ણય લીધો છે.

ઇમેજ સ્રોત, BISWA KALYAN PURKAYASTHA
કછાર જિલ્લાના પોલીસ અધીક્ષક નુમુલ મહાતાએ મંગળવારે જણાવ્યું કે પોલીસે એવા ઍન્ટ્રી પૉઇન્ટને હાલમાં કામચલાઉ ધોરણે બંધ કર્યા છે જ્યાંથી લોકો અંદર ઘૂસવાની કોશિશ કરે છે. જોકે, જિરીઘાટમાં હાજર પુલ પરથી લોકો આવ-જા કરી શકે છે.
તેમણે મંગળવારે સવારે જણાવ્યું, "અમે સરહદ નજીકના વિસ્તારમાં 200 પોલીસ કર્મચારીઓ ગોઠવ્યા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવા નબળા પ્રવેશમાર્ગ બંધ કર્યા છે, જ્યાંથી લોકો ઘૂસી શકે છે."
સોમવારે અડધી રાતે મહાતા અને બીજા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સરહદે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે મુખ્ય મંત્રીએ તેમને સરહદ નજીકના પ્રદેશમાં સુરક્ષા બંદોબસ્ત વધારે મજબૂત બનાવવા કહ્યું છે.
મહાતાએ કહ્યું, “અમે અહીં પડોશી રાજ્ય તરફથી કોઈપણ પ્રકારની ગરબડ પેદા થવા નહીં દઈએ. હાલની પરિસ્થિતિને કારણે દુકાનો બંધ છે. સ્થાનિક લોકો કેટલીકવાર હોડી દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ લેવા આવે છે."
"અમે તેમને અટકાવતા નથી. પરંતુ તેઓ માત્ર જિરીબામ અને જિરીઘાટને જોડતા પુલ પરથી જ આવ-જા કરી શકે છે."
7થી 17 નવેમ્બર વચ્ચે જિરીબામમાં કુલ 22 સ્થાનિક લોકો માર્યા ગયા છે.
ઇમ્ફાલમાં કેબિનેટની એક વિશેષ બેઠકમાં નિર્ણય લેવાયો કે આગામી દિવસોમાં કુકી ઉગ્રવાદીઓ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન કરવામાં આવશે.
સામના હમર-કુકી સમુદાયના લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી ત્યાંના મૈતેઈ લોકો સાથે શાંતિથી રહે છે. તેઓ આ ઘટનાની તેના પર અસર થવા દેશે નહીં.
તેમનું કહેવું છે, "અમને નિર્દોષ લોકો પ્રત્યે સહાનુભૂતિ છે. પરંતુ અમે હિંસાનું સમર્થન નથી કરતા. અમે મણિપુર અને આસામ સરકારને અપીલ કરીએ છીએ કે અમને આ વિવાદમાં ઢસડે નહીં. અમને શાંતિથી રહેવા દે."
આ વર્ષે જૂનમાં જિરીબામથી અસમમાં પ્રવેશ કરનારી 16 વર્ષીય છોકરી કછાર જિલ્લામાં એક ચાની દુકાન ચલાવે છે. તેમણે પોતાના રાજ્ય (મણિપુર)ની હાલની સ્થિતિ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી.
તે છોકરીએ કહ્યું, "તેમણે (કેન્દ્ર સરકારે) ઘણો વહેલો હસ્તક્ષેપ કરવાની જરૂર હતી. આટલા બધા લોકો માર્યા ગયા છે. અમે અમારા જ દેશમાં શરણાર્થીની જેમ રહીએ છીએ. પરંતુ હજુ પણ અમને આશાનું કિરણ દેખાતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












