You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : વસ્ત્રાલમાં સામાન્ય લોકો સાથે મારઝૂડ કરનારા 14ની ધરપકડ, ધુળેટી પહેલાંની રાત્રે શું થયું હતું
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના રહીશો ગુરુવારે રાત્રે હોળી તાપીને ઊંઘવાની તૈયારી રહ્યા હતા, ત્યારે નિરાંત ચોકડી પાસે લગભગ વીસેક શખ્સોના ટોળાએ ઉત્પાત મચાવ્યો હતો.
અમદાવાદ પોલીસ અનુસાર એક સ્થાનિક ગૅંગના સભ્યોના આ ટોળાને વિરોધી ગૅંગના માણસો ન મળતા રાહદારીઓને નિશાને લીધા હતા અને તેમની ઉપર હથિયાર ઉઠાવ્યા હતા. આરોપીઓની આવી હરકતો જોઈને લોકો પોતાના ઘરોમાં ભરાઈ ગયા હતા.
વસ્ત્રાલમાં ચાલી રહેલા ઉત્પાતની માહિતી પોલીસને મળતા, પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી. શુક્રવારે ધુળેટીના દિવસે પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી.
એ પછી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને નિરાંતે ધુળેટીના તહેવારની ઉજવણી કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનારા અને આ તોફાની તત્ત્વોના હુમલાનો ભોગ બન્યા બાદ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા 22 વર્ષીય બીબીએના (બેચલર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન) વિદ્યાર્થી આલાપ સોનીએ બીબીસી સાથેની વાતચીતમાં ગુરુવાર રાતની ઘટના વર્ણવી હતી.
આલાપ સોનીએ કહ્યું કે, "મારા પિતાની મૅરેજ ઍનિવર્સરી હતી, એટલે હું કારમાં મારા કાકા કશ્યપભાઈ, કાકાના દીકરા અર્થ, પિતરાઈ બહેન અને કાકી રાત્રે પોણા દસ વાગ્યે સીટીએમ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. નિરાંત ચાર રસ્તાથી આર.ટી.ઓ. તરફ જતા હતા, ત્યારે અચાનક મોઢે રૂમાલ બાંધેલા 20 જેટલા લોકોએ અમારી કાર રોકી હતી."
"અમે કંઈ સમજીએ તે પહેલાં કાર પર ડંડાથી તોડફોડ શરૂ કરી દીધી હતી, હું અને મારા કાકાનો દીકરો એમને સમજાવવા બહાર નીકળ્યા, તો એ લોકોએ અમારા ઉપર લાકડી અને ચાકૂથી હુમલો કર્યો હતો. મારા કાકાને પણ ઈજાઓ પહોંચાડી હતી."
આલાપ કહે છે કે, "અમે કોઈને ઓળખતા નહોતા, પણ એ લોકો એકબીજાને 'પંકજ, ખાંટુ, ગોવિંદ અને આંસલના નામથી બૂમો પડી બોલાવતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એમણે મને કહ્યું કે 'સંગ્રામ નહીં મળે ત્યાર સુધી રસ્તા ઉપર આમ જ થશે. સામેથી જવાબ આપ્યો તો મારી નાખીશું.' ત્યારબાદ એ લોકોએ બીજાં વાહનોની આડેધડ તોડફોડ કરી હતી."
"તેઓ બૂમો પાડી રહ્યા હતા કે 'અમે જોઈએ છીએ કે સંગ્રામ અહીં કેવી રીતે બેસે છે?' મને આઠેક લોકોનાં નામ યાદ રહ્યાં હતાં. એ લોકો ત્યારબાદ પોતાનાં વાહનોમાં ભાગી ગયા હતા અને ત્યાંથી કારમાં જઈને મારા ભાઈ અને હું હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા."
શું કહે છે પોલીસ?
રામોલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અંગત અદાવતમાં વીસેક લોકો જાહેરમાં આવ્યા હતા, એ લોકોએ સ્થાનિકોને નુકસાન પહોંચાડ્યું હતું. નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડ્યું હતું અને લોકોને ભારે ઈજા થઈ હતી."
"અમે તાત્કાલિક પોલીસ પેટ્રોલિંગ વધારીને રાત્રે નિર્દોષ લોકો પર હુમલો કરનારાઓમાંથી પાંચ લોકોને પકડ્યા હતા. ત્યાર બાદ વધુ નવ લોકોને પકડ્યા છે."
પીઆઈ ચૌધરીએ કહ્યું કે આરોપીઓને શુક્રવારે સવારે ઘટનાસ્થળે લઈ જઈને 'રિકન્સ્ટ્રક્શન' કરાવ્યું હતું. પોલીસે આરોપીઓની સામે બીએનએસની (ભારતીય ન્યાય સંહિતા) કલમ 109(1), 118(1) સહિતની બિનજામીન લાયક ગુનાની અને ભય આ ફેલાવવા ઉપરાંત ઘાતક હથિયાર વડે હુમલા સહિતની 11 કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાન સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો દ્વારા અમુક શખ્સોની 'પરેડ' કરાવવામાં આવી રહી છે અને તેમને લાકડીથી માર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો 'વસ્ત્રાલમાં પોલીસે તોફાનીઓનો વરઘોડો કાઢ્યો'ના નામથી શૅર થઈ રહ્યો છે. બીબીસી આ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી કરતું.
વિરોધી ગૅંગની અદાવતમાં સામાન્ય લોકો પર હુમલો
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા નિકુંજ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે વસ્ત્રાલમાં બે અલગ-અલગ ગૅંગ છે અને એમના વચ્ચે ઘણા સમયથી અદાવત ચાલે છે અને તેઓ ગેરકાયદે દારૂના ધંધામાં જોડાયેલા હતા.
નિકુંજ પટેલ કહે છે કે, "એ લોકો વચ્ચે પોતાની હદ મામલે ઝઘડા ચાલતા હતા. આ ટોળાએ હોળીના દિવસે તોફાન મચાવીને વિરોધી ગૅંગના નહીં, પરંતુ સામાન્ય લોકોને માર્યા હતા."
આ વિસ્તારના સામાજિક કાર્યકર જયેશ પટેલે કહ્યું, "આ બંને વચ્ચે લાંબા સમયથી ગૅંગવૉર ચાલે છે. આ લોકો અંગત અદાવતમાં એકબીજાની સાથે દુશ્મની કાઢતા હતા, પણ હોળીની રાત્રે એમણે આખાય વિસ્તારને બાનમાં લઈ સામાન્ય લોકો પર હુમલા કર્યા હતા, પણ સવાર સુધીમાં પોલીસે એમની ધરપકડ કરતા અહીંના લોકોએ રાહતનો દમ લીધો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન