પિરિયડ્સના દિવસોમાં મહિલા ખેલાડીઓ તેમની ટ્રેનિંગ કેવી રીતે કરે છે?

    • લેેખક, જાન્હવી મુળે
    • પદ, બીબીસી મરાઠી

"માઉન્ટ ઍવરેસ્ટ પર સફળ આરોહણ કરીને હું નીચે ઊતરી રહી હતી. હું હજુ આઠ હજાર મીટરની ઊંચાઈ પર હતી અને ત્યારે મને પિરિયડ્સ શરૂ થઈ ગયા."

આઠ હજાર મીટર ઊંચા પાંચ પર્વતોને સર કરનારાં પ્રથમ ભારતીય મહિલા પર્વતારોહી પ્રિયંકા મોહિતેએ તેમના આ અનુભવ વિશે વાત કરી હતી.

"હું થાકેલી હતી. ઑક્સિજન સાથે મેં લગભગ બાર કલાક સુધી આરોહણ કર્યું હતું. મને દસ દિવસ પછી પિરિયડ્સ આવવાના હતા. પરંતુ એવું લાગે છે કે થાક અને ખરાબ હવામાનને કારણે એ કદાચ વહેલા આવી ગયા હોય."

"હું તેના માટે તૈયાર ન હતી. મેં ટિશ્યૂ પેપરનો પેડની બદલે લગભગ બે દિવસ સુધી ઉપયોગ કર્યો હતો."

અમે પ્રિયંકાને તેમના પિરિયડ્સના અનુભવ વિશે પૂછ્યું કારણ કે ફિફા મહિલા વર્લ્ડકપને કારણે એ વાતની ચર્ચા થઈ રહી છે કે મહિલા ખેલાડીઓ માસિક આવે ત્યારે શું કરે છે.

આ ટુર્નામૅન્ટ પહેલાં જ ન્યૂઝીલૅન્ડની ફૂટબૉલ ટીમે તેમની જર્સી બદલી નાખી હતી. પિરિયડ્સ સંબંધિત ચિંતાઓથી છૂટકારો મેળવવા સફેદ જર્સીને બદલે તેમણે વાદળી રંગની જર્સી પસંદ કરી છે.

આ જ કારણથી વિમ્બલ્ડનમાં પણ હાલમાં જ નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો હતો અને ખેલાડીઓ રંગીન અંડરશૉર્ટ્સ પહેરી શકે છે તેની છૂટ આપવામાં આવી હતી.

જોકે આ કોઈ નવી વાત નથી કે પિરિયડ્સના સમયે પણ મહિલા ખેલાડીઓ રમે છે અને જીત પણ મેળવે છે.

વૅઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ ટોક્યોમાં 2020માં સિલ્વર મેડલ જીત્યો હતો અને એ સમયે તેઓ પિરિયડ્સમાં હતા. પછી તેમણે લોકોને જણાવ્યું હતું કે તેમણે વધુ સારા પ્રદર્શન માટે કઈ રીતે શારીરિક અને માનસિક તૈયારીઓ કરી હતી.

મહિલા ખેલાડીઓ માટે માસિક એક મોટો પડકાર હોય છે. જોકે મોટાભાગના લોકો તેના વિશે વાત કરતા નથી.

અન્ય મહિલાઓની જેમ જ કોઈપણ મહિલા ખેલાડીનું શરીર પણ બદલાવના અનેક તબક્કાઓમાંથી પસાર થાય છે.

અમે એ સમજવાની કોશિશ પણ કરી કે તેઓ કઈ રીતે આ બદલાવો સાથે તાલમેલ સાધે છે અને પિરિયડ્સના સમયે તેમની ટ્રેનિંગ શરૂ રાખે છે.

પિરિયડ્સના સમયે રમવું મુશ્કેલ હોય છે?

પિરિયડ્સ દરમિયાન મહિલા ઍથ્લીટ્સને મૂડ સ્વિંગ, પેટમાં દુખાવો, પીઠનો દુખાવો, પગમાં દુખાવો, ઊબકા આવવા, થાક લાગવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ બધી સમસ્યાઓ માટે અન્ય મહિલાઓ ક્યારેક-ક્યારેક પૅઈનકિલર લઈ શકે છે, પરંતુ રમતગમતના કડક નિયમોને કારણે ખેલાડીઓ પોતાની જાતે કોઈપણ ગોળીઓ લઈ શકતા નથી.

તેમને પિરિયડ્સ દરમિયાન તાલીમ લેવી પડે છે અને વધુ સારું પ્રદર્શન કરવું પડે છે અને ઈજા થવાની સંભાવના પણ રહે છે.

સ્વીડનની કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટના સીસિલિયા ફ્રિડને આ વિશે એક અભ્યાસ કર્યો છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માસિક ધર્મ પહેલાં અને માસિક દરમિયાન મહિલાઓમાં ઈજા થવાનું પ્રમાણ વધુ હોય છે.

ઓવ્યુલેશન (અંડાશયમાંથી અંડમોચન)ના તબક્કામાં (14મા દિવસે) મહિલાઓને ઘૂંટણની ઈજાનો ખતરો સૌથી વધુ હોય છે. જ્યારે થાક અને મૂડ સ્વિંગનું પ્રમાણ 21થી 28મા દિવસની વચ્ચે વધુ હોય છે.

2016માં થયેલા અન્ય એક અભ્યાસ દર્શાવે છે કે અડધાથી વધુ ટોચની મહિલા ખેલાડીઓને હૉર્મોનમાં ફેરફારનો પણ સામનો કરવો પડે છે જેના કારણે તેમની તાલીમ અને પ્રદર્શનને અસર થાય છે.

ડૉ. જ્યૉર્જી બ્રુઈનવૅલ્સ કે જેમણે આ અભ્યાસ હાથ ધર્યો છે, તેઓ પોતે પણ એક રમતવીર છે.

તેઓ કહે છે, "સ્ત્રીઓના શરીરમાં ઍસ્ટ્રોજનનું સ્તર ઓવ્યુલેશન પહેલાં સૌથી વધુ હોય છે. આ સમય દરમિયાન મોટાભાગની મહિલાઓને લાગે છે કે તેઓ રમતમાં સૌથી વધુ સક્ષમ છે. પરંતુ ઓવ્યુલેશન પહેલાં આ સ્તર ઘટી જાય છે."

"પ્રૉજેસ્ટેરોન હોર્મોન એ પછીના તબક્કામાં વધે છે. જે શરીરનું તાપમાન, શ્વાસ, ધબકારા વધારે છે અને ચયાપચયની ક્રિયાને પણ અસર કરે છે. તેથી જ તમારે ભોજનમાં બદલાવો કરવાની જરૂર પડે છે."

જો ખેલાડીઓ આ હૉર્મોનલ ફેરફારો વિશે જાણી શકે, તો તેમને ટ્રેનિંગના સમયને ગોઠવવામાં ઘણી મદદ મળી શકે છે.

પિરિયડ્સમાં ટ્રેઇનિંગ

આ વર્ષના વર્લ્ડકપમાં ઑપનિંગ ગોલ કરનાર ન્યૂઝીલૅન્ડનાં ફૂટબૉલર હેન્નાહ વિલ્કિન્સન કહે છે, "જો કોઈ મોટી મૅચ હોય તો ખેલાડીઓ પ્રાર્થના કરતા કે તેમને પિરિયડ્સ ન આવે. પરંતુ હવે બધું બદલાઈ ગયું છે."

તેઓ કહે છે કે તમારે પિરિયડ્સ દરમિયાન રમવા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવું જોઈએ.

પ્રિયંકા મોહિતે આ વાત સાથે સંમત થાય છે, "હું મારા પિરિયડ્સ દરમિયાન પણ પ્રૅક્ટિસ કરું છું. હું ઓછામાં ઓછું ફરવા જાઉં છું, ટ્રેડમિલ પર વર્કઆઉટ કરું છું, યોગ કરું છું, સ્ટ્રૅચિંગ કરું છું વગેરે."

"હું પિરિયડ્સ દરમિયાન શરીરના નીચેના ભાગની કસરત કરવાનું ટાળું છું પરંતુ ક્યારેય કસરત કરવાનું બંધ કરતી નથી."

છેલ્લાં 30 વર્ષથી જિમ્નેસ્ટિક્સ શીખવતા મહારાષ્ટ્રના વરિષ્ઠ કોચ હરીશ પરબ કહે છે, "મારા વિદ્યાર્થીઓ મને અગાઉથી કહે છે કે તેમના પિરિયડ્સ આવી રહ્યા છે અથવા તેમની તારીખ નજીક આવી રહી છે."

તેઓ કહે છે, "તેથી અમે તે મુજબ તેમની તાલીમ અને પ્રૅક્ટિસનો સમય નક્કી કરીએ છીએ. અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે તેઓ આ સમય દરમિયાન તેમના શરીર પર વધુ જોર ન લગાવે."

"જેથી તેઓ પિરિયડ્સ દરમિયાન ટ્રાયલ અથવા ટુર્નામેન્ટનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય છે."

તેઓ એ વાત પર ભાર મૂકે છે કે ટ્રૅનિંગ અને આહાર શક્તિની ચાવી છે.

"મોટાભાગના જિમ્નાસ્ટ વહેલી ટ્રૅનિંગ શરૂ કરે છે. જ્યારે તેઓ 12 વર્ષના થાય ત્યારે અમે તેમના આહાર વિશે ડાયટિશિયનની સલાહ લઈએ છીએ. અમે ખાતરી કરીએ છીએ કે તેમને પૂરતું આયર્ન અને કેલ્શિયમ મળે."

"અમે ગાયનેકોલૉજિસ્ટ સાથે સેશન પણ ગોઠવીએ છીએ જેથી છોકરીઓને ખબર પડે કે તેમના શરીરમાં શું ફેરફારો થઈ રહ્યા છે."

ટેકનૉલૉજી કઈ રીતે મદદ કરી રહી છે?

હૉકી, ફૂટબૉલ અને ક્રિકેટ જેવી રમતોમાં તમે આખી ટીમ માટે એક ફિટનેસ નિયમો લાગુ કરી શકાતા નથી. આજકાલ ફિટનેસ ટ્રેનર્સ દરેક ખેલાડી માટે અલગ-અલગ કસરતો સૂચવે છે.

ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પૉર્ટ્સના ડૉ. રિચાર્ડ બર્ડન કહે છે, "માસિકસ્રાવને લાંબા સમયથી ટ્રૅનિંગ અને પરફૉર્મન્સ માટે અવરોધક તરીકે જોવામાં આવે છે."

"પરંતુ જો તમે તેનો બીજો પક્ષ જુઓ તો તાલીમ છોડવાને બદલે યોગ્ય રીતે તાલીમ આપવી એ વધુ યોગ્ય રસ્તો છે."

ખેલાડીઓ આ અપ્સ ઍન્ડ ડાઉન્સ પર નજર રાખવા માટે ઍપનો ઉપયોગ કરે છે.

Clue, Fitbit જેવી ઍપ્સ મહિલાઓને તેમના પિરિયડ્સ ટ્રેક કરવામાં મદદ કરે છે. FitRWoman વધુ મદદરૂપ છે. તે દરેક માસિક ચક્ર દરમિયાન ટ્રૅઇનિંગ, પોષણ અને ફિઝિયોલૉજી સપોર્ટનો રેકૉર્ડ રાખે છે.

આ ઍપને સ્પોર્ટ્સ ટેક કંપની ઑરેકો દ્વારા બનાવવામાં આવી છે અને તેમાં ડૉ. જ્યૉર્જી બ્રુઈનવેલના સંશોધને મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ડૉ. બ્રુનવૅલ્સે અમેરિકન ફૂટબૉલ ટીમ સાથે કામ કર્યું છે અને ત્યારે ટીમે 2019માં વર્લ્ડકપ પણ જીત્યો હતો. તે સમયે કહેવામાં આવ્યું હતું કે આ ટેકનૉલૉજીએ તૈયારીમાં ઘણી મદદ કરી હતી.

પરંતુ માત્ર ટ્રૅનિંગ જ નહીં, કપડાંની કંપનીઓ પણ મહિલા ખેલાડીઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ રહી છે અને બજારમાં લીકપ્રૂફ કપડાં લૉન્ચ કર્યાં છે.

બોલવું એ સૌથી મહત્વનું

પર્વતારોહી પ્રિયંકા મોહિતેને એવું લાગે છે કે ખેલાડીઓએ માસિક વિશે ખુલીને બોલવાનું પણ ચાલુ કરી દેવું જોઈએ. શરૂઆતમાં હું પણ આ વિશે બોલવામાં ખચકાટ અનુભવતી હતી પણ હવે હું જ્યાં પણ જાઉં છું ત્યાં શાળાઓ અને કૉલેજોમાં વિદ્યાર્થીઓ સાથે આ વિષય પર ખુલીને ચર્ચાઓ કરું છું.

"અન્નપૂર્ણા અભિયાન દરમિયાન, મારી ટીમમાં ચાર પુરુષો હતા અને અમે એક જ ટૅન્ટમાં રહેતાં હતાં. જો તમારે પૅડ અથવા કપ બદલવાની જરૂર હોય તો તમારે એ ટૅન્ટમાં જ બદલવો પડશે કારણ કે બહાર પવન હતો અને બરફ પડી રહ્યો હતો. એટલા માટે તમારે તમારી ટીમ સાથે ભરોસો વિકસાવવાની જરૂર છે."

પરંતુ હવે દરેક લોકો આમ કરી શકે છે. અર્જુન પુરસ્કાર વિજેતા ભારતીય કુસ્તીબાજ દિવ્યા કાકરાને બીબીસીને જણાવ્યું કે કુસ્તીની પરંપરાગત રીતે પુરૂષ-પ્રભુત્વવાળી રમતમાં માસિકસ્રાવ અને પિરિયડ્સની બાબતને વર્જિત તરીકે જોવામાં આવે છે.

તેમણે કહ્યું, "છોકરીઓ કોચને કહી શકતી નથી કે તેમને કોઈ સમસ્યા છે. ત્યાં સ્વચ્છ શૌચાલય હોતાં નથી, પેડ બદલાવવાની જગ્યા હોતી નથી."

"તમારે વારંવાર શૌચાલયમાં જવું પડતું હોય, તમારાં કપડાં પર ડાઘ લાગે તો કૉચને શું કહેવું તેવા અનેક સવાલો ઊભા થાય છે."

અહીં કોચની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. હરીશ પરબ કહે છે કે છેલ્લાં 30 વર્ષમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.

તેઓ કહે છે, "માતાપિતા પહેલાં કરતાં વધુ જાગૃત છે, તેથી મહિલાઓની રમતમાં પિરિયડ્સ વિશે ખૂલીને વાતચીત થાય છે. છોકરીઓ પણ તેના વિશે વાત કરવા લાગી છે."

"જો તેઓ મારી સાથે સીધી વાત કરવા ન માગે, તો તેઓ મહિલા સહાયક કોચ અથવા સિનિયર ખેલાડીઓ સાથે વાત કરે છે."

અને કદાચ, પિરિયડ્સ પર પ્રમાણિકપણે વાતચીત થાય તેની જ મહિલા ખેલાડીઓને સૌથી વધુ જરૂર હોય છે.