You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં ફેલાયેલી શંકાસ્પદ બીમારી કેમ ગંભીર છે? ગુજરાત સરકારે કેમ લોકોને સાવચેત રહેવા કહ્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચીનમાં ન્યુમોનિયા જેવી જ શંકાસ્પદ બીમારીના ફેલાવાને કારણે સમગ્ર વિશ્વમાં ફરીથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં શ્વસનતંત્ર સંબંધિત આ રોગમાં આવેલા ઊછાળાને કારણે હૉસ્પિટલો ઊભરાવા લાગી હોવાના અહેવાલો સમાાચાર સંસ્થાઓએ પ્રકાશિત કર્યા છે.
લગભગ ત્રણ વર્ષ પહેલા જ આ રીતે શ્વસનતંત્ર સંબંધિત બીમારીઓમાં આવેલા ઊછાળા પછી જ લોકોને કોવિડ-19 મહામારીની જાણ થઈ હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં ચીનના ઉત્તરી પ્રાંતોમાં આ ન્યુમોનિયા જેવી બીમારીના વ્યાપક કેસ જોવા મળ્યા છે.
મોટાભાગના કેસ બાળકોમાં જોવા મળ્યા છે અને બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હોય તેવી ઘટનાઓમાં પણ મોટો વધારો થયો છે.
ગત અઠવાડિયે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચીનના સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી આ અંગે વધુ ડેટા અને માહિતીની માંગણી કરી હતી.
શું છે આ નવી બીમારી?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 23 નવેમ્બરે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ચીનના સ્વાસ્થ્ય વિભાગ સંબંધિત અધિકારીઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે ઑક્ટોબરથી હૉસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ વધારો ઍડિનો વાઇરસ, ઍન્ફલ્યુએન્ઝા વાઇરસ અને આરએસવી જેવા જાણીતા પેથોજેન્સને આભારી છે. જે માત્ર હળવા શરદી જેવાં લક્ષણો ધરાવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે ચીનના ઉત્તરી પ્રાંતમાં, ખાસ કરીને બીજિંગ જેવાં શહેરોમાં બાળકોને હૉસ્પિટલોમાં દાખલ કરવાના પ્રમાણમાં મે મહિનાથી જ વધારો થયો છે. તેનું મુખ્ય કારણ ચીનના સત્તાવાળાઓ અનુસાર ‘માઇકોપ્લાઝમા ન્યુમોનિયા’ બૅક્ટેરિયા છે, જેના કારણે ફેફસાંમાં ચેપ લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેચર જર્નલ અનુસાર, તેને સામાન્ય રીતે 'વૉકિંગ ન્યુમોનિયા' કહે છે. આ એક એવો રોગ છે જેનાં લક્ષણો સામાન્ય રીતે પ્રમાણમાં હળવાં હોય છે અને દર્દીને બેડ રેસ્ટ અથવા હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી, પરંતુ તે આ વર્ષે બાળકોને સખત અસર કરી રહ્યું છે.
જોકે, ‘માઇકોપ્લાઝમા ન્યુમોનિયા’ નામનો આ બૅક્ટેરિયા નવો નથી પરંતુ ચીનમાં આ બૅક્ટેરિયાને કારણે આ ન્યુમોનિયા જેવો રોગ વ્યાપકપણે ફેલાઈ ગયો છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, એ બૅક્ટેરિયાનો એક પ્રકાર છે પરંતુ તે એક વાઇરસની જેમ વર્તે છે અને ઝડપથી લોકોમાં ફેલાય છે.
તે બંને ફેફસાંને અસર કરે છે અને કફ-શરદીમાં વધારો કરે છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.
તે શ્વસનતંત્ર (ગળા, ફેફસાં, શ્વાસનળી)ના ઉપરના સ્તરને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર લોકો બીમાર પડતા નથી પરંતુ એવી શક્યતા રહેલી છે કે તેમના નાક અથવા ગળામાં આ બૅક્ટેરિયા હોય. ઓક્સિજનના સ્તરમાં પણ ઘટાડો થઈ શકે છે.
સામાન્ય રીતે આપણે માયકોપ્લાઝમાનો આવો પ્રકોપ જોવા મળતો નથી. તેથી ચીનમાં જોવા મળેલા આ સંવેદનશીલ બૅક્ટેરિયામાં કેટલાક ફેરફારો થયા છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
જાણકારોના મતે કોરોના મહામારીને ડામવા માટે લેવામાં આવેલા કડક પગલાંઓને કારણે આ ‘માઇકોપ્લાઝમા ન્યુમોનિયા’ ની અસર ઓછી થઈ ગઈ હોવાનું કહેવાય છે. હવે અમુક નિયંત્રણો હઠાવી લેવાયા હોવાથી આ રોગ વધુ ફેલાયો હોવાનું કહેવાય છે.
આ બીમારીનાં લક્ષણો શું છે? શું ધ્યાનમાં રાખવું?
એ વાઇરસની જેમ ઝડપથી ફેલાય તેવો ચેપી રોગ નથી પરંતુ તે આપણાં ગળા અને નાસિકાઓને અસર કરી શકે છે અને ફેફસાંમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી શકે છે. જેના કારણે ન્યુમોનિયા થાય છે.
આ બીમારીનાં લક્ષણો સામાન્ય તાવ-શરદી જેવાં જ છે પરંતુ અમુકવાર ચામડી પર ફોલ્લીઓ થઈ જવી, સાંધામાં દુખાવો થવો જેવાં લક્ષણો પણ જોવા મળે છે.
આ બીમારીથી બચવા માટે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને ખાંસી-છીંક ખાતી વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ.
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, આ ચેપ સામાન્ય રીતે શિયાળામાં વધુ લાગે છે અને કોઈપણ ઉંમરના લોકોને તે થઈ શકે છે. જે લોકોને પહેલેથી જ શ્વાસનો રોગ હોય, તેમને ખૂબ તકલીફ પડી શકે છે. એટલે આવાં લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
રાજ્ય સરકારે શું પગલાં લીધાં?
ભારત સરકારે આ બીમારીને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારો માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે.
તે અનુસાર રાજ્ય સરકારે પણ હૉસ્પિટલોને સતર્ક રહેવા અને તૈયારીઓ કરવા નિર્દેશ જાહેર કર્યો છે. રાજ્યા સરકારે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ, સિવિલ હૉસ્પિટલોના વડા, મહાનગરપાલિકાઓના આરોગ્ય અધિકારીઓ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રને સંબોધીને પરિપત્ર જાહેર કર્યો છે.
બીબીસી સહયોગી ભાર્ગવ પરીખે આપેલી માહિતી અનુસાર, અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું છે કે, આ વાઇરસ માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ સજ્જ છે. 2000 લિટર ઓક્સિજન ( એક સાથે 200થી વધુ બાળકોને આપી શકાય એટલો જથ્થો) તૈયાર રાખવામાં આવ્યો છે અને ટેસ્ટ માટેનાં તમામ સાધનો તૈયાર રાખવામાં આવ્યાં છે. મેડિકલ ટીમને તહેનાત કરવામાં આવી છે.