જ્યારે ધારાસભ્યે શપથવિધિમાં મંત્રી તરીકે શપથ લેવાની જાહેરમાં ના પાડીને નરેન્દ્ર મોદીને પણ સ્તબ્ધ કરી દીધા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સારાંશ

  • મુખ્ય સચિવ સુધીર માંકડે શપથવિધિ માટે ગોરધન ઝડફિયાનું નામ લીધું, ત્યારે તેમણે શપથ લેવાનો ઇનકાર કરી દીધો
  • મંત્રીમંડળના ગઠન માટે કેશુભાઈ પટેલ તથા સુરેશ મહેતાની સલાહ લેવામાં ન આવી હોવાનો મુદ્દો પણ ઝડફિયાએ ઉઠાવ્યો હતો
  • 1995માં ગોરધન ઝડફિયા પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા
  • ઑગસ્ટ-2005માં ઝડફિયાએ શપથ લેવાનો ઇનકાર કર્યો હતો
  • 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઝડફિયાને ઉત્તર પ્રદેશનો હવાલો આપ્યો હતો જેમાં ભાજપને 62 તથા એનડીએને 64 બેઠક મળી હતી

તા. 1 ઑગસ્ટ, 2005

સ્થળ: રાજભવન, ગાંધીનગર

કાર્યક્રમ : તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ. (2001થી 02 પહેલું અને 2002-05 બીજું.) બધાનું ધ્યાન નરેન્દ્ર મોદી ઉપર હતું, જેમણે કેન્દ્રમાં સરકારપરિવર્તન છતાં રાજ્યમાં સરકાર ઉપર પકડ મજબૂત કરી લીધી હતી, હવે મોદી પહેલી વખત પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી રહ્યા હતા.

12 નવા મંત્રોનો સમાવેશ કરવામાં આવનાર હતો. જોકે, મંત્રીપદ માટે પદનામિત એક ધારાસભ્યે મંચ ઉપર બેસવાના બદલે નીચે બેસવાનું પસંદ કર્યું હતું. આ ધારાસભ્ય એટલે ગોરધન ઝડફિયા.

એ પછી એવું બન્યું કે જેની ખુદ મોદીએ પણ નહીં કરી હોય. એ ઘટનાક્રમને કારણે મોદી સરકારની નાલેશી થઈ. એ બનાવના વર્ષો બાદ એવું બન્યું જે રાજકીય નિષ્ણાતોને માટે અકલ્પનીય હતું.

સોમવારે ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળના મંત્રીમંડળની શપથવિધિ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ છે. ત્યારે ગુજરાતમાં ભાજપ સરકારના એ પ્રકરણ ઉપર નજર કરવી રસપ્રદ બની રહેશે.

જાહેરમાં 'ના' અને નાલેશી

રાજ્યપાલ નવલ કિશોર શર્મા નવનિયુક્ત ધારાસભ્યોને શપથ લેવડાવવાના હતા અને પરંપરા મુજબ તમામને મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું, જેથી કરીને રાજ્યપાલ નામ લે ત્યારે શપથ લઈ શકે. પરંતુ ગોરધન ઝડફિયા નીચે બેઠા હતા.

જ્યારે મુખ્ય સચિવ સુધીર માંકડે શપથવિધિ માટે ઝડફિયાનું નામ લીધું, ત્યારે તેમણે ઊભા થઈને નીચેથી જ બે હાથ જોડીને ચહેરા પર નારાજગીના ભાવ સાથે કંઈ પણ બોલ્યા વિના મંત્રીપદના શપથ લેવાનો ઇનકાર કરી દીધો.

કાર્યક્રમમાં હાજર ભાજપના ધારાસભ્યો, નેતાઓ અને પદાધિકારીઓમાં સોપો પડી ગયો. સૌથી વધુ સ્તબ્ધ નરેન્દ્ર મોદી કૅમ્પ અને ખુદ મુખ્ય મંત્રી હતા.

મોદીના કૅમ્પનું કહેવું હતું કે જો તેમણે ના પાડવી જ હતી, તો વહેલી સવારે ના પાડી શક્યા હોત. આવી રીતે ના પાડવાનો હેતુ સ્પષ્ટપણે નરેન્દ્ર મોદી તથા તેમના સમર્થકોને નીચા દેખાડવાનો હતો.

એ પછી પત્રકારો સાથે વાત કરતા ઝડફિયાએ કહ્યું કે 'શપથ નહીં લેવાનો નિર્ણય તેમનો વ્યક્તિગત હતો અને આખી રાત વિચાર કર્યા પછી તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે જો તેઓ મંત્રીમંડળમાં જોડાશે તો નારાજ કાર્યકરોની લાગણીને વાચા નહીં મળે.'

મંત્રીમંડળના ગઠન માટે કેશુભાઈ પટેલ તથા સુરેશ મહેતાની સલાહ લેવામાં ન આવી હોવાનો મુદ્દો પણ ઝડફિયાએ ઉઠાવ્યો.

સરકારથી કેટલાક નારાજ ધારાસભ્યોએ ઝડફિયા સાથે મુલાકાત કરી હતી, તો કેટલાક ધારાસભ્યોએ 'ગોરધનભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ'ના નારા સાથે તેમને ગાંધીનગર ખાતેના સત્તાવાર નિવાસસ્થાને આવકાર્યા હતા.

ઇનકારનાં એ કારણો

ગોરધન ઝડફિયાનો જન્મ ભાવનગર જિલ્લાના ગારિયાધારના એક ગામડામાં લેઉવા પટેલ સમાજમાં થયો હતો. 1995માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમને મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના વિશ્વાસુ માનવામાં આવતા હતા, જેઓ પોતે લેઉવા પાટીદાર સમાજના હતા તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવતા હતા.

હીરા અને કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા ઝડફિયા કારકિર્દીની શરૂઆતથી જ વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા હતા. ઝડફિયા તત્કાલીન રખિયાલ બેઠક ઉપરથી ચૂંટાઈ આવતા હતા. વિહિપના પ્રવીણ તોગડિયા પણ અમદાવાદમાં સક્રિય હતા.

ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો, તે પછી તેમના વિશ્વાસુ આત્મારામ પટેલનું ધોતિયું ખેંચવામાં આવ્યું હતું અને ભાજપના શિસ્તના લીરેલીરા જાહેરમાં ઉડ્યાં હતાં. તે પ્રકરણ ગુજરાતના રાજકારણમાં 'ધોતિયાકાંડ' તરીકે વિખ્યાત થયું.

વાઘેલા મુખ્ય મંત્રી બની ગયા, પરંતુ કાયદાકીય જરૂરિયાત પ્રમાણે, ધારાસભ્ય પણ નહોતા બન્યા, તે પહેલાં 'ધોતિયાકાંડ'ના આરોપસર તોગડિયાની ધરપકડ કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને રસ્તા ઉપર ઉતારીને તોગડિયાની તરફેણમાં વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. 1998માં જ્યારે મોદી ઉત્તર ભારતનો કાર્યભાર સંભાળી રહ્યા હતા ત્યારે કેશુભાઈની સરકારમાં તોગડિયાનું કદ વધ્યું હતું. છતાં મોદી અને તોગડિયાના સંબંધ જળવાઈ રહ્યા હતા.

કેશુભાઈ પટેલને હઠાવીને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, ત્યારે તેમની પ્રથમ સરકારમાં તોગડિયાના વિશ્વાસુ એવા ગોરધન ઝડફિયાને ગૃહ મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું.

જ્યારે 2002માં ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં હુલ્લડ ફાટી નીકળ્યા, ત્યારે ઝડફિયા તથા ગુજરાત પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા હતા.

શાહ, ઝડફિયા અને સંજોગો

ગોધરાકાંડ અને તે પછી ફાટી નીકળેલા હુલ્લડોના ઓછાયાની વચ્ચે ડિસેમ્બર-2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપને 126 બેઠક મળી. તાજેતરની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે 156નો રેકર્ડ બનાવ્યો, તે પહેલાં ભાજપનું તે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

તોગડિયાએ ડઝનબંધ જાહેરસભાઓ કરીને ગુજરાતમાં ઊભા થયેલા હિંદુત્વના જુવાળને હવા આપી અને ભાજપની તરફેણમાં માહોલ ઊભો કરવામાં પોતાનું પ્રદાન આપ્યું.

અપેક્ષાથી વિપરીત ઝડફિયાને નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના પ્રથમ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું ન હતું. મોદીએ ઝડફિયાના સ્થાને શાહને રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવ્યા હતા. જેઓ આગામી 10 વર્ષ સુધી આ પદ સંભાળવાના હતા.

એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટના આદેશના પગલે પોલીસ દ્વારા વિહિપ તથા બજરંગ દળ સાથે જોડાયેલા અનેક કાર્યકરોને હુલ્લડોના ભાગીદારીના આરોપસર જેલમાં ધકેલી દેવામાં આવ્યા. આ બધાની વચ્ચે ઑગસ્ટ-2005માં ઝડફિયાએ શપથ લેવાનો ઇનકાર કર્યો.

અમિત શાહે બીએસસીનો અભ્યાસ કર્યો છે, જ્યારે ઝડફિયા બીએસસી તથા માસ્ટર ઇન પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન તથા માર્કેટિંગમાં ડિપ્લોમાં જેવી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. રાજકીય કારકિર્દીના એક તબક્કે શાહ અમદાવાદ ભાજપના સૅક્રેટરી હતા, તો ઝડફિયા મહાસચિવપદે રહ્યા હતા.

2007માં તેમણે ભાજપ છોડી દીધી અને 2010માં 'મહાગુજરાત જનતા પાર્ટી'ની સ્થાપના કરી. 2012માં કેશુભાઈ પટેલે 'ગુજરાત પરિવર્તન પાર્ટી'ની સ્થાપના કરી, ત્યારે ઝડફિયાએ પોતાની પાર્ટીને જીપીપીમાં વિલીન કરી દીધી.

મોદી, શાહ અને ઝડફિયા

2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે કેશુભાઈ પટેલે પોતાની પાર્ટી જીપીપીને ભાજપમાં વિલીન કરી દીધી. અમિત શાહ ઉત્તર પ્રદેશનો મોરચો સંભાળી રહ્યા હતા, જ્યાં પાર્ટીને 80માંથી 71 તથા એનડીએને 73 બેઠક મળી.

આ વિજયે લગભગ ત્રણ દાયકા બાદ કેન્દ્રમાં કોઈ એક પક્ષની સરકાર માટેનો રસ્તો સાફ કર્યો. ભાજપને કુલ 282 બેઠક મળી. આગળ જતાં અમિત શાહ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ બન્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ભાજપના નેતાનું કહેવું છે કે 'મોદી ભૂલતા નથી અને મોદી માફ નથી કરતા.' ગુજરાતના રાજકારણને નજીકથી જોનારા પત્રકારો પણ આ વાતની પુષ્ટિ કરે છે કે મોદી પોતાની મદદ કરનારાઓને ભૂલતા નથી અને જો કોઈ આડું ઊતરે તો તેમને માફ પણ નથી કરતા.

2018માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાદ ભાજપે લોકસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના પદાધિકારીઓની નિમણૂક કરી, ત્યારે ઝડફિયાનું નામ પણ તેમાં સામેલ હતું. એક સમયે અમિત શાહે યુપીનો ગઢ જીતવાની જે જવાબદારી ઉપાડી હતી, તેને સાચવવાનું કામ અન્ય નેતાઓ સાથે ઝડફિયાને સોંપવામાં આવ્યું હતું.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 62 તથા એનડીએને 64 બેઠક મળી. બહુજન સમાજ પક્ષ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળના 'મહા ગઠબંધન'ને કારણે ભાજપને નવ બેઠકનું નુકસાન થયું હતું. છતાં કેન્દ્રમાં આપબળે સરકાર બનાવવામાં ભાજપને જરૂરી આંકડા અપાવ્યા.

ઝડફિયા ભાજપ છોડવાનો ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે અને પોતાના પાર્થિવદેહને ભાજપના ઝંડામાં વિંટાળવાની વાત કહીને આજીવન પાર્ટી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશના તમામ પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે ઝડફિયા ગુજરાતમાં ભાજપના ઉપાધ્યક્ષ છે.