You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તુનિષા શર્મા : મુંબઈ પોલીસે કહ્યું કે 'બ્રેકઅપને લીધે અભિનેત્રીએ આત્મહત્યા કરી'
ફિલ્મ અને સિરિયલમાં કામ કરતાં અભિનેત્રી તુનિષા શર્માના આત્મહત્યાના કેસમાં તેમના કો-સ્ટાર શીઝાન ખાનની પોલીસે ધરપકડ કરી છે.
મુંબઈ પોલીસના એસીપી ચંદ્રકાંત જાધવે ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મોતના મામલામાં કહ્યું છે કે તેમનો શીઝાન ખાન સાથે પ્રેમસંબંધ હતો.
તેમણે કહ્યું, "તુનિષા શર્મા એક ટીવી શોમાં ઍક્ટિંગ કરી રહી હતી. 15 દિવસ પહેલાં તેનું બ્રેકઅપ થયું હતું, ત્યારબાદ તુનિષાએ તેના શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી."
એસીપી ચંદ્રકાંત જાધવે જણાવ્યું કે તુનિષાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે શીઝાનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે શીઝાનને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તુનિષાનું મોત ગળાફાંસો ખાઈને થયું છે.
અગાઉ ટીવી અભિનેત્રી તુનિષા શર્માના મૃત્યુના સંબંધમાં વાલીવ પોલીસે તેમના કો-સ્ટાર શીઝાન ખાનની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.
(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)
શું હતો ઘટનાક્રમ?
તુનિષા શર્મા સોની સબ ટીવીની સિરિયલ ‘અલીબાબા : દાસ્તાન એ કાબુલ’માં હાલ મુખ્ય પાત્ર ભજવી રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વસઈમાં આ સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયે તુનિષાએ મૅકઅપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.
મૅકઅપ રૂમમાંથી ઘણા સમય સુધી બહાર ન આવતાં તુનિષાના એક સહકર્મી ત્યાં પહોંચ્યા અને આ ઘટના પ્રકાશમાં આવી.
આ ઘટના બાદ તુનિષાનાં માતાએ ઍક્ટ્રેસના કો-સ્ટાર શીઝાન ખાન પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ કરી હતી.
આ મામલે વાત કરતાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ચંદ્રકાંત જાધવે કહ્યું, “તુનિષા શર્મા અલીબાબા નામની સિરિયલમાં કામ કરતાં હતાં. આ સિરિયલના શૂટિંગ વખતે તેમણે અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે માતાની ફરિયાદ આધારે પોલીસે ફરિયાદ નોંધી લીધી છે.”
જાધવે આગળ કહ્યું કે, “તુનિષાનાં માતાનું કહેવું છે કે તેમના કો-સ્ટાર શીઝાન ખાન સાથે તુનિષાનું અફેર હતું, તેણે આ પગલું ડિપ્રેશનમાં આવીને ભર્યું હતું.”
જાધવે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, “તુનિષા ગર્ભવતી છે એવું હજુ સામે આવ્યું નથી, પોલીસ આગળ તપાસ કરી રહી છે.”
આ સિવાય સમાચાર એજન્સી એએનઆઈએ પણ આ મામલે ટ્વીટ કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે પોલીસે તુનિષાને ‘આત્મહત્યા માટે દુષ્પ્રેરણા’ મામલે કો-સ્ટાર શીઝાન ખાન સામે ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી છે.
તુનિષાએ અંતિમ પોસ્ટમાં શું લખ્યું?
ઍક્ટ્રેસ તુનિષાએ આત્મહત્યા કરતા પહેલાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શૅર કર્યો હતો અને તેમાં એક વાક્ય પણ લખ્યું હતું.
આ ફોટોમાં તેમના હાથમાં કંઈક દેખાઈ રહ્યું છે. તેમણે આ ફોટોના કૅપ્શનમાં લખ્યું હતું કે ‘જે લોકો જુસ્સાથી દોરાતા હોય છે તેઓ ક્યારેય રોકાતા નથી.’
તુનિષા શર્માની કારકિર્દી
તુનિષા શર્મા માત્ર 20 વર્ષનાં હતાં. તેઓ હિંદી ટીવી સિરિયલો અને હિંદી ફિલ્મોમાં કામ કરતાં હતાં.
તેમણે વર્ષ 2016માં ‘ફિતૂર’ ફિલ્મ સાથે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.
તેમણે વિદ્યા બાલન સાથે તેમની ફિલ્મ ‘કહાની - 2’માં પણ કામ કર્યું હતું.
તેઓ ટીવી સિરિયલોનો જાણીતો ચહેરો બની ગયાં હતાં.
તુનિષાએ 'ઇન્ટરેનેટવાલા લવ', 'ગાયબ' અને 'શેર- એ – પંજાબ : મહારાજ રણજિતસિંઘ' જેવી સિરિયલોમાં કામ કર્યું છે.
તેમણે ‘ભારત કા વીર પુત્ર : મહારાના પ્રતાપ’ સિરિયલમાં પણ કામ કર્યું છે.
શીઝાન ખાન કોણ છે?
શીઝાન ખાન ટીવી સિરિયલોમાં કામ કરતા ઍક્ટર છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના બે લાખ 16 હજાર ફોલોઅર છે. પાછલા અમુક દિવસોમાં, ઇન્સ્ટાગ્રામ પર તેમણે અલીબાબા સિરિયલના શૂટિંગને લઈને ઘણા ફોટો પોસ્ટ કર્યા હતા. આ ફોટોમાં તેમના અને તુનિષાના ફોટો પણ છે, આ ફોટો સિરિયલ માટે લદ્દાખ અને અન્ય સ્થળોએ શૂટિંગ દરમિયાનના છે.