વર્લ્ડકપ 2023: પ્રથમ વાર જ રમવાની તક મળી અને પાંચ વિકેટ લીધી, અત્યાર સુધી ન રમાડવા અંગે શું બોલ્યા શમી?

આ જીતનો સૌને છેલ્લાં 20 વર્ષથી ઇંતેજાર હતો. અંતે રોહિત શર્માની ટીમે આ મહેણું ભાંગ્યું અને ન્યૂઝીલૅન્ડને ધર્મશાળામાં રમાયેલ વર્લ્ડકપ 2023ની મૅચમાં 4 વિકેટે હરાવ્યું. કોઈ પણ આઇસીસી ટુર્નામેન્ટમાં ભારત ન્યૂઝીલૅન્ડ સામે 20 વર્ષ પછી જીત્યું છે.

આ ભારતીય ટીમની ટુર્નામેન્ટમાં સતત પાંચમી જીત છે. આ સાથે જ પૉઇન્ટ ટેબલમાં ભારત ટોચના સ્થાને પહોંચી ગયું છે.

આ મૅચ કેટલી મહત્ત્વપૂર્ણ હતી તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે પાકિસ્તાન સામેની મૅચ કરતાં પણ આ મૅચને પ્રેક્ષકોએ ઓટીટી પર વધુ સંખ્યામાં જોઈ છે.

આ સાથે જ આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી (354 રન) અને રોહિત શર્મા (311) ટોચના બે બૅટ્સમૅનો પણ બની ગયા છે.

મોહમ્મદ શમીનું પ્રદર્શન

આ મૅચમાં વિરાટ કોહલીએ 95 રનની સૌથી મહત્ત્વની ઇનિંગ રમી તો પહેલી જ વાર આ વર્લ્ડકપમાં બેટિંગ કરવા ઊતરેલા રવીન્દ્ર જાડેજા અંત સુધી પીચ પર ટકેલા રહ્યા અને વિનિંગ શોટ પણ તેમના જ બૅટથી આવ્યો.

જોકે, સૌથી વધુ જો કોઈનાં વખાણ થવા જોઇએ તો એ છે મોહમ્મદ શમી.

શમીને આ વર્લ્ડકપમાં પહેલીવાર રમવાનો મોકો મળ્યો અને તેમણે એ રીતે બૉલિંગ કરી કે આગળ હવે તેમને નજરઅંદાજ કરવા મુશ્કેલ બની જાય. તેમણે વન-ડે કારકિર્દીમાં ત્રીજીવાર પાંચ વિકેટ ઝડપી છે.

10 ઓવરોમાં શમીએ 5.4ની ઇકૉનૉમી સાથે બૉલિંગ કરી અને ન્યૂઝીલૅન્ડના પાંચ બૅટ્સમૅનોને પેવેલિયન ભેગા કર્યા. એ શમીની બૉલિંગનો જ કમાલ હતો કે એક સમયે મોટા સ્કોર તરફ આગળ વધતી ન્યૂઝીલૅન્ડની ટીમ 273 રન સુધીમાં જ રોકાઈ ગઈ.

પોતાની બૉલિંગ દરમિયાન શમીએ ડાબોડી અને જમણેરી એમ બંને બૅટ્સમૅનોને આઉટ કર્યા હતા.

તેમણે ફુલ લેન્થ બૉલ પર બે વિકેટ લીધી, ગુડ લૅન્થ અને શૉર્ટ ઑફ ગુડ લેન્થ બૉલ પર એક-એક વિકેટ લીધી તથા તેમના યૉર્કર બૉલથી એક બૅટ્સમૅનને આઉટ કર્યો.

શમીએ ક્રીઝ પર જામી ગયેલા બૅટ્સમૅનો રચીન રવીન્દ્ર અને ડૅરેલ મિચેલની વિકેટો ઝડપીને ભારતને મોટી રાહત અપાવી હતી.

અત્યાર સુધી ન રમાડવા પર શમી શું બોલ્યા?

શમીને આ વર્લ્ડકપમાં પ્રથમ વખત રમવાની તક મળી હતી. આ ટુર્નામેન્ટ પહેલાં જ તેમણે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં પાંચ વિકેટ ઝડપી હતી.

ટીમમાંથી બહાર રહેવા પર પૂછવામાં આવેલા સવાલ પર શમીએ કહ્યું, "જો ટીમ સારું પ્રદર્શન કરી રહી છે તો બહાર બેસવું એ મુશ્કેલ કામ નથી. જો તમારા સાથી ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે તો તમારે તેમને સમર્થન આપવું જોઈએ. મને લાગે છે કે મહત્ત્વની બાબત એ છે કે ટીમ સારૂ પ્રદર્શન કરે."

પોતાનાં પ્રદર્શન અને ટીમમાં કમબેક અંગે શમીએ કહ્યું, "લાંબા સમય પછી પાછા ફરતી વખતે આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે. પ્રથમ બૉલ પર જ વિકેટ મળવાથી આત્મવિશ્વાસ વધે છે. આ મૅચે પણ મારા માટે આવું જ કર્યું."

મૅચ પછી ટીમના સુકાની રોહિત શર્માએ પણ તેમની બૉલિંગ અને અનુભવની પ્રશંસા કરી અને કહ્યું કે "તેમણે અહીંની પરિસ્થિતિનો સારી રીતે ઉપયોગ કર્યો."

"તેમણે તકને બંને હાથે ઝડપી લીધી છે. તેમની પાસે અનુભવની સાથે સાથે ક્લાસ પણ છે."

ઇરફાન પઠાણે ટ્વીટ કર્યું, "મોહમ્મદ શમી ફરારી જેવો છે. જ્યારે પણ તમે તેને ગૅરેજમાંથી બહાર કાઢો છો, ત્યારે તેની સવારી તમને એટલી જ ઝડપ, રોમાંચ અને ખુશી આપે છે."

રોહિત શર્માએ શું કહ્યું?

મૅચ બાદ રોહિત શર્માએ કહ્યું કે ટુર્નામેન્ટની શરૂઆત સારી થઈ છે પરંતુ કામ હજુ અડધું જ પૂર્ણ થયું છે.

"જે રીતે ન્યૂઝીલૅન્ડે મિડલ ઓવર્સમાં બેટિંગ કરી એ પ્રમાણે અમે એક સમયે 300થી વધુનો સ્કોર જોઈ રહ્યા હતા. મિશેલ અને રચીન બેટિંગ કરી રહ્યા હતા અને તેમણે સારી ભાગીદારી કરી હતી. ઝાકળને કારણે વિકેટ બેટિંગ માટે સારી હતી. પરંતુ અમારા બૉલરોએ શાનદાર પુનરાગમન કર્યું. તેમને 273ના સ્કોર પર રોકવાનો અમે એક શાનદાર પ્રયાસ કર્યો."

આ મૅચમાં રોહિત શર્માએ પણ સારી શરૂઆત કરી હતી. જ્યાં સુધી તેઓ પીચ પર હતા ત્યાં સુધી રન રેટ 6થી ઉપર હતો.

શુભમન ગિલ સાથે ઇનિંગ્સની મજબૂત શરૂઆત અંગે રોહિતે કહ્યું, "હું ગિલ સાથે બેટિંગનો આનંદ માણી રહ્યો છું. અમે બંને બે અલગ વ્યક્તિત્વ છીએ, અમારી રમવાની શૈલી પણ એકબીજાથી અલગ છે. શુભમન અને હું એકબીજાની મદદ કરીએ છીએ. અમે ભલે મોટી ઇનિંગ ન રમી શક્યા, અમે ખુશ છીએ કે ટીમ જીતી.”

ચેઝ માસ્ટર વિરાટ કોહલી વિશે રોહિત શર્માએ કહ્યું, "આપણે તેને વર્ષોથી મોટો સ્કોર કરતા જોયો છે. તે પોતાનું મન સ્થિર રાખે છે અને પોતાનું કામ કરે છે."

20 વર્ષ બાદ ન્યૂઝીલૅન્ડ સામે ટુર્નામેન્ટમાં વિજય

આઇસીસી વિશ્વકપમાં ભારતે ન્યૂઝીલૅન્ડ સામેની આજની મૅચ 4 વિકેટોથી જીતી લીધી છે. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગે ભારતને ન્યૂઝીલૅન્ડ સામે વિજય અપાવવમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

એકવાર ફરી ‘વિનિંગ ચૅઝર’ તરીકે ઓળખાતા કોહલીએ ભારતને તેના લક્ષ્ય સુધી પહોંચાડ્યું. જોકે વિરાટ કોહલીના ચાહકો તેઓ સદી ચૂકી જતાં થોડા દુખી જરૂર થયા પણ ભારતને વિજય મળતા એ દુખ ખુશીમાં ફેરવાઈ ગયું.

વિરાટ કોલહીની જબરજસ્ત બેટિંગ અને મોહમ્મદ શમીની 5 વિકેટોની મદદથી ભારત આ રોમાંચક મૅચ જીતી ગયું હતું.

ભારતે 48 ઑવરોમાં 6 વિકેટના નુકસાને 274 રન કરીને જીત મેળવી. વળી, જો કોલહીની સદી થઈ ગઈ હોત તો તેમણે વન-ડેમાં કુલ 49 સદી કરવાના સચીન તેડુંલકરના રૅકૉર્ડની બરાબરી કરી લીધી હોત. ઉપરાંત આ મૅચમાં 5 વિકેટો લેનારા મોહમ્મદ શામીની પણ નોંધપાત્ર ભૂમિકા રહી અને તેમની ઘણી પ્રશંશા થઈ છે.

વિરાટ કોહલીએ 95 રન કર્યા જ્યારે રવીન્દ્ર જાડેજા 39 રન પર નોટઆઉટ રહ્યા. કોહલીએ 104 બૉલમાં 2 સિક્સર અને 8 ચોગ્ગા ફટકાર્યાં હતા.