કૉર્પોરેટ ફિક્સ્ડ ડિપૉઝિટ એટલે શું, કમાણી અને જોખમનું ગણિત સમજો

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં શૅરબજારની સતત ચર્ચા હોવા છતાં એક મોટો વર્ગ એવો છે જે ફિક્સ્ડ ડિપૉઝિટમાં વિશ્વાસ ધરાવે છે. શૅરમાર્કેટમાં મૂડીની વધઘટ થાય અને અનિશ્ચિતતા પેદા થાય તેના કરતાં લોકોને નિશ્ચિત વળતર આપે તેવી પ્રોડક્ટમાં વધારે વિશ્વાસ હોય છે.

ફિક્સ્ડ ડિપૉઝિટ કરવા માટે બૅન્કો એ સૌથી ભરોસાપાત્ર સંસ્થા માનવામાં આવે છે અને તેમાં પણ સરકારી બૅન્કો ફિક્સ્ડ ડિપૉઝિટથી છલકાય છે.

પરંતુ બૅન્કોની સાથે સાથે ઘણી નાણા સંસ્થાઓ અને કંપનીઓ પણ ફિક્સ્ડ ડિપૉઝિટ ઑફર કરે છે, જેમાં બૅન્કોની સરખામણીમાં વ્યાજનો દર આકર્ષક હોય છે.

અહીં આપણે કંપની એફડી અથવા કૉર્પોરેટ ફિક્સ્ડ ડિપૉઝિટ શું હોય છે, કેવી કંપનીઓ એફડી ઑફર કરે છે, કેટલું વળતર મળી શકે અને તે કેટલી જોખમી હોય છે તેની વાત કરીશું.

કૉર્પોરેટ ફિક્સ્ડ ડિપૉઝિટ શું છે?

ભારતમાં કંપનીઓને મૂડીની જરૂર પડે ત્યારે શૅર બહાર પાડીને મૂડી એકત્ર કરી શકે છે અને ફિક્સ્ડ ડિપૉઝિટ દ્વારા પણ મૂડી એકઠી કરતી હોય છે.

ખાસ કરીને ફાઇનાન્સ કંપનીઓ ટર્મ ડિપૉઝિટના વિકલ્પો આપે છે. ઘણી ફાઇનાન્સ કંપનીઓમાં રિકરિંગ ડિપૉઝિટ પણ ખોલાવી શકાય છે, જેમાં દર મહિને અમુક ચોક્કસ રકમ જમા કરવાની હોય છે.

કૉર્પોરેટ એફડીની વિશેષતા એ છે કે તેમાં વ્યાજના દર નક્કી હોય છે. તેથી ટર્મ પૂરી થાય ત્યારે તમને કેટલી રકમ પાછી મળશે તે પહેલેથી જાણી શકાય છે.

ભારતમાં ગોલ્ડ લોન કંપનીઓ, ઑટો ફાઇનાન્સ કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ વગેરે કૉર્પોરેટ ફિક્સ્ડ ડિપૉઝિટમાં આગળ છે.

બૅન્ક એફડીને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે, તેથી રોકાણકારોને એક પ્રકારની સુરક્ષાની ખાતરી મળે છે. જ્યારે કૉર્પોરેટ એફડીને ક્રિસિલ અને કેર જેવી રેટિંગ એજન્સીઓ રેટિંગ આપે છે.

એફડી ઑફર કરતી નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ આરબીઆઈ દ્વારા જ રેગ્યુલેટ થાય છે.

કૉર્પોરેટ એફડી કોના માટે યોગ્ય ગણાય?

ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ ગોલ પ્લાનર પ્રિયાંક ઠક્કર કહે છે કે "જેમને પરંપરાગત બૅન્ક એફડી કરતાં થોડું વધારે વ્યાજ જોઈતું હોય, ચોક્કસ આવક જોઈતી હોય અથવા ઓછા જોખમે મધ્યમ આવક જોઈતી હોય તેવા લોકો માટે કૉર્પોરેટ એફડી યોગ્ય છે."

તેઓ કહે છે કે "સિનિયર સિટીઝનોને માસિક કે ત્રિમાસિક ધોરણે વ્યાજની નિશ્ચિત આવક જોઈતી હોય તેઓ બૅન્ક એફડીની સાથે સાથે કૉર્પોરેટ એફડીનો પણ વિચાર કરી શકે છે."

મોટી અને જાણીતી બૅન્કોમાં સામાન્ય રીતે એફડી પર વ્યાજના દર નીચા હોય છે. જેમ કે દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઇમાં હાલમાં સામાન્ય ખાતેદાર માટે વ્યાજનો મહત્તમ દર 6.45 ટકા અને સિનિયર સિટીઝન માટે 6.95 ટકા છે.

તેની તુલનામાં કેટલીક કૉર્પોરેટ એફડીના રેટ 6.90 ટકાથી લઈને 8.95 ટકા સુધી ચાલે છે. સિનિયર સિટીઝનોને આની ઉપર 0.25 ટકાથી લઈને 0.50 ટકા સુધી વધારે વ્યાજ મળી શકે છે.

કૉર્પોરેટ એફડીમાં કઈ વાતનું ધ્યાન રાખવું?

કૉર્પોરેટ ફિક્સ્ડ ડિપૉઝિટમાં કંપનીની નાણાકીય સ્થિતિ સૌથી વધારે અગત્યની હોય છે. કંપની પર ડિફોલ્ટ થવાનું જોખમ કેટલું છે તેનો ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે કંપની ડિફોલ્ટ થાય તો તમને કદાચ એક પણ રૂપિયો પાછો નહીં મળે.

જોખમો પર વાત કરતા પ્રિયાંક ઠક્કરે કહ્યું કે "કૉર્પોરેટ એફડીમાં ડિફોલ્ટ રિસ્ક અને લિક્વિડિટી રિસ્ક રહેલું હોય છે. કંપની વ્યાજ સાથે મૂડી પાછી ન આપે તો તેને ડિફોલ્ટ રિસ્ક કહેવાય. એફડી મેચ્યોર થાય તે અગાઉ રૂપિયા ઉપાડવા મુશ્કેલ હોય અથવા પેનલ્ટી લાગતી હોય તો તેને લિક્વિડિટી રિસ્ક કહેવાય."

"આ ઉપરાંત કંપનીનું ક્રેડિટ રેટિંગ ઘટે તો નાણાંની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે, જે એક જોખમ છે."

તેઓ કહે છે, "બૅન્કોની ફિક્સ્ડ ડિપૉઝિટ પાંચ લાખ રૂપિયા સુધી ઇન્સ્યોર્ડ હોય છે. એટલે કે બૅન્ક ડૂબી જાય તો પણ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પાછી મળશે તેની ગૅરંટી હોય છે, પરંતુ કંપની એફડીમાં આવી કોઈ સુરક્ષા હોતી નથી."

મોટા ભાગના લોકો બૅન્ક એફડીમાં રૂપિયા રોકવાનું પસંદ કરે છે તેથી આવા લોકોને આકર્ષવા માટે કંપનીઓ પોતાની એફડી પર વધારે વ્યાજ ઑફર કરે છે. વ્યાજનો દર જેટલો વધારે એટલા પ્રમાણમાં જોખમ પણ વધુ હોય છે.

સૌથી સુરક્ષિત કૉર્પોરેટ એફડી કોને કહેવાય?

કૉર્પોરેટ એફડીમાં મૂડી રોકતા પહેલાં તે કેટલી સુરક્ષિત છે તે જાણવું જરૂરી છે. ભારતમાં ક્રિસિલ, ઈકરા અને કૅર જેવી રેટિંગ એજન્સીઓ કંપનીની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરીને તેની એફડીને રેટિંગ આપે છે.

તેમાં જે એફડીને AAA રેટિંગ મળ્યું હોય તે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. એટલે કે તેમાં ડિફોલ્ટ થવાનું જોખમ સૌથી ઓછું હોય છે. જ્યારે AA+, A+ વગેરે રેટિંગ નબળું ગણાય છે.

પ્રિયાંક ઠક્કર કહે છે કે "જે ફાઇનાન્સ કંપનીઓ સુરક્ષિત ક્ષેત્રમાં લોન આપતી હોય અને જેના રેટિંગ મજબૂત હોય તેની એફડીમાં રોકાણ કરી શકાય. કંપનીની એફડીનું રેટિંગ ઓછામાં ઓછું AA હોય તે જરૂરી છે, AAA રેટિંગ હોય તો વધુ સારું."

"આ ઉપરાંત એફડીની શરતો પણ બરાબર જાણી લો. ખાસ કરીને પ્રિમેચ્યોર ઉપાડ, વ્યાજની ચુકવણી વગેરેની શરતો જાણો. કોઈ એક કંપનીમાં બધી મૂડી રોકવાના બદલે તેને બેથી ત્રણ સારી કંપનીમાં વહેંચી દો."

ઑનલાઇન પ્લૅટફૉર્મ પર કેટલીક કંપનીઓ એફડી પર 9.5 ટકા કે તેનાથી પણ વધારે વ્યાજ આપવાની ઑફર કરતી હોય છે, પરંતુ તે અત્યંત જોખમી હોય છે અને તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે.

એફડીની આવક પર કેટલો ટૅક્સ લાગે?

કોઈ પણ પ્રકારની ફિક્સ્ડ ડિપૉઝિટમાંથી થયેલી આવક એ તમારી કુલ વાર્ષિક આવકમાં ગણાય છે તેથી તે ટૅક્સને પાત્ર છે.

ફરક એટલો છે કે, જો તમારી આવક કુલ ટૅક્સેબલ લિમિટ કરતાં ઓછી હોય તો બૅન્કમાં તમે ફૉર્મ 15-જી અથવા ફૉર્મ 15-એચ જમા કરાવીને ટીડીએસ કપાતો અટકાવી શકો છે.

પરંતુ, કૉર્પોરેટ એફડીમાં આવા ફૉર્મ ભરવાનો વિકલ્પ નથી મળતો. એટલે કે કંપની તમને ટીડીએસ કાપીને બાકીની રકમ પરત આપશે.

કૉર્પોરેટ એફડીના વિકલ્પો

ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ ગોલ પ્લાનર પ્રિયાંક ઠક્કર જણાવે છે કે "ઓછા જોખમે નિશ્ચિત આવક મેળવવી હોય તેમના માટે કૉર્પોરેટ એફડી ઉપરાંત બૅન્ક એફડી, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, ગવર્ન્મેન્ટ સ્કીમ્સ (પીપીએફ, નૅશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, આરબીઆઇના બૉન્ડ) વગેરે વિકલ્પો છે. તેમાં સરકારી સ્કીમ્સ સૌથી સુરક્ષિત છે, પરંતુ તેમાં બહુ ઓછું વળતર મળે છે."

(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે, નાણાકીય ભલામણ નથી. રોકાણના કોઈ પણ નિર્ણયો લેતાં પહેલાં વાચકો પોતાના નાણાકીય સલાહકારની મદદ લે તે ઇચ્છનીય છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન