You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં ભારે વધારો, આ રીતથી પૈસા બચાવી શકો
નાણાકીય આયોજનમાં હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે આરોગ્ય વીમાને એક મહત્ત્વનું સુરક્ષાકવચ માનવામાં આવે છે. મેડિકલ સારવારનો ખર્ચ સતત વધતો જાય છે, જેના કારણે હેલ્થ ઇન્સ્યોરન્સનું મહત્ત્વ વધી ગયું છે.
પરંતુ તાજેતરના સમયમાં એ વાતની ચિંતા છે કે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં સતત વધારો થઈ રહ્યો છે.
તેના કારણે ઘણા લોકો માટે પૉલિસી રિન્યૂ કરવાનું મુશ્કેલ બનતું જાય છે.
સિનિયર સિટીઝનના મામલે પ્રીમિયમમાં ખાસ વધારો થતો જોવા મળ્યો છે.
હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કેમ વધતું જાય છે અને તેનું પ્રીમિયમ ઘટાડવા માટે શું કરી શકાય?
ગયા વર્ષે ઘણા મામલામાં હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ 15 ટકાથી વધારે વધ્યું છે.
પ્રીમિયમમાં વધારાની ફરિયાદોના કારણે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDIAએ જાન્યુઆરીમાં સૂચના આપવી પડી હતી કે વીમા કંપનીઓ 60 વર્ષ અથવા વધારે ઉંમરના પૉલિસી હોલ્ડરો માટે પ્રીમિયમમાં વર્ષે 10 ટકા કરતા વધુ વધારો ન કરે.
વીમા કંપનીઓ દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં વધારા માટે મેડિકલ સેક્ટરની વધતી મોંઘવારીને કારણભૂત ગણાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં હૉસ્પિટલના ખર્ચ, દવાઓની કિંમત અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટના ખર્ચમાં મોટો વધારો થયો છે.
તેના કારણે વીમા કંપનીઓએ ક્લૅમ માટે વધારે નાણાં ખર્ચ કરવા પડી રહ્યા છે. અને પ્રીમિયમ પણ વધી ગયું છે. આ ઉપરાંત ઉંમર વધવાની સાથે હેલ્થ રિસ્ક વધે છે, તેથી પ્રીમિયમનો દર વધે છે.
ક્લૅમ રેશિયોમાં થયેલો વધારો એ આરોગ્ય વીમાનું પ્રીમિયમ વધવા પાછળ એક મોટું કારણ છે. વીમા કંપનીઓનો દાવો છે કે તેમને પ્રીમિયમ તરીકે જે રકમ મળે છે, તેના કરતાં ઘણા વધારે ક્લૅમ આવી રહ્યા છે.
ક્લૅમની રકમ જ્યારે પ્રીમિયમ કરતા વધી જાય, ત્યારે કંપનીઓએ પોતાના ખર્ચને પહોંચી વળવા માટે પ્રીમિયમ વધારવું પડે છે.
જોકે, નિષ્ણાતો કહે છે કે અમુક ચોક્કસ રસ્તા અપનાવીને પ્રીમિયમમાં મોટા પાયે ઘટાડો કરી શકાય છે.
શક્ય એટલી નાની ઉંમરે પૉલિસી ખરીદો. તમને યુવાન અને તંદુરસ્ત હશો તો પ્રીમિયમ પણ એટલું જ ઓછું આવશે. તેથી નાની ઉંમરે પૉલિસી ખરીદવી સલાહભર્યું છે.
ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરવાથી વધતા પ્રીમિયમની અસરને ઘટાડી શકાય છે.
કેટલાક નિષ્ણાતો માને છે કે ફેમિલી ફ્લોટરમાં નાની ઉંમરનાં બાળકોને રાખવાં જોઈએ. વૃદ્ધ માતાપિતા માટે વ્યક્તિગત પૉલિસી ખરીદવી જ વધુ યોગ્ય છે.
આ ઉપરાંત ટૉપ-અપ પ્લાન પણ પ્રીમિયમ ઘટાડવાનો બહુ સારો ઉપાય છે. તમે એક કરોડ રૂપિયાની બેઝ પૉલિસી લેવાનું વિચારો તેના કરતા 10 લાખ રૂપિયાની બેઝ પૉલિસી અને 90 લાખ રૂપિયાનો ટૉપ-અપ પ્લાન પસંદ કરો.
આ રીતે પ્લાન સસ્તો પડશે અને તમને વધારે કવર પણ આપશે. ઓછા પ્રીમિયમમાં વધુ કવરેજ ઇચ્છતા લોકો માટે ટૉપ-અપ પ્લાન ખાસ ફાયદાકારક છે.
તમે લાંબા ગાળાની પૉલિસી પસંદ કરશો તો પ્રીમિયમમાં સારી એવી બચત થઈ શકે છે. એટલે કે એક વર્ષના પ્રીમિયમના બદલે ત્રણ-ચાર વર્ષના પ્રીમિયમની વન ટાઇમ ચુકવણી કરવા પર વીમા કંપનીઓ તમને આકર્ષક ડિસ્કાઉન્ટ આપે છે.
આ ઉપરાંત નેટવર્ક હૉસ્પિટલ્સમાં સારવારનો વિકલ્પ પસંદ કરવાથી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડી શકાય છે. ઘણી વીમા કંપનીઓ સિબિલ સ્કોર સારો હોય તેમને પ્રીમિયમમાં છૂટછાટ આપે છે.
સાથે સાથે સમયસર પૉલિસીને રિન્યૂ કરાવો. તેમાં મોડું થાય તો પૅનલ્ટી લાગી શકે અને કવરેજ પણ લેપ્સ થઈ શકે છે.
સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ બીમારી અથવી મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં તમારી બચતનું રક્ષણ થાય છે.
બીજો ફાયદો છે કૅશલૅસ ટ્રીટમેન્ટ. તમારી પાસે હેલ્થ કવર હશે તો તમારે તમારા ખિસ્સામાંથી નાણાં કાઢવાં નહીં પડે, બધો ખર્ચ વીમા કંપની ઉઠાવશે.
મોટા ભાગની સ્ટાન્ડર્ડ પૉલિસીમાં હૉસ્પિટલમાં એક ફીચર હોય છે, જે હૉસ્પિટલ નેટવર્કનું હોય છે. તેમાં તમને કૅશલૅસ સારવાર મળી જાય છે.
બીજો એક ફાયદો ટૅક્સ બેનિફિટનો પણ છે. તમે ઓલ્ડ ટૅક્સ રેજિમમાં હોવ તો સેક્શન 80ડી હેઠળ તમને ટૅક્સમાં રાહત મળી શકે છે.
હવે આપણે પૉલિસીમાં કઈ વાત પર ખાસ ધ્યાન આપવું તેની વાત કરીએ.
સૌથી પહેલાં તો જુઓ કે તમારી નજીકની હૉસ્પિટલોમાં કઈ પૉલિસીમાં કૅશલૅસ ટ્રીટમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે.
બીજું કે, પૉલિસીમાં પ્રી અને પોસ્ટ હૉસ્પિટલાઇઝેશન ચાર્જિસ કવર થાય છે કે નહીં.
સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ પૉલિસીમાં પ્રી હૉસ્પિટલાઈઝેશન 30થી 60 દિવસોનું હોય છે. જ્યારે પૉસ્ટ હૉસ્પિટલાઇઝેશનમાં 60થી 180 દિવસ સુધીના ખર્ચ કવર થાય છે.
કવરેજમાં કોઈ લિમિટ છે કે નહીં તે જુઓ. જેમ કે મેટરનિટી બેનિફિટમાં કોઈ પૉલિસીમાં 50 હજાર રૂપિયા સુધીની જ મર્યાદા હોઈ શકે છે, અને તમે જ્યાં સારવાર કરાવો ત્યાં વધારે ખર્ચ થઈ શકે છે. તેથી આ વાતને ધ્યાનમાં રાખો.
કેટલીક પૉલિસીઓમાં કો-પે ઑપ્શન પણ હોય છે. એટલે કે મેડિકલ બિલમાં તમારે પણ અમુક રકમ ચૂકવવી પડશે. કો-પે ક્લોઝને ધ્યાનથી ચેક કરો.
પૉલિસીમાં પહેલેથી હોય તેવી બીમારી અને વેઇટિંગ પિરિયડના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો કારણ કે દાવા રિજેક્ટ થતી વખતે આ બે શબ્દો સૌથી વધારે સાંભળવા મળે છે.
વીમા સેક્ટરનું નિયમનકાર IRDAI કહે છે કે પૉલિસી ખરીદવાથી 48 મહિના અગાઉ સીધી જે કોઈ બીમારીનો ઇલાજ થયો હોય તેને પહેલેથી હાજર બીમારી ગણવામાં આવશે. તેથી પૉલિસી ખરીદતી વખતે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરો. તેથી બીમારીને છુપાવો નહીં, પણ જાણ કરો.
સ્ટાન્ડર્ડ પૉલિસીમાં વેઇટિંગ પિરિયડ સામાન્ય રીતે બેથી ચાર વર્ષનો હોઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન