ટ્રમ્પ-પુતિન વચ્ચેની મુલાકાતમાંથી નીકળ્યા આ પાંચ મહત્ત્વપૂર્ણ મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લૌરા ગોત્સી
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં મહત્ત્વપૂર્ણ મુલાકાત થઈ.
આ મુલાકાતને યુક્રેન યુદ્ધમાં શાંતિ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ યુદ્ધવિરામ ન થયું અને પરિણામમાં માત્ર ટ્રમ્પને મૉસ્કો આવવાનું આમંત્રણ મળ્યું.
લગભગ ત્રણ કલાક ચાલેલી આ મુલાકાતે જવાબ આપવા કરતાં સવાલ વધુ પેદા કરી દીધા.
આ રિપોર્ટમાં અલાસ્કામાં થયેલી મુલાકાત સાથે જોડાયેલી પાંચ મહત્ત્વપૂર્ણ વાતો જાણો.
1. રેડ કાર્પેટથી વિશ્વના મંચ પર પુતિનની વાપસી

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે જ્યારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કા પહોંચ્યા તો ત્યાં આકાશ વાદળોથી ઢંકાયેલું હતું. જૉઇન્ટ બેસ એલમેંડૉર્ફ-રિચર્ડસન (અમેરિકન સૈન્ય ઠેકાણું) પર રેડ કાર્પેટ પાથરીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની રાહ જોઈ રહ્યા હતા.
જેવા જ પુતિન આગળ વધ્યા, ટ્રમ્પે તાળી પાડી. બંને નેતાઓએ ઉષ્માભેર હાથ મિલાવ્યા અને સ્મિત આપ્યું.
આ પળ પુતિન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હતી. પશ્ચિમના દેશોએ તેમને 2022માં યુક્રેન પર રશિયન હુમલા બાદ એકલા પાડી દીધા હતા. ત્યારથી તેમની આંતરરાષ્ટ્રીય યાત્રા માત્ર બેલારૂસ જેવા રશિયા સમર્થક દેશો સુધી જ સીમિત હતી.
અલાસ્કા સંમેલનનું આયોજન જ પુતિન માટે જીત હતી. પરંતુ આવા સ્વાગતની કદાચ રશિયાએ કલ્પનાય નહીં કરી હોય. માત્ર છ મહિનામાં પુતિનને પશ્ચિમના દેશો તરફથી 'પારકા' કહેવાવાથી માંડીને અમેરિકાની જમીન પર મહેમાન અને સાથી તરીકે સ્વાગત મળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધા વચ્ચે એક અપ્રત્યાશિત પળ પણ આવી. પુતિને પોતાની મૉસ્કો-પ્લેટેડ રાષ્ટ્રપતિ કાર છોડીને ટ્રમ્પની બખ્તરબંધ લિમોઝિનમાં ઍરબેઝ સુધી જવાનો નિર્ણય કર્યો.
ગાડી ચાલતાં જ કૅમેરાઓએ પાછળની સીટ પર બેસીને હસતાં પુતિનનો ક્લોઝ-અપ શૉટ લઈ લીધો.
2. પુતિનને એ સવાલ પુછાયા જે ક્યારે નથી પુછાયા

ઇમેજ સ્રોત, Reuters
રશિયામાં 25 વર્ષથી સત્તા પર રહેલા પુતિને 'મીડિયા પર સંપૂર્ણપણે નિયંત્રણ' કરી લીધું છે. પત્રકારત્વના સ્વાતંત્ર્યને કચડીને તેમણે 'માહિતીને સ્થાને પ્રૉપેગૅન્ડા' થોપી દીધો છે. રશિયામાં તેમને ક્યારેય અસહજ સવાલ નથી પુછાતા.
પરંતુ અલાસ્કા પહોંચતાં જ એક પત્રકારે તેમને પૂછ્યું, "શું તમે સામાન્ય માણસોની હત્યા રોકશો? પુતિને પ્રતિક્રિયા આપ્યા વગર જ નજર ફેરવી લીધી."
થોડી વાર બાદ ફોટો-સેશનમાં ફરી સવાલ પુછાયા. એક રશિયન પત્રકારે પૂછ્યું કે શું પુતિન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ત્રિપક્ષીય બેઠક કરશો. જવાબમાં પુતિને માત્ર હળવું સ્મિત આપ્યું અને ચૂપ રહ્યા.
3. વાતચીત જલદી ખતમ થવા અંગે શું કહેવાયું?

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images
આખા વિશ્વનું મીડિયા પ્રેસ કૉન્ફરન્સની આશા સેવી રહ્યું હતું. પરંતુ બંને નેતાએ માત્ર નિવેદન આપ્યા અને કોઈ સવાલ ન લીધા.
સામાન્યથી અલગ, સૌપ્રથમ પુતિન બોલ્યા. તેમણે વાતચીતને 'સન્માનજનક' ગણાવતાં અલાસ્કાના રશિયન ઇતિહાસનો ઉલ્લેખ કરવાનું શરૂ કરી દીધું.
ઘણી મિનિટો બાદ તેમણે 'યુક્રેનની સ્થિતિ' પર પોતાની વાત મૂકી. તેમણે કહ્યું કે એક 'સમાધાન' થયું છે, પરંતુ અસલ 'કારણ' ખતમ કર્યા વગર શાંતિ ન થઈ શકે.
આ નિવેદને યુક્રેન અને બીજા દેશો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી હશે. 2022થી યુદ્ધ શરૂ થયા બાદ પુતિન વારંવાર એક જ માગ મૂકતા આવ્યા છે - ક્રિમિયા, દોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસૉન પર રશિયન સાર્વભૌમત્વની માન્યતા, યુક્રેનને હથિયારો ન ઉપલબ્ધ કરાવવાં, વિદેશી સૈન્યોની ગેરહાજરી અને યુક્રેનમાં નવેસરથી ચૂંટણી કરાવવી.
સ્પષ્ટ શબ્દોમાં, આ યુક્રેનની હાર અને સમર્પણની શરતો હતી, જે યુક્રેન માટે અસ્વીકાર્ય છે, પરંતુ આ રશિયા માટે યુદ્ધનાં સાડા ત્રણ વર્ષ પસાર થયા બાદ હજુ પણ મહત્ત્વની છે.
આનાથી સ્પષ્ટ થઈ ગયું કે કોઈ નક્કર સમાધાન નથી થયું.
4. અને શું ન કહેવાયું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મિટિંગનાં અસલી કારણ અને સંદર્ભને જોતાં આશ્ચર્યજનક વાત એ હતી કે ટ્રમ્પે ન યુક્રેનનું નામ લીધું અને ન યુદ્ધવિરામનું. માત્ર એટલું જ કહ્યું કે 'દર અઠવાડિયે પાંચ-છ-સાત હજાર લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે' અને પુતિન પણ ખૂનામરકી ખતમ કરવા માગે છે.
સામાન્ય રીતે બોલકણા ટ્રમ આ વખતે પુતિન કરતાં પણ ઓછું બોલ્યા. તેમનું નિવેદન નાનું હતું, જે અસામાન્ય હતું અને સૌથી વધુ ધ્યાન નિવેદનની અસ્પષ્ટતાએ ખેંચ્યું. ટ્રમ્પે કહ્યું કે 'ઘણા મુદ્દે અમારી સંમતિ સધાઈ' અને કહ્યું કે 'અત્યંત કારગત બેઠક'માં 'મોટી પ્રગતિ' થઈ.
પરંતુ તેમણે કોઈ વિવરણ ન આપ્યું અને એવું ન લાગ્યું કે યુક્રેન સંઘર્ષનું સમાધાન લાવવાની દિશામાં કોઈ નક્કર પગલું લેવાયું. ન કોઈ મોટું સમાધાન થયું અને ના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ત્રિપક્ષીય બેઠકની જાહેરાત થઈ.
રશિયા માટે રાહતની વાત છે કે ટ્રમ્પે એ 'ગંભીર પરિણામો'નો પણ ઉલ્લેખ ન કર્યો, જેની ધમકી તેમણે યુદ્ધવિરામ લાગુ થવા અંગે આપી હતી.
ટ્રમ્પે માન્યું, "અમે ત્યાં સુધી (યુદ્ધવિરામ) નથી પહોંચ્યા."
બાદમાં તેમણે આશા વ્યક્ત કરી, "પરંતુ અમારી પાસે ત્યાં (યુદ્ધવિરામ સુધી) પહોંચવાની ખૂબ સારી તક છે."
5. 'નેકસ્ટ ટાઇમ ઇન મૉસ્કો'

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images
ભલે યુક્રેન યુદ્ધ પર અંગે કોઈ સ્થાયી સમાધાન ન નીકળ્યું, પરંતુ આ મિટિંગે રશિયા અને અમેરિકાના સંબંધોમાં ફરી એક વાર નિકટતા લાવી દીધી.
બંને નેતાઓની વાંરવાર હાથ મિલાવતી અને હસતી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. અમેરિકન સૈનિકોની એ તસવીરો પણ ચર્ચાનો વિષય બની, જ્યારે તેઓ પુતિનના વિમાનથી ઊતરતી વખતે રેડ કાર્પેટ પાથરી રહ્યા હતા.
પુતિને પોતાના નિવેદનમાં ટ્રમ્પના એ જૂના દાવાનો હવાલો પણ આપ્યો કે જો તેઓ સત્તામાં હોત તો યુક્રેન યુદ્ધ ક્યારેય શરૂ જ ન થયું હતું.
જોકે, 'મોટી પ્રગતિ'ની વાત કહેવાઈ, પરંતુ અલાસ્કા સંમેલનથી કોઈ નક્કર પરિણામ ન નીકળ્યું. તેમ છતાં બંને નેતાઓએ રશિયામાં બીજી વખત મુલાકાતની શક્યતા ખુલ્લી મૂકી.
ટ્રમ્પે કહ્યું, "હું કદાચ તમને જલદી જ પાછો મળીશ."
કોઈ દાવો, છૂટ કે સમાધાન કર્યા વગર પુતિન કદાચ આટલા સહજ થયા કે અંગ્રેજીમાં મજાક કરી નાખી - "નેક્સ્ટ ટાઇમ ઇન મૉસ્કો."
ટ્રમ્પ હસીને બોલ્યા - "ઓહ, આ રસપ્રદ છે. એના માટે મારે ટીકા વેઠવી પડશે. પરંતુ હા, હું એને શક્ય માની શકું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












