ગુજરાત : 'અમને કેમ ખબર પડે કે કૂતરું હડકાયું છે કે નહીં?' રખડતાં કૂતરાં પકડવાનું કામ સોંપાતા તલાટીઓ શું બોલ્યા?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચે શુક્રવારે એટલે કે 7 નવેમ્બરના રોજ રખડતાં કૂતરાં સાથે સંકળાયેલા મામલામાં નવો આદેશ જાહેર કર્યો છે.

સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓએ કહ્યું છે કે સરકારી અને ખાનગી હૉસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા અને રેલવે સ્ટેશન જેવાં જાહેર સ્થળોએથી રખડતાં કૂતરાંને ખસેડવામાં આવે.

એ બાદ તેની નસબંધી અને રસીકરણ કરાવીને તેને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. આ સાથે જ કોર્ટે હાઈવે અને ઍક્સપ્રેસ વે પરથી રખડતાં કૂતરાં અને પશુઓને હઠાવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં તેની અમલવારી માટે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત ગુજરાતનાં ગામડાંમાં, સંસ્થાઓમાંથી કૂતરાં દૂર કરવાની તેમજ માળખાકીય સુવિધા ઊભી કરવાની જવાબદારી તલાટી-મંત્રીઓને આપવામાં આવી છે, જેનાથી રાજ્યના તલાટી-કમ -મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

સરકારના આ પરિપત્ર બાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ફરી રહી છે કે 'ગામડાંમાં તલાટીઓ હવે કૂતરાં શોધશે.'

ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા સરકારને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તલાટીઓને આ કામમાંથી બાકાત કરવા માટેની માગ કરી છે.

તલાટી-મંત્રી મહામંડળે આ પરિપત્રથી 'તલાટીઓ મજાક'ને પાત્ર બન્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

'અમને કેમ ખબર પડે કે કૂતરું હડકાયું છે કે નહીં?'

બીબીસી ગુજરાતીએ બે તલાટી-કમ-મંત્રી સાથે વાત કરી હતી. જોકે તેમણે નામ ન આપવાની શરતે વાત કરી હતી.

એક તલાટીએ જણાવ્યું કે "પરિપત્રમાં રખડતાં પશુઓને દૂર કરવાની વાત કરાઈ છે. તલાટી-કમ-મંત્રીઓ તાલીમબદ્ધ નથી કે કૂતરું હડકાયું છે કે નહીં તે ઓળખી શકે. તેમજ કોઈ તોફાની કૂતરાંને દૂર કરી શકે."

અન્ય તલાટીએ વાત કરતાં જણાવ્યું કે "પરિપત્રમાં રખડતાં ઢોર અને કૂતરાં માટે માળખાકીય સુવિધા ઊભી કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ આ અંગે ગ્રાન્ટ કોણ આપશે તે અંગે કઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી."

તલાટીઓનું કહેવું છે કે કેટલાંક ગામોમાં માણસોના માળખાકીય સુવિધાઓના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે પશુઓ માટે સુવિધા ઊભી કરવા માટે કેવી રીતે ખર્ચ કરી શકે છે.

તેમનું કહેવું છે કે "કૂતરાંને શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલ, બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન વગેરે જગ્યાઓ પરથી હઠાવવાના તેમજ તે જગ્યા પર પાછા ન લાવવાની વાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કેટલીય નગરપાલિકાઓ પાસે પણ પાંજરાપોળની સુવિધા નથી તો ગામડાંમાં આ સુવિધાઓ ક્યાંથી હોય? આ કૂતરાંની વ્યવસ્થા કેવી રીતે કરવી, તેમના ખાવાની વ્યવસ્થાનો ખર્ચ કેવી રીતે કરવો તે અંગે પણ કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી."

તલાટી ઍસોસિયેશનનું શું કહેવું છે?

ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા સરકારને લખેલા પત્ર અનુસાર, તલાટી-કમ-મંત્રીને ગામના વહીવટ સાથે સાથે રેવન્યુ કામગીરી, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ, જન્મ-મૃત્યુ નોંધણી, લગ્ન નોંધણી, સરકારની કલ્યાણકારી યોજનાઓનો અમલ કરાવવાનું હોય છે.

'તલાટી-કમ-મંત્રીએ પંચાયતની વસૂલાતની કામગીરી તેમજ આસિસ્ટન્ટ બીએલઓ તેમજ હાલ કૃષિ વિભાગમાં પાક દાખલાની કામગીરી કરવાની હોય છે. તેમજ રાજ્યનાં મોટાં ભાગનાં ગામોમાં તલાટીને એક કરતાં વધારે ગામોની જવાબદારી સોંપેલી હોવાથી કામનું ભારણ વધારે જ છે.'

ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળના પ્રમુખ પંકજ એલ મોદીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આ પરિપત્રનો અમે સખત વિરોધ કરીએ છીએ. તલાટીઓ પાસે કામગીરી વધારે છે. તેમજ અમારો સરકારને સવાલ છે કે તલાટીનાં કામ અન્ય કોઈ વિભાગને આપવામાં આવતાં નથી અને અન્ય વિભાગની કામગીરી કેમ તલાટીઓને સોંપવામાં આવે છે?"

મહામંડળે પત્રમાં વધુમાં લખ્યું છે કે 'રખડતાં કૂતરાં પકડવાં અને તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી માટે જિલ્લા કક્ષાએ પશુ નિયામક અને તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સકને નૉડલ અધિકારી નીમ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કોઈ સ્ટાફ કે વિભાગ નથી, તેમજ સરકારે કોઈ માનવબળ ઊભું કરેલું નથી. ગ્રામ્ય કક્ષાએ પશુઓ સંબંધિત કોઈ પણ પ્રકારનું કાર્યકૌશલ્ય અનુભવ કે તાલીમ ન ધરાવતા આ કામગીરી તલાટી-કમ-મંત્રીની ન હોવા છતાં તેમને આપવી યોગ્ય નથી.'

પત્રમાં જણાવાયું છે કે 'રાજ્યમાં પશુપાલન અને વન વિભાગ જેવા વિશિષ્ટ વિભાગ હોવા છતાં તલાટીઓને આ પ્રકારનું કામ સોંપતા તેઓ મજાકનું કારણ બની જાય છે. આ પ્રકારના પરિપત્રોને તલાટી-કમ-મંત્રીઓના મનોબળને ઠેસ પહોંચાડતા ગણાવ્યા છે.'

પંકજ એલ મોદી વધુમાં જણાવે છે કે "જિલ્લા અને તાલુકા પશુ ચિકિત્સક પાસે સ્ટાફ હોય છે. તલાટી પાસે આ પ્રકારનો કોઈ સ્ટાફ હોતો નથી. જેથી અમારી માગ છે કે આ કામગીરી જે તે વિભાગને સોંપવામાં આવે. અમે આ અંગે સરકારને પત્ર પણ લખ્યો છે."

તો વિકાસ કમિશનર હિતેશ કોયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "તલાટી મહામંડળની લેખિતમાં મને રજૂઆત મળી છે. આ અંગે હું તેમને લેખિતમાં જવાબ આપીશ."

પરિપત્રમાં માળખાકીય સુવિધા ઊભી કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ તે અંગે બજેટની સ્પષ્ટતા કરવામાં આવી ન હોવા અંગે તેઓએ કહ્યું હતું કે "આ અંગે તલાટીઓને લેખિતમાં જવાબ સાથે માર્ગદર્શન પણ આપીશ."

રખડતાં કૂતરાંઓને પકડવા માટે શું-શું કરાશે?

  • જિલ્લા પંચાયતની તાબા હેઠળની પંચાયતોની હદમાં આવેલી તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો, જાહેર સ્પૉટ્સ કૉમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ/ડેપો અને રેલવે સ્ટેશનો તથા અન્ય જાહેર સ્થળોની યાદી બે અઠવાડિયાંમાં તૈયાર કરવાની રહેશે.
  • ગ્રામપંચાયત કક્ષાએ તલાટી-મંત્રી,તાલુકા કક્ષાએ પશુચિકિત્સક અધિકારી અને જિલ્લા કક્ષાએ નાયબ નિયામક પશુપાલન દરેક સંસ્થાઓના પરિસરની સ્વચ્છતા અને રખડતાં કૂતરાંના પ્રવેશને રોકવા નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • સંસ્થાના વહીવટી વડાઓએ નૉડલ ઑફિસરની દેખરેખ હેઠળ આઠ અઠવાડિયાંમાં તેમના પરિસરમાં રખડતાં કૂતરાંના પ્રવેશ રોકવા માટે પૂરતી વાડ, બાઉન્ડરી વૉલ તેમજ ગેટ્સ અને અન્ય જરૂરી માળખાકીય પગલાં લેવાનાં રહેશે.
  • સંસ્થાઓની અધિકારક્ષેત્ર ધરાવતી સ્થાનિક સ્વરાજ્ય (Local Bodies) જવાબદારી રહેશે કે સંસ્થાકીય પરિસરમાં મળી આવેલાં કોઈ પણ રખડતાં કૂતરાંને તાત્કાલિક દૂર કરે અને એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ, 2023 અનુસાર યોગ્ય નસબંધી અને રસીકરણ પછી નિયુક્ત આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવે. (નોંધ: આવાં કૂતરાંને રસીકરણ અને નસબંધી (Sterilisation) પછી તે જ સ્થળે પાછા છોડવામાં આવશે નહીં.)
  • તાલુકા પંચાયત દ્વારા તેના તાબા હેઠળની તમામ ગ્રામપંચાયતમાં આવેલા તમામ સંસ્થાકીય પરિસરોનું દર ત્રણ મહિને ઓછામાં ઓછું એક વાર નિયમિત નિરીક્ષણ કરીને કૂતરાંના રહેઠાણને દૂર કરવાનું રહેશે.
  • જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે ઍક્શન પ્લાન તૈયાર કરી દર ત્રણ માસે રિવ્યુ મીટિંગ કરી સમીક્ષા કરવાની રહેશે. તેમજ આ બાબતે કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવી.

સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી ક્યારે છે?

7 નવેમ્બરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સ્કૂલ, હૉસ્પિટલ, રમતગમત પરિસર, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવી જગ્યાઓએ કૂતરાં કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે અને કહ્યું છે કે આ તંત્રની ઉદાસીનતા અને સિસ્ટમની નિષ્ફળતાને દર્શાવે છે. આનાથી લોકોના સુરક્ષા, પર્યટન અને ભારતની આંતરરાષ્ટ્રીય છબિ પર ખરાબ પડી રહી છે.

કોર્ટે કહ્યું કે દર વર્ષે રખડતાં કૂતરાંની લોકોને કરડવાની ઘટનાઓ વધી રહી છે. સરકારી ડેટા અનુસાર, 2023માં સમગ્ર દેશમાં 30 લાખ જેટલી આવી ઘટનાઓ થઈ અને 2024માં લગભગ 37 લાખ આવી ઘટનાઓ બની.

13 જાન્યુઆરી 2026માં આ અંગે આગામી સુનાવણી થશે, ત્યારે આ દિશામાં કયા પ્રદેશમાં કેટલી પ્રગતિ થઈ છે, તેના વિશે સ્થિતિ સ્પષ્ટ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન