કોલકાતા લૉ કૉલેજમાં વિદ્યાર્થિની પર બળાત્કારના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ, ભાજપે મમતા સરકાર પર શું આક્ષેપ કર્યા?

    • લેેખક, પ્રભાકર મણિ તિવારી
    • પદ, કોલકત્તાથી બીબીસી હિન્દી માટે

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની એક લૉ કૉલેજમાં એક વિદ્યાર્થિની પર બળાત્કાર કરવાના આરોપમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આમાં કૉલેજનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ સામેલ છે.

દરમિયાન, આરોપીઓ તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદ (TMCP) સાથે સંકળાયેલા હોવાના દાવાઓએ પણ આ કેસને રાજકીય રંગ આપ્યો છે.

વિપક્ષી પાર્ટીઓએ તૃણમૂલ કૉંગ્રેસ અને તેના નેતૃત્વ હેઠળની સરકારને કઠેડામાં ઊભી કરી છે અને મુખ્ય મંત્રી મમતા બેનરજીના રાજીનામાની માંગ કરી છે. આ મામલે ઘણાં અન્ય સંગઠનોએ વિરોધ પ્રદર્શનો કર્યાં છે.

જોકે, ટીએમસીપી એ આ દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે મુખ્ય આરોપી ઘણાં વર્ષોથી તેમના સંગઠનમાં સક્રિય નહોતો. જોકે, તેમણે કહ્યું કે તે કૉલેજમાં કામચલાઉ કર્મચારી તરીકે કામ કરતો હતો.

રાષ્ટ્રીય મહિલાપંચે કોલકાતા પોલીસ કમિશનર પાસેથી ત્રણ દિવસમાં વિગતવાર કાર્યવાહી રિપોર્ટ માંગ્યો છે.

કમિશનના અધ્યક્ષ વિજયા રાહટકરે પોલીસ કમિશનરને મોકલેલા પત્રમાં આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તેની ગંભીર તપાસની માંગ કરી છે. તેમણે વિદ્યાર્થિનીને શક્ય તેટલી મદદ પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આ મામલે પોલીસે શું કહ્યું?

પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થિની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

શુક્રવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણેયને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આ કેસથી 2024માં કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની યાદો તાજી થઈ ગઈ છે.

તે સમયે, શૈક્ષણિક કૅમ્પસમાં સુરક્ષાનો મુદ્દો પણ ઊભો થયો હતો. તે કેસમાં એકમાત્ર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી હિન્દીને જણાવ્યું, "આ ઘટના દક્ષિણ કોલકાતા લૉ કૉલેજ કૅમ્પસમાં 25 જૂનના રોજ સાંજે 7.30 થી 10.50 વાગ્યાની વચ્ચે બની હતી."

વિદ્યાર્થિનીએ આ અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ, પાર્ક સર્કસની નૅશનલ મેડિકલ કૉલેજમાં વિદ્યાર્થિનીનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

યુવતીની ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી અને ઘટનાની તપાસ શરૂ કરી.

ત્યાર બાદ બુધવારે સાંજે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે, રાત્રે લગભગ 12 વાગ્યે ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

બે આરોપીઓનાં નામ પ્રમિત મુખરજી અને જે અહેમદ છે. બંને એક જ કૉલેજમાં અભ્યાસ કરે છે. ત્રીજા આરોપીનું નામ મનોજીત મિશ્રા છે, જે કૉલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

પોલીસે ત્રણેય આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.

'વિદ્યાર્થી સંઘના પ્રમુખ બનાવવાની લાલચ આપી

શુક્રવારે, પોલીસ ઉપરાંત, ફૉરેન્સિક ટીમે પણ સ્થળની મુલાકાત લીધી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "પીડિતાએ જણાવ્યું છે કે તેમને TMCPના કૉલેજ યુનિયનના પ્રમુખ બનાવવાના વચન સાથે કૅમ્પસમાં લલચાવીને લઈ જવામાં આવી હતી અને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો."

વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું છે કે મનોજીત ગયા બુધવારે તેમને કૉલેજમાં બોલાવીને સંસ્થાના પ્રમુખ બનાવવાનું વચન આપ્યું હતું. તેઓ બપોરે 12 વાગ્યા પછી કૉલેજ પહોંચ્યાં હતાં. ત્યાર બાદ મનોજીત તેમના પર શારીરિક સંબંધો બનાવવા માટે દબાણ કરતો હતો. પરંતુ વિદ્યાર્થીએ તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ મનોજીત અને તેના બે સાથીઓએ વિદ્યાર્થિનીને બળજબરીથી ગાર્ડ રૂમમાં ખેંચી ગયા. ગાર્ડને ત્યાંથી ભગાડીને આ ગુનો આચરવામાં આવ્યો હતો.

આ કેસમાં પોલીસે ધરપકડ કરેલા મુખ્ય આરોપી મનોજીત મિશ્રાના ફેસબુક પ્રોફાઇલ મુજબ, તે દક્ષિણ કોલકાતા જિલ્લા તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદનો સંગઠન સચિવ છે. તે અગાઉ લૉ કૉલેજની ટીએમસીપી શાખાનો પ્રમુખ પણ રહી ચૂક્યો છે.

પરંતુ તૃણમૂલ છાત્ર પરિષદના રાજ્ય પ્રમુખ ત્રિનંકુર ભટ્ટાચાર્યએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "આરોપીને વર્ષો પહેલાં એક નાનો હોદ્દો આપવામાં આવ્યો હતો, યુનિયન પ્રમુખનો નહીં. તે વર્ષોથી લૉ કૉલેજમાં TMCP શાખામાં પણ સક્રિય નહોતો."

આ મામલાથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય બે આરોપીઓ પણ ટીએમસી વિદ્યાર્થી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

આ દરમિયાન, મુખ્ય આરોપી મનોજીત મિશ્રા સાથે ઘણા TMCP અને તૃણમૂલ નેતાઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગી છે. TMCPના પ્રદેશ પ્રમુખ ત્રિનંકુર ભટ્ટાચાર્ય પણ આ નેતાઓમાં સામેલ છે.

મંગળવાર સુધીમાં તપાસ સમિતિની રચના કરવામાં આવશે

દક્ષિણ કોલકાતા TMCPના પ્રમુખ સાર્થક બેનરજીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "જે આરોપીઓ સંગઠન સાથે સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેઓ સંગઠનમાં કોઈ પદ ધરાવતા નથી. અમે તેમના માટે કડક સજાની માંગ કરીએ છીએ."

બીજી તરફ, આ પ્રશ્નનો સીધો જવાબ આપ્યા વિના, TMCP રાજ્ય પ્રમુખ ત્રિનંકુર ભટ્ટાચાર્યએ પત્રકારોને જણાવ્યું હતું કે, "આરોપી તૃણમૂલ કૉંગ્રેસ સાથે સંકળાયેલા હોય કે ન હોય, તેમને કડક સજા મળવી જોઈએ. આ ઘટનાનો મુખ્ય આરોપી કૉલેજનો કામચલાઉ કર્મચારી છે. તે TMCP સાથે સંકળાયેલો નથી."

પરંતુ વિપક્ષનો આરોપ છે કે આરોપીઓ TMCP સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. મુખ્ય આરોપી સંગઠનનો એક પદાધિકારી પણ છે.

લૉ કૉલેજનાં પ્રિન્સિપાલ નયના ચેટરજીએ શુક્રવારે કહ્યું, "મને આ બાબતની જાણ નહોતી. કૉલેજમાં વર્ગો સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી ચાલે છે. તે પછી આ ઘટના બની."

તેમણે જણાવ્યું કે આ ઘટનાનો મુખ્ય આરોપી કૉલેજમાં કામચલાઉ કર્મચારી તરીકે કામ કરતો હતો. તેની નિમણૂક 45 દિવસ માટે કરવામાં આવી હતી. પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, કૉલેજ સમય પછી તે કૅમ્પસમાં શું કરતો હતો તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ શાંતા દત્તા ડેએ જણાવ્યું હતું કે, "આ ઘટના અંગે કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે. કૉલેજના પ્રિન્સિપાલ પાસેથી ઘટનાનો સંપૂર્ણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે."

તેમણે કહ્યું કે મંગળવાર સુધીમાં તપાસ સમિતિની રચના કરવામાં આવશે. ત્યાર બાદ યુનિવર્સિટી મૅનેજમેન્ટ કૉલેજનાં પ્રિન્સિપાલને આ અંગે લેખિત માહિતી આપશે.

ભાજપે મમતા બેનરજી પર નિશાન સાધ્યુ

દરમિયાન, મનોજીતના પિતાએ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી તેમના પુત્ર સાથે તેમનો કોઈ સંબંધ નથી. તે ઘરે પણ આવતો નથી. ક્યારેક બહારથી આવીને એકબીજાના ખબરઅંતર પૂછે છે. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે તેમનો પુત્ર કૉલેજના આંતરિક રાજકારણનો શિકાર બની શકે છે.

પિતાએ પત્રકારોને જણાવ્યું,"મનોજીત નાનપણથી જ તૃણમૂલ કૉંગ્રેસ તરફ આકર્ષાયા હતા અને કૉલેજમાં અભ્યાસ કરતી વખતે સક્રિય રાજકારણમાં જોડાયા હતા."

મુખ્ય મંત્રી મમતા બેનરજી હાલમાં રથયાત્રાના સંદર્ભમાં દિઘા ગયાં છે.

વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આ અંગે કટાક્ષ કરતા કહ્યું, "તમામ પોલીસ અધિકારીઓ મુખ્ય મંત્રીની સુરક્ષામાં રોકાયેલા છે. તેથી જ આવી ઘટના બની."

પત્રકારો સાથે વાત કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું, "કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. આની જવાબદારી લેતા મમતા બેનરજીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. હવે તેમને પોતાની ખુરશી પર રહેવાનો કોઈ અધિકાર નથી. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે મમતા બેનરજી સરકારના શાસનકાળમાં મહિલાઓ સુરક્ષિત નથી."

દરમિયાન, ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર કહે છે, "જે રાજ્યમાં મુખ્ય મંત્રીએ અગાઉ બળાત્કારને 'નાની ઘટના' ગણાવી છે, ત્યાં આવી ઘટનાઓ સ્વાભાવિક છે. શૈક્ષણિક કૅમ્પસમાં છોકરીઓ માટે કોઈ સુરક્ષા નથી. કાયદાના વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તે જ કૉંલેજમાં કાયદાનો ભંગ થઈ રહ્યો છે."

વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

આ ઘટનાનો વિવિધ સંગઠનોએ વિરોધ કર્યો છે.

ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ યુનિયને બપોરે આ વિસ્તારમાં પોસ્ટ ઑફિસ સામે દેખાવો કર્યા.

ડાબેરી વિદ્યાર્થી સંગઠન SFI ના રાજ્ય સચિવ, દેબંજન ડે કહે છે, "તૃણમૂલ છાત્ર પરિષદ લાંબા સમયથી દક્ષિણ કલકત્તા લૉ કૉલેજમાં રમખાણો કરી રહી છે. પોલીસ અને વહીવટીતંત્રે આ મામલે મૌન સેવ્યું છે. મુખ્ય આરોપીઓ સામે પહેલાંથી જ ભ્રષ્ટાચાર અને બળાત્કારની ધમકીઓ જેવા અનેક આરોપો છે."

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના એક નેતાએ દાવો કર્યો હતો કે મુખ્ય આરોપી TMCP ની દક્ષિણ કોલકાતા શાખાનો સચિવ છે. અન્ય બે આરોપીઓ પણ તૃણમૂલ વિદ્યાર્થી સંઘ સાથે સંકળાયેલા છે. અન્ય એક સંગઠન, અભય મંચે, કસ્બા પોલીસ સ્ટેશનની સામે વિરોધ પ્રદર્શન કર્યું.

કૉંગ્રેસના એક પ્રતિનિધિમંડળે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને કહ્યું છે કે તેઓ છોકરીના પરિવારને મળશે. પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ શુભંકર સરકારે કહ્યું, "અમે આ ઘટનાથી ખૂબ જ ચિંતિત છીએ. જો પોલીસ વહીવટ સક્રિય હોય તો રાજ્યમાં આવી ઘટનાઓ ન બને."

વિપક્ષના હુમલા બાદ, તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીએ આ ઘટનાની કડક ટીકા કરી છે. પાર્ટીએ કહ્યું છે કે આ કેસમાં દોષિતોને કડક સજા મળવી જોઈએ. પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું છે કે તૃણમૂલના દરેક કાર્યકર્તાએ આની નિંદા કરી છે.

ખાનગી વાતચીતમાં, ઘણા પક્ષના નેતાઓએ સ્વીકાર્યું છે કે આ ઘટનામાં આરજી કારની ઘટના સાથે ઘણી સમાનતાઓ છે. આનાથી ભવિષ્યમાં સરકાર અને પક્ષ માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

રાજકીય વિશ્લેષકો પણ માને છે કે આવી ઘટનાઓ આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં શાસક પક્ષ અને સરકારની છબીને ખરડશે. વિપક્ષ તેને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશે.

રાજકીય નિષ્ણાત શિખા મુખરજી કહે છે, "આરોપીઓ તૃણમૂલ કૉંગ્રેસ સાથે સંકળાયેલા હોય કે ન હોય, રાજધાનીના શૈક્ષણિક કૅમ્પસમાં આવી ઘટના ખૂબ જ ગંભીર છે. તેનાં દૂરગામી પરિણામો આવશે. જો આરોપીઓ તૃણમૂલ સાથે સંકળાયેલા હોવાની પુષ્ટિ થાય છે, તો તે પાર્ટીની છબીને ઘણું નુકસાન પહોંચાડી શકે છે."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન