પશ્ચિમ બંગાળ મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય છે? આંકડાઓ શું કહે છે?

    • લેેખક, ઝૈદ કાઝી
    • પદ, બીબીસી હિંદી માટે

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાની આર.જી. કર હૉસ્પિટલનાં 31 વર્ષીય ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યાની ઘટના પછી આખા ભારતમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં.

ડૉક્ટરો સહિત સેંકડો હજારો લોકો ન્યાયની માંગણી સાથે રસ્તા પર ઉતાર્યા હતા.

દેશમાં ઇમર્જન્સી સર્વિસ સિવાયની મેડિકલ સર્વિસ પર પણ તેની અસર જોવા મળી. પશ્ચિમ બંગાળમાં હજુ પણ આ વિરોધ ચાલી રહ્યો છે.

તૃણમુલ કૉંગ્રેસના સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા મહુઆ મોઇત્રાએ આ વિરોધ માર્ચ પછી 15 ઑગસ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

તેમણે પોસ્ટમાં કહ્યું, “આજે આપણે બસ એ જ ઇચ્છીએ છીએ કે ગુનેગારોને જલદીથી સજા મળે અને બંગાળની મહિલાઓને અનુભવ થાય કે તેમને માટે આ (પશ્ચિમ બંગાળ) ભારતમાં સૌથી સુરક્ષિત સ્થળ છે. અમે ઇચ્છીએ છીએ કે કોલકતા જે એનસીઆરબીની મહિલા સુરક્ષામાં નંબર વન રહ્યું છે, તે તેવું જ રહે.”

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનો દર

મહિલાઓની સુરક્ષાને મામલે રાજ્યની સ્થિતિ જાણવા માટે બીબીસીએ નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડાઓનો અભ્યાસ કર્યો.

મહિલાઓ વિરુદ્ધ ગુનાઓના મામલામાં 2022માં પશ્ચિમ બંગાળમાં ગુનાનો દર 71.8 છે. આ દર ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોની સરખામણીએ ખૂબ જ વધારે છે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનો દર 58.6 છે. બિહારમાં આ દર 33.5 છે. ગુનાના દરની ગણના દર એક લાખની વસ્તીએ થતા ગુનાઓના આધારે કરવામાં આવે છે.

ભારતમાં મહિલાઓ વિરુદ્ધ સૌથી વધારે દર હરિયાણામાં 118 છે. ત્યારબાદ તેલંગાણામાં 117 અને રાજસ્થાનમાં 115 છે. આ આંકડાઓ માત્ર કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીથી ઓછા છે, જ્યાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનો દર 144 છે.

રિપોર્ટ દર્શાવે છે કે મહિલાઓ વિરુદ્ધ ગુનાનો સૌથી ઓછો દર નાગાલૅન્ડમાં 4.6 છે. મણિપુરમાં આ દર 15.6 અને તામિલનાડુમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનો દર 24 છે. આ ત્રણ રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનો દર સૌથી ઓછો છે.

સાઉથ એશિયા વુમન્સ ફાઉન્ડેશન એક મહિલાઓ માટેની સંસ્થા છે જે મહિલાઓ અને ટ્રાન્સ લોકોને અધિકારો મામલે સપોર્ટ કરે છે. આ ફાઉન્ડેશનના કૉ-ફાઉન્ડર સુનીતા ધરે કહ્યું, “ગુનાનો દર અથવા ગુનાની ફરિયાદથી જ માત્ર મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાનું સાચું ચિત્ર ન મળી શકે.”

તેમણે કહ્યું, “આ વાત પર વિચાર કરવાની જરૂર છે કે ડર અને કલંકને કારણે કેટલાંક રાજ્યોમાં ગુનાઓની ફરિયાદ ઓછી રહી શકે છે. વધારે જાગૃત સમાજ અને લિંગ આધારિત હિંસા વિશે વધારે જાગૃતિ ધરાવનારાં રાજ્યોમાં વધારે રિપોર્ટ સામાન્ય છે.”

ધરે કહ્યું, “મહિલાઓ એવી જાણકારીનો ખુલાસો કરવા માટે સુરક્ષિત સ્થળ શોધે છે. ભારતમાં આ પ્રકારના ગુનાની ફરિયાદ કરવી મુશ્કેલ છે. કારણ કે સમાજ તેમને ફરીથી પીડા આપશે તેનો ડર છે.”

તેમણે કહ્યું, “આ કારણો પૈકીનું એક છે જેને લીધે દિલ્હી જેવા શહેરમાં મોટી સંખ્યામાં રિપોર્ટ થાય છે, જ્યાં હિંના પીડિતો માટે વધારે મજબૂત મદદનું નેટવર્ક અને સેવાઓ છે. સત્તાવાર આંકડાઓ મોટેભાગે વાસ્તવિક સ્થિતિને દર્શાવતા નથી. ખાસકરીને જ્યારે ગુનેગાર પરિવારનો કોઈ સભ્યો હોય.”

એનસીઆરબીના 2022ના આંકડાઓ પ્રમાણે, તામિલનાડુના કોયમ્બતુર અને ચેન્નઈમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનો દર પશ્ચિમ બંગાળના કોલકતા શહેરની તુલનામાં ઘણો ઓછો છે.

પશ્ચિમ બંગાળમાં ગુનાનો દર

દરેક જ પ્રકારના ગુનાઓની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ગુનાનો દર (182.8) સિક્કિમ (119.7) અને ઝારખંડ (164.5) કરતા ઘણો વધારે છે.

રિપોર્ટ દર્શાવે છે કે પંજાબ (240.6), ઉત્તર પ્રદેશ (222) અને તામિલનાડુ (617.2) જેવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળની તુલનામાં ગુનાનો દર ઘણો વધારે હતો.

ભારતમાં સૌથી વધારે ગુનાનો દર કેરળમાં (1,274.8) છે, જે માત્ર કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીથી (1,518.2) ઓછો છે. ગુનાનો દર નાગાલૅન્ડમાં સૌથી ઓછો 71.8 છે.

દરેક પ્રકારનાં ગુનાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં એક લાખ 80 હજાર 539 ગુનાઓ નોંધાયા હતા. જ્યારે ઉત્તર પ્રદેશમાં સાત લાખ 53 હજાર 675, મહારાષ્ટ્રમાં પાંચ લાખ 57 હજાર 012 અને ગુજરાતમાં પાંચ લાખ 24 હજાર 103 ગુનાઓ નોંધાયા હતા.

એનસીઆરબીના સત્તાવાર આંકડાઓ પરથી જાણકારી મળે છે કે પશ્ચિમ બંગાળમાં બળાત્કાર/સામૂહિક બળાત્કાર સાથે હત્યાના પાંચ કેસ, બળાત્કારના 845 કેસ, દહેજ હત્યાની 427 ફરિયાદ નોંધાઈ છે.

રાજ્યમાં 2022માં ઍસિડ ઍટેકની 35 ફરિયાદો, મહિલાઓના અપહરણની છ હજાર 869 ફરિયાદો, બળાત્કારના પ્રયાસની 928 ફરિયાદો અને જાતીય શોષણથી બાળકોના સંરક્ષણ કાયદા હેઠળ બે હજાર 771 ફરિયાદો નોંધાઈ હતી.

સુપ્રીમ કોર્ટનાં વકીલ વૃંદા ગ્રોવરે કોર્ટમાં જાતીય શોષણના કેસોમાં પીડિતોનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના ગુનાની નોંધાણી કદાચ સૌથી ઓછી થાય છે.

“કારણ કે જાતીય શોષણ અને બળાત્કાર કોઇપણ પ્રકારની રોકટોક વગર થઈ રહ્યાં છે. આ કારણે જ આપણે જે જોઈ રહ્યાં છીએ તે હકીકત સ્થિતિનો ખૂબ જ નાનો ભાગ છે.”

તેમણે ઉમેર્યું, “મહિલાઓને ન્યાય સુધી પહોંચવા માટે અને કાયદાનો ઉપયોગ કરવા માટે એક આત્મવિશ્વાસ અને માહોલની જરૂર છે જે તેમને ફરિયાદ નોંધાવવા માટે પ્રોત્સાહિત કરે. જોકે, જે રીતે આપણી ન્યાય વ્યવસ્થા છે તેના વિશે ઘણી શંકાઓ છે કે વ્યવસ્થા મદદ નહીં કરે અને મહિલાઓને ફરીથી પીડિત બનવું પડશે. જે કિસ્સામાં ક્રુરતાના સ્પષ્ટ સંકેત જોવા મળે છે તેવા કિસ્સામાં જ મહિલાઓ પર વિશ્વાસ કરવામાં આવે છે.”

ગ્રોવરે કહ્યું, “કેટલાક કિસ્સામાં મહિલાઓને પોતાની ગરિમા સુરક્ષિત રાખવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે. તેમણે આ કિંમત ચૂકવી છે.”

મહિલાઓ પર હિંસા

ભારતમાં કુલ નોંધાયેલા 58 લાખ 24 હજાર 946 ગુનાઓ પૈકી હત્યાના 28 હજાર 522 કેસો નોંધાયા છે. જ્યારે અપહરણની એક લાખ સાત હજાર 588 ફરિયાદ નોંધાઈ છે.

એનસીઆરબીના રિપોર્ટમાં આપેલી જાણકારી પ્રમાણે ભારતમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના કુલ ચાર લાખ 45 હજાર 256 કેસ નોંધાયા છે જ્યારે બાળકો વિરુદ્ધ ગુનાની ફરિયાદની સંખ્યા એક લાખ 62 હજાર 449 છે.

પશ્ચિમ બંગાળમાં જાતીય શોષણના 331 કેસો નોંધાયા છે, જ્યારે તામિલનાડુમાં 243 કેસો નોંધાયા છે. પંજાબમાં જાતીય શોષણની 190 ફરિયાદો, હિમાચલ પ્રદેશમાં 151 ફરિયાદો નોંધાઈ છે. હરિયાણામાં જાતીય શોષણના 917 કેસો નોંધાયા છે.

પશ્ચિમ બંગાળમાં અપહરણના બે હજાર 84 કેસો નોંધાયા છે જેની સંખ્યા રાજસ્થાન (1,753) અને હરિયાણાની (839) સરખામણીમાં ઘણી વધારે છે.

ભારતમાં જાતીય શોષણના ગુનાઓથી બાળકના સંરક્ષણના (પૉક્સો) કાયદા હેઠળ કુલ 63 હજાર 116 ફરિયાદો પૈકી બે હજાર 771 ફરિયાદો પશ્ચિમ બંગાળમાં નોંધાઈ હતી.

પૉક્સો કાયદા હેઠળ ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે સાત હજાર 970 ફરિયાદો નોંધાઈ હતી. ગોવામાં પૉક્સો કાયદા હેઠળ એકપણ કેસ નોંધાયો ન હતો.

દેશમાં નોંધાયેલા કુલ 58 લાખ 24 હજાર 949 ગુનાઓમાં 53 લાખ 90 હજાર 223 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી 24 લાખ 72 હજાર 039 લોકોને દોષી ઠરાવાયા હતા.

51 નેતાઓ પર મહિલા વિરુદ્ધ ગુનાના આરોપ છે

ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફોર્મ્સ (એડીઆરે) હાલમાં જાહેર કરેલા એક રિપોર્ટ પ્રમાણે, 151 વર્તમાન સંસદસભ્યો અને ધારાસભ્યો પર મહિલાઓ વિરુદ્ધ ગુનાના કેસ નોંધાયેલા છે. આ મામલે પશ્ચિમ બંગાળ સૌથી આગળ છે.

પશ્ચિમ બંગાળના 25 વર્તમાન સંસદસભ્યો અને ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ ગુનાના આરોપ છે, જે સૌથી વધારે છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશના 21 સંસદસભ્યો અને ઓડિસાના 17 સંસદસભ્યો પર મહિલાઓ વિરુદ્ધ ગુનાના આરોપ છે.

રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, 16 સંસદસભ્યો અને ધારાસભ્યો એવા છે જેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ બળાત્કારનો કેસ છે.

એડીઆરની માહિતી પ્રમાણે, લોકસભા ચૂંટણી 2024ની બીજા તબક્કામાં 87 પૈકી 45 મત વિસ્તારોને “રેડ ઍલર્ટ મત વિસ્તાર” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. રેડ ઍલર્ટ મતવિસ્તારો એવા વિસ્તારોને ગણવામાં આવે છે જ્યાં ચૂંટણી લડનારા ત્રણથી વધારે ઉમેદવાર પર ગુનાના કેસ નોંધાયેલા છે.

પશ્ચિમ બંગાળમાં એક ટ્રેઇની ડૉક્ટર સાથે ભયાનક બળાત્કાર અને હત્યા પછી આખા દેશના ડૉક્ટરોએ હડતાળ કરી હતી. આ હડતાળ સુપ્રીમ કોર્ટની અપીલ પછી આંશિક રીતે પૂર્ણ થઈ.

સુપ્રીમ કોર્ટે 20 ઑગસ્ટે પોતાની સુનાવણીમાં પશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈને ચાલી રહેલી તપાસની અપડેટ આપતા રહેવા માટે નિર્દેશ કર્યો.

સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારની લીગલ ટીમમાં 21 વકીલ હતા જ્યારે કેન્દ્ર તરફથી પાંચ વકીલ હતા. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ સરકારે 22 ઑગસ્ટે અપડેટ આપી હતી.

આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ સિવાયના પ્રદર્શનકારી ડૉક્ટરોનાં એક મોટા વર્ગે પોતાની 11 દિવસીય હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. તેઓ પોતાની ડ્યુટી પર પાછા ફરશે જ્યાં તેમની હડતાળને કારણે ઓપીડી, વૈકલ્પિક સર્જરી અને નિદાન સેવાઓ પર પ્રતિકૂળ અસર થઈ હતી.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.