'અમારી પાસે કપડાં જ બચ્યાં, બીજા સામાન પર બુલડોઝર ફરી વળ્યું,' સોમનાથ ડિમોલિશનમાં બધું ગુમાવનાર પરિવારોની વ્યથા

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, સોમનાથથી

"એ દરગાહ પણ અન્ય કોઈ પણ ધર્મનાં સ્થાનકો જેટલી જ પવિત્ર હતી. આ કાર્યવાહીમાં ઓછામાં ઓછી છ દરગાહ અને સાથે જ મારા પૂર્વજો સહિતનાની કેટલીક કબરો તોડી પડાઈ છે."

શનિવારે વહેલી સવારે જ્યારે સોમનાથ મંદિર પાસે 'મેગા ડિમોલિશન ડ્રાઇવ' અંતર્ગત બુલડોઝર ફેરવીને કથિત ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે 40 વર્ષીય ઇસ્માઇલ મંસૂરીએ તો જાણે 'સર્વસ્વ' ગુમાવી દીધું.

મંસૂરી કહે છે કે આ કાર્યવાહી શરૂ થઈ ત્યારે તેમના કુટુંબને ઉતાવળમાં ઘર છોડવાની ફરજ પડી હતી. તેઓ પોતાનો સામાન પણ નહોતા લઈ જઈ શક્યા.

મંસૂરી ડિમોલિશનની કાર્યવાહીને કારણે આવી પડેલી આફત અંગે વાત કરતા કહે છે કે, "અમારી પાસે અત્યારે માત્ર પહેરવા પૂરતાં કપડાં જ છે, અમારા બીજા બધા સામાન ઉપર કાં તો બુલડોઝર ફરી વળ્યું છે, કાં તો એ લઈ લેવાયો છે."

તેમનું કુટુંબ જ્યાં આ કાર્યવાહી કરવામાં આવી એ ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલી 'બાબા હાજી મંગરોલી શાહ'ની દરગાહની દેખરેખ કરતું હતું. તેમનો દાવો છે કે આ દરગાહ સદીઓ જૂની હતી અને આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા રજિસ્ટર્ડ હતી.

જોકે, નોંધનીય છે કે બીબીસી ગુજરાતી આ દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરી શક્યું.

આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા(એએસઆઈ)ની વડોદરા સર્કલની ઑફિસ ખાતે આ મામલે વધુ માહિતી માગવાનો પ્રયત્ન કર્યો હતો. વારંવાર પ્રયત્ન કર્યા છતાં તે અંગે એએસઆઈ તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો.

ગત શનિવારથી શરૂ કરાયેલી આ ડ્રાઇવ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી.

તંત્ર દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ કાર્યવાહી દરમિયાન બે કિલોમીટરની રૅન્જમાં આવેલ મસ્જિદો સહિતનાં નવ જેટલાં મોટાં ધાર્મિક સ્થળોનાં, ત્રણ નાનાં ધાર્મિક સ્થળોનાં અને 45 પાકાં મકાનોનાં કથિત દબાણોને પણ દૂર કરવામાં આવ્યાં છે.

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આપેલી માહિતી અનુસાર સોમનાથ મંદિરની બાજુમાં આવેલી 102 એકર જમીનો પરથી 'ગેરકાયદે' બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે.

એક તરફ તંત્ર જ્યાં આ સમગ્ર ઘટનાને 'કાયદેસરની કાર્યવાહી' ગણાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ સ્થાનિકોનો દાવો છે કે માત્ર 'લઘુમતી સમાજના લોકોની મિલકતોને નિશાન' બનાવાઈ રહી છે.

સમાચાર સંસ્થા એએનઆઇ અનુસાર સમસ્ત પાટની મુસ્લિમ જમાતે ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય સરકારી અધિકારી સામે પ્રભાસ પાટણમાં જૂનાં ધાર્મિક સ્થળો, ઈદગાહ અને મંગરોલી શાહ બાબાની દરગાહના કથિત ગેરકાયદે ડિમોલિશન અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું કે નોટિસો ફટકારવામાં આવી છતાં, રહીશો દબાણને ખાલી કરવા તૈયાર નહોતા અને વહીવટી તંત્ર સામે ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો.

સ્થાનિકોનો આરોપ છે કે આ કાર્યવાહીમાં બાબા હાજી મંગરોલી શાહ દરગાહ સહિતની કેટલીક અન્ય દરગાહ, મસ્જિદ, નાનાં મુસાફરખાનાં અને પાકાં મકાનોનાં બાંધકામ દૂર કરવામાં આવ્યાં છે.

જ્યારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અનુસાર, "યોગ્ય પ્રક્રિયા અનુસરીને અંદાજિત 320 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી જમીન ખાલી કરાવવામાં આવી છે."

પોલીસે આપેલી જાણકારી અનુસાર ડિમોલિશનની કાર્યવાહીમાં કથિતપણે અડચણ ઊભી કરવાના આરોપસર ઘટનાસ્થળેથી 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમજ આઠ-10 લોકોની કથિતપણે સોશિયલ મીડિયામાં ખોટા મૅસેજ ફેલાવવાના આરોપસર ધરપકડ કરાઈ છે.

નોંધનીય છે કે સ્થાનિકો અનુસાર બાબા મંગરોલી શાહની દરગાહ આ વિસ્તારમાં મુસ્લિમો સહિત હિંદુઓ માટે પણ 'આસ્થાનું કેન્દ્ર' હતી.

આ દરગાહ દૂર કરાયાની કામગીરીના કારણે સ્થાનિકો ભારોભાર દુ:ખમાં છે. દરગાહ દૂર કરાયા બાદ ત્રણ દિવસ સુધી સ્થાનિકો વિસ્તારમાં દુકાનો બંધ રાખી હતી.

આ કાર્યવાહી દરમિયાન શાહ સિલાર દરગાહ, ગરીબ શાહ દરગાહ અને જફર મુઝફ્ફર દરગાહ સહિત લગભગ નવ જેટલી દરગાહો તોડી પડાયાનો પણ દાવો છે.

‘અમારે નવેસરથી જીવન શરૂ કરવું પડશે’

ઇસ્માઇલ મંસૂરી જેવા ઘણા લોકોનો દાવો છે કે તમણે તેમનું જીવન નવેસરથી શરૂ કરવું પડશે.

ઓછામાં ઓછા 25 પરિવારો તોડી પાડવામાં આવેલી દરગાહની દેખરેખનું કામ કરતા હતા. દરગાહની મુલાકાતે આવતા લોકો માટે આશરે 40 રૂમ બાંધવામાં આવ્યા હતા.

પોતાની ઓળખ જાહેર ન કરવા ઇચ્છતા એક પીડિતે બીબીસીને કહ્યું હતું, "અત્યારે અમે અમારા સગાંના ઘરમાં રહીએ છીએ. શું કરવું તે સમજાતું નથી, કારણ કે અમે અમારાં ઘર બાંધી શકીએ તેવી કોઈ જગ્યા નથી."

એક તરફ તંત્રની 'કડક કાર્યવાહી' છે તો બીજી તરફ આ કાર્યવાહીમાં 'બધું ગુમાવી દેનારા' લોકોનું કહેવું છે કે તેમની સામે પડકારોનો જાણે પહાડ છે.

ગીર સોમનાથના અન્ય વિસ્તારોના લોકોમાં પણ આ કાર્યવાહીથી 'નારાજગી' જોવા મળી હતી.

કાર્યવાહીના સ્થળની નજીક રહેતા વલી મોહમ્મદ નકવા ડિમોલિશનની કાર્યવાહી બાદ થયેલી વિસ્તારની પરિસ્થિતિ વર્ણવતાં પોતાનાં આંસુ રોકી નથી શકતા.

તેઓ દાવો કરતાં કહે છે કે, "હાજી મંગરોલી શાહનો મકબરો પાંચ સદી જૂનો હતો, અમને એએસઆઇ તરફથી તેનાં રંગરોગાન માટે વર્ષે 1,200 રૂપિયા અપાતા હતા."

નોંધનીય છે કે એએસઆઇ તરફથી કોઈ રકમ મળવા અંગેના દાવાની બીબીસી ગુજરાતી સ્વતંત્ર પુષ્ટિ નથી કરી શક્યું.

આ કાર્યવાહીના કારણે ઘણા લોકોની 'ભૂખ મરી ગઈ' છે. ઘણા લોકોએ પાછલા 48 કલાકથી કશું ખાધું નથી, એ પૈકી જ એક વલી પણ છે.

તેઓ કહે છે કે, "અમે કઈ રીતે ખાઈ શકીએ, અમારો વારસો, અમારાં વર્તમાન અને ઇતિહાસ ભૂંસી નખાયાં અને એ પણ અમારા કોઈ પણ વાંક વગર."

કડક પોલીસ બંદોબસ્ત અને સોશિયલ મીડિયા પર ચાંપતી નજર

પોલીસે પોતાની હાજરીનો અહેસાસ કરાવવા અને લોકોના રોષને અંકુશમાં રાખવાના હેતુસર આ વિસ્તારમાં રવિવારે ફ્લૅગ માર્ચ કરી હતી. ગેરકાયદે દબાણવિરોધી ઝુંબેશ માટે વધારાના પોલીસ બળની જરૂર કેમ પડી, એવો સવાલ બીબીસીએ ગીર સોમનાથના પોલીસ વડા મનહરસિંહ જાડેજાને પૂછ્યો ત્યારે તેમણે કહ્યું હતું, "એ રાબેતા મુજબની કવાયત હતી અને છેલ્લા કેટલાક મહિનાઓમાં આ ત્રીજી વખત ગેરકાયદે દબાણ હઠાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં મહેસૂલ વિભાગે જરૂરી તમામ પગલાં લીધાં હતાં અને આવી ઝુંબેશમાં મદદ કરવા પોલીસને વિનંતી કરી હતી."

ગેરકાયદે દબાણ હઠાવવાની કાર્યવાહી દરમિયાન જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે શુક્રવારથી સોમવાર સુધી 1,400થી વધારે પોલીસ અને અર્ધ-લશ્કરી દળોના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.

સ્થાનિક પોલીસે ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઈ સમગ્ર જિલ્લામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 189 (સીઆરપીસી 144) લાગુ કરી છે. સ્થાનિકો દ્વારા કરાઈ રહેલા મૅસેજ અને સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર પણ ચાંપતી નજર રખાઈ રહી છે. વૉટ્સઍપ ગ્રૂપો પર પણ નજર રખાઈ રહી છે. તેમજ પોલીસ સ્થાનિકોને કોઈ પણ મૅસેજ ન ફેલાવવા સતત જણાવી રહી છે.

ગીર સોમનાથ પોલીસે મોકલેલા એક મૅસેજમાં લોકોને વૉટ્સઍપ ગ્રૂપ પર કોઈ પણ અણબનાવને નોતરે એવા મૅસેજ ન મોકલવા ચેતવણી આપી છે.

સોમનાથ મંદિર પાસે આવેલી પ્રાચીન સંપત્તિઓનો વિવાદ

જે જગ્યાએ ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું તે વિખ્યાત સોમનાથ મંદિર પાસે આવેલી છે.

જે જગ્યાએ કથિત ગેરકાયદે પ્રોપર્ટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેની માલિકી મંદિર ટ્રસ્ટની હોવાનું કહેવાય છે.

સ્થાનિક નેતા અબ્બાસભાઈએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "અમે સત્તાધીશોને કહ્યું હતું કે આ બે ટ્રસ્ટ વચ્ચેનો મામલો છે અને અમને તેનું નિરાકરણ કરવા દો, પરંતુ તેમણે અમારી પ્રૉપર્ટી તોડી પાડવાનું પસંદ કર્યું હતું."

કથિત ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી શનિવારે સવારે શરૂ થવાની હતી, તેના થોડા સમય પહેલાં પોલીસે જે મુસ્લિમ નેતાઓને અટકાયતમાં લીધા હતા તેમાં અબ્બાસનો સમાવેશ થાય છે.

તેમના કહેવા મુજબ, "અમને કહેવામાં આવ્યું હતું કે સત્તાધીશો અમને મળવા તથા આ મુદ્દે ચર્ચા કરવા ઇચ્છે છે, પરંતુ મારો ફોન લઈ લેવામાં આવ્યો હતો. મારી અટકાયત કરવામાં આવી હતી અને એ પછી તરત જ બુલડોઝર્સ દ્વારા તોડફોડની શરૂઆત કરવામાં આવી હતી."

જોકે, સ્થાનિક પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમણે ડિમોલિશન પહેલાં સ્થાનિક આગેવાનો સાથે વાત કરીને તેમને વિશ્વાસમાં લીધા હતા અને પછી સંપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી.

માઇનૉરિટી કો-ઑર્ડિનેશન કમિટીના સંયોજક મુજાહીદ નફીસે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે રેવન્યૂ રેકર્ડ પ્રમાણે હાજી માંગરોલી શાહની કબરની જગ્યા જૂનાગઢ રાજ્ય દ્વારા 1924ની 18 ફેબ્રુઆરીએ ફાળવવામાં આવી હતી.

તેમણે મુખ્ય મંત્રીને પત્રમાં એમ પણ જણાવ્યું હતું કે પ્રૉપર્ટી સંબંધિત અરજીઓ ગુજરાત હાઇકોર્ટ તેમજ વક્ફ બોર્ડમાં વિચારાધીન છે. તેનો કોઈ ચુકાદો આવે તે પહેલાં રાજ્ય સરકારે ડિમોલિશન હાથ ધર્યું છે.

હાઇકોર્ટમાં શું થયું?

સોમનાથ મંદિરની આસપાસ થયેલા ડિમોલિશનનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

દરગાહો અને કબ્રસ્તાન પર ઓલિયા-એ-દીન કમિટીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની માગ કરી છે. કમિટી તરફથી અરજી સાકિબ અંસારીએ દાખલ કરી હતી. તેમના વકિલ મિરાલ ઠાકોરે અદાલતને કહ્યું કે જ્યાં સુધી સંપત્તિ સાર્વજનિક સ્થાને ન હોય અથવા તો અદાલતનો આદેશ ન હોય ત્યાં સુધી કોઈ ડિમોલિશન નહીં થવું જોઈએ.

જોકે સામે પક્ષે સરકારી વકીલે કહ્યું કે 1951માં તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારની અધિસૂચના અનુસાર આ ભૂમિને સાર્વજનિક ઘોષિત કરવામાં આવી હતી. વર્તમાન સરકારે આ સાર્વજનિક સ્થાનેથી અતિક્રમણ હઠાવી દીધું છે.

તો વકીલ મિરાલ ઠાકોરે તર્ક આપ્યો કે દરગાહની આસપાસ નાની ઓરડીઓ કે મુસાફરખાનાંને હઠાવવા માટે નોટિસ જાહેર કરવામાં આવી હતી પરંતુ દરગાહને તોડી ન શકાય.

તેમણે કહ્યું કે હાજી મંગરોલી દરગાહ અને કબ્રસ્તાનને તોડવા અંગે એક પણ દસ્તાવેજ જાહેર કરવામાં નથી આવ્યો. તેમણે અદાલત સમક્ષ માગ કરી કે પ્રશાસને જ્યારે ઢાંચો પાડી દીધો છે ત્યારે જ્યાં સુધી આ મામલે ઉકેલ નહીં આવે ત્યાં સુધી તોડી પાડવામાં આવેલા આ ઢાંચાની આસપાસ દિવાલ બનાવવાની સરકારને અનુમતિ નહીં આપવામાં આવે.

જોકે સરકારી વકીલે કહ્યું કે વાડ લગાવી દેવામાં આવી છે અને જમીન સરકારી કબજામાં છે જોકે અદાલતે આ મામલે ચુકાદો સુરક્ષીત રાખ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.