You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં ફૉર્મ રદ થયા બાદ નીલેશ કુંભાણી સામે આવ્યા, કૉંગ્રેસ પર કેવા આક્ષેપ કર્યા? - ઇલેક્શન અપડેટ
સુરતમાં લોકસભા ચૂંટણી પહેલાં ઉમેદવારીપત્રક રદ થયા બાદ કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી શુક્રવારે મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે કૉંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કર્યા.
કૉંગ્રેસથી સુરતના ઉમેદવાર નીલેશ કુંભાણીએ પ્રેસવાર્તા કરીને કહ્યું કે,"ચૂંટણી હતી અને હું કૉંગ્રેસ પરિવાર સાથે જોડાયેલો હતો અને મારા નિવેદનને કારણે પાર્ટીને કોઈ નુકસાન ન થાય એટલે હું ચૂપ રહ્યો. પરેશભાઈ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલની માન મર્યાદા મને બોલતા અટકાવે છે."
તેમણે કહ્યું કે "કૉંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. ટિકિટ મળી ત્યારથી કૉંગ્રેસના નેતા અને કાર્યકર્તા સાથ આપતા નહોતા".
તેમણે કહ્યું કે, "મારો ભાજપની કોઈપણ વ્યક્તિ સાથે સંપર્ક થયો નથી. હું કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને કામ કરી રહ્યો હતો."
મીડિયાએ જ્યારે તેમના ટેકેદારો વિશે સવાલ કર્યો તો તેમણે કહ્યું, "મારા ટેકેદારો અહીંથી (કૉંગ્રેસથી) થાકી ગયા હતા. સુરત કૉંગ્રેસના પાંચ નેતાઓ કાર્યકર્તાને કામ કરવા દેવા ઇચ્છતા નહોતા."
તેમનુ ફૉર્મ રદ થયા બાદ ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા અને સુરતના લાખો મતદારો મતદાનથી વંચિત રહી ગયા હતા.
આ બાબતે તેમણે કહ્યું, "અમે મતદારો સાથે ગદ્દારી કરી નથી. મારું સોગંદનામું રદ થયું હતું, પરંતુ કૉંગ્રેસે એક અપક્ષ ઉમેદવારને પણ ઊભો રાખ્યો હતો તેણે ફોર્મ પાછું કેમ ખેંચ્યું."
ભાજપમાં જાડાવા અંગે તેમણે કહ્યું કે, "આ વિશે કોઈ ચર્ચા થઈ નથી. હું મારા હિતેચ્છુ, ટેકેદારો અને કાર્યકર્તા સાથે પહેલાં તો રાજકારણમાં રહેવું કે નહીં તે વિશે ચર્ચા કરીશ. અને તે લોકો જે સૂચનો આપશે તે પ્રમાણે આગળ વધીશું".
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'કૉંગ્રેસ અત્યારે ગદ્દારીની વાત કરે છે તો 2017માં મારી સાથે ગદ્દારી નહોતી કરી? તે વખતે કૉંગ્રેસે મને ચૂંટણી લડવાનું કહ્યું હતું એટલે મેં 20 હજાર સમર્થકોને ભેગા કર્યા હતા અને પછી પક્ષે ટિકિટ બીજાને આપી દીધી, તો એ ગદ્દારી નહોતી?'
નીલેશ કુંભાણીના આક્ષેપો વિશે કૉંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે નથી આવી.
કૉંગ્રેસે નીલેશ કુંભાણીને સુરતથી ટિકિટ આપી હતી પરંતુ ટેકેદારોની સહી મામલે થયેલા વિવાદ બાદ તેમનું ફૉર્મ રદ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચી લીધાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરત લોકસભાની બેઠક બિનહરીફ જીતી ગયા હતા.
અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવીને કહ્યું , 'તાનાશાહી સામે સંઘર્ષ કરી રહ્યો છું'
"જેલનાં તાળા તૂટી ગયાં, કેજરીવાલ છૂટી ગયા"ના નારા વચ્ચે અને ભારે સમર્થકોની હાજરીમાં દિલ્દીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવાર સાંજે દિલ્હીની તિહાડ જેલમાંથી બહાર આવી ગયા છે.
અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. 50 દિવસ પછી જેલની બહાર આવેલા કેજરીવાલે કહ્યું કે, "મેં કહ્યું હતું કે જલદી આવીશ, આવી ગયો. સૌથી પહેલાં હનુમાનજીનાં ચરણમાં વંદન કરું છું. હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા વચ્ચે છું."
કેજરીવાલે કહ્યું, "હું તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માગું છું. દેશભરના કરોડો-કરોડો લોકોની દુઆ, તેમનો આશીર્વાદ આપ્યો છે. હું સુપ્રીમ કોર્ટના જજોનો આભાર વ્યક્ત કરવા માગું છું જેમના કારણે આજે હું તમારા લોકો વચ્ચે છું."
કેજરીવાલે કહ્યું, "આપણે બધાએ મળીને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. હું તન, મન, ધનથી લડી રહ્યો છું. તાનાશાહી સામે સંઘર્ષ કરી રહ્યો છું પરંતુ 140 કરોડ લોકોએ તાનાશાહી લડવાનું છે."
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે તેઓ શનિવાર સવારે 11 વાગ્યે દિલ્હીના કનૉટ પ્લેસ ખાતે હનુમાન મંદિર દર્શન કરશે. તેમણે પોતાના સમર્થકોને ત્યાં પહોંચવાનું આહ્વાન કર્યું છે.
કેજરીવાલે કહ્યું કે તેઓ શનિવારે એક વાગ્યે પાર્ટીની ઑફિસમાં પ્રેસ વાર્તા પણ કરશે.
અરવિંદ કેજરીવાલની કથિત શરાબ નીતિ ગોટાળા મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ તેઓ જેલમાંથી બહાર આવી ગયા છે.
કેજરીવાલ પચાસ દિવસ જેલમાં રહ્યા બાદ છૂટ્યા છે. તેમને એક જૂન સુધીના વચગાળાના જામીન મળ્યા છે.
અરવિંદ કેજરીવાલ જેલથી પોતાના ઘરે જશે. જામીન મળ્યા બાદ કેજરીવાલના ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને ત્યાં મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા છે.
અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણી દરમિયાન હવે આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે.
અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા, ચૂંટણીપ્રચાર કરી શકશે
સુપ્રીમ કોર્ટની બે ન્યાયધીશની બૅન્ચે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે.
જોકે, કોર્ટે તેમને બે જૂને સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો છે.
અરવિંદ કેજરીવાલની ધરપકડ 21મી માર્ચના રોજ થઈ હતી. તેઓ હવે બે જૂન સુધી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી શકશે.
ન્યાયાલયે કહ્યું,"અમે જલદી સુનાવણી કરીશું, આ કેસને પૂરો કરવાની કોશિશ કરીશું."
લેખિતમાં આદેશ આવવાનો હજુ બાકી છે, ત્યાર બાદ વચગાળાના જામીનની શરતો વિશે જાણકારી મળશે.
કોર્ટે કહ્યું કે છે કે જામીનના બૉન્ડ જેલ સત્તાવાળાઓ પાસે જમા કરાવવા જોઈએ જેથી કેજરીવાલને જલદીથી મુક્ત કરી શકાય.
કોર્ટે ઉમેર્યું કે ઑગસ્ટ 2022માં રજિસ્ટર કરાયેલા કેસમાં કેજરીવાલની દોઢ વર્ષ પછી ધરપકડ કરવામાં આવી હતી.
જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, "ધરપકડ પહેલાં પણ કરી શકાતી હતી. 21 દિવસમાં શું ફેર પડી જશે?"
સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના વકીલ શાદાન ફરાસતે મીડિયાને જણાવ્યું, "અદાલતે એક સંક્ષિપ્ત આદેશ આપ્યો છે. અમને લેખિત આદેશ હજી મળ્યો નથી. અમે સમજીએ છીએ કે તેને વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે."
"અંતરિમ આદેશમાં કોર્ટે સંકેત આપ્યો છે કે તેઓ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપી રહ્યા છે. ન્યાયાલયનો આદેશ બે જૂન સુધી લાગુ રહેશે."
"કોર્ટે તેમના ચૂંટણીપ્રચાર પર કોઈ રોક લગાવી નથી. તેઓ શું કહી શકે તે વિશે પણ રોક લગાવવામાં આવી નથી. કોઈ અન્ય બાબત પર અમે કોર્ટના નિર્ણયને વાંચીને જ ટિપ્પણી કરી શકીશું."
ભારતની લોકશાહી વિશે અમેરિકાના રાજદૂતે શું કહ્યું?
ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટિએ ભારતના લોકતંત્ર પર ટિપ્પણી કરી છે. એરિક ગાર્સેટિએ કહ્યું છે કે આવતા 10 વર્ષમાં ભારત જીવંત લોકતંત્ર હશે.
નવી દિલ્હીમાં એક ઇવેન્ટમાં ભાગ લેતા એરિક ગાર્સેટિએ કહ્યું કે, "ભારત આજની જેમ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના મામલામાં આવતાં 10 વર્ષમાં જીવંત લોકતંત્ર હશે."
તેમાં કેટલીક બાબતો ખરાબ છે, પરંતુ ઘણી બધી બાબતો સારી પણ છે. તેમના કાયદા મુજબ તમારે મતદાન કરવા 10 કિલોમીટરથી દૂર નથી જવું પડતું.
"જો કોઈક જગ્યા એ પહાડ હોય અને કોઈ સાધુ ત્યાં રહેતા હોય તો તે ત્યાં બે દિવસની યાત્રા કરીને વોટિંગ મશીન લઈને જાય છે અને મતદાન કરાવડાવે છે."
એરિક ગાર્સેટિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જયારે રશિયાએ અમેરિકા પર ભારતમાં થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં અસ્થિરતા લાવવાનો આરોપ લગાડ્યો છે.
અમેરિકાના નાગરિક ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં ભારત પર અમેરિકાના આરોપોને લઈને રશિયાએ આ દાવો કર્યો હતો.
ઈરાને જપ્ત કરેલા જહાજમાંથી પાંચ ભારતીયોને મુક્ત કર્યા
ઈરાને પકડેલા જહાજ એમએસસી એરીજમાંથી પાંચ ભારતીય નાગરીકોને મુક્ત કરી દીધા છે. આ પાંચ ભારતીય નાગરીકોને આજે સાંજે ઈરાનથી ભારત માટે રવાના કરી દેવામાં આવશે છે.
ઈરાનમાં તૈનાત ભારતીય દૂતવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ જાણકારી આપી છે.
ઈરાનની નૌસેનાએ 13 એપ્રિલે ભારત આવતા માલવાહક જહાજ એમએસસી એરીજને જપ્ત કરી લીધું હતું. જહાજમાં 25 ક્રૂ સદસ્યો હતા. જેમાંથી 17 ભારતીય નાગરિકો છે.
ઈરાને ઇઝરાયલ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ કાર્યવાહી કરી છે. આ જહાજના માલિક ઇઝરાયલના વેપારી છે.
જહાજના ક્રૂમાં એકમાત્ર મહિલા કેડેટ એન ટેસા જોસેફ પણ સામેલ હતાં. જહાજ જપ્ત કર્યાના થોડા દિવસો બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતાં.
કોહલીની ‘કમાલ’થી આરસીબી કેવી રીતે પ્લેઑફની રેસમાં ટકી રહ્યું છે?
આઈપીએલમાં ગત સિઝનની માફક આ સિઝનમાં પણ આરસીબીની ટીમે ખરાબ શરૂઆત કરી.
ગુરુવારે બેંગલુરુની ટીમે પંજાબને 60 રનોએ હરાવીને લગાતાર ચોથી જીત નોંધાવી છે. આ સાથે આ ટીમ પોઇન્ટટેબલમાં સાવ તળીયેથી ઉઠીને સાતમાં સ્થાને પહોંચી ગઈ છે.
ધર્મશાલામાં રમાયેલી મૅચમાં પહેલા બેટિંગ કરતા આરસીબીની ટીમે 241 રન બનાવ્યા જેના જવાબમાં પંજાબની ટીમ માત્ર 181 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ.
બેંગલુરુની આ જીતનો હીરો રહ્યા વિરાટ કોહલી જેમણે આ સિઝનની છઠ્ઠી અર્ધસદી નોંધાવીને તેની આલોચના કરનારાઓને ખામોશ કરી દીધા.
આ મેચ પહેલાં આરસીબી પાસે 11 મૅચોમાં 8 અંક હતા. તેનો નેટ રનરેટ હતો માઇનસ 0.05
બેંગલુરુને પ્લેઑફમાં ટકી રહેવા માટે ન માત્ર જીતની જરૂર હતી પરંતુ સાથે રનરેટ પણ વધારવાનો હતો.
આ જીત બાદ બેંગલુરુ પ્લેઑફની રેસમાં બની રહી છે. તેની પાસે 12 મૅચો બાદ 10 અંક છે. ત્યાં પંજાબની ટીમ આ હાર સાથે પ્લેઑફની બહાર ફેંકાઈ ગઈ છે. ગત સિઝનમાં પંજાબની ટીમે પ્લેઑફમાં જગ્યા બનાવી હતી. જોકે આ વર્ષે પંજાબ જે રીતે બહાર ફેંકાઈ ગઈ તેને કારણે તેના માટે ગંભીર આત્મચિંતનનો સમય આવ્યો છે.
માલદીવના વિદેશ મંત્રી સાથેની મુલાકાત બાદ શું બોલ્યા એસ. જયશંકર?
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે પડોશી હોવાને કારણે ભારત અને માલદીવના સંબંધોનો વિકાસ પરસ્પર હિતો પર ટકેલો છે.
આ વાત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવના વિદેશ મંત્રી મૂસા જમીર સાથેની બેઠક બાદ કરી.
માલદીવમાં નવી સરકાર બન્યા બાદ માલદીવના વિદેશ મંત્રી મૂસા જમીરનો આ પહેલો ભારતનો પ્રવાસ છે.
એસ. જયશંકરે કહ્યું, “જ્યાં સુધી ભારતની વાત છે, અમે અમારી પડોશીઓ પહેલાની પૉલિસી તથા SAGAR પૉલિસીને લઈને પ્રતિબદ્ધ છે. આશા છે કે આ બેઠક બાદ મને વિભિન્ન ક્ષેત્રોમાં અમારા દૃષ્ટિકોણને વધુ મજબૂતી મળશે.”
“માલદીવના વિકાસમાં ભારતની મહત્ત્વની ભૂમિકા રહી છે. અમારા ઘણા પ્રોજેક્ટ્સને કારણે ત્યાં ફાયદો થયો છે.”
જયશંકરે કહ્યું, “દુનિયામાં ઉથલપાથલના દૌર ચાલી રહ્યો છે. અમે જોયું કે કોરોના, પ્રાકૃતિક આફતો અને નાણાકીય મુશ્કેલીઓ દરમિયાન પડોશીઓ કેટલા મહત્ત્વના છે.”
મોહમ્મદ મુઇજ્જૂ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવ અને ભારત વચ્ચે અંતર વધ્યું છે. અત્યારસુધી માલદીવના રાષ્ટ્રપતિ પહેલો પ્રવાસ ભારતનો કરતા હતા પરંતુ મોઇજ્જૂ પહેલા યુએઈ, તુર્કી અને ચીનના પ્રવાસે ગયા હતા.