જ્યારે પાઇલટે કહ્યું કે 'વિમાનમાં સાપ છે અને મારી સીટ નીચે જ છે'

ઇમેજ સ્રોત, RUDOLPH ERASMUS
- લેેખક, સીસીલિયા મૅકૉલે
- પદ, બીબીસી ન્યૂઝ
દક્ષિણ આફિક્રાના પાઇલટ રુડોલ્ફ એરસમસ માટે એક સામાન્ય ઉડાન હતી, પરંતુ ત્યાં સુધી તેમને જાણ ન હતી કે વિમાનમાં એક મુસાફર વધારે છે.
આ મુસાફર વ્યક્તિ ન હતી, પરંતુ આ એક કોબરા સાપ હતો, જે તેમની સીટ નીચે ફરી રહ્યો હતો. રુડોલ્ફનું વિમાન એ સમયે 11 હજાર ફૂટની ઊંચાઈ પર હતું.
રુડોલ્ફે બીબીસીને જણાવ્યું હતું કે, “સાચું કહું તો મને ખબર જ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે.”
તેમણે કહ્યું, “આ ડરાવનારી ક્ષણ હતી.”
પાઇલટ રુડોલ્ફે જણાવ્યું કે પીઠ પર કોઈ ઠંડી વસ્તુના અડવાનો અહેસાસ થયો, ત્યારે શરૂમાં તેમને લાગ્યું કે તેમની પાણીની બૉટલ છે.
“મને ઠંડાનો અહેસાસ થયો. એવું લાગ્યું કે કંઈક ફરી રહ્યું છે.”
રુડોલ્ફને થયું કે તેમણે પાણીની બૉટલ બરાબર બંધ કરી નથી અને પાણી તેમના શર્ટ પર પડી રહ્યું છે.
તેમણે કહ્યું કે, “જ્યારે હું ડાબી બાજુ ફર્યો અને નીચે જોયું તો ત્યાં કોબરા હતો. તે સીટમાં મોં નાખવાના પ્રયાસ કરી રહ્યો હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રુડોલ્ફ વિમાનને બ્લૂમફોન્ટિનથી પ્રિટોરિયા લઈ જઈ રહ્યા હતા. એ વિમાનમાં વધુ ચાર મુસાફર હતા. કોબરા હોવાની જાણકારી મળ્યા બાદ તેમણે ઇમરજન્સી લૅન્ડિંગ કરવું પડ્યું.
પાઇલટ રુડોલ્ફ એરસમસે જણાવ્યું કે, કોબરા ડંખ મારે તો 30 જ મિનિટમાં મૃત્યુ થઈ શકે છે. તેઓએ કહ્યું કે તેઓ વિમાનમાં ડરનો માહોલ ઊભો કરવા નહોતા માગતા.

ઇમરજન્સી લૅન્ડિંગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રુડોલ્ફે કહ્યું કે, તેમણે પહેલાં વિચાર કર્યો અને પછી ધીમેથી બધા લોકોને જણાવ્યું કે વિમાનમાં વધુ એક મુસાફર છે.
એ દરમિયાન તેઓ ઘણા ડરેલા હતા. તેમને શંકા હતી કે ‘ક્યાંક સાપ પાછળની બાજુએ ન જતો રહે અને બાકીના લોકોમાં ડર ફેલાઈ ન જાય.’
આખરે તેમણે નક્કી કર્યું કે તેઓ મુસાફરોને આ અંગે જાણ કરશે.
તેઓએ મુસાફરોને કહ્યું, “સાંભળો વિમાનની અંદર સાપ છે. તે મારી સીટ નીચે છે. તેથી વિમાનને તાત્કાલિક નીચે ઉતારવાના પ્રયાસ કરીએ છીએ.”
ત્યાર બાદ મુસાફરોની પ્રતિક્રિયા કેવી હતી, આ સવાલ અંગે રુડોલ્ફે જણાવ્યું કે વિમાનમાં સન્નાટો છવાઈ ગયો.
તેમણે જણાવ્યું કે, “એટલો સન્નાટો હતો કે સોય પડવાનો પણ અવાજ આવતો. મને લાગે છે કે એક-બે ક્ષણ માટે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.”
તેમણે જણાવ્યું કે, પાઇલટોને કેટલાક પ્રકારની પરિસ્થિતિ માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે, પરંતુ તેમાં કૉકપિટમાં હાજર સાપનો સામનો કરવાનું સામેલ નથી.
રુડોલ્ફે કહ્યું કે, તેઓ ડરી ગયા હોત તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હોત.
તેમણે વેલ્કોમ શહેરમાં વિમાનનું ઇમરજન્સી લૅન્ડિંગ કર્યું.

સાપ ન મળ્યો
આ વિમાનમાં સાપ હોવાથી પાઇલટ આઘાતની સ્થિતિમાં ભલે આવી ગયા હોય, પરંતુ કેટલાક લોકો માટે આ હેરાન કરનારી વાત ન હતી.
આ વિમાને દિવસની પ્રથમ ઉડાન વુસ્ટર ફ્લાઇંગ ક્લબથી ભરી હતી. ત્યાં કામ કરતા બે લોકોએ જણાવ્યું કે તેઓએ સાપને વિમાન નીચે જોયો હતો. તેઓએ તેને પકડવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ ગયા હતા.
પાઇલટ રુડોલ્ફે કહ્યું કે વિમાનમાં સવાર થતા પહેલાં તેઓએ સાપને શોધવાના પ્રયાસ કર્યા હતા.
તેઓએ કહ્યું કે, “શોધખોળ બાદ સાપ ન મળ્યો, તેથી અમે માની લીધું કે તે બહાર નીકળી ગયો હશે.”
વિમાનમાં સવાર સાપનો હજુ પણ કોઈ પત્તો નથી. વિમાનની તપાસ કરનારા એન્જિનિયર સાપને શોધવામાં નિષ્ફળ રહ્યા.
દક્ષિણ આફ્રિકાના નાગરિક ઉડ્ડયન વિભાગના કમિશનર પૉપી ખોસાએ પાઇલટ રુડોલ્ફનાં વખાણ કર્યાં.
ન્યૂઝ 24 વેબસાઇટના જણાવ્યા અનુસાર, ખેસાએ કહ્યું કે, “તેમણે કમાલ કરી બતાવી અને વિમાનમાં સવાર મુસાફરોના જીવ બચાવી લીધા.”
જોકે પાઇલટ રુડોલ્ફ કહે છે કે તેમણે કોઈ ખાસ કામ કર્યું નથી.
તેઓએ કહ્યું કે, “હું મારા મુસાફરોનો આભારી છું કે તે લોકોએ શાંતિ જાળવી રાખી.”














