ગર્ભનિરોધકઃ કૉપર ટી મહિલા માટે કેટલી સલામત? આટલો ભય શા માટે?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. શિલ્પા ચિટણીસ-જોશી
    • પદ, સ્ત્રીરોગ નિષ્ણાત, વંધ્યત્વ નિવારણ નિષ્ણાત

દૃશ્ય 1 - “અરે, તું ત્રીજી વખત ગર્ભપાત કરાવવા આવી. માસિકના પાંચમા દિવસે કૉપર ટી બેસાડવા માટે આવવાની ચેતવણી મેં તને ગયા વખતે આપી હતી. તું કેમ આવી નહીં?”

“મેડમ, મને કૉપર ટીથી બહુ ડર લાગે છે.”

“...અને વારંવાર ગર્ભપાતથી ડર નથી લાગતો?” મેં સ્તબ્ધ થઈને પૂછ્યું.

દૃશ્ય 2 - “ડૉક્ટર, અમારાં હમણાં જ લગ્ન થયાં છે. વાસ્તવમાં અમે કમસે કમ એક વર્ષ સુધી બાળક ઇચ્છતાં નથી, પરંતુ પરિવારજનોએ અમને ગર્ભનિરોધકોનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી છે. મને ખબર નથી પડતી કે શું કરવું.”

મને મારા ક્લિનિકમાં આવી વાતો વારંવાર સાંભળવા મળે છે. ખાસ કરીને લગ્ન પછી સમાજના તમામ યુવાનો-યુવતીઓની આ સમસ્યા છે.

“જોજે, તું ગોળીઓ લેતી નહીં. પેલી છોકરીએ વડીલોની વાત સાંભળ્યા વિના ગોળીઓ લીધી હતી અને હવે ત્રણ વર્ષથી તેને ગર્ભાધાન થતું નથી,” આવો સંવાદ પણ સાંભળવા મળે છે.

નવી પરણેલી યુવતી પહેલેથી જ ચિંતિત હોય છે અને આવી વાતો તેની ચિંતામાં વધારો કરે છે.

દૃશ્ય 3 - “મિસ્ટર આ શું છે? છ મહિનામાં બીજી વખત ગર્ભપાત કરાવવો પડે છે. તમારી પત્નીને પહેલેથી જ એનિમિયા છે. તેને બે સિઝેરિયન થયાં છે. એ જીવશે કેવી રીતે? અગાઉ મેં તમને ઑપરેશન કરાવી લેવાની સલાહ આપી હતી.”

હું ખરેખર થોડી ગુસ્સે થઈ હતી.

“મેડમ, ઑપરેશન કરાવવાનું રહી ગયું. ઑપરેશન હવે કરી નાખો.”

હવે હું તેમને સમજાવીને થાકી ગઈ છું. આજ સુધીમાં મને ઘણી મહિલાઓના પતિઓએ સંપૂર્ણ ખાતરી આપી છે કે તેઓ કુટુંબ નિયોજનનું ઑપરેશન કરાવી લેશે, પરંતુ ઑપરેશન કરાવી લીધું હોવાનું કહેવા આજ સુધી કોઈ આવ્યું નથી.

ગ્રે લાઇન

ગર્ભનિરોધક સાધનોના ઉપયોગ બાબતે ગેરસમજ

દવાઓ

ઇમેજ સ્રોત, THINKSTOCK

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આવા સંવાદ ઘણી વાર ક્લિનિકમાં થાય છે. અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા માટે, બે બાળકો વચ્ચે યોગ્ય અંતર જાળવવા માટે, લગ્ન પછી કારકિર્દી-નોકરી સંબંધી આયોજન માટે ગર્ભધાન ટાળવાનો એક સુનિશ્ચિત તથા સાચો માર્ગ એટલે ગર્ભનિરોધક સાધનોનો યોગ્ય ઉપયોગ. એ સાધનનો ઉપયોગ પુરુષ કરે કે સ્ત્રી તેમાં ખાસ ફરક પડતો નથી.

તેનાથી જાતીય સંબંધમાં અવરોધ સર્જાતો નથી કે જાતીય આરોગ્ય પર માઠી અસર પણ થતી નથી. તેમ છતાં ગર્ભનિરોધક સાધનોના ઉપયોગ બાબતે આપણે ત્યાં અનેક ગેરસમજ પ્રવર્તે છે.

આવી ગેરસમજ માત્ર આપણા સમાજમાં નથી. તેથી જ દર વર્ષે 26 સપ્ટેમ્બરે વિશ્વ ગર્ભનિરોધક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ પરિવાર નિયોજનના સાધનો વિશે જાગૃતિ લાવવા અને પરિણીત યુગલોને જાતીય સ્વાસ્થ્ય બાબતે સજાગપણે નિર્ણય કરવા સક્ષમ બનાવવાનો છે.

આ દિવસ નિમિત્તે જાણીએ કે કુટુંબ નિયોજનનાં સાધનો વિશે આપણા મનમાં કેવી શંકા હોય છે, તે કેટલી યોગ્ય છે અને કઈ શંકાઓ પાયાવિહોણી છે.

ગર્ભનિરોધક ગોળીઓ લેવી કે નહીં? આ ગોળીઓ ખરેખર સલામત હોય છે?

આ લેખની શરૂઆતમાં જ એક ઉદાહરણ આપ્યું છે, જેમાં જૂની પેઢીના લોકો દ્વારા ગર્ભનિરોધક ગોળીઓ બાબતે કેવી રીતે ડરાવવામાં આવે છે તેની વાત છે, પરંતુ આ ગોળીઓ ખરેખર સલામત છે?

ગર્ભનિરોધક ગોળીઓ અસલામત ગર્ભધારણ કરતાં ખરેખર વધુ સલામત હોય છે. અમે દરેક નવપરિણીત યુગલને આ ગોળી લેવાની સલાહ આપીએ છીએ.

આ ગોળીઓ કોઈને નાની વયે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર કે સ્થૂળતાની સમસ્યા હોય તેમને આપી શકાતી નથી. આવી ગોળીઓ બાબતે ઘણી ગેરસમજ પ્રવર્તતી હોવાથી નવપરિણીત યુગલોમાં કારણ વગર ડર રહે છે.

ગર્ભનિરોધક ગોળીઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોય છે, જેને સીઓસી કહેવામાં આવે છે. બીજી ગોળીઓ પ્રોજેસ્ટેરોનની હોય છે. તેને પીઓપી કહેવામાં આવે છે.

સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બન્ને હોય છે. ગર્ભનિરોધકમાં આ હોર્મોન્સનો ઉપયોગ થાય છે. શરીર પર તેની વિધવિધ અસર થતી હોય છે.

એસ્ટ્રોજન હોય તે દવાથી મહિલાને લાભ થાય છે. જેમના શરીરમાં લોહી ગંઠાઈ ગયું હોય, હૃદય સંબંધી બીમારી હોય કે તેમને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેમને આ ગોળીથી ફાયદો થાય છે.

પ્રોજેસ્ટેરોન ધરાવતી દવાઓ ગભરાટ, માથાનો દુખાવો, અનિયમિત માસિક અને ચક્કર આવવા જેવી તકલીફોનું કારણ બની શકે છે.

ગ્રે લાઇન

આ ગોળીના ફાયદા અને ગેરફાયદા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ મહિલાને માસિક અનિયમિત આવતું હોય તો આ ગોળીઓ તેને નિયમિત બનાવે છે. આ ગોળીઓ નિયમિત લેવામાં આવે તો આકસ્મિક ગર્ભાધાનની શક્યતા નહિવત્ હોય છે. તેથી દંપતીની સેક્સ લાઈફ પણ ચિંતારહિત બને છે. પિરિયડ્ઝ નિયમિત થઈ જવાથી ગોળી લેવાનું બંધ કરવામાં આવે ત્યાર પછી ગર્ભધારણ પણ તરત થાય છે.

જે છોકરીઓના ચહેરા પર વધુ પ્રમાણમાં ખીલ કે ફોડલીઓ હોય તે આ ગોળી લે તો તેમાં ઘટાડો થાય છે.

ડૉક્ટરની સલાહ અનુસાર આ ગોળીના સેવનથી અંડાશયના કૅન્સરનું જોખમ પણ ઘટે છે.

ભૂતકાળમાં કેટલીક સ્ત્રીઓએ સરકાર તરફથી મફતમાં આપવામાં આવતી માલા ડી નામની ગોળીઓ તબીબી સલાહ વિના, કોઈ પણ વયે અને કોઈ પણ માત્રામાં લીધી હતી.

તેથી દેખીતી રીતે કેટલીક મહિલાઓને તકલીફ થઈ હતી અને પછી ઢંઢેરો પીટીને આ ગોળીને બદનામ કરવામાં આવી હતી.

હવે બહુ ઓછા ડોઝની અને સારી ગુણવત્તાની સરકારી ગોળીઓ ઉપલબ્ધ છે. તેનું સેવન કરતા પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

ભારતીય મહિલાઓની આનુવંશિકતાને ધ્યાનમાં રાખીને અમે આ ગોળીઓ અનેક વર્ષ સુધી લેવાની સલાહ આપતા નથી.

ગ્રે લાઇન

કૉપર ટીનો અતાર્કિક ડર શા માટે?

કૉપર ટી

ઇમેજ સ્રોત, Getty Images

લગ્ન પછી એક સંતાન થાય ત્યાં સુધી ગર્ભનિરોધક ગોળી શ્રેષ્ઠ વિકલ્પ છે. આજકાલ મોટા ભાગનાં યુગલો એક જ સંતાન ઇચ્છતાં હોય છે. તેથી ગર્ભનિરોધક ગોળીઓ અનિશ્ચિત સમય સુધી લઈ શકાતી નથી. આ સ્થિતિમાં કૉપર ટી એકમાત્ર યોગ્ય વિકલ્પ છે.

આ લેખની શરૂઆતમાં બીજું ઉદાહરણ આપ્યું તેમાં યુવતીને કૉપર ટીનો ડર હતો, પરંતુ ગર્ભપાત કરાવવાનો નહીં. કૉપર ટી વિશે ઘણી મહિલાઓમાં જે અતાર્કિક ડર હોય છે તેનું પ્રતિનિધિ ઉદાહરણ એ યુવતી છે એમ કહી શકાય.

કૉપર ટી મુખ્યત્વે પહેલા બાળકના જન્મ પછી સ્ત્રીના ગર્ભાશયમાં સામાન્ય રીતે માસિકના પાંચમા દિવસે મૂકવામાં આવે છે. ત્રણ, પાંચ અને 10 વર્ષની સમયમર્યાદા ધરાવતી કૉપર ટી ઉપલબ્ધ છે, પરંતુ સમયમર્યાદા પહેલાં કૉપર ટી કાઢી શકાય છે.

કૉપર ટી ગર્ભાશયમાં શુક્રાણુઓ માટે પ્રતિકૂળ વાતાવરણ બનાવે છે અને ગર્ભના પ્રત્યારોપણની પ્રક્રિયાને અટકાવે છે. તેથી સ્ત્રી ગર્ભવતી થતી નથી.

તેને કોઈ પણ હોર્મોન્સ સાથે કંઈ લેવાદેવા નથી. તેમજ કૉપર ટીથી વજન વધતું કે ઘટતું નથી. સ્ત્રીઓ એવું માનતી હોય છે કે કૉપર ટીને લીધે વજનમાં વધારો કે ઘટાડો થાય છે.

કૉપર ટીના કેટલાક ફાયદા અને ગેરફાયદાની વાત જાણી લઈએ.

તે એક સંતાન પછી કુટુંબ નિયોજનનો સલામત અને વિશ્વસનીય વિકલ્પ છે.

ફરી સંતાનપ્રાપ્તિની ઇચ્છા થાય ત્યારે કૉપર ટી તરત જ કાઢી શકાય છે. બીજા મહિનાથી ગર્ભધારણ થઈ શકે છે.

યુગલની સેક્સ લાઈફ સ્વસ્થ રહે છે, કારણ કે અનિચ્છનીય પ્રૅગનન્સીનો ડર રહેતો નથી.

કૉપર ટીની હોર્મોન્સ પર કોઈ અસર થતી નથી. તેથી 40 વર્ષ સુધી તે મુકાવી શકાય છે.

કૉપર ટી મુકાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

કૉપર ટી મુકાવ્યાના પ્રથમ બેથી ત્રણ મહિના સુધી ભારે રક્તસ્રાવ થઈ શકે છે, પરંતુ દવાઓ વડે તેને નિયંત્રિત કરી શકાય છે.

ડાયાબિટીસ, કેટલાક પ્રકારના હૃદયરોગ અને ચેપ લાગવાનું જોખમ વધારે હોય તેવી સ્ત્રીઓમાં કૉપર ટીનું પ્રત્યારોપણ કરી શકાતું નથી.

કૉપર ટીની દર છ મહિને નિયમિત તપાસ કરાવવી પડે છે.

યોનિમાર્ગ કે ગર્ભાશયના મુખ પર ઈન્ફેક્શન કે જખમ હોય તો તેને ધ્યાનમાં લઈને સમયસર યોગ્ય પગલાં લેવાં જરૂરી છે.

ગ્રે લાઇન

કુટુંબ નિયોજનનો બોજ મહિલાઓ પર જ શા માટે?

નિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

લેખની શરૂઆતમાં આપેલા ત્રીજા ઉદાહરણમાં પતિ કુટુંબ નિયોજનની સર્જરી કરાવવા રાજી ન હતો. ટાળમટોળ કરતો હતો.

કુટુંબ નિયોજન સંબંધી સર્જરી બાબતે પુરુષોમાં પણ ઘણી બધી ગેરસમજ પ્રવર્તે છે.

પુરુષોની નસબંધી માટે સરકાર દ્વારા ઘણીવાર મફત મેડિકલ કેમ્પ્સ યોજવામાં આવે છે. નસબંધી કરાવવા બદલ પૈસા આપવામાં આવતા હોવા છતાં પુરુષો ત્યાં ફરકતા સુદ્ધાં નથી.

વાસ્તવમાં આ સર્જરી બહુ સરળ છે. પુરુષોએ માત્ર અડધો દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે. તેમને વધુ આરામની જરૂર પડતી નથી.

સૌથી મહત્વની વાત એ છે કે નસબંધી કરાવવાથી પુરુષની જાતીય ક્ષમતા પર કોઈ અસર થતી નથી, પરંતુ આવી ગેરસમજને કારણે પુરુષો નસબંધી કરાવતા ડરે છે.

આ સર્જરીનું સંપૂર્ણ પરિણામ ત્રણ મહિના પછી મળતું શરૂ થાય છે. તેનો અર્થ એ થાય કે પહેલેથી સર્જાયેલાં શુક્રાણુઓને સંપૂર્ણપણે બહાર નીકળવામાં ત્રણ મહિના લાગે છે. એ પછી પુરુષની પત્ની ગર્ભવતી થતી નથી. આ માહિતી ન હોવાથી અનેક ગેરસમજ પ્રવર્તે છે અને નસબંધી સફળ થતી નથી, તેવી અફવા ફેલાવવામાં આવે છે.

સરકારના કુટુંબ નિયોજન કાર્યક્રમ હેઠળ ગોળીઓની સાથે કોન્ડોમ આપવામાં આવે છે, પરંતુ આંકડા જોતાં સમજાય છે કે તેનો ઉપયોગ ઓછા પ્રમાણમાં થાય છે.

કોન્ડોમના ઉપયોગથી જાતીય આનંદની અનુભૂતિ થતી નથી, એવી ગેરસમજ પણ પુરુષોમાં પ્રવર્તે છે.

સ્ત્રીએ માસિકની શરૂઆતથી પેટમાં પીડા અને રક્તસ્રાવનો સામનો કરવો પડે છે. એ પછી ગર્ભવતી થાય ત્યારે જાતજાતની પીડાનો સામનો કરવો પડે છે. પ્રસૂતિ તો સ્ત્રી માટે બીજા જન્મ જેવી હોય છે. પોતાની પત્નીએ આટઆટલી તકલીફ વેઠી હોય તેને કોઈ તકલીફ ન થવી જોઈએ, કુટુંબ નિયોજનની જવાબદારી મારી છે, એવું કેટલા પુરુષો વિચારે છે?

આવું વિચારતા પુરુષોમાં પણ આગળ જઈને નસબંધી કરાવનારા બહુ ઓછા હોય છે.

“તેને કશું નહીં, મારું વધુ એક ઑપરેશન કરો,” એવું કહેતી પત્નીઓની સંખ્યા ઓછી નથી.

તેનું કારણ મનમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી પિતૃસત્તાક વિચારધારા છે.

અગાઉ સ્ત્રીઓ ઘરમાં જ રહેતી હતી. તેથી પરિવારનું પાલનપોષણ માત્ર પુરુષ કરતો હતો. તેથી પુરુષને બદલે સ્ત્રીએ નસબંધી કરાવવી જોઈએ તેવી માનસિકતા હતી, પરંતુ હવે સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને નોકરી કરી રહી છે. તેમ છતાં કુટુંબ નિયોજનની જવાબદારી મારી જ છે, એવું મહિલાઓએ શા માટે માનવું જોઈએ?

રેડ લાઇન
રેડ લાઇન