You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રી અકાલ તખ્ત સાહિબે અકાલી દળના નેતા સુખબીર બાદલને સંભળાવી સજા, આરોપ શું હતો?
પંજાબના અમૃતસરમાં સ્થિત શીખ ધર્મના સૌથી મોટા ધાર્મિક સ્થળ શ્રી અકાલ તખ્ત સાહિબ (ગોલ્ડન ટેમ્પલ)એ આજે પંજાબના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલને સજા સંભળાવી છે.
બીબીસી પંજાબી અનુસાર, સુખબીરસિંહ બાદલ સિવાય અકાલી દળના અન્ય કેટલાક નેતાઓને પણ સજા સંભળાવવામાં આવી છે.
અકાલ તખ્ત સાહિબના જથ્થેદાર જ્ઞાની રઘબીરસિંહે સુખબીરસિંહ બાદલ સહિત અકાલી દળની કોર કમિટીના સભ્યો અને 2015માં કૅબિનેટના સભ્યો રહેલાં નેતાઓને સજા સંભળાવી હતી.
આ ઉપરાંત પંજાબના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત પ્રકાશસિંહ બાદલને આપવામાં આવેલ ફખર-એ-કૌમનું બિરુદ પરત લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
જ્ઞાની રઘબીર સિંહે કહ્યું કે, “3 ડિસેમ્બરના રોજ બપોરે આ તમામ લોકો 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી બાથરૂમ સાફ કરશે, ત્યારબાદ તેઓ સ્નાન કરશે અને લંગર પીરસશે, પછી નિતનેમ અને સુખમણી સાહેબનો પાઠ કરશે.”
આ સાથે જ જ્ઞાની રઘબીર સિંહે કહ્યું કે સુખબીરસિંહ બાદલને પગમાં ઈજા છે અને સુખદેવ સિંહ ઢિંડસા વૃદ્ધ છે, જેના કારણે તેઓ બંને આ સજા પાર પાડી શકવામાં અસમર્થ છે. આથી, તેઓ બંને ગુરૂના ઘરની બહાર સેવકો સાથે સેવા કરશે.
તેવી જ રીતે તેઓ તખ્ત કેસગઢ સાહિબ, દમદમા સાહિબ, ફતેહગઢ સાહિબ અને મુક્તસર સાહિબમાં પણ કામ કરશે.
આ ઉપરાંત પાંચેય લોકોએ તેમના નગર, શહેર અથવા નજીકના ગુરુદ્વારામાં દરરોજ એક કલાક માટે વાસણો, લંગર, સફાઈ અને રસોઈ પીરસવાની રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જથ્થેદારોએ કહ્યું છે કે સુખબીરસિંહ બાદલ, સુચા સિંહ લંગાહ, ગુલઝાર સિંહ, દલજીતસિંહ ચીમા, ભૂંદર અને ગબરી પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.
આરોપો શું હતા?
- 'અકાલી દળની સરકાર દરમિયાન સાંપ્રદાયિક મુદ્દાઓને કારણે ઘણા લોકોના મોત થયા હતા.'
- શીખ યુવાનોને મારનાર પોલીસ અધિકારીઓને પ્રમોશન અને તેમના પરિવારજનોને ટિકિટ આપવી.
- જથ્થેદારોને ઘરે બોલાવીને પૂછવું કે ડેરા સચ્ચા સૌદાને માફ કરવામાં આવે કે નહીં.
- સરકાર દરમિયાન ગુરુનું અપમાન થયું હતું. ગંદા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. તત્કાલીન અકાલી દળ સરકાર પણ આરોપીઓને શોધી શકી ન હતી. આ પછી ગુરુ ગ્રંથસાહિબના પુસ્તકો ફાડી નાખવામાં આવ્યા હતા અને બાદમાં પ્રદર્શનકર્તાઓ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી.
- ડેરા ચીફને આપવામાં આવેલી માફીને યોગ્ય ઠેરવવા માટે આપવમાં આવેલી જાહેરાતો માટે શિરોમણી કમિટીના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
સજા પર પ્રતિક્રિયા આપતાં અકાલી દળના વરિષ્ઠ નેતા દલજીતસિંહ ચીમાએ કહ્યું હતું કે, “અમે અમારી ભૂલોનો સ્વીકાર કરવા માગીએ છીએ અને માફી ઇચ્છીએ છીએ. અહીં કોઈ દલીલ ન હોય, ગુરુ બધું જાણે છે. અમે અકાલ તખ્તના નિર્ણયનું પાલન કરીશું.”
વિજય રૂપાણીની મહારાષ્ટ્રમાં પર્યવેક્ષક તરીકે નિમણૂક, મુખ્ય મંત્રીના નામ અંગે સસ્પેન્સ યથાવત્
મહારાષ્ટ્રમાં નવા મુખ્ય મંત્રીના નામની અટકળો વચ્ચે, રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપે વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે પક્ષના નિરીક્ષકોની નિમણૂક કરી છે.
ભાજપે દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્ર માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.
એક અખબારી યાદીમાં, પાર્ટીએ જણાવ્યું હતું કે, "ભાજપ સંસદીય બૉર્ડે મહારાષ્ટ્રમાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની નિમણૂક કરી છે."
જોકે, મહારાષ્ટ્રમાં ભાજપે હજુ સુધી પોતાના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી નથી.
જોકે, મહાયુતિના બાકીના બે પક્ષો, શિવસેના અને એનપીસી, તેમના ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરી ચૂક્યા છે.
શિવસેનાએ એકનાથ શિંદેની પસંદગી કરી છે, જ્યારે એનસીપીએ અજિત પવારને તેના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને મોટી જીત નોંધાવી ત્યારથી મુખ્ય મંત્રીના નામની અટકળો તેજ બની છે.
જોકે, એકનાથ શિંદે પહેલેથી જ કહી ચૂક્યા છે કે તેઓ નવી સરકારના નિર્ણય અને મુખ્ય મંત્રીપદ પર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતૃત્વના નિર્ણયને સ્વીકારશે.
આ પછી, મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બવાનકુલેએ તાજેતરમાં ઍક્સ પર એક પોસ્ટમાં મહાયુતિ સરકારના શપથગ્રહણની તારીખની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્ર ભાજપની ઍક્સ-પોસ્ટ અનુસાર, મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે.
જોકે, મહાયુતિ ગઠબંધન દ્વારા હજુ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી કે મુખ્યમંત્રી કોણ હશે.
યુપીએસસી કોચિંગ માટે જાણીતા અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા
જાણીતા શિક્ષક અવધ ઓઝા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હાજરીમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સત્તાવાર રીતે પાર્ટીનું સભ્યપદ લીધું હતું.
અવધ ઓઝાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ છે અને તેઓ ચર્ચિત ચહેરો છે. તેમની શૈલીને કારણે તેઓ ઘણા લોકપ્રિય થયા છે.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, "હું પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે મને રાજકારણમાં આવીને શિક્ષણ માટે કામ કરવાની તક આપી."
તેમણે કહ્યું કે, "શિક્ષણ એ એક એવું માધ્યમ છે જે પરિવાર, સમાજ અને રાષ્ટ્રનો આત્મા છે. વિશ્વમાં જે પણ દેશો મહાન બન્યા છે તેમની પૃષ્ઠભૂમિમાં કોઈને કોઈ રીતે શિક્ષણનું યોગદાન રહ્યું છે. રાજકારણમાં આવીને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવું એ જ મારો સર્વોત્તમ ઉદ્દેશ્ય છે."
અહીં ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એવા અહેવાલો પણ છે કે આ ચૂંટણીમાં અવધ ઓઝા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બની શકે છે.
જોકે, પાર્ટીએ હજુ સુધી તેમની ઉમેદવારી અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
બાઈડને ટૅક્સ ચોરી અને ગેરકાયદે બંદૂક રાખવાના કેસમાં પોતાના પુત્ર હંટરને માફ કર્યા તો ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના પુત્ર હંટર બાઈડનને સત્તાવાર રીતે માફી આપી દીધી છે.
તેમના પુત્ર હંટરને બે ગુનાના કેસમાં દોષિત જાહેર કરાયા હતા.
રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં જણાવ્યું કે તેમના પુત્રને "નિશાન બનાવવામાં આવ્યા છે."
તેમણે કહ્યું, જે દિવસે મેં કાર્યભાર સંભાળ્યો હતો, તે દિવસે મેં કહ્યું હતું કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરું. મેં મારું વચન પાળ્યું છે, ભલે મેં જોયું કે મારા પુત્રે ખોટી રીતે આરોપોનો સામનો કરવો પડ્યો."
હંટર બાઈડને સપ્ટેમ્બરમાં ટૅક્સ ચોરીના કેસમાં પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. જૂન મહિનામાં હંટરને ગેરકાયદે બંદૂક રાખવાના આરોપમાં દોષિત જાહેર કરાયા હતા.
જો બાઈડનનો આ નિર્ણય તેમના અગાઉના નિવેદન કરતાં અલગ છે.
સપ્ટેમ્બર 2024માં વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડન પોતાના પુત્રના ગુનાને માફ નહીં કરે.
બાઈડને પોતાના પુત્ર હંટર બાઈડનને માફી આપી તે વિશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે, "જો બાઈડન તરફથી હંટરને અપાયેલી માફીમાં 6 જાન્યુઆરીના બંધકોને પણ સામેલ કરાયા છે કે નહીં જેઓ વર્ષોથી જેલમાં બંધ છે? આ સ્પષ્ટ રીતે ન્યાયનો દુરુપયોગ છે."
ઉત્તર તમિલનાડુ તરફ આગળ વધતા ચક્રવાતી વાવાઝોડું ફેંગલ ધીમું પડ્યું
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) મુજબ ચક્રવાતી વાવાઝોડું ફેંગલ સાત કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં વળી ગયું છે.
ચક્રવાતી તોફાન ફેંગલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ઉત્તર આંતરિક તમિલનાડુમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં નબળું પડશે.
પહેલી ડિસેમ્બરે ચક્રવાતી વાવાઝોડું ફેંગલ તમિલનાડુ અને પુડુચેરીના કિનારે ટકરાયું હતું.
ફેંગલના કારણે તમિલનાડુ સરકારે શાળા-કોલેજોમાં રજાની જાહેરાત કરી હતી અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી હતી.
ગઈકાલથી તમિલનાડુ અને પુડુચેરી વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. શિક્ષણ સંસ્થાઓને જણાવાયું છે કે તેઓ કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ અથવા વિશેષ વર્ગનું આયોજન ન કરે.
સંયુક્ત રાષ્ટ્રે ગાઝા અને ઈઝરાયલ વચ્ચે મુખ્ય ક્રોસિંગથી જતી મદદ અટકાવી
યુએનએ ગાઝા અને ઈઝરાયલ વચ્ચે એક મુખ્ય ક્રોસિંગ મારફત સહાયતા સામગ્રી મોકલવાનું બંધ કરી દીધું છે.
યુએનઆરડબલ્યુએના પ્રેસિડન્ટ ફિલિપ લાઝારિનીએ જણાવ્યું કે હાલમાં જ કેરેમ શાલોમ ક્રોસિંગ નજીક ગાઝાને અપાતી રાહત સામગ્રીને હથિયારધારી જૂથોએ લૂંટી લીધી હતી.
તેમણે ઈઝરાયલને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી છે.
આ વિશે ઇઝરાયલે અગાઉ પણ કહ્યું હતું કે તે ગાઝાને મળતી સહાય પહોંચાડવામાં મદદ કરે છે અને ઈઝરાયલે સહાય સામગ્રીને લૂંટવાનો આરોપ હમાસ પર લગાવ્યો છે.
કેરેમ શાલોમ ક્રોસિંગ ગાઝાના વીસ લાખથી વધુ લોકો માટે રાહત સામગ્રી પહોંચાડવાનો માર્ગ છે.
સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે ગાઝા ભૂખમરાની અણી પર છે.
16 નવેમ્બરે ગાઝા માટે રાહત સામગ્રી લઈ જઈ રહેલા 109 ટ્રક પર બુકાનીધારી લોકોએ હુમલો કર્યો હતો. તેમણે ટ્રક ચાલકને બંધક બનાવીને 97 ટ્રકોને લૂંટી લીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન