You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિત્વાહ વાવાઝોડું : ચેન્નાઈના દરિયાકિનારે સ્થિર ડિપ ડિપ્રેશન કેટલું ચિંતાજનક?
શ્રીલંકામાં ભારે તબાહી મચાવનારું દિત્વાહ વાવાઝોડું નબળું પડી ગયું છે અને ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને છ કલાક સુધી ચેન્નાઈ પાસે દરિયામાં સ્થિર છે.
ચેન્નાઈસ્થિત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, બંગાળની ખાડીમાં ઉત્તર તામિલનાડુ તથા દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકિનારે સ્થિર થયું.
ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયેલું દિત્વાહ વાવાઝોડું સોમવારે સાંજથી મોડી રાત્રિ સુધી ચેન્નાઈના દરિયાકિનારે સ્થિર હતું અને કોઈ હલચલ નહોતી કરી. આગામી 12 કલાક દરમિયાન તેમાં ફેરફાર થવાની શક્યતા છે.
આ ડિપ ડિપ્રેશન ચેન્નાઈથી 50 કિલોમીટર પૂર્વ, પુડ્ડુચેરીથી 140 કિલોમીટર ઉત્તરપૂર્વ, કુડ્ડાલોરથી 160 કિલોમીટરથી ઉત્તર-ઉત્તરપૂર્વ અને નેલ્લોરથી 170 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિર છે.
એશિયાના દેશોમાં તાજેતરમાં ત્રાટકેલાં બે વાવાઝોડાંને કારણે 1,100 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.
આગામી 12 કલાક મહત્ત્વપૂર્ણ
આ ડિપ ડિપ્રેશનનું કેન્દ્રબિંદુ ઉત્તર તામિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકિનારાથી ઓછામાં ઓછું 35 કિલોમીટર દૂર હતું.
હવામાન વિભાગનું કહેવું છે કે તે ધીમે-ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તે આગામી 12 કલાક દરમિયાન ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
ચેન્નાઈ તથા શ્રીહરિકોટા સ્થિત ડૉપલર વેધર રડાર દ્વારા ડિપ ડિપ્રેશનની તાકત તથા દિશા તરફ નજર રાખવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે તે ડિપ્રેશનમાં ફેરાવશે અને ભાગે 45થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જે મહત્ત્મ 65 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચશે. મોડી સાંજે પવનની ઝડપ 40થી 50 કિલોમીટર રહેશે, જે મહત્તમ 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે.
ઉત્તર તામિલનાડુના દરિયાકિનારાના વિસ્તાર તથા પુડ્ડુચેરીના મોટાભાગે હળવોથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે.
દક્ષિણ આંધ્ર પ્રદેશના તટપ્રદેશ અને રાયલસીમા વિસ્તારમાં મોટાભાગનાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદની આગાહીને પગલે તામિલનાડુના ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગાલપટ્ટુ અને કાંચીપુરમ જિલ્લામાં શાળા-કૉલેજોમાં મંગળવારની રજા જાહેર કરવામાં આવી છે.
તામિલનાડુ, પુડ્ડુચેરી તથા આંધ્ર પ્રદેશમાં દરિયો ખૂબ તોફાનીથી તોફાની રહેશે અને દિવસ દરમિયાન શાંત પડશે. માછીમારોને દરિયો નહીં ખેડવા તાકિદ કરવામાં આવી છે, જ્યારે પછીના સમયમાં દરિયો ખેડવા ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
ચેન્નાઈ, ઇન્નોર, કટ્ટુપાલ્લી, પુડ્ડુચેરી, કુડ્ડાલોર, નાગાપટ્ટીનમ અને કરાઇકલના કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે, જ્યારે પંબન અને થુટ્ટુકોડી ખાતે એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
શ્રીલંકામાં દિત્વાહને કારણે તારાજી
શ્રીલંકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડા દિત્વાહને કારણે આવેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 390 લોકો મૃત્યુ પામ્યાં છે. જ્યારે 352 લોકો લાપતા છે.
વાવાઝોડાને કારણે લગભગ ત્રણ લાખ 82 હજાર 700 પરિવારોના લગભગ 13 લાખ 74 હજાર લોકોને અસર પહોંચી છે.
ભારતે શ્રીલંકાને સહાય પહોંચાડવા માટે 'ઑપરેશન સાગરબંધૂ' હાથ ધર્યું છે. ભારતનું ઍરક્રાફ્ટ કૅરિયર આઈએનએસ વિક્રાન્ત તથા આઈએનએસ ઉદયગિરિ રાહતસામગ્રી લઈને કોલંબો પહોંચ્યાં હતાં.
ભારતના વાયુદળે દુર્ગમસ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા માટે ઍર રૅસ્ક્યૂ મિશન હાથ ધર્યાં છે, જેમાં ઍરફોર્સના ગરુડ કમાન્ડોને પણ ઊતારવામાં આવ્યા છે.
આ સિવાય આપદા પ્રબંધનમાં નિષ્ણાત એનડીઆરએફની (નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) ટુકડીઓ તેના સાધનસરંજામ તથા સ્નિફર ડૉગ્સ સાથે પહોંચી છે, જે રાહત અને બચાવકાર્યમાં મદદ કરી રહી છે.
શ્રીલંકાના અનેક રસ્તા ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બ્લૉક થઈ ગયા છે. જેના કારણે કેટલાક વિસ્તારો, વિશેષ કરીને ગ્રામ્યક્ષેત્રમાં રાહતસામગ્રી મુશ્કેલી પડી રહી છે.
બીબીસીની ટીમ આવા જ એક ગામ ખાતે પહોંચી હતી, જ્યાં 200 પરિવારના 700 જેટલા લોકો રહે છે.
સ્થાનિકોનું કહેવું છે કે તેમણે જીવનમાં ક્યારેય કલ્પના નહોતી કરી કે તેમણે આવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કેટલાક લોકોને ભોજન તથા પીવાના પાણીની પણ સમસ્યા થઈ રહી છે.
ઇન્ડોનેશિયામાં સેન્યારને કારણે સંકટ
ગયા અઠવાડિયે ઇન્ડોનેશિયા ઉપર સેન્યાર નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને 500 જેટલા લોકો ગુમ છે.
બીબીસીની ઇન્ડોનેશિયા સેવાનાં રિપોર્ટર નિક્કી વિડાડિયો પશ્ચિમ સુમાત્રા પહોંચ્યાં છે. તેમનું કહેવું છે કે ત્રણ રાજ્યોમાં લગભગ 14 લાખ લોકોને વાવાઝોડા તથા એના કારણે આવેલા ભારે વરસાદને કારણે અસર પહોંચી છે.
નિક્કી વિડાડિયો જણાવે છેકે પશ્ચિમ સુમાત્રાની આગવી ઓળખ સમા 'ટ્વિન બ્રીજ' ઉપરથી પાણી પસાર થયું હતું અને ત્યાં પણ માટી અને કાટમાળ ભરાઈ ગયા છે.
આ વિસ્તારમાં અનેક સ્થળોએથી જે તસવીરો બહાર આવી રહી છે, તેમાં રસ્તા અને બ્રીજ તૂટી ગયા હોવાનું કે તેની ઉપર માટી કાટમાળ એકઠાં થઈ ગયાં હોવાનું જોવા મળે છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટાવાહનોથી પહોંચવાનું મુશ્કેલ હોવાથી રાહતકર્મીઓ મોટરસાઇકલનો ઉપયોગ કરી રહ્યા છે.
આમ છતાં કેટલાક લોકોનું કહેવું છે કે તંત્ર આ પ્રકારના પૂરને માટે સજ્જ ન હતું તથા બાબુશાહીને કારણે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે તેમને ખાવાપીવાના સાંસા પડી રહ્યાં છે.
સોમવારે રાષ્ટ્રપતિ પ્રોબોઓ સુબિયાંતોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત તથા બચાવકાર્યની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ એક પખવાડિયા દરમિયાન વાવાઝોડાને કારણે ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, શ્રીલંકા અને મલેશિયા સહિતના દેશોમાં લગભગ એક હજાર 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે સેંકડો લાપતા બન્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન