શફાલી વર્મા: ફાઇનલમાં જોરદાર બેટિંગ કરનારને ક્રિકેટ રમવા માટે 'છોકરો' કેમ બનવું પડ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
'હું સતત ઘરઆંગણે ક્રિકેટ રમી રહી હતી અને હું સારા ટચમાં છું....ભગવાને મને કંઈક ને કંઈક સારું કરવા માટે અહીં મોકલી છે.'
શેફાલી સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમમાં ન હતાં અને ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મૅચ પહેલાં તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે પત્રકારો સાથે વાત કરતી વેળાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં યુવા ખેલાડી શેફાલી વર્માએ આ વાત કરી હતી.
સેમિફાઇનલની મૅચમાં તેમનું પ્રદર્શન એટલું સારું નહોતું રહ્યું, પરંતુ રવિવારે તેમણે પસંદગીકારોનો વિશ્વાસ સાચો ઠેરવ્યો હતો અને 87 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમીને ક્રિકેટચાહકોની વાહવાહી મેળવી હતી. એ પછી તેમણે સુંદર બૉલિંગ કરીને બે ખેલાડીઓને આઉટ કર્યાં હતાં.
જોકે, તેમની રમતની શરૂઆત સહેલી રહી ન હતી અને તેમણે વાળ કપાવીને છોકરો બનીને રમવું પડ્યું હતું. આ સિવાય પણ અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો.
શેફાલી વર્ષ 2022માં તેઓ બીબીસીનાં 'ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ ઇયર' સન્માન કાર્યક્રમમાં 'ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ઇયર' બન્યાં હતાં.
વર્લ્ડકપમાં છેલ્લે-છેલ્લે પ્રવેશ

ઇમેજ સ્રોત, Getty Images
હજુ થોડાં દિવસ પહેલાં શેફાલી તેઓ સુરતમાં હતાં અને સિનિયર વુમન ટી20 ટ્રૉફીમાં હરિયાણાની ટીમનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. એવામાં તેમને વર્લ્ડ કપ રમવા માટે બોલાવવામાં આવ્યાં હતાં.
લીગ લેવલની બાંગ્લાદેશ સામેની મૅચમાં પ્રતીકા રાવલ ઈજાગ્રસ્ત થઈ ગયાં હતાં, જેના કારણે તેઓ ટુર્નામેન્ટની આગામી મૅચો રમી શકે એમ ન હતાં, ત્યારે શેફાલીને ઓપનર તરીકેની ખોટ પૂરવા માટે બોલાવવામાં આવ્યાં હતાં.
ટીમમાં શેફાલીનું સ્થાન પ્રતીકાએ જ લીધું હતું અને સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ધુંઆધાર પ્રદર્શન કર્યું હતું. પસંદગી સમિતિએ વૈકલ્પિક ઓપનર તરીકે પણ શેફાલીને રાખ્યાં ન હતાં અને તેમનાં સ્થાને યસ્તિકા ભાટિયાને રાખવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑક્ટોબર-2024 પછી શેફાલીએ કોઈ ઇન્ટરનૅશનલ મૅચ નહોતી રમી તથા એકદમ મહત્ત્વપૂર્ણ મૅચ પહેલાં તેઓ મેદાન ઉપર હતાં.
શેફાલીએ કહ્યું, 'પ્રતીકા (રાવલ) સાથે જે કંઈ થયું તે જોઈને માઠું લાગે છે. કોઈ ન ઇચ્છે કે કોઈ ખેલાડીને આ રીતે ઈજા પહોંચે. ભગવાને મને કંઈક ને કંઈક સારું કરવા માટે જ અહીં મોકલી છે.'
એ પછી ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં બે ચોગ્ગા સાથે પાંચ બૉલમાં 10 રન ફટકારીને આઉટ થઈ ગયાં. શેફાલીએ ગુરૂવારની કસર રવિવારે પૂરી કરી દીધી.
ભારતીય ટીમ ટૉસ હારી ગઈ એટલે શેફાલી અને સ્મૃતિ મંધાનાની જોડી મેદાન ઉપર ઉતરી. બંને ખેલાડીઓએ શરૂઆતમાં જોરદાર ગતિએ રન બનાવ્યાં. બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 104 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી, કારણ કે હજુ 19મી ઓવર જ ચાલી રહી હતી.
સ્મૃતિના આઉટ થયા બાદ પણ શેફાલીએ આક્રમક રીતે રન બનાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ સદી ફટકારવાથી ચૂકી ગયાં.
શેફાલીએ 78 બૉલમાં 87 રન બનાવ્યાં. શેફાલીએ પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
શેફાલીએ બેટમાં કમાલ દેખાડ્યાં બાદ બૉલિંગમાં પણ કમાલ દેખાડી હતી. તેમણે સાત ઓવરમાં 36 રન આપીને બે ખેલાડીઓને પેવોલિયન ભેગા કર્યાં હતાં. શેફાલીએ સુને લૂસ તથા મારીજાન કૅપની મહત્ત્વપૂર્ણ વિકેટો ખેરવી હતી.
વાળ કપાવીને 'છોકરો' બન્યાં

ઇમેજ સ્રોત, ICC/ICC via Getty Images
શેફાલી વર્મા ભારતીય મહિલા ક્રિકેટજગતમાં એક જાણીતાં ખેલાડી છે. તેમની ક્રિકેટમાં શરૂઆત અને સંઘર્ષની કહાણી પણ રસપ્રદ છે.
"છોકરી થઈને તું ક્રિકેટ શું રમવાની, જા બહાર જઈને તાળીઓ વગાડ. હું ક્રિકેટ રમવા જતી ત્યારે છોકરાઓ આવું કહેતા. એ વખતે મારા વાળ પણ લાંબા હતા. બહુ અજીબ લાગતું હતું."
"મેં પણ નક્કી કરી લીધું હતું કે વાળ કપાવી નાખીશ. હું વાળ કપાવીને ગઈ ત્યારે છોકરાઓને ખબર પડી નહીં. મારે છોકરીમાંથી છોકરો બનવું પડ્યું હતું."
આ વાત હજુ અમુક વર્ષો પહેલાંની જ છે. કોઈ શહેર કે નાના ગામમાં એક છોકરીએ મેદાનમાં રમવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે એ જણાવવા માટે શેફાલી વર્માની આ વાત પૂરતી છે.
અલબત્ત, આ ઘટના ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં આ યુવા ખેલાડી હિંમત અને મજબૂત મનોબળનું ઉત્તમ ઉદાહરણ છે.
હરિણાના રોહતક જિલ્લાના રહેવાસી શફાલીના પિતા ક્રિકેટના શોખીન છે. તેમને પરિવાર તરફથી ખાસ ટેકો મળ્યો ન હતો, પણ તેમણે તેમની દીકરીને એ ખોટ અનુભવવા દીધી ન હતી.
વર્લ્ડ ચૅમ્પિયન ટીમનાં કૅપ્ટન

ઇમેજ સ્રોત, AFP via Getty Images
સચીન તેંડુલકર 2013માં રણજી ટ્રૉફીની મૅચ માટે હરિયાણાના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને ત્યાં ક્રિકેટ રમતા હતા. શફાલી તેમને રમતા જોવા ત્યાં જતાં હતાં.
એ સમયે નાનકડાં શેફાલીએ નક્કી કરી લીધું હતું કે તેમણે ટેનિસ છોડીને ક્રિકેટ રમવું છે. એ જીદ શેફાલીને પહેલાં અંડર-19 ટી-20 વર્લ્ડકપ અને હવે વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુધી લાવી છે.
શેફાલીએ 2019માં 15 વર્ષની વયે ભારતની ટી-20 ક્રિકેટ ટીમમાં પદાર્પણ કર્યું હતું.
દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રૉમમાં રમાયેલી ફાઇનલ મૅચમાં ભારતીય અંડર-19 ટીમનો ઇંગ્લૅન્ડની મહિલા ટીમ સામે ભવ્ય વિજય થયો હતો.
પહેલી વખત યોજાયેલાં ટી-20 ફૉર્મેટનો વર્લ્ડકપ જીતીને ભારતે ઇતિહાસ રચી દીધો હતો. આ જીત સાથે ભારતીય U19 મહિલા ટીમે ઇતિહાસ રચી દીધો છે. એ ટીમનાં કૅપ્ટન શેફાલી વર્મા હતાં.
શેફાલી સચીન તેંડુલકરનાં ફેન છે. વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અર્ધી સદી ફટકારનારાં સૌથી નાનાં વયનાં ભારતીય ખેલાડી બનીને શફાલીએ તેમના હીરો સચિનનો 30 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો.
શેફાલીએ વર્ષ 2019માં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 મૅચમાં 49 બૉલમાં 73 રન ફટકાર્યા હતા અને કોઈપણ દેશ માટે અડધી સદી ફટકારનારાં સૌથી યુવા ખેલાડી બન્યાં હતાં.
બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ઇયર

ઇમેજ સ્રોત, Getty Images
શેફાલી વર્માએ વર્ષ 2022માં બીબીસીનાં 'ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર' પુરસ્કારમાં 'ઇમર્જિંગ ખેલાડી'નો પુરસ્કાર મેળવ્યો હતો.
વર્ષ 2022માં બીબીસી સાથેની વાતચીતમાં શફાલીએ કહ્યું હતું, "મેં ક્રિકેટ શા માટે પસંદ કર્યું એ મારી સખીઓ વારંવાર પૂછતી હતી."
"એ સમયે હું હરમનપ્રીત કૌર અને મિતાલી રાજના ફોટા તેમને દેખાડતી અને કહેતી કે આમણે ભારતીય ક્રિકેટ ટીમને ફાઇનલમાં પહોંચાડી છે. એ સાંભળીને બધાનું મોં બંધ થઈ જતું હતું."
વર્ષ 2021 બીબીસી સાથેની વાતચીતમાં શેફાલીએ કહ્યું હતું કે 'હું આગામી 20-25 વર્ષ સુધી ટીમ માટે રમવા માગું છું અને જેટલા બને એટલા વિજય ટીમને અપાવવા માગું છું.'
શેફાલીએ રવિવારે (તા. બીજી નવેમ્બર) આવી જ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












