લાખ રૂપિયા પગાર હોવા છતાં તમારું પાકિટ મહિનાના દસમા દિવસે ખાલી કેમ થઈ જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નાગેન્દ્ર સાઈ કુંડાવરમ
હૈદરાબાદમાં રહેતા સંજીવ એક અકાઉન્ટિંગ કંપનીમાં સિનિયર મૅનેજર છે. તેમનો માસિક પગાર એક લાખ રૂપિયા છે. એક દિવસ તેઓ તેમના પરિવાર સાથે સુપરમાર્કેટમાં ગયા હતા. બિલિંગ થઈ ગયું, પણ બિલ ચૂકવવા ખિસ્સામાં હાથ નાખ્યો તો તેમને ખબર પડી કે તેમનું પર્સ ગાયબ છે અને ક્રૅડિટ કાર્ડ પણ નથી.
બીજા ગ્રાહકો લાઈનમાં ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. સંજીવનું બિલ લગભગ રૂ. 12,000નું હતું. સ્ટોરના કર્મચારીએ તેમને ગૂગલ પે અથવા ફોન પે મારફત ચૂકવણી કરવા કહ્યું. તેમણે તેમના અકાઉન્ટમાં બાકી રહેલા પૈસામાંથી ચૂકવણી કરી અને ત્યાંથી બહાર નીકળ્યા. વાસ્તવમાં એ નાણાં ચાર દિવસ પછી જે હપ્તો (ઈએમઆઈ) ભરવાનો હતો તેના માટે બચાવેલા પૈસા હતા.
આ કહાણી માત્ર સંજીવની જ નથી. તેમને ભલે લાખ રૂપિયા પગાર મળતો હોય, પરંતુ 15 તારીખ સુધીમાં તેમનું પાકિટ લગભગ ખાલી થઈ જાય છે. તેઓ તેમના ક્રૅડિટ કાર્ડનો ઉપયોગ કરે છે અને આગામી મહિનાનો પગાર પણ ખર્ચી નાખે છે.
બધાને સારી કમાણી કરવી છે, સારી રીતે ખર્ચ કરવો છે, શ્રીમંત દેખાવું છે અને શાનદાર જીવન જીવવું છે, પરંતુ આવા બધા લોકો દેવા, ઈએમઆઈના તણાવ અને ઝીરો સેવિંગ્સના વમળમાં ડૂબેલા છે.
શહેરી મધ્યમ વર્ગમાંના ઘણા લોકોએ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એવા લોકોમાં તમે પણ સામેલ છો?
જો તમે ઉધાર લેશો તો પણ તમને ગર્વ થશે

ઇમેજ સ્રોત, Getty Images
શહેરી મધ્યમ વર્ગ કરજની જાળમાં ફસાયો છે તેનું મુખ્ય કારણ એ છે કે આપણે કેટલું કમાઈએ છીએ તેનું નહીં, પરંતુ લોકોને આપણું જીવન કેટલું સારું લાગે છે એ મહત્ત્વનું બની ગયું છે.
એક રીતે આ અભિગમ એક જાળ જેવો છે. બ્રાન્ડેડ વસ્તુઓ, હવાઈ યાત્રા, વિદેશ પ્રવાસ..આ બધી ચીજોથી વધારે ખર્ચ આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે વૉટ્સઍપ સ્ટેટસ પર કરીએ છીએ.
ઍન્ડ્રોઇડમાંથી આઈફોન આવી ગયો છે. આઈફોન આઈફોન મૅક્સ બની ગયો છે, પરંતુ તમને મામૂલી બીમારી થાય, હૉસ્પિટલમાં દાખલ થવું પડે અથવા તમારે એક સપ્તાહની રજા લેવી પડે, તો તમારું આગલા મહિનાનું બજેટ સંપૂર્ણપણે બગડી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપણા પૈકીના ઘણા લોકો 'ઇમર્જન્સી ફંડ'ની કલ્પનાથી બહુ દૂર છે. વાસ્તવમાં નાણાકીય શિસ્તમાં તે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે.
રિઝર્વ બૅન્કના 2024-25ના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આપણી પાસે જીડીપીની સરખામણીએ માત્ર 5.3 ટકા શુદ્ધ ઘરેલુ નાણાકીય બચત છે. કોરોનાકાળ દરમિયાન આ આંકડો 11.6 ટકાનો હતો.
બચત છે આપણી વચ્ચેનું અંતર

ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્ક દ્વારા જાન્યુઆરી 2025માં બહાર પાડવામાં આવેલા ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ભારતમાં મધ્યમ વર્ગનો પાંચથી દસ ટકા હિસ્સો કરજમાં ડૂબેલો છે. 67 ટકા લોકોએ પર્સનલ લોન લીધેલી છે.
એ પૈકીના કેટલાક પાસે ક્રૅડિટ કાર્ડ પણ છે. એ સિવાય એવા લોકો પણ છે, જેમના પર મોટું કરજ છે.
રોકાણ સલાહકાર સૌરભ મુખર્જી 'કૉફી કેન ઇન્વેસ્ટિંગ' પુસ્તકના સહ-લેખક પણ છે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે લોન લેનારા 45 ટકા લોકોની ક્રૅડિટ પાત્રતામાં ઘટાડો થઈ રહ્યો છે.
સૌરભ માને છે કે કોવિડ પછી લોન લેનારા 48 ટકા લોકો તે લોનનો ઉપયોગ સંપત્તિ નિર્માણને બદલે દૈનિક જરૂરિયાતો અને ચીજવસ્તુઓ ખરીદવા માટે કરી રહ્યા છે.
જવાબદાર કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જીવનશૈલી સંબંધી ફુગાવો આપણા પૈકીના ઘણા લોકો માટે સૌથી મોટો દુશ્મન છે.
આપણે આપણી આસપાસના લોકો કરતાં વધુ સારું જીવન જીવવું જોઈએ, આપણે એ દેખાડવું જોઈએ કે તેમના કરતાં આપણી જીવનશૈલી વધારે સારી છે.
આપણે વર્ષમાં ઓછામાં ઓછા એક કે બે વાર પ્રવાસ પર જવું જોઈએ. મોટું ઘર, મોટી કાર...આ બધું સૌથી મોટું દબાણ છે, જે સમાજ આપણા પર કરે છે.
તેમણે ખરીદ્યું, આપણે ખરીદ્યું, બીજા કોઈએ ખરીદ્યું...આ રીતે સમાજ ધીમે-ધીમે દરેકને જાળમાં ફસાવી રહ્યો છે. આપણે તેમાં સરળતાથી ફસાઈ જઈએ છીએ અને નાણાકીય મુશ્કેલીમાં સપડાઈએ છીએ.
ટુ બીએચકેથી ત્રણ બીએચકે, સામાન્ય ફોનથી આઈફોન, ટ્રેનને બદલે પ્લેનમાં મુસાફરીથી, ઘરે ભોજન બનાવવાને બદલે ઝોમેટો કે સ્વિગી મારફત મંગાવીને અને ઓલા-ઉબરના ઉપયોગને બદલે પોતાનો ડ્રાઇવર રાખીને આપણે આ જાળમાં સપડાઈએ છીએ.
આપણે જીવનશૈલીમાં સતત સુધારો કરી રહ્યા છીએ, એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આપણી આવક તેની સાથે મેળ ખાય છે? આપણી આસપાસના લોકો કરી રહ્યા છે તેથી આપણે એવું કરી રહ્યા છીએ? આ મુદ્દે વિચારવાની જરૂર છે.
આપણે આપણી આસપાસના લોકોથી પ્રભાવિત છીએ અને તેમાં સોશિયલ મીડિયા, ઇન્ફ્લુઅર્સર્સ સહકર્મીઓ વગેરેનો સમાવેશ થાય છે.
લોકો બહારથી ભલે ધનવાન દેખાતા હોય, પરંતુ અંદરથી તેમની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે કથળેલી છે. ઈએમઆઈનો ઢગલો, રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે પૈસાનો અભાવ, ઇમર્જન્સી માટે નાણાકીય વ્યવસ્થાનો અભાવ અને ખાલી બૅન્ક ઍકાઉન્ટ, આ પરિસ્થિતિ છે.
કંપનીઓ દ્વારા આપણા CIBIL સ્કોરના આધારે આપવામાં આવતી પાંચ-છ લાખ રૂપિયાની પ્રિ-અપ્રૂવ્ડ લોન તમારા માટે વધારે મૂલ્યવાન છે કે પછી તમારા સેવિંગ્ઝ અકાઉન્ટમાં રાખેલા બે લાખ રૂપિયા વધારે મહત્ત્વપૂર્ણ છે? આ બાબતે શાંતિથી વિચારો.
લોન લેવામાં કંઈ ખોટું નથી?
હજુ 15 વર્ષ પહેલાં સુધી આપણે લોનને જોખમ ગણતા હતા.
પહેલાં આપણી લોન હોમ કે કાર સુધી મર્યાદિત હતી, પરંતુ હવે મોબાઈલ ફોન ખરીદવો હોય, કપડાં ખરીદવા હોય કે વેકેશન પર જવું હોય તો પણ આપણે લોન લઈએ છીએ.
હવે આપણે 20-30 રૂપિયાની ચૂકવણી પણ ક્રૅડિટ કાર્ડથી કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણે નાની-નાની જરૂરિયાતો માટે પણ ઉધાર લેતા ખચકાતા નથી.
તેને ભલે સુવિધાનું નામ આપવામાં આવ્યું હોય, પરંતુ વાસ્તવમાં તે એક જાળ છે.
ચાલો, પાછા ફરીએ.
- જીવનધોરણ અને જીવનની ગુણવત્તા વચ્ચેનું અંતર જાણીએ.
- વધુ કમાણી કે વધુ ખર્ચ કરવાથી ખુશી મળતી નથી એ સમજી લઈએ.
- દેવાથી શક્ય તેટલા દૂર રહીએ.
- આપણા પગારમાંથી ઓછામાં ઓછા 20-30 ટકા નાણાં પીએફ, પીપીએફ, મ્યુચ્યુઅલ ફંડ અને એનપીએસમાં રોકીએ.
- ક્યાં ખર્ચ વધી રહ્યો છે તે જાણીએ. કોઈ સબસ્ક્રિપ્શન હોય તો તેને ઘટાડીએ. ખર્ચ કરવાની રીત કેવી રીતે બદલાઈ રહી છે તે જાણવા માટે ઍક્સેલ શિટનો ઉપયોગ કરીએ.
- કોઈ વસ્તુ માટે ઈએમઆઈ ઓફર કરવામાં આવતો હોય તો સમજીએ કે એ વસ્તુ આપણા માટે ઉપલબ્ધ નથી એટલા માટે તે ઓફર કરવામાં આવી રહી છે.
- આપણી પાસે પૈસા હોય તેમાંથી ખરીદી જરૂર કરીએ, પરંતુ કરજથી મળતી ખુશી વાસ્તવિક છે કે નહીં તે સમજીએ.
- મ્યુચ્યુઅલ ફંડ્સ, મકાન, પેન્શન ફંડ અને સોના જેવા લાંબા ગાળાના રોકાણ વિશે વિચારીએ.
- કાર, બાઇક અને મોંઘાદાટ સ્માર્ટફોન ક્યારેય સંપત્તિ હોતા નથી અને ક્યારેય હશે પણ નહીં.
( આ લેખમાંની વિગત માહિતીના હેતુ માટે જ આપવામાં આવી છે. નાણા સંબંધી કોઈ પણ નિર્ણય માટે તમે નિષ્ણાતોનો સંપર્ક સાધી શકો છો )
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












