અમેરિકાની એક કંપનીએ 'ખેલ' પાડીને ભારતીય શૅરબજારમાંથી હજારો કરોડની કમાણી કેવી રીતે કરી?

સેબી, શેરબજાર, બીબીસી, ગુજરાતી, માર્કેટ, પૈસા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

ટ્રેડિંગ સ્ટ્રેટેજી અને વૈશ્વિક બજારોમાં માટે જાણીતી અમેરિકન કંપની જેન સ્ટ્રીટ ભારતમાં વિવાદોમાં ઘેરાઈ છે.

ભારતની બજાર નિયમનકાર સેબીએ આ પેઢી પર ભ્રામક વેપાર પ્રવૃત્તિઓમાં સામેલ હોવા બદલ પ્રતિબંધ મૂક્યો છે. એવો આરોપ છે કે જેન સ્ટ્રીટે ભારતીય શૅરબજારમાં ગેરકાયદેસર રીતે હજારો કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

આ વિવાદ પાછળનું મુખ્ય કારણ ડેરિવેટિવ્ઝ (ફ્યુચર્સ) સેગમેન્ટમાં જેન સ્ટ્રીટની આક્રમક ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે, જ્યાં પેઢીએ માત્ર નફો કમાવવાના જ નહીં, પરંતુ બજારને પ્રભાવિત કરવાના ઉદ્દેશ્યથી ઘણા સોદા કર્યા હતા.

સેબી કહે છે કે આ સ્ટ્રેટેજી વાજબી ન હતી, તે કિંમતોને પ્રભાવિત કરવા અને ભારે નફો કમાવવા માટે જાણી જોઈને રચાયેલી ચાલ હતી.

સેબીએ તાજેતરમાં જ ભારતીય શૅરબજારમાંથી જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ મૂક્યો છે.

જોકે, જેન સ્ટ્રીટે આ પ્રતિબંધને ખોટો ગણાવ્યો છે અને સેબીના આ પગલાને પડકારવાનો નિર્ણય લીધો છે.

જેન સ્ટ્રીટ શું છે?

સેબી, શેરબજાર, બીબીસી, ગુજરાતી, માર્કેટ, પૈસા

ઇમેજ સ્રોત, Getty Images

જેન સ્ટ્રીટ એક પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ કંપની છે, જેનો મતલબ એ છે કે આ કંપની કલાઇન્ટના પૈસાને બદલે પોતાની મૂડીમાંથી જ ટ્રેડ કરે છે.

એમ કહેવાઈ રહ્યું છે કે આ આઝાદીનો છૂટથી ઉપયોગ કરીને આ વિદેશી કંપનીએ કથિત રીતે હજારો કરોડનો નફો કર્યો હતો અને આ પૈસા વિદેશમાં મોકલ્યા હતા.

જોકે જેન સ્ટ્રીટે પોતાના પર લાગેલા આરોપને ફગાવી દીધા છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે જેન સ્ટ્રીટે પોતાના કર્મચારીઓને મોકલેલા ઇમેઇલમાં જાણકારી આપતા લખ્યું કે, આ આરોપથી કંપની દુખી છે અને ખોટી રીતે આ મુદ્દાને રજૂ કરવામાં આવ્યો છે. તેઓ જલદી આનો જવાબ તૈયાર કરી રહી છે.

સેબીએ આરોપ લગાવ્યો કે અમેરિકી કંપનીએ ઇન્ડેક્સ ઑપ્શન્સમાં હેરફેર કરીને હજારો કરોડોનો નફો કર્યો છે.

ઇન્ડેક્સ ઑપ્શન્સ એટલે શું?

સેબી, શેરબજાર, બીબીસી, ગુજરાતી, માર્કેટ, પૈસા
ઇમેજ કૅપ્શન, શૅરબજાર નિયામક સેબીનું કહેવું છે કે જેન સ્ટ્રીટ મામલે વિસ્તારથી તપાસ થશે

આ આખા મુદ્દાને સારી રીતે સમજવા માટે પહેલા એ જાણી લઈએ કે ઇન્ડેક્સ ઑપ્શન્સ શું છે?

ઇન્ડેક્સ ઑપ્શન્સને સરળ રીતે સમજીએ તો ઇન્ડેક્સ ઑપ્શન્સ શૅરબજાર સાથે જોડાયેલા સમાચારોની સાથે તમારા કિસ્મત સાથે પણ જોડાયેલી છે. ધારો કે તમે કોઈ ખાસ કારોબારી દિવસે બૅન્ક નિફ્ટીના 50000નો આંકડો પાર કરી લેવા બદલ 2 રૂપિયાનો દાવ લગાવો છો. (શરત એટલી કે આ સોદાની અવધિ એ દિવસે બજાર બંધ થવા સુધી, એટલે કે 3.30 વાગ્યા સુધી હશે)

જો બૅન્ક નિફ્ટી 50,001 પર બંધ થાય તો સમજી લો કે તમને જેકપૉટ લાગી ગયો છે. જો 'ચમત્કાર' થયો તો બે રૂપિયાનો દાવ તમને 30-40 રૂપિયા આપી શકે છે અને ક્યારેક તો આનાથી પણ વધારે. જેન સ્ટ્રીટ કંઈક આ પ્રકારે જ હજારો દાવ લગાવી રહી હતી.

પણ હવે ધારો કે જો બૅન્ક નિફ્ટી 49,999 પર બંધ થયો તો તમારા બે રૂપિયા ગયા. તમે જુઓ કે એક આંકડો તમારી કિસ્મત પલટાવી શકે છે.

સેબી, શેરબજાર, બીબીસી, ગુજરાતી, માર્કેટ, પૈસા

ઇમેજ સ્રોત, Getty Images

બજારની ભાષામાં 50,000ના આ આંકડાને સ્ટ્રાઇક પ્રાઇઝ કહેવાય છે. જો તમારો દાવ (ઉદાહરણ તરીકે, બૅન્ક નિફ્ટી 50,000થી વધુ) સફળ રહ્યો તો આને 'ઇન ધ મની' કહેવામાં આવે છે અને નફો પણ ખૂબ થઈ શકે છે.

જો ઇન્ડેક્સ તમારા ટાર્ગેટથી નીચે બંધ થાય છે તો તમારો દાવ 'આઉટ ઑફ ધ મની' કહેવાશે. તમને ભારે નુકસાન થશે અથવા તો જે રકમ તમે દાવ પર લગાવી હતી એ રકમ ગુમાવવાનો વારો આવશે.

'આઉટ ઑફ ધ મની' ઑપ્શન્સ ઘણા સસ્તા હોય છે. એટલા સસ્તા કે 2-3 રૂપિયામાં મળી જાય છે અને ક્યારેક તો આનાથી પણ સસ્તા. કારણ કે જે આના પર દાવ લગાવે છે એ નસીબના જ ભરોસે હોય છે અને આખરી ક્ષણે કોઈ 'ચમત્કાર'ની અપેક્ષા રાખે છે.

જેન સ્ટ્રીટે શું 'ખેલ' પાડ્યો?

સેબી, શેરબજાર, બીબીસી, ગુજરાતી, માર્કેટ, પૈસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેબીના એક રિપોર્ટ પ્રમાણે ફ્યૂચર્સ એન્ડ ઑપશન્સ ટ્રે઼ડ કરવાવાળા 90 ટકા રોકાણકારોને નુકસાન થયું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માર્કેટ વિશ્લેષક આસિફ ઇકબાલ કહે છે કે, આ આખો ખેલ (ઇન્ડેક્સ ઑપ્શન્સ)ના 'ચાન્સ'નો છે. મતલબ એમ કે જીતવા માટે તમારું નસીબ પણ જોર કરતું હોવું જોઈએ.

જો તમે આ 'ગેમ'માં સ્ટડી પૅટર્ન સાથે ઊતરી રહ્યા છો અથવા નિષ્ણાત હોવાનો દાવો કરતા લોકોની સલાહ પર આમ કરી રહ્યા છો, તો પણ તમે આ 'ગેમ' સતત જીતી શકતા નથી.

પરંતુ જેન સ્ટ્રીટના કિસ્સામાં વાત અલગ છે. સેબીના મતે, જેન સ્ટ્રીટે કોઈ 'ચમત્કાર'ની રાહ જોઈ ન હતી, પરંતુ એવું કંઈક કર્યું જેનાથી તે 'ચમત્કાર' જેવું લાગતું હતું.

આસિફ સમજાવે છે, "ઑપ્શન્સ ઍક્સપાયરીના દિવસે જેન સ્ટ્રીટ સાથે સંકળાયેલા લોકો બજાર ખૂલતાંની સાથે જ બૅન્ક નિફ્ટીમાં સમાવિષ્ટ શૅર મોટી માત્રામાં ખરીદતા હતા. આનું પરિણામ બૅન્ક નિફ્ટીમાં ઉછાળો હતો."

બીજી બાજુ, જેન સ્ટ્રીટ બીજી સ્ટ્રેટેજી પર કામ કરી રહી હતી. આસિફ સમજાવે છે, "તે એ જ દિવસે કૉલ ઑપ્શન્સ વેચશે અને બજારને જણાવશે કે તેઓ બૅન્ક નિફ્ટીમાં ઘટાડાની સંભાવના જોઈ રહી છે. એ જ સમયે, તેઓ પુટ ઑપ્શન્સ ખરીદશે, જેનો અર્થ એ છે કે તે માને છે કે બૅન્ક નિફ્ટીમાં ઘટાડો થશે."

ટ્રેડિંગ સત્રની છેલ્લી મિનિટોમાં જેન સ્ટ્રીટ બૅન્ક નિફ્ટીમાં શ્રેણીબદ્ધ વેચાણ ઑર્ડર આપશે. તેનો ઉદ્દેશ્ય બૅન્ક નિફ્ટીને નીચે લાવવાનો હોય છે. પરિણામ એ આવશે કે જેન સ્ટ્રીટના પુટ ઑપ્શન્સ તેમને 'જેકપૉટ' આપશે.

હવે પ્રશ્ન એ થાય છે કે જેન સ્ટ્રીટે ટ્રેડિંગ સત્રના છેલ્લા અડધા કલાકમાં જ આવું કેમ કર્યું?

આસિફ સમજાવે છે, "ભારતમાં ઇન્ડેક્સની સમાપ્તિ કિંમત છેલ્લી ટ્રેડેડ કિંમત નથી, પરંતુ છેલ્લા અડધા કલાકમાં ઇન્ડેક્સમાં થયેલા ટ્રેડિંગનું સરેરાશ મૂલ્ય છે. આ રીતે તે વારંવાર તેના બે રૂપિયાના મૂલ્ય પર ઑપ્શન્સમાંથી 40 રૂપિયા કે તેથી વધુનો નફો કમાઈ રહી હતી."

આમાં ખોટું કે ગેરકાયદેસર શું છે?

નેશનલ સ્ટોક એક્સચેન્જ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સેબીના માનવા પ્રમાણે જેન સ્ટ્રીટ જે પણ કરી રહી હતી એ સ્માર્ટ ટ્રેડિંગથી વધારે હતું અને જાણીજોઈને શૅરની કિંમતને વધારે અથવા ઘટાડવામાં આવી રહી હતી અને ઇન્ડેક્સને પ્રભાવિત કરવામાં આવી રહ્યો હતો.

સેબીની દલીલ એવી છે કે જેન સ્ટ્રીટના ટ્રેડ કોઈ કંપની કે સેક્ટરના સમાચાર સાથે જોડાયેલા ન હતા, ફન્ડામેન્ટલ્સ કે રોકાણ સાથે પણ જોડાયેલા ન હતા. સંપૂર્ણપણે ઇન્ડેક્સને કૃત્રિમ રીતે પ્રભાવિત કરીને નફો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, સેબીએ એ પણ શોધી કાઢ્યું કે જેન સ્ટ્રીટ એક વિદેશી સંસ્થાકીય રોકાણકાર (એફપીઆઈ) હોવાથી તેણે એફપીઆઈ સંબંધિત એક ખાસ નિયમનું પણ ઉલ્લંઘન કર્યું છે.

ભારતીય કાયદા અનુસાર, એફપીઆઈને રોકડ બજારમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવાની મંજૂરી નથી. એટલે કે, એક જ કાર્યકારી દિવસે શૅર ખરીદી અને વેચી શકાતો નથી. પણ જેન સ્ટ્રીટે કથિત રીતે આ નિયમનું ઉલ્લંઘન કર્યું છે.

સેબીના જણાવ્યા અનુસાર, જેન સ્ટ્રીટે આ નિયમને અવગણવા માટે ભારતસ્થિત જેએસઆઈ ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા ટ્રેડિંગ કર્યુ હતું.

સેબીનો અંદાજ છે કે જેન સ્ટ્રીટે આ છેતરપિંડી દ્વારા ટ્રેડિંગમાંથી કુલ રૂપિયા 36, 500 કરોડની કમાણી કરી હતી, પરંતુ સેબીએ ઑપ્શન્સમાંથી થતી કમાણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સેબીએ હાલમાં રૂપિયા 4843 કરોડના નફાની રકમ ફ્રીઝ કરી છે અને જેન સ્ટ્રીટ પર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

ફ્યુચર ઍન્ડ ઑપ્શન્સમાં નુકસાન

ભારતમાં મે 2025 સુધી 19.7 કરોડ સ્ટૉક ટ્રેડિંગ એકાઉન્ટ હતાં, જે 2020ની શરૂઆતમાં પાંચ ગણા વધારે હતાં. જેમાંથી ઘણા રોકાણકારો પ્રમાણમાં જોખમી ફ્યુચર્સ અને ઑપ્શન્સ તરફ આગળ વધી રહ્યા છે.

સેબીના તાજેતરના ડેટા અનુસાર, ઇક્વિટી ફ્યુચર્સ અને ઑપ્શન્સમાં સક્રિય રીતે ટ્રેડિંગ કરતા 90 ટકા રિટેલ એકાઉન્ટ ધારકોએ તેમના ડેરિવેટિવ ટ્રેડ્સમાં નુકસાન સહન કર્યું છે, જ્યારે આવા 40 ટકાથી વધુ વેપારીઓ 30 વર્ષથી ઓછી ઉંમરના હતા અને લગભગ ત્રણ-ચતુર્થાંશ લોકોની વાર્ષિક આવક રૂપિયા 5 લાખથી ઓછી હતી.

તાજેતરમાં જાહેર કરાયેલા ડેટા અનુસાર, માર્ચ 2025 સુધીના 12 મહિનામાં છૂટક રોકાણકારોએ 1.05 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે, જે પાછલા વર્ષ કરતાં 41 ટકા વધુ છે. માર્ચ 2024 સુધીના વર્ષના ડેટા દર્શાવે છે કે પ્રોપાઇટરી ટ્રેડર્સ અને વિદેશી રોકાણકારોએ અબજો રૂપિયાનો નફો કર્યો હતો.

રાજકારણ ગરમાયું

સુપ્રિયા શ્રીનેત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે આ મામલે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે

આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કૉંગ્રેસે આ મુદ્દે નાણા મંત્રાલય, સ્ટૉક ઍક્સચેન્જ અને સેબીને સવાલો કર્યા છે.

કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પૂછ્યું છે કે જેન સ્ટ્રીટને પૈસા લાવવાની પરવાનગી કોણે આપી?

તેમણે ઘણા પ્રશ્નો પૂછ્યા, જો જેન સ્ટ્રીટ ગેરકાયદેસર નફો કમાતી હતી, તો તેને નફો પાછો અમેરિકા લઈ જવાની મંજૂરી કોણે આપી? જેન સ્ટ્રીટ કોની દેખરેખ હેઠળ કામ કરી રહી હતી? જેન સ્ટ્રીટે દેશની બહાર મોકલેલા ગેરકાયદેસર નફાનું શું થશે?

આ ઉપરાંત, સુપ્રિયાએ ઘણા બધા પ્રશ્નો કર્યા છે. તેમણે પૂછ્યું કે, સેબી છેક ચાર વર્ષ કેમ જાગી? આ કંપની પર પ્રતિબંધ મૂકવામાં 5 મહિના કેમ લાગ્યા - તેમણે કાર્યવાહી કેમ ન કરી? ઈડી, સીબીઆઈ, આઈટી જેવી એજન્સીઓને પણ આ મુદ્દે કોઈ અણસાર ન આવ્યો? શું દેશને શૅરબજારની ટિપ્સ આપનારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાસે આ વિશે કોઈ માહિતી હતી? જ્યારે જેન સ્ટ્રીટ ગેરકાયદેસર નફો દેશની બહાર મોકલી રહી હતી, ત્યારે તેની સામે કોઈ કાર્યવાહી કેમ ન કરાઈ?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન