દિત્વાહ વાવાઝોડું : બંગાળની ખાડીમાં એક જ સમયે બે વાવાઝોડાંનું નિર્માણ શું સૂચવે છે, શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
પાછલાં અમુક વર્ષોમાં દિત્વાહ વાવાઝોડું એ શ્રીલંકા પર ત્રાટકેલું સૌથી વિકટ હવામાન સંબંધી કુદરતી આપત્તિઓ પૈકી એક હતું. આ વાવાઝોડાને કારણે આવેલાં પૂર અને ભૂસ્ખલનમાં 100 કરતાં વધુ લોકોએ શ્રીલંકામાં જીવ ગુમાવ્યા છે.
હવે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે તામિલનાડુમાં પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બરાબર આ જ સમયે, બંગાળની ખાડીમાંથી જ ઉદ્વભવેલું સેન્યાર વાવાઝોડું ઇન્ડોનેશિયા પર આફત બનીને તૂટી પડ્યું હતું.
નિષ્ણાતો પ્રમાણે બંગાળની ખાડીમાં વાવાઝોડાં અને તેની તીવ્રતા વધી રહી છે.
તેઓ કહે છે કે, ગ્લોબલ વૉર્મિંગને કારણે દરિયાની સપાટીના તાપમાનમાં વધારો અને વાતાવરણમાં ભેજના પ્રમાણમાં થયેલા વધારો એ બંગાળની ખાડીમાં વાવાઝોડાંમાં વધારાનાં કારણો પૈકી એક છે.
દરિયાની સપાટીના તાપમાનમાં વધારો અને દિત્વાહ વાવાઝોડાએ કરેલી તબાહીનું ખરેખર શું કનેક્શન છે? બંગાળની ખાડીમાં એક જ સમયે ઉપરાઉપરી બબ્બે વાવાઝોડાં બનવાની વાત શું સૂચવે છે?
'એક જ સમયે બે વાવાઝોડાં બન્યાં'
બંગાળની ખાડીમાં આ અઠવાડિયે બે વાવાઝોડાં બન્યાં, મલક્કાની સામુદ્રધુની પાસે સેન્યાર અને શ્રીલંકાના દક્ષિણે દિત્વાહ. આ બંને વાવાઝોડાં લગભગ એક જ સમયે બન્યાં.
ચેન્નાઈસ્થિત સ્વતંત્ર હવામાનશાસ્ત્રી શ્રીકાંથે કહ્યું, "બંગાળની ખાડીના ક્ષેત્રમાં આવું થવું એ ખૂબ દુર્લભ છે."
શ્રીકાંથે કહ્યું, "બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બન્યું હોય તો બીજું વાવાઝોડું અરબી સમુદ્રમાં સર્જાતું, પરંતુ બંગાળની ખાડીમાં જ બે વાવાઝોડાં બનવાં અને તેની તીવ્રતા વધવી એ ખૂબ દુર્લભ બાબત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2019 અરબી સમુદ્રમાં બનેલાં બે વાવાઝોડાં ક્યાર અને મહાની વાત યાદ કરતાં તેઓ કહે છે કે, "બંગાળની ખાડીમાં આવું થાય એ દુર્લભ વાત છે."

આ વાવાઝોડાંનાં ઉદ્ભવસ્થાનોને કારણે હવામાનશાસ્ત્રીઓ તેના પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
વાવાઝોડાને ઘૂમવા માટે જોઈતી ઊર્જાને કોરિયોલિસ ઇફેક્ટ કહે છે. કારણ કે વિષુવવૃત્ત નજીક આ ઊર્જા નબળી હોય છે. વિષુવવૃત્તની 5 ડિગ્રી સુધીના અંતરે વાવાઝોડું સર્જાય એ ખૂબ દુર્લભ મનાય છે. પરંતુ સેન્યાર વાવાઝોડું વિષુવવૃત્તની ખૂબ નજીક, ઉત્તરે 4.9 ડિગ્રીના અંતરે બન્યું હતું.
ત્યાં સર્જાયેલો લૉ-પ્રેશર એરિયા જ સેન્યાર વાવાઝોડામાં પરિણમ્યો હતો, જેણે ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલૅન્ડમાં વ્યાપક નુકસાન કર્યું.
લગભગ આ જ સમયગાળા દરમિયાન ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી ખાતે બનેલું ડીપ ડિપ્રેશન દિત્વાહ વાવાઝોડું બન્યું. ધીરે ધીરે આગળ વધી રહેલું આ વાવાઝોડું ઝાઝા સમય સુધી સક્રિય રહી રહ્યું છે અને તેના કારણે પણ ઘણું નુકસાન કર્યું છે.
દરિયાની સપાટીનું તાપમાન વધવાને કારણે આવાં અજુગતાં વાવાઝોડાં બને છે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૈદરાબાદ આવેલા ભારતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પૉલિસીમાં રિસર્ચ ડિરેક્ટર અને હવામાન વિજ્ઞાની પ્રોફેસર પ્રકાશ કહે છે કે વિષુવવૃત્તની આટલી નજીક વાવાઝોડાનું નિર્માણ થવું એ સંયોગમાત્ર નથી.
"ક્લાઇમેટ ચેન્જને કારણે દરિયાની સપાટીના તાપમાનમાં વધારો થયો છે. જેના કારણે વિષુવવૃત્તની નજીકના સાગરનું પાણી પણ ગરમ થઈ રહ્યું છે, જેના કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે."
તેઓ સમજાવતાં આગળ કહે છે કે, "દરિયાની સપાટીનું તાપમાન જ્યાં 28-30 ડિગ્રી સેલ્સિયસ હોય છે, ત્યાં વાવાઝોડું બનવાની શક્યતા વધી જાય છે. પહેલાં ક્યારેય જ્યાં વાવાઝોડું ન સર્જાયું હોય એવી જગ્યાએ પણ જો દરિયાના પાણીની સપાટીનું તાપમાન આટલે સુધી પહોંચે તો પરિસ્થિતિ બદલાઈ જાય છે."
તેઓ કહે છે કે પાછલા અમુક દાયકામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંનેના તાપમાનમાં જંગી વધારો થયો છે. "ઘણા વિસ્તારોમાં સમુદ્રની સપાટીનું તાપમાન 0.5 ડિગ્રી સેલ્સિયસથી 1.4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. સમુદ્રની સપાટી પર હીટ વેવ બનવાની ઘટનાઓ અને તેનો સમયગાળો વધ્યો છે."
ભારતની મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સીઝના ડેટા પ્રમાણે, 1951થી 2015 સુધીના સમયગાળામાં દર દાયકામાં હિંદ મહાસાગરના તાપમાનમાં 0.15 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. બંગાળની ખાડીમાં વર્ષ 1982થી 2018ના સમયગાળા દરમિયાન મરીન હીટવેવ ઇવેન્ટ નોંધાયા છે.
પ્રોફેસર પ્રકાશ જણાવે છે કે આ વલણને કારણે હવામાન અને વાવાઝોડાની પૅટર્ન બદલાવાની શરૂઆત થઈ છે, જેના કારણે તેની આગાહી કરવાનું કામ વધુ ને વધુ પડકારજનક બન્યું છે.
શ્રીલંકા અને તામિલનાડુમાં દિત્વાહની વ્યાપક અસર કેમ જોવા મળી?

ઇમેજ સ્રોત, Sri Lanka Airforce
જોકે, હાલમાં આવેલી કુદરતી આપત્તિઓ માટે ક્લાઇમેટ ચેન્જ જ જવાબદાર હોય એવું બધા નિષ્ણાતો નથી માનતા.
બીબીસી સાથેની વાતચીતમાં ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે, એક જ સમયે દિત્વાહ અને સેન્યાર વાવાઝોડું બનવાની વાત એ સંયોગમાત્ર છે.
તેમણે કહ્યું, "વાવાઝોડું બનવા માટે તાપમાન સિવાયનાં અન્ય ઘણાં કારકો જવાબદાર હોય છે. બંગાળની ખાડીમાં વધુ કુદરતીપણે વધુ વાવાઝોડાનું નિર્માણ થઈ શકે છે. આવા ક્ષેત્રમાં, વાવાઝોડાની સંખ્યા કે તેની તીવ્રતા કોઈ પણ પ્રકારે વધી નથી."
તેમના પ્રમાણે સેન્યાર અને દિત્વાહ સરખામણીએ ઓછી તીવ્રતાવાળાં વાવાઝોડાં છે.
ડૉ. મહાપાત્રે કહ્યું કે, "દિત્વાહ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, તેથી શ્રીલંકા અને તામિલનાડુના વિસ્તારોમાં વ્યાપક અસર થઈ છે. વાવાઝોડાની ગતિ અને તેના સક્રિય રહેવાના સમયગાળાને કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે."
તામિલનાડુમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
ભારતના હવામાન વિભાગ અનુસાર દિત્વાહ વાવાઝોડું ચેન્નાઈથી 250 દક્ષિણે બંગાળની ખાડીમાં સ્થિત છે અને આગળ વધી રહ્યું છે. તામિલનાડુ અને પુડુચેરીના કાંઠા વિસ્તારોની સમાંતર આગળ વધી રહેલું આ વાવાઝોડું 30 નવેમ્બરે એટલે કે આજ સાંજ સુધીમાં એ તામિલનાડુ અને પુડુચેરીના કાંઠા વિસ્તારથી 25 કિમી દૂર હશે.
હવામાન વિભાગ પ્રમાણે દિત્વાહ વાવાઝોડાને કારણે આગામી થોડા દિવસ સુધી કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.
આગાહી પ્રમાણે, 30 નવેમ્બરના રોજ તામિલનાડુના કડલોર, નાગપટ્ટીનમ, માઇલદુથુરાઈ, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ તેમજ પુડુચેરી અને કરાઇકલ ખાતે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
પુદુકોટ્ટાઈ, થંજાવુર, થિરુવરુર, અરિયાલુર, પેરામ્બલુર, ત્રીચી, સાલેમ, કલ્લાકુરિચી, તિરુવન્નામલાઈ, ચેન્નાઈ, કાંચીપુરમ, થિરુવલ્લુર અને રાનીપેટ જિલ્લામાં કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
આ સિવાય 30 નવેમ્બર વેલ્લોર, તિરુપટ્ટુર, કૃષ્નાગિરિ, નમક્કલ, દિંડીગુલ, થેની, તેનકાશી, મદુરાઈ, વિરુધુનગર, શિવગંગા, રામનાથપુરમ, થુથુકુડી, તિરુનેવેલી અને કન્યાકુમારી ખાતે પણ છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
1 ડિસેમ્બરના રોજ તિરુવલ્લુર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
તામિલનાડુ, પુડુચેરી અને કરાઇકલના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













