એક બોલતા પોપટે ડ્રગ્સ વેચતી ગૅંગને પકડવામાં પોલીસને કેવી મદદ કરી?

    • લેેખક, લિનટ્ટે હોર્સબર્ઘ
    • પદ, બીબીસી ન્યૂઝ, લૅન્કાશાયર

એક બોલતા પોપટને કારણે પોલીસને ડ્રગ્સની તસ્કરી કરતી ગૅંગનો પર્દાફાશ કરવામાં મદદ મળી છે. ગૅંગના એક સભ્યે આ પોપટને "પચ્ચીસના બે" જેવા ડ્રગ ડીલર્સ દ્વારા બોલવામાં આવતા શબ્દો શીખવ્યા હતા.

પોલીસે બ્લૅકપુલ ખાતે રેડ કરી, ત્યારે ત્યાંથી મોટી સંખ્યામાં કૉકેઇન અને હેરોઇન મળી આવ્યું હતું. ત્યાં જ આ પોપટને પણ રાખવામાં આવ્યો હતો.

આ ગૅંગનો સરદાર જેલમાં બંધ એડમ ગાર્નેટ હતો, તે જેલની અંદરથી જ વર્ષ 2023-24 દરમિયાન આ ગૅંગને સંચાલિત કરતો હતો.

તપાસ અભિયાન દરમિયાન એજન્ટ્સને એડમની કોટડીમાંથી કેટલાક ફોન જપ્ત કર્યા હતા. જેમાંથી કિલો વજન ધરાવતા ડ્રગ્સના બ્લૉક અને મૅંગો નામના પોપટના વીડિયો મળી આવ્યા હતા.

આ વીડિયો એડમનાં ગર્લફ્રેન્ડે ઉતાર્યા હતા. જેમાં તેણીને મૅંગો સાથે વાતચીત કરતાં તથા ડ્રગમની સાથે રમત કરતાં જોઈ શકાય છે.

પોપટ પોલીસને કેવી રીતે મદદરૂપ બન્યો?

ગ્રૅનેટની કોટડીની તપાસ પરથી માલૂમ પડ્યું હતું કે તેની ગેરહાજરીમાં સેનન હિલ્ટન, દલબીર સંધુ તથા જેસન ગૅરાન્ડ ધંધો ચલાવે છે.

લૅન્કશાયર પોલીસના જણાવ્યા પ્રમાણે, હિલ્ટનના મોબાઇલમાંથી મૅંગો (પોપટ) સાથે રમતનો એક વીડિયો મળી આવ્યો હતો. આ વીડિયોમાં એક બાળકની સામે તેણી મૅંગોને "પચ્ચીસના બે" બોલતાં શીખવાડતાં અને હસતાં જોવા મળે છે.

સંધુના ફોનમાંથી ડ્રગ ડીલ્સની નોંધો, લેવડદેવડની વિગતો તથા પ્રાઇસ લિસ્ટ જેવી વિગતો મળી આવ્યાં હતાં.

સંધુએ તેને ડ્રગ્સની હેરફેરમાં મદદ કરી શકે તેવા લોકો વિશે રિસર્ચ કરીને તેમની લિંક્સ પણ કૉન્ટેક્સને શૅર કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે, એડમ જેલમાં હોવા છતાં ગૅંગના લગભગ તમામ સભ્યો સાથે સીધા સંપર્કમાં હતો.

પોલીસને ગૅરથ બર્ગસસના ફોનમાંથી કેટલાક વીડિયો મળી આવ્યા હતા. જે કોઈ રિસોર્ટમાં શૂટ કરવામાં આવ્યા હતા. જેમાં તેના હાથમાં મોટી રકમની રોકડ દેખાય છે તથા તેને પોતાની ગુનાખોરી વિશે રેપ સૉંગ ગાતા સાંભળી શકાય છે.

ફેબ્રુઆરી-2023થી જુલાઈ 2024 દરમિયાન કુલ 15 ગૅંગ મૅમ્બરોને પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જેમાં ગૅંગલીડર એડમને 19 વર્ષ છ મહિના, તેની ગર્લફ્રેન્ડ હિલ્ટનને 12 વર્ષ તથા સંધુને 10 વર્ષની જેલની સજા ફટકારાઈ છે.

ગૅંગના અન્ય સભ્યોને પાંચ વર્ષથી લઈને સાત વર્ષ ચાર મહિના જેટલી સજા ફટકારવામાં આવી છે.

એડમના બે સાગરિત ચોલે સ્ટોટ તથા રાયન બ્લૅક ફરાર છે અને તેમને અનુક્રમે સાત અને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

લૅન્કશાયર પોલીસે જેલમાંથી અને બહારથી ચાલતી ડ્રગ્સ સિન્ડિકેટ્સને તોડી પાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન