ગુજરાતના સંસદસભ્ય હેમાંગ જોશી કોણ છે, જેમણે રાહુલ ગાંધીની 'મુશ્કેલી' વધારી?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરની તપાસ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ તેમના ત્રણ સંસદસભ્યો સાથે ધક્કામુક્કી કરી હતી, જેમાંથી બેને ઈજા પહોંચી છે.

કૉંગ્રેસનો આરોપ છે કે ગૃહમંત્રી અમિત શાહની બાબાસાહેબ આંબેડકર અંગેની ટિપ્પણીને કારણે જે વિવાદ થયો, તેના પરથી ધ્યાન ખસેડવા માટે ભાજપ દ્વારા એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે.

આ બધાની વચ્ચે વડોદરાની બેઠક ઉપરથી ભાજપના સંસદસભ્ય ડૉ. હેમાંગ જોશી ચર્ચામાં છે, જેમણે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામે બીએનએસની અલગ-અલગ કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરાવી છે.

જોશી રેકૉર્ડ લીડ સાથે પહેલી વખત સંસદસભ્ય બન્યા છે. એક રાજકીય અનિશ્ચિતતાને કારણે જોશી સ્થાનિક રાજકારણમાંથી રાષ્ટ્રીય રાજકારણમાં આવી ગયા હતા. ત્યારે જાણો કોણ છે આ ફરિયાદી ડૉ. હેમાંગ જોશી.

ઉમેદવાર હઠ્યાં ને નસીબ ચમક્યું

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીની (ઉત્તર પ્રદેશ) બેઠકો પરથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. નિયમ પ્રમાણે, તેઓ એક જ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ હોય, તેમણે વડોદરાની બેઠક છોડી હતી.

એ પછી રંજનબહેન ભટ્ટને ઉમેદવાર બનાવાયાં હતાં. જેમણે વર્ષ 2014માં યોજાયેલી પેટાચૂંટણી અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

માર્ચ-2024માં ભાજપે વડોદરાની બેઠક ઉપરથી વર્તમાન સંસદસભ્ય રંજનબહેન ભટ્ટને ઉમેદવાર તરીકે રિપીટ કર્યાં હતાં. જોકે, તેમના નામ સામે વડોદરાનાં પૂર્વ મેયર જ્યોતિબહેન પંડ્યાએ બળવાનું બ્યૂગલ ફૂંક્યું હતું. તેમને પાર્ટીના પદ પરથી હઠાવીને ભાજપે બળવાને ડામવાનો પ્રયાસ કર્યો.

એ પછી ધારાસભ્ય કેતન ઇમાનદારે પણ રાજીનામું ધરી દીધું હતું. આ પછી રંજનબહેન ભટ્ટે ટ્વીટના માધ્યમથી 'વ્યક્તિગત કારણસર' ચૂંટણી લડવાની અસમર્થતા વ્યક્ત કરી હતી.

એ પછી ભાજપે જ્ઞાતિ-જાતિના સમીકરણને ધ્યાને લઈને 'નવા ઉમેદવાર'ની શોધ હાથ ધરી હતી અને રંજનબહેન ભટ્ટના સ્થાને બ્રહ્મ સમાજના જ ડૉ. હેમાંગ જોશીને ટિકિટ આપી.

કોણ છે ડૉ. હેમાંગ જોશી?

ડૉ. હેમાંગ જોશીને લોકસભાની ચૂંટણીના ઉમેદવાર બનાવાયા તે પહેલાં તેઓ સ્થાનિક સ્તરે રાજકારણમાં સક્રિય હતા. તેઓ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચૅરમૅન હતા.

ડૉ. જોશીની ઍફિડેવિટની વિગતો પ્રમાણે, તેમનો જન્મ વર્ષ 1991માં પોરબંદર ખાતે થયો છે. તેમણે સ્થાનિક જવાહર નવોદય વિદ્યાલયમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ કર્યો.

તેમણે વડોદરાસ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બૅચલર ઑફ ફિઝિયૉથૅરપી (વર્ષ 2015) અને માસ્ટર ઑફ હ્યુમન રિસોર્સ મૅનેજમૅન્ટનો (વર્ષ 2016) અભ્યાસ કર્યો છે. તેમણે લીડરશિપમાં પીએચ.ડી. પણ કર્યું છે.

વર્ષ 2017માં જોશીએ લગ્ન કર્યાં અને તેમનાં પત્નીનું નામ ડૉ. મેઘના છે.

કોરોનાકાળ દરમિયાન આશાનો સંચાર કરતું 'નવી સવાર....' ગીત લખ્યું અને લયબદ્ધ કર્યું હતું.

ડૉ. જોશીએ પગાર, વ્યાજ અને ડિવિડન્ડમાંથી પોતાની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખ 66 હજાર જેટલી દર્શાવી હતી. જ્યારે ડૉ. મેઘનાની વાર્ષિક આવક રૂપિયા છ લાખ 32 હજાર જેટલી હોવાનું જણાવ્યું હતું.

તેમની પાસે એક ટુ-વ્હિલર તથા કાર હોવાનું તથા પોતાની સામે કોઈ કેસ પડતર નહીં હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

તેઓ વૈષ્ણવ યૂથ ઑર્ગેનાઇઝેશન નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે સક્રિયપણે સંકળાયેલા છે.

પડકારોને પાર રૅકૉર્ડ વિજય

ડૉ. જોશી સામે ભાજપની નવી અને જૂની આંતરિક જૂથબંધીને પાર કરીને વિજય મેળવવાનો પડકાર હતો.

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે વાઘોડિયાની બેઠક પરથી મધુ શ્રીવાસ્તવનું પત્તું કાપવામાં આવ્યું હતું. આથી તેમણે અપક્ષ ચૂંટણી લડી હતી.

વાઘોડિયાની બેઠક પર દાવેદાર મનાતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ ભાજપે ટિકિટ આપી ન હતી. એટલે તેમણે અપક્ષ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. ભાજપની વિજયની આંધીની વચ્ચે પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો હતો.

જોકે, લોકસભાની ચૂંટણી પહેલાં વાઘેલા ભાજપમાં પરત ફર્યા હતા અને પેટાચૂંટણીમાં પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી.

હેમાંગ જોશીને આઠ લાખ 73 હજાર 189 મત મળ્યા હતા અને પાંચ લાખ 82 હજાર 126 હજાર મતે વિજય થયો હતો. તેમણે જશપાલસિંહ પઢિયારને બે લાખ 91 હજાર 63 મત મળ્યા હતા.

જોશીએ કૉંગ્રેસના ઉમેદવાર સહિત 13 ઉમેદવારોને પરાજય આપ્યો હતો. આ ચૂંટણીજંગમાં 12 ઉમેદવાર ડિપૉઝિટ બચાવવામાં અસફળ રહ્યા હતા.

નોટાને (નૉન ઑફ ધ ઍબવ) 18 હજાર 388 મત મળ્યા હતા.

ભાજપની ફરિયાદ અને આરોપ

સોશિયલ મીડિયા ઉપર વાઇરલ વીડિયોમાં ડૉ. હેમાંગ જોશીને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગાંધી સમક્ષ પ્રતાપચંદ્ર સારંગીને પહોંચેલી ઈજા સંદર્ભે ઉગ્ર રજૂઆત કરતા જોઈ શકાય છે.

ભાજપના સંસદસભ્ય અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ તથા હેમાંગ જોશી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. હેમાંગ જોશીએ રાહુલ જોશી સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી.

ભાજપનું કહેવું છે કે નાગાલૅન્ડમાંથી રાજ્યસભામાં પહોંચેલા પ્રથમ મહિલા સંસદસભ્ય ફાન્ગનૉન કોન્યાક, લોકસભાના સંસદસભ્ય પ્રતાપચંદ્ર સારંગી (બાલાસોર, ઓડિશા) અને મુકેશ રાજપૂત (ફરુખાબાદ, ઉત્તર પ્રદેશ) સાથે ધક્કામુક્કી થઈ હતી.

જેમાં સારંગી તથા રાજપૂતને ઈજાઓ પહોંચી હતી. બંનેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, રાહુલ ગાંધી સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 115 (અન્યને ઈજા પહોંચાડવી), 117 (અન્યને ગંભીર ઈજા પહોંચાડવી), 125 (અન્યનો જીવ જોખમમાં મુકાય એવું કૃત્ય કરવું), 131 (બળપ્રયોગ કરવો), 351 (ગુનાહિત ઉશ્કેરણી) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ મીડિયા સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું હતું, "કૉંગ્રેસે જે કર્યું, એ તેની વિચારસરણી ઉપર સવાલ ઊભા કરે છે. રાહુલ ગાંધીએ જે કર્યું છે, તેના વિશે કૉંગ્રેસ પણ શરમમાં છે, પરંતુ માફી માગવા તૈયાર નથી."

"રાહુલ ગાંધીને પોતાના કૃત્ય અંગે શરમ પણ નથી. અમે આ હુમલા અંગે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરાવી છે. અમે પોલીસને કહ્યું છે કે તે તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે."

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસે સારંગી તથા રાજપૂતના નિવેદન લેવા સંપર્ક સાધ્યો છે. પોલીસે બંનેના મેડિકલ રિપોર્ટ્સ પણ લીધા છે.

હજુ સુધી પોલીસે રાહુલ ગાંધીનો સંપર્ક સાધ્યો નથી. પોલીસ દ્વારા સંસદના સીસીટીવી મેળવવા માટે વિનંતી કરશે.

શું કહે છે કૉંગ્રેસ?

આ દરમિયાન રાહુલ ગાંધીએ ધક્કામુક્કીના આરોપ બાદ પોતાનો પક્ષ મૂક્યો છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટના મામલે કહ્યું કે ભાજપે જાણીજોઈને (ધક્કામુક્કીનો આરોપ) હંગામો કર્યો હતો.

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પત્રકારપરિષદમાં રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે અદાણી મુદ્દે ચર્ચા કરવાથી બચવા ભાજપ ધ્યાન ભટકાવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી (ગૌતમ અદાણી) સામે અમેરિકામાં આરોપનામું દાખલ છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીના સાંસદો આ મામેલ સદનમાં ચર્ચા ઇચ્છતા હતા, પણ સરકાર ભાગી રહી છે.

રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે "હું સંસદના પ્રવેશદ્વારથી અંદર જવાનો પ્રયાસ કરતો હતો. ભાજપના સાંસદો મને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને ધકેલી રહ્યા હતા."

રાહુલ ગાંધીએ કહ્યું, "ધક્કામુક્કીથી અમને કંઈ નથી થતું. આ સંસદનું પ્રવેશદ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે. અને ભાજપના સાંસદો અમને અંદર જવાથી રોકતા હતા."

અમિત શાહના રાજીનામાની કૉંગ્રેસની માગ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે "આ સેન્ટ્રલ મુદ્દો છે. તેઓ બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે અને આંબેડકરની સ્મૃતિઓનું અપમાન કરી રહ્યા છે."

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં ભાષણ દરમિયાન અમિત શાહ ડૉ. આંબેડકરની વિરાસત પર બોલી રહ્યા હતા.

આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે આજકાલ આંબેડકરનું નામ લેવું એક ફૅશન બની ગયું છે.

તેમણે કહ્યું હતું કે "આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર... જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત."

અમિત શાહના નિવેદનની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અમિત શાહના રાજીનામાની પણ માગ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.