You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેજરીવાલને હરાવનારા પરવેશ વર્મા ઉપરાંત કોણ હોઈ શકે છે મુખ્ય મંત્રીપદના દાવેદાર?
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં એક ભારે અંતર સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત નોંધાવી છે. દિલ્હીમાં 27 વર્ષના લાંબા અંતરાલ બાદ ભાજપની સત્તામાં વાપસી થઈ રહી છે.
આ પહેલાં, 1993ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 70માંથી 49 બેઠકો મળી હતી.
આ વખત ભાજપને 48 બેઠકો મળી છે, જ્યારે 11 વર્ષ સુધી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીના ભાગે માત્ર 22 બેઠકો આવી છે.
આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊઠે છે કે આખરે દિલ્હીનો મુખ્ય મંત્રી કોણ બનશે.
આવો જાણીએ એ પાંચ દાવેદારો વિશે જેઓ મુખ્ય મંત્રી બનવાની રેસમાં સામેલ હોવાનું મનાઈ રહ્યું છે.
1. પરવેશ વર્મા
આમ આદમી પાર્ટીના સંયોજક અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માની મુખ્ય મંત્રીપદ માટેની દાવેદારી ઘણી મજબૂત મનાઈ રહી છે.
નવી દિલ્હી બેઠકથી પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને 4,089 મતોથી હરાવ્યા.
પરવેશ વર્મા ભારતીય જનતા પાર્ટીના પંજાબી અને જાટ ચહેરો છે. પ્રવેશ 'રાષ્ટ્રીય સ્વયં' નામક એક સામાજિક સેવા સંગઠન પણ ચલાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના દિવંગત નેતા સાહિબસિંહ વર્માના પુત્ર છે. આ પરિવાર દિલ્હીના પ્રભાવશાળી રાજકીય પરિવારો પૈકી એક છે.
પરવેશ વર્માના કાકા પણ રાજકારણમાં છે. તેઓ ઉત્તર દિલ્હી નગરનિગમના મેયર રહી ચૂક્યા છે અને તેમણે મુંડકાથી વર્ષ 2013માં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.
પરવેશનાં પત્ની સ્વાતિસિંહ મધ્ય પ્રદેશના ભાજપ નેતા વિક્રમ વર્માનાં દીકરી છે. પરવેશ વર્માની બે દીકરીઓએ પણ ચૂંટણીપ્રચારમાં ભાગ લીધો હતો.
પરવેશ વર્માના પિતા ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સાહિબસિંહ વર્માની ગણતરી ભાજપના દિગ્ગજ નેતાઓમાં થતી. તેઓ ભાજપના દિગ્ગજ જાટ નેતાઓ પૈકી એક હતા.
પિતાનાં પદચિહ્નો પર ચાલતાં પ્રવેશ વર્માએ પણ રાજકારણમાં પ્રવેશ લીધો.
પરવેશ વર્માએ વર્ષ 2013માં પ્રથમ વખત ચૂંટણી લડી અને તેઓ મહરોલીથી ધારાસભ્ય બન્યા હતા.
ભાજપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપી હતી.
આ ચૂંટણીમાં વર્માએ પાંચ લાખ કરતાં પણ ભારે લીડ સાથે જીત હાંસલ કરી હતી.
એ બાદ તેઓ સાંસદોનાં વેતન અને ભથ્થાં સંબંધી સંયુક્ત સંસદીય સમિતિ અને શહેરી વિકાસ સંબંધી સ્થાયી સમિતિના સભ્ય પણ રહ્યા.
એ બાદ વર્ષ 2024માં ભાજપે તેમને ટિકિટ ન આપી.
એ બાદ પાર્ટીએ તેમને વિધાનસભાની ચૂંટણીમાં ઊતાર્યા તો તેમણે અરવિંદ કેજરીવાલને હરાવી દીધા.
ચૂંટણી દરમિયાન તેમણે ખૂબ આક્રમકતા સાથે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સરકારની નીતિઓની કઠોર ટીકા કરી. પ્રદૂષણ મૅનેજમૅન્ટ, આંતરમાળખાકીય સુવિધાઓ સહિતના ઘણા મામલામાં તેમણે તીખી પ્રતિક્રિયા આપી.
ચૂંટણીમાં સંસાધનોના દુરુપયોગ, યમુના પ્રદૂષણ અને મુખ્ય મંત્રીના આધિકારિક નિવાસસ્થાને ભાજપના 'શીશ મહલ'ના આરોપો મામલે અરવિંદ કેજરીવાલ સાથે તેમનો શાબ્દિક જંગ પણ છેડાયો.
પરવેશ વર્માનો જન્મ 1977માં થયો હતો. તેઓ દિલ્હી પબ્લિક સ્કૂલમાં ભણ્યા.
એ બાદ કિરોડીમલ કૉલેજથી બીએની ડિગ્રી અને ફોર સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાંથી એમબીએની ડિગ્રી મેળવી.
પ્રવેશ વર્મા ભાજપના અબજોપતિ ધારાસભ્યો પૈકી એક છે.
ચૂંટણીપંચને આપેલા તેમના સોગંદનામા અનુસાર તેમની પાસે કુલ 115 કરોડ રૂપિયા કરતાં વધુની સંપત્તિ છે.
પોતાનાં ઉગ્ર નિવેદનોને કારણે તેઓ ઘણી વખત વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે. વર્ષ 2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ વિશે એક આપત્તિજનક ટિપ્પણી કરી હતી. એ બાદ ચૂંટણીપંચે તેમના પ્રચાર કરવા પર 24 કલાકનો પ્રતિબંધ લાદી દીધો હતો.
વર્ષ 2025ની ચૂંટણી દરમિયાન પણ પરવેશ વર્મા પર મહિલા મતદારોને જૂતાં વહેંચવાનો આરોપ લાગ્યો હતો, જે બાદ ચૂંટણીપંચમાં તેમના પર આદર્શ આચારસંહિતા અંતર્ગત મામલો નોંધાયો હતો.
રાજકીય વિશ્લેષક જય મૃગ કહે છે કે, "ભાજપ પહેલા દિવસથી જ પોતાની આગામી ચૂંટણીની તૈયારી કરવા લાગે છે. આ આગામી ચૂંટણી એ જરૂરી નથી કે એ જ રાજ્યની હોય, એ બીજા રાજ્યની પણ હોઈ શકે છે. હરિયાણામાં મનાઈ રહ્યું છે કે વિધાનસભામાં બિનજાટ સમુદાયે ભાજપને મત આપ્યા. આવી સ્થિતિમાં ભાજપ માટે એક જાટ ચહેરાને ફરી લાવવાની આ તક છે. આવી સ્થિતિમાં પરવેશ વર્મા હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તેમને કામ લાગી શકે છે."
2. વીરેન્દ્ર સચદેવા
વીરેન્દ્ર સચદેવા ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રદેશાધ્યક્ષ છે.
1988થી રાજકારણમાં સક્રિય સચદેવા ભારતીય તીરંદાજી સંઘના સચિવ અને કોષાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
વર્ષ 2009માં તેઓ પ્રદેશમંત્રી અને વર્ષ 2017માં પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા.
વીરેન્દ્ર સચદેવા લોકસભા ચૂંટણી પહેલાંથી જ આક્રમક વ્યૂહરચના પર કામ કરી રહ્યા હતા.
વીરેન્દ્ર સચદેવાને સંગઠનની વ્યક્તિ માનવામાં આવે છે.
દિલ્હીની ચૂંઠણી તેમના નેતૃત્વમાં જ થઈ છે. આવી સ્થિતિમાં વીરેન્દ્ર સચદેવાનો દાવો પણ મજબૂત મનાઈ રહ્યો છે.
જોકે, વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે કે, "કોઈ પણ જીતનું શ્રેય મોટા ભાગે જે-તે અધ્યક્ષને અપાય છે, પરંતુ ભાજપમાં જીતનું શ્રેય માત્ર વડા પ્રધાન મોદીને અપાય છે."
3. મનજિંદરસિંહ સિરસા
શીખ સમુદાયમાં સારી એવી પકડ ધરાવતા ભાજપનેતા મનજિંદરસિંહ સિરસા પર પણ પાર્ટી મુખ્ય મંત્રીનો દાવ રમી શકે છે. ભાજપ પાસે શીખ સમુદાયનો કોઈ મોટો ચહેરો પણ નથી.
સિરસા દિલ્હી શીખ ગુરુદ્વારા કમિટીના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે.
રાજૌરી ગાર્ડનથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતનારા મનજિંદરસિંહ સિરસા અગાઉ પણ આ બેઠક પરથી જ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
વિશ્લેષકો માને છે કે દિલ્હીમાં સિરસા પણ ભાજપ માટે મુખ્ય મંત્રીપદના પ્રબળ દાવેદાર છે, જેથી તેમને આગળ ધરીને પંજાબની આગામી વિધાનસભાની ચૂંટણીમાં શીખ મતદારોને આકર્ષવાની તૈયારી શરૂ કરી શકાય.
સિરસા અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલના પણ નિકટની વ્યક્તિ રહી ચૂક્યા છે.
4. વિજેન્દ્ર ગુપ્તા
દિલ્હીમાં વિરોધપક્ષના ભૂતપૂર્વ નેતા અને પૂર્વ અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા પણ મુખ્ય મંત્રી રેસમાં સામેલ હોવાનું મનાઈ રહ્યું છે.
તેઓ વૈશ્ય સમુદાયમાંથી આવે છે. દિલ્હીમાં વૈશ્ય સમુદાય ભારે સંખ્યામાં છે.
વિજન્દ્ર ગુપ્તા સતત ચૂંટણી જીતીને કેજરીવાલ સરકાર વિરુદ્ધ બોલતા રહ્યા.
રોહિણી બેઠકથી સતત ત્રણ ચૂંટાઈ જીતીને તેમણે જીતની હેટ્રિક નોંધાવી છે. આ વખત તેમણે લગભગ 38 હજાર મતોથી જીત મેળવી છે.
તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના પણ સભ્ય રહ્યા છે.
વિજેન્દ્ર ગુપ્તાની રાજકીય યાત્રાની શરૂઆત 1997થી થઈ. તેઓ પ્રથમ વખત દિલ્હી નગરનિગમના કૉર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
5. રેખા ગુપ્તા
રેખા ગુપ્તાનું નામ પણ રાજ્યનાં ભાવિ મુખ્ય મંત્રીની યાદીમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જો કોઈ મહિલાને મુખ્ય મંત્રી બનાવવા માગતી હશે તો આવી સ્થિતિ રેખા ગુપ્તાનું નામ પ્રથમ પંક્તિમાં સામેલ છે.
શાલીમાર બાગથી રેખા ગુપ્તા લગભગ 30 હજાર મતોથી જીત્યાં છે.
તેઓ આ બેઠક પર વર્ષ 2020ની ચૂંટણીમાં નાના માર્જિનથી ચૂંટણી હારી ગયાં હતાં.
રેખા ગુપ્તા દિલ્હી નગરનિગમનાં કૉર્પોરેટર પણ રહી ચૂક્યાં છે અને દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.
વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા જણાવે છે કે, "મહિલા અને વૈશ્ય સમુદાય, બંનેને રેખા ગુપ્તાના માધ્યમથી સાધી શકાય છે."
જોકે, ભાજપ હંમેશાં પોતાની પસંદગીથી આશ્ચર્યચકિત કરે છે. પછી એ ભલે ઓડિશા હોય, છત્તીસગઢ હોય, રાજસ્થાન હોય કે પછી મધ્ય પ્રદેશ. ભાજપે હંમેશાં એવા નામ પર પસંદગી ઉતારી છે, જે ચર્ચિત ન હોય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન